લઘુકથા- હેમલ વૈષ્ણવ / લિપિ

article by hemalvaishnav

Divyabhaskar.com

Jan 09, 2020, 05:45 PM IST
લઘુકથા- હેમલ વૈષ્ણવ
એવું ન હતું કે મંદાબહેન આ પહેલી વાર અમેરિકા જતાં હતાં. આ પહેલાં પણ દીકરાને ત્યાં આવનજાવન રહેતી હતી. પતિ-પત્નીએ ગ્રીનકાર્ડ પણ લઈ લીધેલું, પણ દંપતી બને એટલો સમય ભારતમાં જ રહેતું. હવે આ વખતે ગિરીશભાઈ વગર એકલા જવાનું હતું અને કદાચ કાયમ માટે જવાનું હતું.
ગિરીશભાઈના મરણ પછી મા એકલી રહે એ દીકરાને પસંદ ન હતું. એરપોર્ટ જવા માટે ટેક્સી આવી ગઈ અને મંદાબહેન ઘરના ખૂણે ખૂણે ફરી વળ્યાં. આંગણામાં ગિરીશભાઈએ વાવેલા પારિજાતના ઝાડ તરફ એમની નજર ગઈ. ડાળખીઓ હળવે હળવે ઝૂલી રહી હતી, જાણે ગિરીશભાઈ હાથ હલાવીને વિદાય આપી રહ્યા હતા. ડૂસકાંને ગળી જઈને પારિજાતની એક નાની ડાળખી તોડીને એમણે પર્સમા મૂકી દીધી. બસ હવે ‘એ’ સાથે જ હતા.
‘મેમ, નો પ્લાન્ટ્સ એલાઉડ ફ્રોમ ફોરેન કન્ટ્રી.’ પર્સમાંથી પાસપોર્ટ કાઢી રહેલાં મંદાબહેનના પર્સમા પડછંદ કસ્ટમ ઓફિસરની નજર પડી.
‘માય હસબન્ડ...’ મંદાબહેનને વધુ ઈંગ્લિશ આવડતું ન હતું. એમનો અવાજ રૂંધાઇ જવા લાગ્યો.
ડાળખી લઈને ઓફિસર અંદરની ઓફિસમા ગયો, મંદાબહેન ડ્રગ લાવતાં પકડાઈ ગયાં હોય એમ એમને લાઇનમાં ઊભેલા લોકો જોઈ રહેલા હતા. ‘આપણે ઇન્ડિયન્સ ક્યારેય સુધરવાના જ નહીં.’ ટોળામાંનો ઉપહાસ ગરમ સીસાની જેમ કાને અથડાયો.
‘નાઉ ઈટ ઈઝ બેટર, ઈટ ઇઝ નોટ અ પ્લાન્ટ, ઈટ ઇઝ અ ફ્રેમ્ડ આર્ટિકલ’ ઓફિસરે સ્મિત સાથે મંદાબહેનને એક ફોટોફ્રેમ આપી જેમાં ડાળખી વ્યવસ્થિત રીતે મૂકેલી હતી.
ગુજરાતી ન સમજનારા ઓફિસરે મંદાબહેનની આંખોમાંની લાગણીની લિપિ વાંચી લીધી હતી, માત્ર એ વાતથી મંદાબહેન અજાણ હતાં કે ઓફિસરે કેબિનમાં જઈને એની ડિવોર્સ લઇ ચૂકેલી પત્નીના ફોટાને ફ્રેમમાંથી એક નિસાસા સાથે કાઢીને એની જગાએ ડાળખી મૂકી દીધી હતી.
[email protected]
X
article by hemalvaishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી