ટેક બુક / ઓપન વેબપેજીસ સાચવો

article by himanshu kikani

પોકેટ એક ઉપયોગી વેબ સર્વિસ છે. વેબપેજને પોકેટમાં એક ચોક્કસ લેબલ આપી દેશો તો ભવિષ્યમાં તેને શોધવાનું સહેલું થશે

હિમાંશુ કીકાણી

Jun 04, 2019, 02:40 PM IST

તમારા દીકરા કે દીકરીએ પોતાના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરવા લેપટોપમાં એકસાથે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી અને પછી ટ્યુશનમાં જવાનો સમય થઈ જતાં તમને કહ્યું કે આ બધી ટેબ્સ આમ જ ઓપન રાખજો, મારે કામ અધૂરું છે! એ સાથે તમે ફિક્સમાં આવી ગયા!
આવું ક્યારેક, તમારા પોતાના કામ માટે પણ થઈ શકે. આવે સમયે, ઓપન ટેબ્સ બુકમાર્ક તરીકે સાચવી લેવાનું સહેલું છે. એ માટે આ પગલાં લો.
ક્રોમ બ્રાઉઝરમાં જમણી તરફ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. તેમાં બુકમાર્ક્સમાં જાઓ. તેમાં ‘બુકમાર્ક ઓપન પેજીસ’નો વિકલ્પ પસંદ કરો. તમારે વારંવાર ઓપન કરેલાં બધાં વેબપેજીસ સાચવી લેવાનાં થતાં હોય તો Ctrl+Shift+Dનો શોર્ટકટ યાદ રાખી લો. હવે એક વિન્ડો ખૂલશે અને તેમાં તમે બુકમાર્ક્સનું નવું ફોલ્ડર બનાવી શકશો.
આ ફોલ્ડરને જોઈતું નામ આપો અને નીચે આપેલા સેવ બટન પર ક્લિક કરી દો. તમે ઓપન કરેલી તમામ ટેબ્સ એ ફોલ્ડરમાં સચવાઈ જશે!
વેબપેજીસ સાચવી લેવાની આ સૌથી સહેલી રીત છે, પણ ઝડપની સાથે તેમાં એક જોખમ છે – લાંબા ગાળે બુકમાર્ક બિનઉપયોગી બની જવાનું જોખમ. તમે કોઈ પ્રોજેક્ટ માટે ઇન્ટરનેટ પર રિસર્ચ કરી રહ્યા હો, ત્યારે એવું બની શકે કે તમે શોધેલાં વેબપેજીસમાંનું કન્ટેન્ટ તમારે લાંબા સમય માટે સાચવવું જરૂરી હોય.
ઇન્ટરનેટ એક સતત બદલાતું માધ્યમ છે એટલે તમને ઉપયોગી કન્ટેન્ટ ધરાવતું પેજ મળ્યું હોય, તેને તમે આગળ જણાવેલી રીતે બુકમાર્ક પણ કરી લો, પણ ભવિષ્યમાં એ વેબસાઇટ એ પેજ દૂર કરી દે કે તેમાંનું કન્ટેન્ટ બદલી નાખે તો બુકમાર્કનો કોઈ અર્થ રહે નહીં.
આવી સ્થિતિમાં એ પેજનું કન્ટેન્ટ સાચવી લેવા માટે, બુકમાર્ક કરતાં થોડો આગળનો ઉપાય કામે લગાડવો પડે. એ માટે તમને પોકેટ નામની એક સર્વિસ ઉપયોગી થઈ શકે. પોકેટ વેબ સર્વિસ છે અને એપ તરીકે પણ ઉપલબ્ધ છે. તેમાં એકાઉન્ટ ખોલાવીને પીસીના ક્રોમ બ્રાઉઝરમાં તેનું એક્સ્ટેશન્સ ઉમેરી રાખો. હવે તમને જે વેબપેજ ઉપયોગી લાગે તેને આ એક્સટેન્શનની મદદથી પોકેટમાં સેવ કરી શકશો. પીસી પર, વેબપેજ પર ક્લિક કરતાં તેને પોકેટમાં ઉમેરવાનો વિકલ્પ પણ મળશે. જ્યારે મોબાઇલમાં, કોઈ પણ જુદી જુદી જગ્યાએ શેર કરીએ ત્યારે મળતા વિકલ્પોમાં પોકેટ પણ દેખાશે.
આથી, જે તે વેબપેજનું બધું કન્ટેન્ટ જાહેરાતો-ઇમેજીસ વગેરે વિના પોકેટમાં સેવ થશે, જે તમે ગમે ત્યારે પીસી કે મોબાઇલમાં, એ ઓફલાઇન હશે તો પણ વાંચી શકશો. દરેક વેબપેજને પોકેટમાં એક ચોક્કસ લેબલ આપી દેશો તો ભવિષ્યમાં તેને શોધવાનું સહેલું થશે.
હજી એક ઉપાય એવરનોટ જેવી સર્વિસનો લાભ લેવાનો પણ છે, જોકે એનો ખરો લાભ પેઇડ સ્વરૂપે મળી શકે છે!
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી