વિચારોના વૃંદાવનમાં / પાનાચંદ નેમચંદ શેઠ 50 વર્ષની ઉંમરે પથારીવશ છે, કારણ કે...

article by gunvant shah

લાઇફસ્ટાઇલ એવી કે ડૉક્ટર્સને શેઠ અને શેઠાણીની સમસ્યાઓ પણ ખૂબ વહાલી લાગે. બંને જણાને બી.પી.ની સમસ્યા કાયમ સતાવે છે. બંને પર ફાટીમૂઆ ડાયાબિટીઝની કાયમી કૃપા હોય છે

ગુણવંત શાહ

Jun 03, 2019, 06:44 PM IST

પાનાચંદ શેઠ મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા Five ગાર્ડન્સ પાસે વર્ષોથી રહે છે. કફ પરેડમાં પેરિસ ચેમ્બર્સ નામના બહુમાળી મકાનમાં 24મે માળે આવેલી ત્રણ નાની કેબિનમાં એમની ઓફિસમાં ક્યારેક એવું બને છે કે પરદેશથી આવેલો એક જ ટેલિફોન 50 લાખ રૂપિયા ઠાલવતો જાય છે. પાનાચંદ શેઠને પૈસો શોધતો આવે છે. શેઠ દયાળુ છે. સૌરાષ્ટ્રમાં આવેલી બધી પાંજરાપોળમાં એમની દાનગંગા વહેતી જ રહે છે. શેઠ પાણી ગાળી ગાળીને પીએ છે, પરંતુ લોહી ગાળ્યા વિના પીએ છે. વેપારીવર્ગમાં એમની પ્રતિષ્ઠા ઊંચી છે.
વાત સાંભળવા જેવી છે. શેઠના વજનદાર શરીર પર છેલ્લાં દસ-પંદર વર્ષમાં સૂર્યનું એક પણ કિરણ પહોંચી શક્યું નથી. કારણ શું? 24મે માળેથી શેઠ લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચે, ત્યારે પાર્કિંગ એરિયામાંથી એમનો ડ્રાઇવર કાર છેક શેઠ સુધી લાવે છે અને કારનું બારણું ખોલે છે. શેઠ કારમાં બેસી જાય પછી ડ્રાઇવર પોણા કલાકમાં પેરિસ ચેમ્બર્સમાં છેક લિફ્ટ સુધી કાર લઇ જાય છે અને શેઠ 24મે માળે એક પણ કેલરી બાળ્યા વિના પોતાની ભવ્ય કેબિનમાં પહોંચી જાય છે. કેબિનમાં આરામદાયી ખુરશી પર બેઠા પછી શેઠ ખાસ પોતાના માટે જ બનેલી સ્ટાર બક્સ કોફી પીએ છે. એ કોફી એટલી તો મોંઘી હોય છે કે એનો પીનારો કદી ગરીબ હોઇ જ ન શકે. સાંજે પાંચ-છ વાગ્યે શેઠ ઘરે પાછા ફરે ત્યારે કેટલા રૂપિયા કમાયા તેની ખબર માત્ર શેઠને જ હોય છે. પત્ની કંચનને તેઓ બધી વાત કરે ત્યારે પાનાચંદ શેઠ ગરમ ગરમ બટાકાવડાં હીંચકે બેસીને ખાય છે. આખા દિવસમાં પ્રવેશેલી પાંચ કેલરી પણ બળતી નથી, પરંતુ 125-225 જેટલી કેલરી પેટમાં બટાકાવડાં દ્વારા પહોંચે છે.
સાંજે જમવામાં રત્નાગિરિ આફૂસ કેરી ખાવાનું શેઠને ગમે છે. એક કેરી 50-60 રૂપિયાની હોય છે. છેલ્લાં દસ-પંદર વર્ષમાં પાનાચંદ શેઠ એક કિલોમીટર પણ ચાલ્યા નહીં હોય. તેમના પગના તળિયાને ક્યારેય માટીનો કે ધૂળનો સ્પર્શ પણ નથી થયો. એમના અત્યંત સુંવાળા બૂટને ડામર પર કે સિમેન્ટના તળિયા પર કે ટાઇલ્સ પર ચાલવાનું થાય છે. બૂટ સાથે પગમાં મોજાં હોય જ તેથી પગ ઊજળા ઊજળા અને કોમળ કોમળ! વળી તડકા સાથેના છૂટાછેડા તો કાયમી જ! પૈસા ખરચતી વખતે કંચનબહેન ખાસાં ઉદાર હોય છે. ટેલિફોન પર જ માર્કેટિંગ થતું રહે છે અને બ્લેક મની વહેતા જ રહે છે. કંચનબહેનને કોઇ વાતે કંજૂસાઇ નથી ગમતી.
લાઇફસ્ટાઇલ એવી કે ડોક્ટર્સને શેઠ અને શેઠાણીની સમસ્યાઓ પણ ખૂબ વહાલી લાગે. બંને જણાને બી.પી.ની સમસ્યા કાયમ સતાવે છે. બંને પર ફાટીમૂઆ ડાયાબિટીઝની કાયમી કૃપા હોય છે. આમ છતાં પાનાચંદ શેઠને મુંબઇનો આઇસ હલવો ખૂબ જ ભાવે છે. કંચનબહેનને સુરતી ઘારી પ્રત્યે જબરો પક્ષપાત રહે છે. મીઠાઇ ખાતી વખતે ફરસાણ તો જોઇએ જ! પુષ્કળ કેલરી પેટમાં ઠલવાતી જ રહે તોય કોઇ પણ પ્રકારના હલનચલન વિના પેટમાં પધરાવેલી કેલરીની સમસ્યાઓ સતાવતી રહે છે. ઘૂંટણનું ઓપરેશન બંને જણાએ હોસ્પિટલમાં લગભગ સાથે કરાવ્યું. બંને પછી જ્યારે ચાલતાં શીખ્યાં ત્યારે કોઇની મદદ વિના બાથરૂમ સુધી જતાં થયેલાં. પાનચંદ શેઠ મજાકમાં ડોક્ટરને કહેતા: ‘મારો ખાટલો મુંબઇમાં છે અને મારો બાથરૂમ પૂણેમાં છે. ડોક્ટર! બાથરૂમ સુધી ચલાય એવું ક્યારે બનશે?’ ડોક્ટર જવાબમાં કહે: ‘તમારા આ ખાટલાબ્રહ્મમાં બધી જ સગવડ છે, પછી પૂણે જવાની શી જરૂર?’ શેઠ હસે ત્યારે પેટ હલે છે.
પાનાચંદ શેઠના કોન્ટેક્સ બહુ જબરા! પ્રધાનો પણ ખબર કાઢવા આવે અને ફોન પર તબિયતના સમાચાર વારંવાર પૂછે. સમજુ શેઠના મનમાં એક જ વહેમ પજવતો રહે છે. મને કેન્સર તો નહીં થાય ને? બધા જ ડોક્ટરો સાવ સ્પષ્ટ ભાષામાં કહે: ‘એવાં કોઇ જ લક્ષણ અત્યારે દેખાતાં નથી. લગભગ બધા ટેસ્ટ નોર્મલ છે. વજન ઘટે, તો લાભ જ લાભ.’ બંનેમાંથી કોઇનું વજન ઘટવા બિલકુલ તૈયાર નથી. જ્યારે વજનકાંટો અડધો કિલો ઓછું વજન બતાવે, ત્યાં તો ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવો ઉત્સવ થાય છે. વૈષ્ણવ હવેલીમાંથી વારંવાર છપ્પન ભોગ માટે બનેલી મીઠાઇઓનું મોટું પેકેટ (પ્રસાદ) આવે ત્યારે ઘરના નોકરોને તો જાણે યમુના કિનારે રાસલીલા! નોકરોને વારંવાર છપ્પન ભોગનો આનંદ પ્રાપ્ત થાય છે. પાનાચંદને મળતો પુણ્યલાભ નોકરોના આનંદમાં સમાઇ જાય. નોકરો રાજી રાજી!
બરાબર 50 વર્ષની ઉંમરે પાનાચંદ શેઠ કાયમને માટે પથારીવશ બની ગયા. કમરના બધા મણકાના એક્સ-રે (સીટીસ્કેન) લેવાણા, પરંતુ ડોક્ટરોની કમાણી વધી, પણ દર્દ કાયમ રહ્યું. ક્યારેક એક મજાની ઘટના બનતી. શેઠના બેડરૂમના
પલંગ પાસેની બારીમાંથી સવારનો કુમળો તડકો શેઠના શરીર સુધી આવે ત્યારે શેઠને ખૂબ
સારું લાગતું. તડકો માંડ થોડીક મિનિટો સુધી આવતો અને પછી ચાલી જતો. શેઠ 50 વર્ષની વયે 80 વર્ષ જેટલા વૃદ્ધ બની ગયા. ઘર હોસ્પિટલ બની ગયું. શેઠના ખાટલા પર દવાની ગોળીઓ ખોખામાં પડી રહેતી થઇ. ક્યારેક પત્ની કંચન વ્હીલચેરમાં નોકરોની મદદથી શેઠને એમના ખાટલા સુધી મળવા આવે ત્યારે બંને લાંબી વાતે ચડી જતાં.
એક વાર પાનાચંદ શેઠે ખાટલા પાસે વ્હીલચેરમાં બેઠેલી પત્ની કંચનને કહ્યું: કંચન! આજે મને જે વિચાર આવ્યો કે તને કહીં દઉં? મને સમજાય છે કે:
⬛ કકડીને ભૂખ લાગે એ માણસ તાતા જેટલો ધનવાન છે.
⬛ ઘસઘસાટ ઊંઘ આવે એ માણસ ખરેખર બિરલા છે.
⬛ પાંચ કિલોમીટર સડસડાટ ચાલી શકે એ માણસ મુકેશ અંબાણી ગણાય.
⬛ તારાં જેવી પત્ની મળે તે પુરુષ રાજા વિક્રમ ગણાય.
⬛ પૈસો કમાયો પણ જીવનનો આનંદ દૂર ને દૂર રહી ગયો!
પાઘડીનો વળ છેડે
રાતે ઊંઘ ન આવી?
જરૂર તમે
દિવસે ઉજાગરો વાવ્યો હશે!
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી