વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / કાશ્મીર સમસ્યાની પ્લાસ્ટિક સર્જરી ‘બિગડ કે રહેને સે જ્યાદા મિલતા હૈ ’

article by gunvantshah

Divyabhaskar.com

Aug 12, 2019, 06:02 PM IST

વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
તા. 5મી ઓગસ્ટના ઐતિહાસિક દિવસે 11-00 અને 11-10 A.M. વચ્ચેની ચંદ મિનિટોમાં જે ચમત્કાર રાજ્યસભામાં સર્જાયો તેનાથી નારાજ હોય એવા માણસને પ્રોગ્રેસિવ કે લિબરલ કે બૌદ્ધિક ગણવાની ભૂલ કરશો નહીં. આવા લોકોની વાતો સરદાર પટેલે સાંભળી હોત, તો એક પણ દેશી રજવાડું ભારતીય સંઘમાં જોડાયું ન હોત. સ્વેચ્છાએ ભારતમાં વિલીન થનારા ભાવનગરના મહારાજાએ કહ્યું હતું: ‘હું જ્યારે વલ્લભભાઇ સાથે વાત કરું છું ત્યારે મને એવી લાગણી થાય છે કે: ‘હું જાણે મારા બાપ સાથે વાતો કરી રહ્યો ન હોઉં!’ રાજ્યસભામાં જે ચમત્કાર થયો તે ક્ષણે જેને સરદારનું પાવક સ્મરણ ન થયું તે વ્યક્તિને પણ ‘બૌદ્ધિક’ કહેવાની ભૂલ ન કરશો. રાજકારણને ‘શક્યતાની કળા’ કહેવામાં આવે છે. જે ચમત્કાર સર્જાયો તે અભૂતપૂર્વ હતો અને વળી ઐતિહાસિક હતો. કાશ્મીરની સમસ્યાની પ્લાસ્ટિક સર્જરી થાય એ ખૂબ જરૂરી હતું. એ સર્જરી થોડીક જ મિનિટોમાં થઇ.’
સદ્્ગત પુરુષોત્તમ માવળંકરે સ્થાપેલા હેરલ્ડ લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ સાયન્સમાં કાકાસાહેબ કાલેલકરનું પ્રવચન 1969ના વર્ષમાં ગોઠવાયું હતું. કાકાસાહેબના શબ્દો હતા: ‘બિગડ કે રહેને સે જ્યાદા મિલતા હૈ’ એવો અનુભવ થાય પછી અમુક અમુક કોમોને અળગાપણામાં જ લાભ દેખાય છે. ખાસ અધિકારો આપણી રાષ્ટ્રીય ખામીઓને મજબૂત કરે છે અને કોમવાદને, કોઇ કાળે ન હતો એટલો સંગઠિત કરે છે. (‘પ્રજાકીય સત્તાનો ઉદય’, 1969, પાન-20). જે માણસ આડો ફાટે અને અવળું જ બોલે કે લખે તેને વિશેષ લાભ મળે છે. આવો વિશેષ લાભ સરદાર કદી પણ ન આપે. કાશ્મીરી કવિ અને વિજ્ઞાની મિરઝા આરિફે ત્રીસ ત્રીસ વર્ષની મહેનત પછી કુરાનનો અનુવાદ કાશ્મીરી ભાષામાં કર્યો છે. કાશ્મીરિયત એટલે શું? ખતમ થઇ જતી કાશ્મીરિયત પર આંસુ સારનાર એ કવિની પંક્તિઓ સાંભળો:
જે સમાજમાં અભણ આદમી
કલમ પકડે અને નપુંસક આદમી
તલવાર ઝાલે તેવા સમાજનું
ભવિષ્ય શું?
કાશ્મીર પર વાંચવા મળેલાં પુસ્તકોમાં ઉત્તમ કહી શકાય તેવું પુસ્તક ‘Faultline Kashmir’ છે. લેખક ક્રિસ્ટોફરે થોમસે લંડનના ‘ધ ટાઇમ્સ’ અખબારના ભારતીય પત્રકાર તરીકે ઇન્ડિયામાં 10 વર્ષ ગાળ્યાં હતાં અને કાશ્મીરમાં રખડપટ્ટી કરી હતી. એમણે આતંકવાદીઓની મુલાકાત પણ લીધી હતી. વિદેશી હોવાના કારણે પણ એમને પક્ષપાત કરવામાં જરાય રસ ન હતો. પુસ્તકમાંથી માત્ર થોડીક જ વાતો પ્રસ્તુત છે:
1. કાશ્મીરી બ્રાહ્મણો વર્ષો પહેલાં મુસલમાનોના હાથનું પાણી પીવામાં ભારતીય બ્રાહ્મણો જેવો ખચકાટ રાખતા નહીં. તેઓ હાઉસબોટમાં મુસલમાનો દ્વારા રાંધેલું ખાતા. કલ્હને કાશ્મીરનો ઇતિહાસ ‘રાજતરંગિણી’ ગ્રંથમાં લખ્યો હતો એ ગ્રંથ અમૂલ્ય છે.
2. કાશ્મીર તો ઇસુ ખ્રિસ્ત થયા પહેલાં અને પછી પણ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર હતું. પંડિત નેહરુ ગૌરવપૂર્વક કહેતા કે: ‘ભારતના બૌદ્ધિક કેનવાસ પર કાશ્મીરનો પ્રભાવ પૂરાં 2000 વર્ષથી રહ્યો છે.’ કાશ્મીરમાં શિવ પંથ અથવા શૈવ માર્ગ સદીઓથી પ્રચલિત હતો. એ માર્ગની ત્યાં પછીથી આવેલા ઇસ્લામ પર જબરી અસર પડી હતી. ત્યાંની ડોગરા ભાષા બંને કોમની સમાન ભાષા હતી.
3. વર્ષ 1995માં 558 વર્ષ પુરાણુ ચરાર-એ-શરીફ જેવું પવિત્ર સ્થાનક આતંકવાદીઓએ ખતમ કર્યું. સૂફી સંત નુરુદ્દીનની એ દરગાહ પ્રત્યે બંને કોમોમાં ઊંડો આદરભાવ હતો. એ સંતને લોકો નંદ ઋષિ કહેતા.
4. કાશ્મીરના એક રાજાને વિચિત્ર શોખ હતો. ઊંચી ભેખડ પરથી ઊંડી ખીણમાં હાથીને ગબડાવી દેવામાં આવે ત્યારે સંભળાતી હાથીની મરણચીસ સાંભળવી, એ એ રાજાનો શોખ હતો. પિર પંજાલમાં આવેલી એ ભેખડને આજે પણ ‘હસ્તિગંજ’ (હાથીઓનો નાશ કરનાર) કહેવામાં આવે છે. એ રાજાનું નામ મહિરકુલા હતું અને એ હૂણ જાતિનો હતો. એ શિવભક્ત હતો અને મનુષ્યોની કતલ થાય તેમાં હરખ પામનારો રાજા હતો. એણે બૌદ્ધધર્મી લોકોની કતલ કરાવેલી. ઇ.સ. 530માં એ મર્યો.
5. મોંગોલ જાતિના દુલાયા નામના લડવૈયાએ કાશ્મીરના કાયર શાસક સહદેવ પાસેથી રાજ્ય પડાવી લીધું. આઠ-આઠ મહિનાઓ સુધી પ્રજા પર અત્યાચારો થતા રહ્યા. અસંખ્ય સ્ત્રીઓ પર બળાત્કાર થયા. છેવટે શિયાળો બેઠો ત્યારે આક્રમણખોરો પાછા ફર્યા. બનિહાલ ઘાટીમાંથી પસાર થતી વખતે દુલાયા સહિત આખું લશ્કર બરફમાં થીજી ગયું.
6. આઠમી સદીમાં કાશ્મીરને લલિતાદિત્ય નામનો શાણો રાજા મળ્યો. વિદ્વાન કલ્હને એને સૂર્ય સાથે સરખાવેલો. એ રાજાએ ગામેગામ મંદિરો અને બૌદ્ધ સ્તૂપો બંધાવેલાં.
7. 14મી સદીમાં સિકંદર નામનો મૂર્તિભંજક રાજા થઇ ગયો. એણે હિન્દુઓની મોટા પાયે કતલ કરાવેલી અને હિન્દુ મંદિરોને લૂંટીને ચંગીઝખાન પછીના તૈમૂરને બધું ધન પહોંચાડી દીધું હતું. સિકંદરે બધા જ હિન્દુ ધર્મગ્રંથો બળાવી મૂકેલા.
8. શેખ અબ્દુલ્લા પિતા તરીકે ભંગાર માણસ હતા. દીકરા ફારૂખને એ ખૂબ ઝપેટતા. પિતા જ્યારે જ્યારે જેલમાંથી પાછા ફરે ત્યારે દીકરો ફારૂખ નિરાશ થઇ જતો. ફારૂખને કડક સજા કરવાની છૂટ નોકરાણી (અમ્મા)ને પણ મળતી. પંડિત નેહરુને શેખ અબ્દુલ્લા પર આંધળો વિશ્વાસ હતો, સરદાર પટેલને જરા પણ ન હતો. નેહરુએ શેખ અબ્દુલ્લાને કોડાઇ કેનાલમાં કોહીનૂર બંગલામાં કેદી તરીકે રાખ્યા હતા.
9. પંદરમી સદી સુધી કાશ્મીરની સત્તાવાર ભાષા પર સંસ્કૃતની પ્રબળ અસર હતી. જહાંગીરે પોતાની આત્મકથા તુઝક-એ-જહાંગીરીમાં લખ્યું છે: કાશ્મીરમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર હતો. (પાન-238)
⬛ ⬛ ⬛
કાશ્મીરના છેલ્લા મહારાજા હરિસિંહના સુપુત્ર ડો. કરણસિંહે શ્રી અરવિંદ પર પીએચ.ડી. કર્યું છે. તેઓ ઢીલા વિદ્વાન છે. શેખ અબ્દુલ્લા પૂરા રુશવતખોર હતા. નેહરુએ એમને જેલમાં પૂર્યા તે પહેલાંના દિવસોમાં પાકિસ્તાને એમને પૈસા પહોંચાડેલા. પ્રેસમંત્રી મહંમદ અમિન પંડિતે નોંધ્યું છે કે પાકિસ્તાનથી સંદેશા આવતા કે આટલાં ઇંડાં મોકલ્યાં છે. એમાં એક ઇંડું એટલે એક લાખ રૂપિયા ગણવાના. કાશ્મીરના બે પરિવારોએ કાશ્મીરને લૂંટ્યું છે. આ લેખ લખવા બેઠો તેની આગલી રાતે દીકરીએ ફોન પર કહ્યું: ‘અત્યારે ફોન પાસે જ રાખજો. આરિફસાહેબનો ફોન આવશે. ફોન પર ખાંસાહેબે કહ્યું: ‘1962માં કાશ્મીરમાં ચૂંટણી થઇ ત્યારે શેખ અબ્દુલ્લાએ બધા અધિકારીઓને ખાનગી સૂચના આપી કે: વિરોધ પક્ષના બધા જ ઉમેદવારી પત્રકો રદ કરવાં. ચૂંટણી પતી ગઇ અને તે વખતે ચૂંટણી કમિશનની દખલ ક્યાં હતી?’ આરિસભાઇએ આગળ જણાવ્યું: ‘જે વ્યવસ્થા હંગામી હોય તેને રદ કરવામાં કોઇ વાંધો ન હોઇ શકે.’
શેખ અબ્દુલ્લાએ પંડિત નેહરુ સમક્ષ ત્રણ વાતોની માગણી કરી:
1. કાશ્મીરનો ઝંડો અલગ હોય. (નેહરુ માની ગયા)
2. કાશ્મીરનું બંધારણ અલગ હોય. (નેહરુ માની ગયા)
3. કાશ્મીરના વડાને પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે. (નેહરુ માની ગયા).
આવી ત્રણ ભયંકર માગણી થઇ ત્યારે નમતું જોખનારા નેહરુજીએ પ્રિય ભાઇ જેવા અબ્દુલ્લાને જેલમાં શા માટે પૂર્યા? એ વખતે સરદાર જીવતા ક્યાં હતા? જેને અંગ્રેજીમાં ‘રિઅલ પોલિટિક’ કહે છે તે બાબતે સરદાર સ્પષ્ટ હતા અને પંડિતજી ‘સંશયાત્મા’ હતા. પંડિતજીએ કરેલી મહાન ભૂલો તા. 5મી ઓગસ્ટે સરકારે સુધારી લીધી અને ઇતિહાસની કચરાપેટીમાં પધરાવી દીધી. નરેન્દ્ર મોદીને ઇતિહાસ યાદ કરશે. કલ્પી ન શકાય એવો મજબૂત વિલપાવર ધરાવનાર આ આદમીએ ઇતિહાસ સર્જ્યો છે. કાશ્મીરની સમસ્યાની પ્લાસ્ટિક સર્જરી પૂરી થઇ છે. હવે વિકાસનો પ્રારંભ થશે એ નક્કી. શાયરના શબ્દો છે:
લમ્હોં ને ખતા ખાઇ,
સદીઓને સજા પાઇ.
કોઇપણ ઢીલો શાસક ગીતાએ પ્રબોધેલી ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ ધરાવતો ન હોય, તો દેશને એના લિબરલ-પ્રોગ્રેસિવ વિચારો ખૂબ મોંઘા પડે છે. આજે સરદાર પટેલનો આત્મા જ્યાં હોય ત્યાંથી મોદી સરકાર પર આશીર્વાદની વર્ષા કરશે. કિન્તુ-પરંતુ અને અગર-મગર જેવું વલણ સરદારે રાખ્યું હોત, તો હૈદરાબાદ અને જૂનાગઢ પાકિસ્તાનમાં હોત. ભક્તકવિ નરસિંહ મહેતા પાકિસ્તાની કવિ ગણાતા હોત. મનોજ ખંડેરિયા પાકિસ્તાનમાં હોત અને હૈદરાબાદ પણ પાકિસ્તાનમાં જ હોત. સરદાર પટેલનું ઋણ ભૂલી શકાય તેવું નથી. ચૂકવી શકાય તેવું નથી. નેહરુની ઢીલાશ અને ‘અનિશ્ચયાત્મિકા બુદ્ધિ’ ભારતને ખૂબ મોંઘી પડી છે. કાશ્મીર હવે ખરા અર્થમાં આપણું બન્યું છે. સાત દાયકા સુધી ચાલી આવતી ભૂલ એક જ ઝાટકે સુધારી લેવામાં આવી છે. કાશ્મીરના અલગાવવાદી નેતાઓ ગંગાસ્વરૂપ બની ગયા છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ હવે કામે લાગશે. છ મહિનામાં કાશ્મીરની પ્રજા ‘મોદી... મોદી’નો સૂત્રોચ્ચાર કરે તો આશ્ચર્ય નહીં થાય. હવે પ્રજાને જીતી લેવાની વેળા છે. મોદી સરકાર એવાં કામો કરશે? ન કરે તો ઇતિહાસ એ સરકારને પણ પાઠ ભણાવશે. ઇતિહાસ એટલે શું? મેક્સમુલર કહે છે: ‘ઇતિહાસ એટલે માનવીના મનની આત્મકથા.’ જો નવો ઇતિહાસ રચાશે તો સૌ સારાં વાનાં થશે. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
મોદી સાહબ ક્યા કર લેંગે?
વો અગર દસ દફા ભી
હિંદુસ્તાન કે પ્રાઇમ-મિનિસ્ટર
બન જાય, તો ભી
કલમ 370 કો
છૂ ભી નહીં સકેંગે.
- ફારૂખ અબ્દુલ્લા
(ચૂંટણીના દિવસોમાં બોલાયેલા શબ્દો)
નોંધ: ગાંધીજીએ સ્વરાજ મળ્યા પછી કોમી હુલ્લડો થયાં તે દિવસોમાં કહ્યું હતું: ‘મને જો ક્યાંક આશાનું કિરણ દેખાય, તો તે કાશ્મીરમાં છે.’ જો મોતીલાલ નેહરુએ કાશ્મીર છોડ્યું ન હોત, તો રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા આજે પણ કાશ્મીરી બ્રાહ્મણો સાથે ક્યાંક નિરાશ્રિતોની છાવણીમાં હોત. પંડિત નેહરુ મૂળે શૈવમાર્ગી હિન્દુ હતા.
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvantshah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી