વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / લગ્નની શોધ કોણે કરી હતી? લગ્નસંસ્થા સાંસ્કૃતિક છતાં અપ્રાકૃતિક!

article by gunvant shah

Divyabhaskar.com

Jul 29, 2019, 04:08 PM IST

વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
લગ્નની શોધ હજારો વર્ષ પહેલાં થઇ હતી. આદિમાનવ મુક્ત હતો અને પ્રકૃતિને સથવારે સહજજીવન ગાળનારો હતો. પતિ-પત્ની જેવી કોઇ વ્યવસ્થા ન હતી. શ્વાનમૈથુન અને માનવમૈથુન વચ્ચે તફાવત ન હતો. સંતાનો પેદા થતાં તોય ‘મર્યાદા’ જેવો શબ્દ જાણીતો ન હતો. સિંહણ કે વાઘણ કે ગાય જ્યારે બચ્ચું જન્મે તેને ઉછેરતી ખરી, પરંતુ બહુ ઝડપથી બચ્ચું મોટું થઇ જતું. માનવમાતાની કાળજી ઘણી, પરંતુ સંતાનનું પરાવલંબન અન્ય કોઇ પ્રાણીના બચ્ચા કરતાં ખૂબ લાંબું ચાલતું. જંગલ હતું અને વળી જંગલના સહજ નિયમો હતા તોય બધું મુક્ત હતું, મસ્ત હતું અને સ્વતંત્ર હતું. રિવાજનું બંધન તો હોય જ ક્યાંથી? જ્યાં બધું સહજ હોય ત્યાં દહેજ ક્યાંથી, સતીપ્રથા ક્યાંથી અને છૂટાછેડા ક્યાંથી? ધીરે ધીરે પ્રકૃતિના વિરાટ સામ્રાજ્યમાંથી સંસ્કૃતિના અસહજ રાજ્યનો આરંભ થયો. પ્રાકૃતિક સહજતા ખૂટતી ગઇ અને સાંસ્કૃતિક અડચણ વધતી ગઇ.
લગ્નની શરૂઆત કોણે કરી અને ક્યારે કરી? મહાભારત જેવા મહાકાવ્યના આદિપર્વમાં 113મા અધ્યાયના (11થી 17) શ્લોકોમાં એની કથાનો અણસાર મળે છે. કથા પ્રમાણે લગ્નપ્રથાની શરૂઆત શ્વેતકેતુએ કરી હતી. એ શ્વેતકેતુ ઋષિ ઉદ્દાલકનો સુપુત્ર હતો. એ સમયે કોઇ પણ પુરુષ કોઇ પણ સ્ત્રીને કોઇ પણ જાતની શરમ વિના ભોગવી શકતો. સેક્સ પણ સહજ હતું અને ‘ચારિત્ર્ય’ શબ્દ હજી પ્રગટ થયો ન હતો. એક વાર એવું બન્યું કે શ્વેતકેતુની નજર સામે જ એની માતાનો હાથ પકડીને કોઇ બ્રાહ્મણ બોલ્યો: ‘ચાલો આપણે જઇએ.’ કોઇ અન્ય પુરુષ પોતાની માતાને લઇ જાય તેથી શ્વેતકેતુ દુ:ખી દુ:ખી થઇ ગયો. એને ક્રોધથી કાંપતો જોઇને ઋષિપિતા ઉદ્દાલકે કહ્યું: ‘બેટા! ગુસ્સે થઇશ નહીં. સનાતન ધર્મ એવો જ છે.’ ઋષિપુત્ર શ્વેતકેતુ એવા ધર્મને સહન કરી શક્યો નહીં. શ્વેતકેતુએ પછી નિયમ બનાવ્યો કે: આજથી કોઇ સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ બાંધશે તો તેને ભ્રૂણહત્યાનું પાપ લાગશે. (આદિપર્વ 113, શ્લોક 11-17). લગ્નસંસ્થાની શરૂઆત કદાચ આ બનાવથી થઇ ગણાય.
સંસ્કૃતિનો ઉદ્્ભવ તો થયો, પરંતુ રામરાજ્યમાં એક સાંસ્કૃતિક ઉપદ્રવ પણ થયો. કેવળ સાંસ્કૃતિક નોર્મ્સને કારણે સીતાનો ત્યાગ થયો અને સીતાને વનમાં જવું પડ્યું. રાજા રામ પ્રતિષ્ઠિત થયા, પરંતુ પતિ રામ હારી ગયા! નાનો ભાઇ ભરત રામને બહુ સમજાવે છે.
છાય જેહિ તિય પતિબ્રત કરહીં |
તુમ્હહિ બિહાય ક્ષણ હું કિમિ ભરહીં ||
બિન જલ મીન કિ જિયે કૃપાલા |
કૃષિ કિ રહે બિનુ બારિદમાલા ||
ભરત રામને કહે છે: ‘જેની છાયા વડે સ્ત્રીઓ પતિવ્રત ધારણ કરે છે, તે (સીતા) આપને છોડીને ક્ષણભર પણ કેમ રહેશે? જળ વિના શું માછલી જીવે છે ખરી? મેઘમાળા વિના શું ખેતી ટકી શકે?’
રામ બધું સમજે છે, પણ આખરે એમનો ખાનગી ‘સ્વ’ હારી ગયો અને જાહેર ‘સ્વ’ જીતી ગયો! એવું હતું સંસ્કૃતિનું આક્રમણ. હજી આજે સેક્સની કોઇ પણ વિજ્ઞાનયુક્ત સમજણ વિના યુવક-યુવતી મા-બાપ બની બેસે છે અને એમનાં સંતાનો મોટાં થઇ જઇને ‘વસ્તારી’ બની જાય છે. ઓસ્ટ્રેલિયાની લા ટોબ્રે યુનિવર્સિટીએ બાળકોની સેક્સ અંગેની સમજણ અંગે સર્વેક્ષણ કર્યું હતું. એ માટેના સંશોધનમાં ચાર દેશોનો સમાવેશ કરવામાં આવ્યો: બ્રિટન, અમેરિકા, સ્વિડન અને ઓસ્ટ્રેલિયા. સ્વિડનમાં સાતથી નવ વર્ષનાં બાળકો પણ જન્મની પ્રક્રિયા અંગે સમજણ ધરાવે છે. સ્વિડીશ નિશાળોમાં અપાતી કેળવણી આવી વૈજ્ઞાનિક સમજણ માટે જવાબદાર છે. આપણો જાહેર ‘સ્વ’ પણ વિજ્ઞાનની સમજણ વિના અધૂરો જ રહી જાય છે.
એક જમાનામાં વૈષ્ણવોની હવેલીઓ અને મંદિરો સાથે જોડાયેલી વ્યવસ્થાને કારણે મહારાજશ્રી (બાવાશ્રીઓ)ને રંગલીલા કરવામાં પણ ધાર્મિકતાનું રક્ષાકવચ મળી જતું. આપણો સમાજ સહજપણે થતું ચુંબન સહન નહીં કરે, પણ કોમી હુલ્લડ વખતે થતી માનવીની કતલ સહન કરી શકે, ખુલ્લી જગામાં થતું શૌચ કર્મ સહન કરી શકે અને બલાત્કારના સમાચાર અખબારમાં વાંચતી વખતે નિરાંતે ચાનો કપ મોં પર માંડી શકે. ખાનગી ઝંખના અને જાહેર વર્તન વચ્ચે બાર ગાઉંનું છેટું? રાજા દશરથ સમર્થ શાસક હતા અને એમને ત્રણ પત્ની હતી, તોય 350 ઉપપત્નીઓ હતી એવું વાલ્મીકિ રામાયણમાં નોંધાયું છે. મર્યાદા વિના કોઇ સમાજ ટકી ન શકે. મને તો એવું સૂચવવાનું મન થાય છે કે અયોધ્યામાં રામમંદિર બંધાય તે પછી જે જગ્યા બચે તેમાં એક યુનિવર્સિટી નિર્માણ પામવી જોઇએ. એનું નામ શું રાખવું? જવાબ છે: મર્યાદા યુનિવર્સિટી. જ્યાં અમર્યાદ સેક્સ પ્રચલિત હોય એવો સમાજ વેરવિખેર થઇ જાય. અમેરિકન સમાજજીવન મર્યાદાના અભાવમાં પતન પામતું રહ્યું છે. જ્યાં નિર્લજ્જતા હોય ત્યાં સંસ્કૃતિ અને પ્રકૃતિ બંને હાનિ પામે છે. લજ્જાને સ્ત્રીનું ભૂષણ ગણાવાયું છે. એમાં સંસ્કૃતિનું અભિવાદન છે.
ટોલ્સ્ટોયે ઉઠાવેલો પ્રશ્ન એકવીસમી સદીમાં ફરીથી પૂછવા જેવો છે: ‘ત્યારે કરીશું શું?’ એકવીસમી સદીમાં યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાને એક મેગ્નાકાર્ટા બહાર પાડવું જોઇએ, જેમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો સમન્વય પ્રગટ થાય. એ મેગ્નાકાર્ટામાં પ્રથમ ત્રણ વિધાનો (પોસ્ટ્યુલેટ્સ) કંઇક આ પ્રમાણે હોય:
1. બે ‘મળેલા જીવ’ લગ્નસંબંધ બાંધે તેમાં ફાચર મારનારી પરંપરાને ગેરકાયદેસર ગણવામાં આવે.
2. સાથે ન રહેવા માગતા બે જણાને છૂટા થતાં રોકવાની લાંબી પ્રક્રિયા સમાજમાન્ય હોય તોય ગુનો ગણાવી જોઇએ. છૂટાછેડા અપ્રતિષ્ઠિત ગણાય તે ખોટું.
3. સંતાનોને મોટાં કરવાની જવાબદારી (છૂટાછેડા થયા હોય તોય) બે બાયોલોજિકલ માતા-પિતાની જ રહે એવી કાયદાકીય ગોઠવણ હોય.
દલિત યુવાન નામે અજિતેશ બિનદલિત એવી સાક્ષી નામની કન્યાને પરણે ત્યારે કન્યાના પિતા (MLA) દ્વારા હત્યા થાય એવો ભવ સેવે, તેવા સમાજને તો ‘જંગલી’ કહેવામાં જંગલનું અપમાન ગણાય. જંગલ તો પ્રકૃતિનું વિરાટ મંદિર છે અને પ્રેમ સિવાય અન્ય કોઇ ચીજ પૃથ્વી પર અધિક પવિત્ર નથી એવું યુનેસ્કો દ્વારા પ્રગટ થનારા મેગ્નાકાર્ટામાં જાહેર થવું જોઇએ.
જાણી રાખવા જેવું છે કે બધા ઉપનિષદોમાં શ્રેષ્ઠ એવું ઉપનિષદ આપણને એક દલિતપુત્ર તરફથી મળ્યું છે. રવીન્દ્રનાથ ઠાકુરના અંતેવાસી એવા વિદ્વાન શ્રી ક્ષિતિમોહન સેન તરફથી મળેલા અમૂલ્ય ગ્રંથ સાધનાત્રયી (અમૃતકુંભ)માં નોંધાયું છે. એ અદ્્ભુત ગ્રંથના સંપાદકો છે: ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, જયંતિલાલ આચાર્ય અને મોહનદાસ પટેલ. વિચારોના ખજાના જેવા આ ગ્રંથમાં ક્ષિતિમોહન સેને એક દલિત ઋષિપુત્રની વાત કરી છે. એ મહાન પુત્રનું નામ મહીદાસ હતું. ‘મહિદાસના પિતાને બે પત્નીઓ હતી, એક બ્રાહ્મણી અને બીજી શુદ્રા. યજ્ઞના સમયે પિતાએ બ્રાહ્મણ પત્નીથી ઉત્પન્ન થયેલા પુત્રને તો શિક્ષા દીધી, પણ શુદ્રાના પેટથી ઉત્પન્ન થયેલા પુત્રને દીધી નહીં. મહીદાસે દુ:ખિત થઇને માતાને પોતાનું દુ:ખ જણાવ્યું. તે બોલી, હું મહી (પૃથ્વી)નું સંતાન છું, મહી વિના મારું કોણ છે? માતાની સ્તુતિથી મહાદેવી પ્રગટ થઇ અને મહીદાસને પોતાના ઘરે લઇ ગઇ અને જગતમાં ગંભીરમાં ગંભીર જ્ઞાનનું શિક્ષણ આપવા લાગી. મહીના (પૃથ્વીના) શિષ્ય હોવાને લીધે જ મહી દાસ ‘મહીદાસ’ બન્યા અને શુદ્રાના પુત્ર હતા તેથી ઐતરેય કહેવાયા. એમનો રચેલ બ્રાહ્મણ (ઉપનિષદ) ઋગ્વેદનો સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે. દલિત (ઇતરા) માતાના પુત્રે રચેલું ઐતરેય ઉપનિષદ સેવન કરવા યોગ્ય છે. એ સમયમાં થયેલા લવમેરેજનું આવું સુંદર પરિણામ આજે પણ મનનીય છે. લગ્નજીવન મધુર હોય, તો પરિવાર સુગંધીદાર બને છે. મરાઠી અભિનેત્રી રાધિકા આપ્ટે કહે છે કે એને તો વધારે ને વધારે અફેર્સ કરવાનું ગમે છે. આ એક છેડો છે.
રામ આપણા સંસ્કૃતિપુરુષ ગણાય. વાત ખરી, પરંતુ સંસ્કૃતિના પ્રારંભની ખરી કિંમત સીતાએ ચૂકવી એ વાત યાદ રાખવા જેવી છે. જહાંગીરના સમયમાં જીવનારા મુલ્લા મસીહા ફારસીમાં કવિતા લખતા હતા. એમને સીતાજી પ્રત્યે અત્યંત ઊંડો આદર હતો. એને પરિણામે એમણે સીતા વિશે ઘણું લખ્યું હતું. આમ બન્યું તેમાંથી પ્રેરણા લઇને ઇન્દિરા ગોસ્વામીએ રામાયણ પર સંશોધનાત્મક ગ્રંથ લખ્યો છે, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. ચીની વિચારકે પણ કોલેજિયન હતા ત્યારે રામાયણ વાંચ્યું હતું. એમનું નામ લિન યુટાંગ. લિન યુટાંગ કાયમ કહેતા: ‘જેવા પરિવારો, તેવું રાષ્ટ્ર.’ રાધિકા આપ્ટેની વાતમાં ખળભળાટ જરૂર છે, પરંતુ પરિવાર તૂટે ત્યારે રાષ્ટ્ર ન તૂટે એવું બને ખરું? સંસ્કૃતિ અને પ્રકૃતિનો સાચો સમન્વય સુંદર પરિવારમાં થાય છે. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
મારી પત્ની અને મારી વચ્ચે
ઝઘડો થાય ત્યારે હું મૂંઝવણ
અનુભવું છું. એવું બને ત્યારે
મને ખલેલ પહોંચે છે.
એનાથી મુક્ત થવામાં મને
સમય લાગે છે. એવું બે
કે ત્રણ મહિને એકાદ વાર
બને છે, પરંતુ જ્યારે
ખરેખરી લડાઇ જામી પડે
ત્યારે વાત લાંબી ચાલે છે,
લગભગ 15 દિવસ જેટલી!
- શાહિદ કપૂર
(‘The Week’, June 30, 2019 પાન-14)
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી