હળવાશ / લેડીજોની ટૂરનો પ્રોગ્રામ

article by jigisha trivedi

સજેશનને ધ્યાનમાં રાખી સૌએ ટૂર પર જવાનો કાર્યક્રમ બનાવ્યો, પણ પ્રોગ્રામમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી તેનું શું? 

જિગીષા ત્રિવેદી

Jun 04, 2019, 11:40 AM IST

‘અલા, આપડે લેડીજોની ટુરો કરીએ.’ હંસાગૌરી બોલ્યાં. ‘આખો ઉનારો જેમનો તેમ પતી જ્યો, ન તમને અત્તારે છેક મુરત આયું?’ કલાકાકીએ કહ્યું. એટલે જવાબ આવ્યો,‘તે બરોબર ટાઇમે જ વિચાર આયો છે હમજ્યાં? ઓપ્સીજનમાં જ જવાય બધે, ભાવો ઓછા હોય.. ભીડય ઓછી હોય.’ ‘હા, તમાર વાત વિચારવા જેવી તો ખરી! હેંડો તારે, એક દહાડો જઇએ.’ સવિતાકાકીએ સંમતિ આપી, તોે હંસામાસી તાડુક્યાં, ‘એક દહાડાની હોય ને એને પિકનિક કહેવાય. ટુરો બે-તૈણ દહાડાની હોય.’ ‘પણ પ્રસ્ન એ છે, કે આપ્ડે કઇએ એ ટાઇમે, ને કઇએ ત્યાં જવા ‘આ લોકો’ તૈયાર થાસે?’ સવિતાકાકીએ પ્રશ્ન કર્યો. કંકુકાકી કહે, ‘અરે, ‘ઇ લોકો’ને લઇ જ નઇ જાવાના. આપ્ડે લેડીજો-લેડીજો જ જઇએ.’ સવિતામાસી કહે, ‘હાચું. આપ્ડે લેડીજ ડિપાર્ટમેન્ટ જ જાઇં ઇ જબ્બરજસ્ત આઇડિયો છે, પણ બહારગામ ક્યાંક જાઇં. હોટેલુંમાં રઇને જલ્સા કરી ને ‘આ લોકો’ને સરપ્રાઇજ આપ્પાની. છેલ્લી ઘડી હુધી ખબર જ નઇ પડવા દેવાની. નકર આપ્ડે એકલાં જાસું, ઇ પોહાસે નઇ. આ લોકોનું ખરું છે નઇ? ઇ જાય, ન્યાં આપ્ડે હરખથી ટિંગાઇ જાવાનું ને આપ્ડે કઇ, ન્યાં ઇ લોકો ‘નો’ આવે ને આવે, તોય મોઢા ફુલાઇને આવે. એનાં કરતાં તો નો આવે, ઇ જ હારું.’ ‘હોટેલમાં બુકિંગ ને બધું કરસે કોણ?’ લીનાબેને પૂછ્યું. હું વિચારતી’તી, કે હું હેલ્પ કરવાનું કહું, ત્યાં કલાકાકી બોલ્યાં, ‘હું કરીસ વળી, કેમ? આપ્ડે ક્યાં ચોરી કરવી છે, તે બીવાનું? મને બધુંય આવડે છે.’ ‘તો કરો હાલો. અલી, મોબાઇલ લાય તારો.’ સવિતાકાકી મારા હાથમાંથી મોબાઇલ લઇ કલાકાકીને આપતાં મને કહે, ‘પાછું આમાં પાશવર્ડ-બાશવર્ડની વાઇડાઇયું નથી કયરીને?’ મેં ના પાડી એટલે કહે, ‘નેટ ચાલુ છે ને?’ મેં હા પાડી એટલે કહે, ‘કરો કંકુના. જોવા માંડો હોટેલંુ.’ ‘આમાં એક પોબ્લેમ છે. મારું હાળું અંગ્રેજીમ લખવું પડસે ને?’ સવિતાકાકી મુંઝાયાં. કલાકાકી કહે,‘એમાં હું ગભરાવાનું યાર. જો, આપ્ડાન આવડે એ લખવાનું. નેટવારા બહુ હોશિયાર હોય. આપ્ડે ગામનું નામ અને હોટેલ લખીએ એટલે નેટવારા હમજી જ જાસે કે હું દેખાડવાનું.’ ‘પણ નક્કી કરો, કે ક્યાં જાસું?’ સવિતાકાકી મુદ્દા પર આવ્યાં.‘મુસાફરીમ બહુ કલાકો ના જાય એવી જગ્યાએ જઇએ એટલે હટ દઇન પહોંચી જવાય ને થાક ન લાગ્યો હોય. એટલે હમજીને ગામનું નામ લખજો અને હા, ફોન લગાઇન મને આપો. વાત તો હું જ કરીસ.’ કલાકાકી (સેક્રેટરી)એ ફોન લગાવ્યો. પછી ‘એક મિનિટ ચાલુ રાખો’ કહીને (મેડમ) હંસાને આપ્યો. એમણે ચાલુ કર્યું, ‘હં.. બોલ ભઇ, સું નામ તારું? દિનેસ.. માર ભાણિયાનું નામય દિનેસ જ છે. સું ચાર્જો હોય છે તમાર ત્યાં રૂમના? અને કેવી જાતના રૂમો છે? (ત્રીસ સેકંડ જાતજાતના એક્સ્પ્રેશન) હું કીધું? ગુજરાતી નહી ખબર પડતી? સીખી જા. અમાર ગુજરાતી સિવાય તમાર હોટલોવારાનો ઉદ્ધાર નહીં. તો એક રૂમમે કિતને જને? (ત્રણ સેકંડ પછી મોં મચકોડ્યું) બે જ જન હોંગે, અને ત્રીજે કે લિયે છોટા ગાદલા? અમાર ઘેર તો વેકેસનમેં એક રૂમમે રાત કો સેવન સેવન જને સુઇ રહેતે હૈ. યે બાત બરોબર નહીં લગી હમેરે કો હોં ભઇ. ઔર દુસરા, હમ વહાં પે ભેગા રહેને કે લિયે આયે, ને તુમ લોગ દો-તીન જને કે ગ્રુપ પાડ દો, યે શિશ્ટમ જ ખોટી હૈ. તુમેરે કો પૈસે સે હી મતલબ હોના ચાહિયે. હમેરે કો રૂમમેં જૈસે ભી હાંકડ-મોકડ રહેના હો, વૈસે રહીએ. શ્યોરી દિનેસભાઇ, કેંશલ કર દો.’ ફોનના બટન પર ગુસ્સો કરતાં કટ કરીને બધાંની સામે જોઇને નિર્ણય જાહેર કર્યો, ‘માંડી વારો. નહીં જવું. પૈસા દઇને છુટ્ટા રહેવા કરતાં તો ઘેર જ હારા આપ્ડે.’ હોટલોવાળાને ગાળો દેતાં બધાં વિખેરાયાં.

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી