Back કથા સરિતા
જિગિષા ત્રિવેદી

જિગિષા ત્રિવેદી

હાસ્ય (પ્રકરણ - 29)
લેખિકા હાસ્યલેખક છે.

રિંગટોનમાંથી રી-ડેવલપમેન્ટ

  • પ્રકાશન તારીખ16 Jul 2019
  •  

હળવાશ - જિગીષા ત્રિવેદી
કલાકાકી ખાંચામાંથી આવતાં કો’કને ફોન લગાવતાં’તાં. ડાયલિંગ કાર્યક્રમ પૂરો કરીને ફોન કાને ધર્યો. કાબરચીતરા વાળ પાછળ ફોન ઢંકાયો-ના ઢંકાયો, ત્યાં તો ઝાટકા સાથે હાથ વિરુદ્ધ દિશામાં ફંટાયો.. મોબાઇલ છૂટી ગ્યો, ને ભફ.. ! (નક્કી અંદર કો’કે રાડ પાડી હશે.) ફરજના ભાગરૂપે મેં ફોન લીધો, બેટરી નાખી ને સોનાનું ઘરેણું સોંપતી હોઉં એમ તેઓશ્રીને હાથમાં આપ્યો.‘આવું ગીત મુકાય? આપ્ડાન એમ, કે બે-તૈણ વાર ટું ટું ટું થસે, પછી રિંગો હંભરાસે. ત્યાં તો એકદમ ‘યા....હુ..’ આયંુ. માણાં ગભરાઇ જાય યાર! આ એના પાપે માર ફોન તૂટી જ્યો..’ કલાકાકીએ ગુસ્સો કરતાં ફોનના બે-ત્રણ બટનો દબાયા પછી હેમખેમ હોવાનો સંતોષ થયો, એટલે ઓટલે બિરાજ્યાં અને હંસામાસીએ વાત માંડી, ‘તમાર તો તોય ઠીક છે કે જીવતા માણાંનો અવાજ આયો. માર તો એકદન પેલું ફેમસ હોરર ગીત વાગેલું. અલા.. પેલીનું ભૂત ફાનસ લઇને હેંડી નીકરે છે રાય્તમાં એ. હવે રસ્તો જોવા ફાન્સ નીચે રાખવાનું હોય એના બદલે એનું ડાચું આપ્ડાન બતાબ્બા ઊંચું રાખીન ગીત ગાય છ એ અલા?’
બે-ત્રણ સ્ટ્રોંગ રેફરન્સ પછી મેં ગાયું, ‘આ.....આ, આ આ આ આ..’ ‘હોવ.. એ રહ્યું એ જ..’ હરખાઇ ગયાં હંસામાસી, ‘અલી, મેં તો બીકમાં ને બીકમાં મૂકી દીધો’તો ફોન. સું યાર! હવ્વારના પહોરમાં આપ્ડે ફોન કરીએ, ને આવું ગીત હંભળાય. માણાંની દસા ખરાબ થઇ જાય.’ ‘પણ ઇ તો વચારો, કે ઇવડી ઇ કેટલી દુ:ખી હસે બાપડી ને ઇનો માંયલો દીવાની જેમ બળતો હશે, તેમાં જ આવું ગીત રાખેને.’ સવિતાકાકીએ ગીતનો હેતુ સમજાવીને દયા ખાધી. ‘તે પણ એ રઇ એ, જેનાથી દુ:ખી હોય, એનો ફોન આવ, ત્યારે ભલેને આ ગીત વાગે. આપ્ડે હું વાંધો છે?’ હંસામાસીએ દલીલ કરી, એટલે કંકુકાકીએ જવાબ આપ્યો, ‘પણ મોબાઇલમાં કદાચ એવી શીસ્ટમ નહીં હોતી.’ ‘તો રાખવી જોવે. મોબાઇલની બહારની રિંગો તો માણાંન નામ પરમાણે મજાની જુદી જુદી વાગે છે, તો અંદરની રિંગો કેમ નહીં? આવી અધૂરી ટેકનોલોજીન શું ધોઇ પીવાની?’ હંસામાસીએ ટેક્નોલોજી સામે તલવાર ઉગામી. ‘હાચી વાત. હામેવારાનો જેવો શભાવ હોય, એ આપ્ડાન જેટલા પ્રમાણમાં નડતું હોય કે ગમતું હોય એવાં ગીતો સોંગ-માર્કેટમાં છે. એનો શદુપયોગ કરવો જોવે. હવ બધું ફ્રી થઇ જ્યું છે, તે કમ સે કમ પર ડે-એક ગીત, એમ તીસ ગીતો આલ્વાની કંપનીવારાની ફરજ છે.’ કલાકાકીએ કંપનીવાળાની ફરજ તરફ ધ્યાન દોર્યું. ‘આપ્ડે કંપનીવારાને મોબાઇલમાં રિંગટોન બાબતે કઇ સુવિધા હોવી જોઇએ તેનું લિસ્ટ મોકલીએ?’ કંકુકાકીએ ઇશારાથી મારી પાસે કાગળ-પેન મંગાવીને લખવા માંડ્યું. ‘પહેલાં તો અંદરની રિંગટોન, પણ કેટલી?’ ‘મહિનાની તીસ તો કીધી.’ કલાકાકી ચિડાયાં. કંકુકાકી કહ્યું, ‘ના ના.. એટલામ બધ્ધાંનો મેળ ના પડે. એવું કરીએ, મેઇન સગાં અને ફ્રેન્ડ્ઝોની રિંગટોન સેટ કરીએ. બાકી આડા-અવરા, હાલા-તુલા જેવાને તો ટ્રિંગ ટ્રિંગ જ બરોબર છે. એટલે વરહના જેટલા દહાડા, એટલા ગીતો. પછી માણાંના શભાવ દીઠ આપ્ડે ગોઠવી દઇશું. એટલી જવાબદારી તો આપ્ડે લેવી પડે.’ લીનાબેન ઉતાવળે આવ્યાં, ‘પણ આપ્ડું ગમતું ગીત, કો’કના કાનમાં કેમ વાગે? અને કો’કનું ગમતું ગીત આપ્ડા કાનમાં કેમ વાગે? આનો તો ઉપાય કરવો જ જોઇએ. ફોન આવે, કે જાય, પણ આપડું ગમતું ગીત જ આપ્ડાન હંભરાવું જોવે. મને તો આ આઇડિયા બરોબર નથી લાગતો. આના સિવાય બી બીજા આઇડિયા શોધવા જોઇએ.’ હું વિચારતી’તી કે નજીકના ભવિષ્યમાં જ કોલરટ્યુનમાં હરિયાળી ક્રાંતિ આવશે. ત્યાં કલાકાકી તાડુક્યાં, ‘હં..! આ તમાર જેવા બધી વાતમાં આડા ફાટે છે, એમાં આપ્ડી પોળ રી-ડેવલપમેન્ટમાં નહીં જતી.’ હું બઘવાઇ જ ગઇ. કલાકાકી બોલર હોત, તો નક્કી સ્પિનર જ હોત. મોબાઇલમાંથી સેકંડના છઠ્ઠા ભાગમાં રી-ડેવલપમેન્ટ તરફ ફંટાઇ ગયાં! હવે રીડેવલપમેન્ટ ઉપર સૂચનો સાંભળવાની મારી તાકાત નહોતી, એટલે આપ્ડે ઘર મધ્યે ગતિ કરી ગયાં હોં.

x
રદ કરો

કલમ

TOP