વિચારોના વૃંદાવનમાં- ગુણવંત શાહ / સમગ્ર સૃષ્ટિ એક વિરાટ હાર્મોનિયમ છે વિદ્યાનો લય વિવેક દ્વારા પ્રગટ થાય છે

article by gunvantshah

નવરાશ જ્યારે મૌનને રવાડે ચડે ત્યારે અને મસ્તીની મધુશાલા સર્જાય ત્યારે આપણી સ્થૂળ બહેરાશ ખરી પડે છે અને કોસ્મિક સંગીતના સૂર મનને પ્રસન્નતાથી ભરી દેતા હોય છે

Divyabhaskar.com

Dec 02, 2019, 11:43 AM IST

વિચારોના વૃંદાવનમાં- ગુણવંત શાહ
આપણી આસપાસની સૃષ્ટિમાં સતત લયલીલા ચાલતી રહે છે. આકાશનો લય મૌન દ્વારા પ્રગટ થાય છે. પુષ્પનો લય સુગંધ દ્વારા પ્રગટ થાય છે. પૃથ્વીનો લય ઋતુઓ દ્વારા પ્રગટ થાય છે. વૃક્ષનો લય વસંત દ્વારા અને વસંતનો લય ટહુકા દ્વારા પ્રગટ થાય છે. વિદ્યા મુક્તિદાયિની છે. વિદ્યાનો લય વિવેક દ્વારા પ્રગટ થાય છે. આપણા અસ્તિત્વનો લય આપણી સ્વસ્થતા દ્વારા પ્રગટ થાય છે. સૃષ્ટિમાં જે કોસ્મિક લયલીલા ચાલતી રહે તેને ભગવદ્્ભાવે નિરખવી અને પરખવી એ વૃદ્ધ મનુષ્યનો મૃત્યુસિદ્ધ અધિકાર છે. આખરે નિર્વાણ એટલે શું? નિર્વાણ એટલે દીપકનું હોલવાઇ જવું. મનુભાઇ પંચોળી(દર્શક)ની એક નવલકથાનું શીર્ષક છે: ‘દીપનિર્વાણ.’ આપણી આસપાસ જોવા મળતી સૃષ્ટિ તો એક વિરાટ હાર્મોનિયમ છે. ‘હાર્મોનિયમ’ શબ્દ હાર્મની યાને સંવાદિતા પરથી ઊતરી આવેલો છે. યાદ રાખવા જેવું છે કે ચીની ભાષામાં સુંદરતા માટે કોઇ શબ્દ નથી. ચીની ભાષામાં સંવાદિતા એટલે જ સુંદરતા. વિરાટ હાર્મોનિયમ જે મધુર સૂર વહેતા મેલે એને લોકો ‘પ્રેમ’ કહે છે. કહેવું હોય તો કહી શકાય: ‘પ્રેમ એ જ પરમેશ્વર.’
મૃગજળનું મેઘધનુષ નથી રચાતું. મેઘધનુષ તો ત્યારે રચાય, જ્યારે વિશાળ આકાશમાં અટવાતો અસંખ્ય ટીપાંનો એક ભીનો ટાપુ સૂર્યનાં કિરણો દ્વારા આરપાર ભેદાઇ જાય. કશુંક આરપાર ભેદાઇ ન જાય ત્યાં સુધી જીવનના તમામ રંગો પ્રગટ થવા નથી પામતા. જો મેઘધનુષ રચાતું ન હોત, તો સૃષ્ટિના સપ્તરંગી વૈભવનો પરિચય આપણને શી રીતે થાત? જો હાર્મોનિયમ ન હોત તો સૃષ્ટિમાં સંતાઇ રહેલા સપ્તસૂરનો કોસ્મિક વૈભવ આપણને પ્રાપ્ત થાત ખરો? વાંસળી, સિતાર, વાયોલિન અને મૃદંગ આખરે શું કરે છે? આ બધાં જ ઉપકરણો તો સૃષ્ટિમાં જે છે, તેને જ પ્રગટ કરે છે. સંગીતની સાધના એટલે તો જે અવ્યક્ત છે તેને વ્યક્ત કરવાની અને જે અપ્રગટ છે એને પ્રગટ કરવાની દિવ્ય સાધના! થોડાંક વર્ષો પર સમૃદ્ધ ગણાતી અમેરિકન પ્રજામાં એક નવો વિચાર લોકપ્રિય બનેલો: ‘Philosophy of enoughness.’ સંતોષ જેવી શાંતિદાયી બાબત બીજી નથી. જે અસંતુષ્ટ છે, તે અપર્યાપ્તની લાગણીનો કેદી છે. કેદી સુખી હોઇ શકે? ના, ના, ના.
સો વર્ષ સુધી જીવનારો મનુષ્ય સર્જકતાની ચરમ ક્ષણે જીવન નામની ઘટનાની ખૂબ જ નજીક આવી પહોંચે છે. વાલ્મીકિ અને વ્યાસ જેવા મહાકવિઓ જીવનની વાસ્તવિકતાની લગોલગ પહોંચી ગયા હશે ત્યારે જ રામાયણ અને મહાભારત જેવાં બે મહાકાવ્યો રચાયાં હશે ને? કવિની આંતરચેતનાને પાંખો ફૂટે અને ચિત્રકારની પીંછીનું મૌન તૂટે ત્યારે જ ખરેખરું સર્જન થતું દીસે છે. પિકાસોને કોઇકે પૂછેલું: ‘તમે કલાકોના કલાકો સુધી ઊભા રહીને ચિત્ર તૈયાર કરો છો. તમારા પગ દુખતા નથી?’ પિકાસોએ જવાબ આપેલો: ‘ચિત્ર તૈયાર કરતી વખતે હું પ્રભુની પૂજા અને અલ્લાહની ઇબાદત કરતો હોઉં છું. એટલે પગ દુખવાનો પ્રશ્ન જ નથી.’
ક્યારેક કોઇ કવિતા વાંચીને કે કોઇ ચિત્ર જોઇને આપણાં રુવાંટાં ખડાં થઇ જાય છે. એ ક્ષણ જીવનની ધન્ય ક્ષણ ગણાય. ભગવદ્્ગીતામાં રુવાંટાં ખડાં થઇ જાય તે માટે અર્જુનને મુખેથી ‘રોમહર્ષ’ શબ્દ નીકળી પડ્યો હતો. જેને લોકો વાતવાતમાં ચામડી કહે છે, તે કેટલી જીવંત અને સંવેદનશીલ ઇન્દ્રિય હોઇ શકે તેની પ્રતીતિ રોમહર્ષની એ દિવ્ય ક્ષણે થતી હોય છે. એ એક એવી ક્ષણ છે, જેને આપણું અખિલ અસ્તિત્વ અનુભૂતિની ચરમસીમા પામતું જણાય છે. ઉંમરલાયક મનુષ્યનું ચાલે, તો નાનકડી નાવડીમાં પણ એટલો સામાન ગોઠવે કે નાવડી પાણીમાં ડૂબી જાય. કોઇ પણ દિવ્ય પળે ધન્યતાની ચરમસીમા પામતું આપણું અસ્તિત્વ (બીઇંગ) તન્મયતા પ્રાપ્ત કરતું જણાય છે તે પળ જીવનમાં વારંવાર નથી આવતી. ચૌદ વર્ષના વનવાસ પછી થતો ભરતમિલાપ રોજ રોજ નથી થતો. આપણી નાનકડી નાવડીમાં બહુ સામાન ગોઠવી ન શકાય. એ નાવડીમાં તો અનંત આકાશ સમાઇ શકે, સામાન ન સમાઈ શકે. વાચકનાં રુવાંટાં ખડાં થઇ જાય એવું કશુંક કાગળ પર પીરસવું એ પ્રત્યેક સાહિત્યકારનો સ્વધર્મ છે. કવિને આપણે ત્યાં ક્રાંતદર્શી કહ્યો છે.
આજની સવાર મસ્તીનો નશો ઠાલવતી ગઇ. નવરાશનું એક લક્ષણ જાણી રાખવા જેવું છે. નવરાશ જ્યારે પણ કોઇ વિચારની ધૂપસુગંધ પામે ત્યારે એ મંદિરના ગભારામાંથી આવતી હોય છે. આવી ગાભણી નવરાશ દરમિયાન વૃક્ષોને સાંભળવાનો આનંદ પ્રાપ્ત થતો જણાય છે. વૃક્ષો કશું જ બોલતાં નથી એવું કહેનાર માણસને બહેરો જાણવો. નવરાશ જ્યારે મૌનને રવાડે ચડે ત્યારે અને મસ્તીની મધુશાલા સર્જાય ત્યારે આપણી સ્થૂળ બહેરાશ ખરી પડે છે અને કોસ્મિક સંગીતના સૂર મનને પ્રસન્નતાથી ભરી દેતા હોય છે.
વૃક્ષની ડાળી પર જ્યારે અનંત આકાશમાંથી કોઇ અજાણ્યું પંખી આવીને બેસે ત્યારે સમગ્ર વૃક્ષ રોમહર્ષ પામતું નહીં હોય! સૂના પડી ગયેલા નદીના ઓવારા પર આવી ચડેલી એક ભીની ગાગર ઓવારાનાં પગથિયાંને જીવતાં કરી દેતી હોય છે. પંખી વગર વૃક્ષનું, ગાગર વિના ઓવારાનું અને ઝરણાં વિના પર્વતનું કશુંય અટકી નથી પડતું, પરંતુ કશુંક ખૂટે છે એવી અપર્યાપ્તતાની લાગણી છેક જતી નથી. આવું ક્યારેક મનુષ્યના જીવનમાં પણ બને છે. કશુંય અટકી ન પડે અને છતાંય...
ફિણાઇ ગયેલી છાશનું એક ટપકું જ્યારે ‘વિરાટ ટપકું’ બની રહે ત્યારે વિચાર આવે કે આપણી ચણીબોર જેવડી લાડકી પૃથ્વી પણ સમગ્ર બ્રહ્માંડમાં સતત અટવાતું એક ટપકું જ ગણાય ને! વલોણાનો ભુલાઇ ગયેલો ઘમ્મરિયો ધ્વનિ એકચિત્તે સાંભળતા રહીએ ત્યારે કદાચ એમ બને કે એ ૐકાર ધ્વનિ બનીને ગોકુળમાં સંભળાતા નાદબ્રહ્મ સુધી ન લઇ જાય કે? એ વલોણાના ઘમ્મરિયા ધ્વનિ આપણા ચિત્તમાં સમુદ્રમંથન પછી પ્રાપ્ત થયેલા અમૃત સુધી લઇ જાય એ શું અશક્ય છે? પ્રત્યેક ક્ષણમાં સંતાયેલી ગર્ભસ્થ ક્ષણતાનું આકંઠ પાન કરવામાં ઓચિંતો તૂટી પડેલો વરસાદ મદદ પહોંચાડી રહ્યો છે. આનંદ અને મારી વચ્ચે હવે એક વેંતનું પણ અંતર નથી. હું જ છું આનંદ! ⬛
}}}
પાઘડીનો વળ છેડે
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહે તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
- કવિ સુન્દરમ્

પતંગિયું
ત્યાં થયું અલોપ
શૂન્ય ગયું રંગાઇ.
- કવિ સ્નેહરશ્મિ
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvantshah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી