વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેની દોસ્તી એટલે પ્રેમસંબંધનું એવરેસ્ટ

article by gunvanthsha

Divyabhaskar.com

Aug 05, 2019, 06:03 PM IST

વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
આજે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ છે. મૈત્રીને ભગવાન બુદ્ધે બ્રહ્મવિહારનું પ્રથમ પગથિયું ગણાવ્યું છે. કૃષ્ણ પ્રગટ થવા માટે નિમિત્ત શોધતા રહે છે. એમને પ્રિય એવા ત્રણ નિમિત્તો છે: સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. દ્રૌપદીમાં આ ત્રણે તીર્થતત્ત્વો એકસાથે પ્રગટ થતાં રહ્યાં. દ્રૌપદી જીવનભર કૃષ્ણપ્રિય બની રહી, તેનું રહસ્ય આવા ત્રિવેણીસંગમમાં રહેલું છે. આજે એ મૈત્રીનું સ્મરણ કરવા જેવું છે.
કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો પ્રેમસેતુ લૌકિક કક્ષાનો ન હતો. એ તો પારલૌકિક (Para-normal) કક્ષાનો હતો. હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થવાની કટોકટીની ક્ષણ આવી પડી ત્યારે અન્ય વસ્ત્રો એક પછી એક તેના શરીર પર પ્રગટ થવા લાગ્યાં. (તદ્્રૂપમ અપરં વસ્ત્ર પ્રાદુરાસીદનેકશ: સભાપર્વ, 61,41). શ્રી કનૈયાલાલ મુનશીએ કટોકટીની એ દુ:ખદ ક્ષણને શબ્દોમાં આ રીતે પ્રગટ કરી છે. એમના શબ્દો સાંભળો:
દ્રૌપદીની વેદનાનો પાર ન હતો
એણે એક પછી એક એવા પતિઓ સામે જોયું.
પોતાના અપમાનમાંથી કોઇ એને
ઉગારી શકે તેમ ન હતું.
એણે વૃદ્ધ કુરુજનો સામે જોયું.
કદાચ કોઇ વડીલ એની મદદે આવે તો!
પણ બધા જ પથ્થરનાં પૂતળાં બનીને બેઠા હતા.
દ્રૌપદી કારમી નિરાધારતા અનુભવી રહી હતી.
આપત્તિની આ ક્ષણે એનું મન વાસુદેવને-
પોતાના બાંધવ, પોતાના મિત્ર અને પોતાના
માર્ગદર્શક એવા કૃષ્ણને યાદ કરી રહ્યું.
અસહાયતામાં એણે પોતાની આંખો બંધ કરી
અને બે હાથ જોડીને ડૂસકાં ભરતાં ભરતાં કહ્યું:
કૃષ્ણ કૃષ્ણ, તમે ક્યાં છો?
તમે જ એક મને ઉગારી શકો તેમ છો.
કૃષ્ણ વાસુદેવ, તમે ક્યાં છો?
હું તમારે શરણે છું, મને આ દૈત્યથી છોડાવો.
અને અચાનક તેનાથી ધૂન ઉચ્ચારાઇ ગઇ:
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે|
હે નાથ નારાયણ વાસુદેવ||
(કૃષ્ણાવતાર, મુનશી ગ્રંથાવલી-3, ખંડ સાતમો, પ્રકરણ-22, પાન-125).
તેર તેર વર્ષના આકરા વનવાસ દરમિયાન પાંડવોના સાચા મિત્ર એવા શ્રી કૃષ્ણ વારંવાર પાંચે ભાઇઓને માટે છેક દ્વારકાથી મળવા જતા. એક વખતે સત્યભામા પણ એમની સાથે હતી ત્યારે દ્રૌપદી અને સત્યભામા વચ્ચે મજાનો સંવાદ થયો. સત્યભામા દ્રૌપદીને પૂછે છે: ‘તું એકસાથે પાંચ-પાંચ પતિઓને શી રીતે જાળવે છે? આ પાંચે પતિઓ તારા વશમાં શી રીતે રહે છે? એ પાંચે જણા સુંદર છે છતાં તારા મોં સામે જોયા કરે છે અને તારા શબ્દની પ્રતીક્ષા કરે છે તેનું રહસ્ય મને બતાવ. (મુખપ્રેક્ષાય તે સર્વે તત્ત્વમેતદ્ બ્રવીહિ મે| (આરણ્યકપર્વ, 222,5). દ્રૌપદી સત્યભામાને જે જવાબ આપે છે તેમાં તેજસ્વિની, ઓજસ્વિની અને મનસ્વિની એવી ગુણસુંદરી પ્રગટ થાય છે. દ્રૌપદી કહે છે:
હે સત્યભામા!
મહારાજા યુધિષ્ઠિરના રાજ્યની
આવક-જાવકનો હિસાબ પણ હું
એકલે હાથે જ રાખતી હતી.
(આરણ્યકપર્વ, 222,51)
કલ્પના કરવા જેવી છે. એ યુગમાં રાજ્યના ખજાનાને ‘રાજલક્ષ્મી’ કહેવાની પરંપરા હતી. ઇન્દ્રપ્રસ્થની રાજરાણી વૈભવમાં જ આળોટનારી ન હતી. એ હિસાબ રાખનારી ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ પણ હતી. દ્રૌપદી સુંદર હતી, પણ સાથોસાથ એ ઊર્જાસ્વરૂપા એવી હિસાબનીશ પણ હતી. એ કૃષ્ણની સખી હતી. કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો પ્રેમસંબંધ લોકોત્તર હતો. એવા લગ્નેતર પ્રેમસંબંધનું એવરેસ્ટ એ યુગમાં કૃષ્ણ અને દ્રૌપદી દ્વારા પ્રગટ થયું. એ સંબંધને સમજવાની પાત્રતા લાવવી ક્યાંથી?
આજે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ છે. વાતે વાતે બોલાતા ‘આઇ લવ યૂ’ જેવા ત્રણ સુંદર શબ્દોની આપણે શી વલે કરી છે? એક નાનો બનાવ અને ત્યાં તો બેમાંથી એક જણ ત્રણ વાર બોલી નાખે છે: ‘આઇ હેટ યૂ.’ આવો વ્યવહાર ‘પ્રેમ’ શબ્દને ભોંયભેગો કરનારો છે. છીછરો પ્રેમ વ્યભિચારનું બીજું નામ છે.
બલાત્કાર આખરે શું છે? પ્રેમથી સંપૂર્ણપણે વંચિત એવો માણસ એટમ બોમ્બ બની જાય ત્યારે જે ભયંકર વિસ્ફોટ થાય તેને લોકો ‘બલાત્કાર’ કહે છે. બાકી પ્રકૃતિની રચના તો એવી છે કે પ્રત્યેક નરને કોઇ ને કોઇ માદા મળી જ રહે. ખલિલ જિબ્રાને ક્યાંક સાચું કહ્યું છે: ‘તરસે મરતો માણસ ગમે તેવું ગંદું પાણી પણ પી જવા માટે તૈયાર થઇ જાય છે.’ વંચિત હોય તેવો તરસે મરતો મનુષ્ય પાણી સ્વચ્છ હોય એવો આગ્રહ રાખી ન શકે. સંપૂર્ણ નેગેટિવિટી(નકારાત્મકતા)થી પીડાતો માણસ કદી પણ સામે પક્ષે રહેલું ચપટીક સત્ય સ્વીકારી ન શકે. એવા માણસનો માનસિક રોગ ઝડપભેર શારીરિક રોગમાં પલટાઇ જાય છે. એવા માણસને મળવાનું ટાળવામાં જ ડહાપણ છે. તમે એવા માણસને મળ્યા છો? ન મળ્યા હો, તો તમે નસીબદાર છો. સાચા પ્રેમમાં નકારાત્મકતાને કોઇ સ્થાન નથી હોતું. તે માણસ દ્વેષને પ્રેમ કરે છે અને પ્રેમસંબંધ પ્રત્યે દ્વેષ રાખે છે. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
કૃષ્ણ દ્રૌપદીને આશ્વાસન આપીને કહે છે:
હે યાજ્ઞસેની!
અર્જુનનાં બાણોથી કપાઇ ગયેલા,
લોહીથી લથપથ થયેલા
(શોણિતૌથપરિપ્લુતાન્) અને
જીવ ગુમાવીને જમીન પર સૂતેલા
એમને (કૌરવોને) તું જોઇશ.
(આરણ્યકપર્વ, 13, 115)
આકાશ ઊથલી પડે,
હિમાલય વેરવિખેર થઇ જાય,
પૃથ્વીના ટુકડેટુકડા થઇ જાય
તો પણ હે કૃષ્ણા!
મારું વચન મિથ્યા નહીં થાય.
(આરણ્યકપર્વ, 13, 117)
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvanthsha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી