વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / સેક્સને ગંદી બાબત ગણનારા સમાજે બળાત્કારથી ચલાવી લેવું પડશે!

article by gunvant shah

ઋષિઓ ‘બ્રહ્મચારી’ રહ્યા હોત તો ભારતીય સંસ્કૃતિનું સાતત્ય જળવાયું ન હોત. આજથી sexને ગંદી, અશ્લીલ અને બીભત્સ બાબત ગણવાનું બંધ!

Divyabhaskar.com

Jan 06, 2020, 12:00 PM IST
વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
અજ્ઞાનથી છલોછલ અને અંધશ્રદ્ધાથી ઊભરાતા સમાજમાં જ્ઞાની માણસો કદી સુખી નથી હોતા. આપણો સમાજ બડો વિચિત્ર છે. એ સમાજ માતૃત્વને પવિત્ર ગણે છે અને માતૃત્વના નિમિત્ત જેવા સેક્સને ગંદું ગણે છે, જે માણસ સેક્સને અશ્લીલ ગણે તેણે માતાનો બહિષ્કાર કરવો જોઇએ. ઋષિ વસિષ્ઠને માત્ર 100 પુત્રો હતા. રામચંદ્ર અને ઋષિ વસિષ્ઠ વચ્ચે જે (સોક્રેટિક) સંવાદ થયો તેમાં તત્ત્વજ્ઞાન કેટલું ઊંડું હતું, તે જાણવા માટે નર્મદાકિનારે આશ્રમમાં નિવાસ કરનારા સ્વામી તદ્્રૂપાનંદજીનું પુસ્તક ‘યોગ-વાસિષ્ઠ’ વાંચી લેવું જોઇએ. એમણે મને એ ભેટમાં આપ્યું છે એ એમની ઉદારતા ગણાય. એમાં રામ પ્લેટો જેવા અને વસિષ્ઠ સોક્રેટિસની ભૂમિકામાં જણાય છે.
ગાંધીજીને ચાર સુપુત્રો પ્રાપ્ત થયા પછી રાજા દશરથની માફક શાન્તા જેવી એક દીકરી પ્રાપ્ત થઇ હોત તો! તો કદાચ ગાંધીબાપુનો કઠોર આચાર ધર્મ થોડોક ઓછો કઠોર હોત. દીકરીની હઠ પ્રેમાળ પિતાએ માનવી જ પડે છે. મેં કલ્પના કરી રાખી છે. કાકાસાહેબ કાલેલકરે એ દીકરીનું નામ ‘અદ્વૈતા’ રાખ્યું હોત. અદ્વૈતા અને ગાંધીબાપુ વચ્ચે જે ડાયલોગ થાય છે તેમાં મેં મારી કલ્પના ચગાવી છે. માત્ર એક જ અંશ પ્રસ્તુત છે:
અદ્વૈતા: બાપુ, આજે હું પાણીપૂરી બનાવવાની છું. મહાદેવકાકાને પણ ખાવા માટે મનાવી લીધા છે. કાકાસાહેબ કહે છે કે તેઓ માત્ર એક પાણીપૂરી ખાશે. બાએ હા પાડી છે પણ કહ્યું છે કે બાપુ તારી વાત નહીં માને.
ગાંધીબાપુ: બા મને બરાબર સમજે છે. હું નથી જ ખાવાનો. પૂરી તળેલી હોય છે અને ખજૂર-આમલી નહીં ખાઇ શકું, કારણ કે મારું અસ્વાદ વ્રત ખોરવાય છે.
અદ્વૈતા: બાપુ! શું ખજૂર અને આમલી ભગવાને નથી બનાવ્યાં? તમે ખાઓ ત્યારે જો સ્વાદ ન માણો એ અસ્વાદ નથી?
ગાંધીબાપુ: પણ તું મારી સામે આવી હઠ શા માટે કરે છે?
અદ્વૈતા: બાપુ! તમારાં અગિયાર વ્રતો મને અગિયાર હઠ જેવાં જણાય છે. શું તમે ‘સ્વરાજહઠ’ નથી ચાલુ રાખતા? હું તમારી દીકરી છું. તમે આટલું પણ મારું ન માનો?
ગાંધીબાપુ: હું તારા પ્રત્યે પણ અનાસક્ત છું. હવે કહે કે અનાસક્તિ પણ હઠ કહેવાય?
અદ્વૈતા: હા, હા, હા. અનાસક્તિ કરતાં પણ ‘સબસે ઊંચી પ્રેમસગાઇ’ જેવું સૂરદાસનું મધુર ભજન મને વધારે પવિત્ર લાગે છે. બોલો! આ ભજન તમારી પ્રાર્થનામાં સ્થાન પામ્યું છે. નથી?
ગાંધીબાપુ: તું આજે મારી સાથે લડવા માટે જ આવી છે કાં?
અદ્વૈતા: હા, મેં મહાદેવકાકાને પણ સમજાવી દીધા છે, પણ તમે એમને ના પાડો, તો એ માની જશે. એમના પર તમારી સરમુખત્યારશાહી ચાલે છે. શું તમે આવા જ ‘સ્વરાજ’ને આશ્રમમાં ઉછેરો છો કે? આ તે આશ્રમ છે કે કોન્સન્ટ્રેશન કેમ્પ? દીકરીને લાડ ન લડાવે એ પિતા ગણાય કે? તમારા પિતૃત્વમાં તો માતૃત્વ પણ વરતાય છે. આવા લાડ પામવા એ મારો સ્વરાજસિદ્ધ અધિકાર છે. તમારે મારે ખાતર પણ પાણીપૂરી ખાવી પડશે નહીં તો હું ઉપવાસનું શસ્ત્ર તમારી સામે ઉગામીશ.
બાપુ: પણ મારું વ્રત શી રીતે તોડી શકું? આવી હઠમાં સત્ય નથી હોતું. અદ્વૈતા! મારા ચાર પુત્રોએ પણ મારી મર્યાદા જાળવી છે. તું અવિવેકને માર્ગે આગળ કાં વધે?
(સંવાદનો એક સેમ્પલ)
⬛ ⬛ ⬛
પછાતપણાનું તાપણું કરીને આપણે સૌ બેઠાં છીએ. આપણા સમાજમાં કેટલાક લલ્લુઓને પોતાના અજ્ઞાનનું પણ અભિમાન અને વળી ઝનૂન રહેતું હોય છે. ઝનૂન હોય ત્યાં વિચાર ક્યાંથી? વિચાર ન હોય ત્યાં ધર્મ ક્યાંથી? ધર્મ ન હોય ત્યાં સ્વસ્થતા ક્યાંથી? સ્વસ્થતા ન હોય ત્યાં શાંતિ ક્યાંથી? બળાત્કારનું ગર્ભાધાન સૌપ્રથમ માનવીના મનમાં થતું હોય છે. કેટલાક મનોરોગી મનુષ્યો કોઇ પણ સ્ત્રીને નોર્મલી જોઇ શકતા નથી. એમને મન સ્ત્રી એટલે એનો સ્તનપ્રદેશ. એમને મન સ્ત્રી એટલે વેજાઇના. એમને મન સ્ત્રી એટલે એક પૂતળું! પૂતળું રૂપાળું ન હોય તેથી શું? એ પૂતળું ચૂંથવાલાયક ગણાય. એ પૂતળા પાસે મસલપાવર નથી હોતો અને તેથી પ્રતિકાર કરવાની શક્તિ નથી હોતી. જે પુરુષનું મન જો કોઇ કદરૂપી સ્ત્રીમાં પણ જોડાયેલું હોય અને બે વચ્ચે પ્રેમનો નહીં, પરંતુ સેક્સનો કે પછી પ્રાણીકક્ષાનો (beastly) સેક્સસંબંધ હોય તોય એની વિસામાન્યતા (એબ્નોર્મલિટી) બળાત્કાર સુધી નહીં પહોંચે. એક બળાત્કાર સમાજને અસભ્ય ગણવા માટે પૂરતો છે.
દેશમાં પ્રત્યેક મિનિટે ચાલી રહેલ ગુપ્ત અને અગુપ્ત એવા અસંખ્ય બળાત્કારોને ઘટાડવાનો કોઇ ઉપાય ખરો? હા, ઉપાય છે અને ઉપાય શક્ય છે. સુરતના મકાઇપુલ પાસે આવેલા સમૃદ્ધિ હોલમાં ગાંધીવિચારના મર્મજ્ઞ અને મૌલિક વિચારક એવા સદ્્ગત દાદા ધર્માધિકારીજીનું પ્રવચન યોજાયું ત્યારે પ્રમુખ સ્થાને હું એમની સાવ નજીક બેઠો હતો. દાદા ધર્માધિકારીજીએ જીવનનાં આગલાં વર્ષોમાં જગદ્્ગુરુ શંકરાચાર્યનું પદ પણ જતું કર્યું હતું. મારા મન પર એમના મૌલિક અને ધારદાર વિચારોની અસર ઓછી નથી. એમના એ પ્રવચનનું પહેલું વિધાન બરાબર યાદ છે. સાંભળો:
‘પરસ્પર સંમિત સે
કિયે ગયે સંભોગ કો
મૈં પાપ
નહીં માનતા!’
આવું કહેવાની હિંમત અન્ય કોઇ ગાંધીજન બતાવી શકે? ના, ના, ના. આ વિધાનમાં લગ્ન, છૂટાછેડા, આત્મહત્યા અને બળાત્કાર જેવી અનેક સમસ્યાઓનો ઉકલ રહેલો જણાય છે. બસ, આ વિધાન સ્વીકારો અને સુખેથી જીવો! બળાત્કારનું મૂળ જો માનવીના મનમાં હોય તો એનો ઉપાય પણ માનવીના મનમાં જ શોધવો પડે. નિર્ભયા અને દિશા જેવી યુવતીઓને બચાવી લેવાનું કામ પોલીસનું નથી. માણસે માણસે પોલીસ ગોઠવી ન શકાય. ‘સાઇકો-સેક્સ્યુઅલી હેલ્ધી’ સમાજ કહેવાય એ જ ખરો ઉપાય છે. એ ઉપાય મનોવૈજ્ઞાનિક છે અને એ ઉપાય જ અકસીર છે. વિચારી તો જુઓ!
⬛ મરજી વિનાના લગ્નને કોઇ અશ્લીલ કેમ નથી ગણતું?
⬛ પ્રેમ ન હોય કે મૈત્રી બચી ન હોય, ત્યારે લેવાતા છૂટાછેડાને કોઇ પવિત્ર કેમ નથી ગણતું?
⬛ સેક્સની સમજણ આપનારી શિબિરો લક્ષચંડી યજ્ઞો કરતાં વધારે ઉપકારક ન ગણાય?
⬛ સાસરેથી હારીથાકીને પિયર પાછી ફરે ત્યારે એને આવકારનારાં અને જાળવનારાં માતા-પિતાનું જાહેર સન્માન થાય તે સમાજ તંદુરસ્ત ગણાય.
⬛ જે શ્વસુર (સસરો) પુત્રવધૂનો બાપ બનીને વરતે તેને પદ્મશ્રી ન અપાય? જે સાસુ માતા બનીને પુત્રવધૂને જાળવે તે જ ‘જગદંબા’ ગણાય. હા, જે નણંદ ભાભીને મિત્ર બનાવે તેનું રોટરી અને લાયન્સ ક્લબો દ્વારા જાહેર સન્માન થવું જોઇએ.
⬛ અખિલ ગુજરાત નણંદ સંમેલન યોજીને નણંદોને શિક્ષણ આપવાની જરૂર છે.
⬛ જે પુરુષ પત્નીને મારે તેનું નવું નામ શું? ‘મિસ્ટર નપુંસક.’
⬛ મારું ઘણા સમયનું અવલોકન પ્રગટ કરું?
1. ઠાઠિયું કારની સંખ્યા ઘટી છે.
2. કદરૂપી સ્ત્રીઓની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે.
3. ઘરની પુત્રવધૂઓ જે ઘરમાં સુખેથી રહેતી હોય, ત્યાં સ્વર્ગ હોવાનું. એવું ઘર મારી જાણમાં છે.
4. સસરાને પિતાતુલ્ય ગણનારા જમાઇરાજ પોતાના પિતાને પણ વધારે સાચવે છે. આવા કોઇ જમાઇરાજને તમે મળ્યા છો?
જ્યાં મૈત્રી અને પ્રેમની પ્રતિષ્ઠા હોય ત્યાં સારાં સંતાનો પાકે એવી શક્યતા વધારે હોવાની. જ્યાં તંદુરસ્ત સેક્સ લંગોટમૂલક બ્રહ્મચર્ય કરતાંય વધારે મૂલ્યવાન ગણાવી જોઇએ. આપણા ઘણા ખરા ઋષિઓ પરણેલા હતા. એમના ઋષિપુત્રોને કારણે જ હજારો વર્ષો પછી પણ વેદ-ઉપનિષદના મંત્રો જળવાયા અને આપણને યથાતથ પ્રાપ્ત થયા. એ ઋષિઓ ‘બ્રહ્મચારી’ રહ્યા હોત તો ભારતીય સંસ્કૃતિનું સાતત્ય જળવાયું ન હોત. આજથી sexને ગંદી, અશ્લીલ અને બીભત્સ બાબત ગણવાનું બંધ! બ્રહ્મર્ષિ વસિષ્ઠને માત્ર 100 પુત્રો હતા. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
1. યુવાન ડોક્ટર અને ઘરડા કેશકર્તનકારથી ચેતતા રહેવું.- બેન્જામિન ફ્રેન્કલિન
2. પ્રેમ વગરની યુવાની? એ તે વળી કેવી યુવાની?
- બાયરન
3. તમારી ખામીઓ સાથે તમને સ્વીકારવા તૈયાર હોય તે સાચો મિત્ર.- શેક્સપિયર
4. જે પૈસા ખાતર પરણે છે, તે પોતાની સ્વતંત્રતા વેચે છે.- જ્યોર્જ હર્બટ
5. પહેલી નજરે ન થયો હોય, એ તે વળી પ્રેમ કેવો?- ક્રિસ્ટોફર માર્લો
6. જે સમાજમાં પ્રેમ વિનાનાં લગ્ન હોય, તે સમાજમાં લગ્ન વિનાનો પ્રેમ પણ પાંગરવાનો જ.- બેન્જામિન ફ્રેન્કલિન
નોંધ: ‘અવતરણની અત્તરદાની’, સંકલન: ગુજરાતી ભાષાના વિદ્વાન વિવેચક શ્રી દીપક મહેતા (પરિચય પુસ્તક 1123). દીપકભાઇએ ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે.
Blog:http://gunvantshah.wordpress.com
X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી