વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / પુષ્પને બદલે હવે જ્વેલરીનો ચળકાટ! નૂરજહાંએ જહાંગીરને તમાચો મારી દીધો પછી...

article by gunvant shah

Divyabhaskar.com

Dec 09, 2019, 12:17 PM IST
વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
પ્રત્યેક શહેરમાં આજકાલ જ્વેલરીની દુકાનો વધી રહી છે. એ દુકાનોમાં ભીડ પણ ઓછી નથી હોતી. રૂપસુંદરીના વાળમાં ગૂંથાયેલી વેણી હજી છેક અદૃશ્ય નથી થઇ. ફૂલ જેવું જીવંત આભૂષણ બીજું હોઇ શકે? શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં મોટી થઇ હતી. કવિ ઉમાશંકર લખે છે: ‘શકુન્તલા દુષ્યન્તમાં ગરક થઇ હતી? દુષ્યંત જ એની પકડમાંથી સરકી જાય છે.’ શકુન્તલા માટે મહાકવિ કાલિદાસે બે મૌલિક શબ્દો પ્રયોજીને શકુન્તલાના સૌંદર્યની વિશેષતા ગણાવી છે: ‘વનલતા અને ઉદ્યાનલતા.’ (મહાકવિ કાલિદાસ વિરચિત ‘શાકુન્તલ’ અંક પહેલો, શ્લોક 17) દુષ્યંત વનલતાના મોહમાં પડ્યો હતો. વનલતા અનન્યપૂર્વા હોય, અલ્લડ હોય, સહજ અને પ્રકૃતિને સથવારે જીવનારી હોય. આવું અકૃત્રિમ સૌંદર્ય શકુન્તલા દુષ્યંતને નગરમાં ક્યાંથી મળે?
તમે ક્યારેય સુવર્ણ, ચાંદી કે રૂપામાંથી બનેલા ઘરેણામાંથી સુગંધ પ્રસરતી જાણી છે? પુષ્પ જ્યારે આભૂષણ તરીકે પ્રયોજાય ત્યારે પણ એ છેક સુગંધ વિનાનું નથી હોતું. જ્વેલરીના ચળકાટમાં સુગંધ ક્યાંથી? એક પુસ્તક પ્રગટ થયું છે, જેમાં પુષ્પનો સામાજિક, સાંસ્કૃતિક અને સુગંધીદાર મહિમા થયો છે. એના શીર્ષકમાં જ જાદુ સંતાયેલો છે. ‘Phoolproof: Indian Flowers, Their Myths, Traditions and Usage’ (Penguin Random House, Rs. 299/-). લેખિકાનું નામ છે: જ્હેલમ બિશ્વાસ બોઝ. લેખિકાનો જન્મ કોલકાતામાં થયો હતો. એ 39 વર્ષની મહિલાને આવું પુસ્તક લખવાની પ્રેરણા માતા દુર્ગાપૂજાના મંડપમાં અને ઘરના દીવાનખાનામાં ફ્લાવર એરેન્જમેન્ટ કરતી તેમાંથી મળી હતી. પુસ્તકને પાને પાને પુષ્પનો મહિમા થતો દીસે છે. પુસ્તક હજી પૂરું વાંચ્યું નથી, પરંતુ વિવેચન વાંચવા મળ્યું તે પણ મનભાવન અને હૃદયલુભાવન જણાયું છે. પુસ્તકનો ઓર્ડર આપી દીધો છે. પુષ્પમીમાંસા કરતા આવા પુસ્તકની પ્રતીક્ષામાં છું.
પુષ્પના અસ્તિત્વમાં જ ચમત્કાર સંતાયેલો છે. એ ચમત્કારની વાર્તા પુસ્તકમાં રજૂ થઇ છે. બાદશાહ જહાંગીરને એક વાર પત્ની નૂરજહાંએ દરબારમાં જ તમાચો મારી દીધો, ત્યારે ત્યાં હાજર એવા લોકોને થયું કે હવે નૂરજહાંનું આવી બન્યું. જહાંગીરની ધીરજ અપાર હતી. એ સમયના પુરુષપ્રધાન સમાજમાં પણ નૂરજહાંની ખુમારી ઓછી ન હતી. બેગમને મનાવી લેવા માટે બાદશાહ જહાંગીરે એક યુક્તિ રચી. સાંજ પડવાની હતી ત્યારે જહાંગીર બાદશાહે બાગના રસ્તા પર સુગંધીદાર ગુલાબનાં ફૂલોની પાંખડીઓ પથરાવી દીધી. સૂર્યના અજવાળામાં ગુલાબની સુગંધ અધિક પ્રસરતી રહી. એક છેડેથી પુષ્પાચ્છાદિત રસ્તા પર નૂરજહાંએ ચાલવા માંડ્યું અને બીજે છેડેથી જહાંગીરે ડગલાં માંડ્યાં. બંને જણાં અધવચ્ચે ભેગાં થયાં અને મનમેળ થઇ ગયો!
લેખિકાએ પુસ્તકમાં લંકાપતિ રાવણની વાત પણ કરી છે. દિલ્હીના એક પ્રસિદ્ધ આયુર્વેદાચાર્યે ‘અર્ક પ્રકાશ’ મથાળે લખાયેલી હસ્તપ્રત બતાવી હતી. એ પુસ્તકમાં લંકાપતિ રાવણ અને રાણી મંદોદરી વચ્ચેના સંવાદનો ઉલ્લેખ થયો છે. એમાં રાવણ મંદોદરીને ઘણા પ્રકારના ઔષધીય અર્ક વિશે મંદોદરીને જણાવે છે. આવા અર્કનું મેડિકલ મૂલ્ય ઓછું નથી હોતું. કેટલાક અર્ક કામનાવર્ધક અને શક્તિવર્ધક હોય છે. લેખિકા જણાવે છે: ‘પ્રકૃતિનાં અનેક પરિબળોની માફક પુષ્પો પાસે પણ એક પ્રકારની ઊર્જા હોય છે. કદાચ આ જ કારણે શુભ પ્રસંગો વખતે ગુલાબજળનો છંટકાવ કરવાની પરંપરા જોવા મળે છે.’
કોઇ ખીલેલા પુષ્પની સમીપે હોવું એટલે શું તેની ખબર બહુ ઓછા મનુષ્યોને હોય છે. પ્રત્યેક પુષ્પ સંત જેવું હોય છે. એની સમીપે હોવું એ પણ એક પ્રકારનો ‘સત્સંગ’ ગણાય. ભાગ્યે જ કોઇ માણસ એવો હશે, જે પુષ્પની નજીક જવાની પાત્રતા ધરાવતો હોય. પુષ્પની કોમળતા તો માણસપણાના ભારથી પણ ચગદાઇ મરે. સ્ત્રીઓ પુષ્પને વેણીમાં ગૂંથવાની સુંદર ચીજ તરીકે નિહાળે છે. કોઇ મનુષ્યને ગુલાબમાંથી ગુલકંદ બનાવવામાં રસ હોય છે, તો કોઇને અત્તર બનાવવાનું સૂઝે છે. હજારો પુષ્પો પર બલપ્રયોગ થાય પછી અત્તર બનતું હોય છે. પુષ્પની સમીપે તો પુષ્પમય બનીને જવું પડે. પતંગિયું એમ કરી શકે છે અને તેથી જ એ ખરા અર્થમાં પુષ્પને પામી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરે ક્યાંક લખ્યું છે કે પતંગિયું એટલે હવામાં ઊડતું પુષ્પ અને પુષ્પ એટલે ધરતી પર ઊગેલું પતંગિયું. રવીન્દ્રનાથ તો કહે છે: ‘પુષ્પ પૂર્ણતયા ખૂલે, ખીલી ઊઠે એ જ એનો મોક્ષ ગણાય.’
લેખિકા કહે છે: ‘પુષ્પો તમારી સાથે વાતો કરે છે.’ વાત સાવ સાચી છે. પુષ્પની વાત મૌન દ્વારા સાંભળવી પડે, કારણ કે પુષ્પની માતૃભાષા જ મૌન છે.
માણસ ઘણું ખરું પૂરતી સમજ કેળવાય તે પહેલાં જ પરણી જાય છે. પરણતા પહેલાં પ્રત્યેક યુવાને કાલિદાસનું ‘શાકુન્તલ’ અને દેવર્ષિ નારદનું ‘ભક્તિસૂત્ર’ વાંચવું જોઇએ. કવિ ઉમાશંકર ‘શાકુન્તલ’ના રહસ્યને ‘દાંપત્યમંગલ’ તરીકે પ્રમાણે છે. નારદના ભક્તિસૂત્રમાં પ્રેમનો મહિમા થયો છે. દેવર્ષિ નારદ કહે છે: ‘ભક્તિ પરમપ્રેમરૂપા અમૃતસ્વરૂપા ચ.’ એટલેથી અટકી ન જતાં નારદ પ્રેમ જેવી પવિત્ર ઘટનાને માટે ‘પ્રતિક્ષણવર્ધમાનમ્’ જેવો શબ્દ પ્રયોજે છે. સાચો પ્રેમ કદી વાસી નથી થતો. જે વાસી થાય તે સેક્સ છે અને જે પ્રતિક્ષણ વૃદ્ધિ પામે (પ્રતિક્ષણવર્ધમાનમ્) છે, તે પ્રેમ છે. પ્રેમ નિત્યનૂતન છે અને જે નિત્યનૂતન હોય તે વાસી થઇ જ ન શકે. માવર્સ જોન્સનની પંક્તિઓમાં પ્રેમ નામના પુષ્પત્વનો મહિમા આ રીતે થયો છે. સાંભળો:
ઊગે છે અવનિ પરે
મનોરમ પ્રેમનું ફૂલ,
શાશ્વતીમાં પ્રસરી રહે
ઊંડાં એનાં મૂળ!
હજી પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતું જ રહે છે. પૃથ્વી પર પ્રેમનો કુલ જથ્થો ખૂટી પડે ત્યારે યુદ્ધ શક્ય બને છે. પૃથ્વી પર મનુષ્ય નામનું પ્રાણી પેદા ન થયું હોત, તો યુદ્ધો થયાં ન હોત. ઘરના બાગમાંથી ક્યારેક કોઇ ‘અભણ’ માણસ ફૂલ તોડીને નાક સુધી લઇ જાય ત્યારે મને એ અંગત શત્રુ જેવો જણાય છે. કાકાસાહેબે તો ‘ફૂલનાં ડોકાં કાપનાર’ને કડવા શબ્દોમાં ખખડાવ્યો છે. મને એક વાત જડી છે: પુષ્પની ચોકી થાય, એની સુગંધ તો ચોકીથી પર છે. પૃથ્વીને પ્રેમથી છલકાવી દેવાનો કોઇ ઉપાય ખરો? કવિ સ્નેહરશ્મિનું હાઇકું ટૂંકમાં બધી વાત કહી દે છે:
તથાગતની
મૈત્રીમુદ્રા, અણુનો
અધીર પંજો.
મેકઅપ કર્યા વિનાની શકુંતલા અને મેકઅપના થર ચડાવીને ફરનારી કોઇ અભિનેત્રી વચ્ચે પસંદગી કરવાની હોય તો શું કરવું? મુંબઇના પૃથ્વી થિયેટરમાં એક જાણીતી અભિનેત્રીને મળવાનું બનેલું. તે પોતાની માતાને નાટક બતાવવા માટે આવી હતી. હું ઓળખી ન શકું એટલે અંશે એ મને સાવ જ અનાકર્ષક જણાયેલી. એ વનલતા ન હતી, ઉદ્યાનલતા હતી. ⬛
}}}
પાઘડીનો વળ છેડે
અજમાયશ ખાતર
આ દુનિયા પર
વળગેલી ધૂળને
હું ઝાકળબિંદુ વડે
ધોવા માગું છું.
- જાપાની કવિ બાશો
નોંધ: આ લેખ પૂરો થવા આવ્યો ત્યાં પુસ્તક ઘેરબેઠાં મળી ગયું. પુસ્તકમાં પાન-7 પરની નોંધ ગમી ગઇ. દિલ્હીમાં રહેતાં આયુર્વેદાચાર્ય ઇપ્સિતા ચેટર્જીના મત પ્રમાણે આપણે ત્યાં કામદેવ સાથે જોડાયેલી કથા છે. કામદેવના ભાથામાં પાંચ પ્રકારનાં તીર રહેતાં. કામવાસનાથી ઘવાયેલા મનુષ્ય પર જે તીર છૂટે તે કેવાં હોય? તીરના અગ્ર ભાગે પાંચ પ્રકારનાં પુષ્પો હોય છે. એ કામદેવના બાણ સાથે જે પ્રપંચા હોય છે તેના પર મધ લગાડવામાં આવે છે.
1. અરવિંદ (સફેદ કમળ)
2. અશોક (શોકવિહીન વૃક્ષ)
3. ચૂત (આંબો)
4. નવમલ્લિકા (જાસ્મિન)
5. નિલોત્પલ (ભૂરું કમળ)
આ પાંચ પ્રકારનાં તીર કામદેવ છોડે તેમાં પાંચ પ્રકારનાં સંવેદનો જાગે. (પાન-7) અરવિંદ ઉન્માદ જગાડે, અશોક તાપ જગાડે, ચૂત કપટરહિત ભાવ જગાડે, નવમલ્લિકા સ્તંભન (અકડાઇ) જગાડે કે દૃઢતા જગાડે અને નિલોત્પલ સંમોહન જગાડે. (પાન-7) આ કથાને આખરી ગણવી નહીં. કવિ વર્ડ્ઝવર્થની કવિતા યાદ છે? ‘I Wondered Lonely as a cloud’ જેમાં કવિ પોતાના નિર્વેદને ડેફોડિલ્સ નામનાં ફૂલોમાં ઓગાળી નાખે છે. વર્ડ્ઝવર્થની ‘Daffodils’ કવિતા મનભાવન છે.
Blog:http://gunvantshah.wordpress.com
X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી