સિમ્પલ સાયન્સ / આગથી બચાવતી લેટેસ્ટ ટેક્નોલોજીઝ

article by jwalant nayak

‘ફાયર એકસ્ટિન્ગવિશર’ પાણી કે કેમિકલ્સ નહિ, પરંતુ માત્ર ‘અવાજ’ના તરંગોથી આગને કાબૂમાં લઈ શકે છે. તેની  કાર્યપદ્ધતિ સાદી છતાં રસપ્રદ છે

જ્વલંત નાયક

Jun 04, 2019, 02:42 PM IST

24 મેનો દિવસ સુરત શહેર માટે ‘કાળો દિવસ’ કહેવાશે. એ દિવસે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે અનેક ઘરના દીવડા ઓલવી નાખ્યા. દુનિયાનાં લગભગ તમામ શહેરોના ઇતિહાસમાં આવી ભયંકર આગ અને તારાજી-જાનહાનિનાં પ્રકરણો છે. નિષ્ણાતો કહે છે કે દુર્ઘટનાઓ સંપૂર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ જાન-માલનું નુકસાન ન્યૂનતમ સ્તરે રહે એ માટેનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જરૂર વિકસાવી શકાય. એ માટે સાયન્સ અને ટેક્નોલોજીની સમજ અને યોગ્ય ઉપયોગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જોઈએ આગથી બચવા માટેની કેટલીક લેટેસ્ટ ટેક્નોલોજી, જે ભવિષ્યમાં વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી શકે છે.
સાઉન્ડ વેવ દ્વારા અગ્નિશમન: અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ પાણી કે કેમિકલ્સને બદલે માત્ર અવાજની મદદથી આગ ઓલવી બતાવી છે! આગ ઓલવવા માટે વપરાતા હેરફેર કરી શકાય એવા ઇક્વિપમેન્ટને ‘ફાયર એકસ્ટિન્ગવિશર’ કહે છે. ‘અવાજ’થી આગ ઓલવતા એકસ્ટિન્ગવિશરની કાર્યપદ્ધતિ બહુ સાદી છતાં રસપ્રદ છે. તે હવામાં સાઉન્ડ વેવ્સ છોડે છે. આ વેવ્સ જ્યાં આગ લાગી હોય એની આસપાસની થોડી જગ્યામાં રહેલા ઓક્સિજનને દૂર ધકેલે છે. ઓક્સિજન ન મળતાં આગ આપોઆપ ઓલવાઈ જ જાય! આ ફાયર એકસ્ટિન્ગવિશરનું વર્કિંગ મોડેલ તૈયાર છે અને થોડા જ સમયમાં માત્ર 600 ડોલરની કિંમતે માર્કેટમાં વેચાવા આવી જશે! હા, આ પ્રકારનું એકસ્ટિન્ગવિશર મોટી આગ માટે નકામું, પરંતુ ઘરમાં નાની-મોટી આગ બુઝાવામાં કામ લાગશે.
વોટર મિસ્ટ સિસ્ટમ : મિસ્ટ (mist) એટલે ઝાકળ. આપણે ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે આગ લાગે ત્યારે સ્મોક ડિટેક્ટરનાં સેન્સર્સ તરત જ છતમાં બેસાડેલા ફુવારા-સ્પ્રિન્ક્લર વાટે પાણીનો છંટકાવ કરે છે, જે આગને ઓલવી નાખે છે. જોકે, આ પ્રોસેસ પણ કાયમ સફળ થતી નથી. ‘વોટર મિસ્ટ સિસ્ટમ’ પાણીને બદલે ઝાકળ છોડે છે. ઝાકળ એટલે પાણીની નાની-નાની બુંદોનો સમૂહ. પાણીનું ટીપું જેમ નાનું તેમ સ્પ્રિન્ક્લર વડે છોડાતા પાણીના કુલ જથ્થા સામે પાણીની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. હવે પાણીની જેટલી સપાટી આગની પ્રચંડ ગરમીના સંપર્કમાં આવે તે સીધી વરાળ બની જાય. વરાળ આગની જ્વાળાઓની ગરમીને શોષી લેતી હોય છે. આથી જો સ્પ્રિન્ક્લર વાટે પાણીનાં મોટાં ટીપાંને બદલે સૂક્ષ્મ ટીપાં-ઝાકળનો છંટકાવ કરવામાં આવે તો વધુ પ્રમાણમાં વરાળ બને, એટલે કે આગની જ્વાળાઓની ગરમી વધુ પ્રમાણમાં શોષાઈ જાય, પરિણામે આગ ઝડપથી ઠંડી પડીને શમી જાય!
આ સિવાય ESFR સિસ્ટમ (Early Suppression Fast Response Fire Sprinkler Systems) પણ અસરકારક મનાય છે, જેમાં સ્પ્રિન્ક્લરના વોટરજેટ દ્વારા એક મિનિટમાં સેંકડો ગેલન પાણી એકસાથે ઠાલવીને મોટી આગને ઝડપથી શમાવી શકે, પરંતુ એમાં પાણીના બહુ મોટા જથ્થાની જરૂર પડે છે.
વોઇસ બેઝ્ડ ઇવેક્યુએશન એલાર્મ્સ : આગજનીની ઘટના બને ત્યારે આગ ઓલવવા કરતાં પણ વધારે જરૂરી બાબત છે આગના સ્થળેથી લોકોને સલામત સ્થળે ખસેડવા, ઇવેક્યુએટ કરવા. સુરતમાં જે જાનહાનિ થઈ, એનું મુખ્ય કારણ એ જ હતું કે બાળકોને સમયસર બહાર નહીં કાઢી શકાયાં! આવી દુર્ઘટના ન બને એ માટે ઇન્ટિગ્રેટેડ વોઇસ બેઝ્ડ ઇવેક્યુએશન સિસ્ટમ દરેક બિલ્ડિંગમાં હોવી જોઈએ. બિલ્ડિંગના કોઈ એક હિસ્સામાં આગ લાગે ત્યારે આ સ્માર્ટ સિસ્ટમ બિલ્ડિંગના તમામ ભાગોમાં આગની માહિતી આપતો વોઇસ મેસેજ રિલીઝ કરે છે. બિલ્ડિંગમાં ચોક્કસ કયા સ્થળે આગ લાગી છે અને કયા સ્થળેથી સુરક્ષિત બહાર નીકળી શકાશે, એ વિશેની તમામ માહિતી ઉપકરણમાં અગાઉથી ફિડ કરાયેલા ફાયર સેફ્ટી પ્લાનને આધારે પ્રસારિત કરવામાં આવે છે.
માતા-પિતા જોબ પર હોય અને બાળકો ઘરે એકલાં ઊંઘતાં હોય તો દુર્ઘટનાનું જોખમ વધી જાય છે. એ સમયે ફાયર એલાર્મ વાગે તો પણ ઊંઘમાંથી ઊઠેલા બાળકનું મગજ ત્વરિત રિસ્પોન્સ નથી આપી શકતું, પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ આવા સમયે જો માતા કે પિતાનો જાણીતો અવાજ બાળકને કમાન્ડ આપે તો બાળક તરત એને અનુસરે છે. આથી SignalONE નામની કંપનીએ એક એવું ફાયર એલાર્મ બનાવ્યું, જેમાં આગની ચેતવણી આપતો હોય એવો માતા-પિતાનો અવાજ પહેલેથી રેકોર્ડ કરીને ફિડ કરી દેવાનો હોય છે. જ્યારે ઘરમાં આગ લાગે ત્યારે મોટા અવાજે એલાર્મ બીપિંગની સાથે જ પેરેન્ટ્સની ચેતવણી પણ સંભળાય છે. આથી ઊંઘમાંથી ઊઠેલું બાળક તરત જ એ મેસેજમાં મળેલા આદેશ મુજબ સલામત રીતે ઘરમાંથી બહાર નીકળી શકે છે.
આશા રાખીએ કે આ ટેક્નોલોજી નજીકના ભવિષ્યમાં ભારતમાં ય આવી પહોંચે.
[email protected]

X
article by jwalant nayak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી