કામ સંહિતા- ડૉ. પારસ શાહ / સ્ત્રીઓને સેક્સમાંથી રસ ઓછો થવો સામાન્ય છે?

article by dr. paras shah

Divyabhaskar.com

Jul 22, 2019, 12:24 PM IST

કામ સંહિતા- ડૉ. પારસ શાહ
આપણા સમાજમાં મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્નનાં શરૂઆતનાં બે-પાંચ વર્ષ સુધી દંપતીમાં એકબીજા પ્રત્યેનું જોરદાર આકર્ષણ હોય છે. આ આકર્ષણ જ બંને વચ્ચે પ્રેમ અને સેક્સના સંબંધોને સતત તરોતાજા રાખે છે. જોકે, એક-બે બાળકોના જન્મ બાદ કોઇ અગમ્ય કારણસર સ્ત્રીઓની કામોત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
18થી 42 વર્ષના કુલ 1773 સ્ત્રી-પુરુષોની સેક્સલાઇફ અથવા તો તેની ખામી અંગે સર્વે કરેલો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાની સેક્સલાઇફમાં લાંબા સમયથી કે અલ્પકાલીન સમસ્યા અનુભવતા પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે હોવાનું નોંધપાત્ર તારણ આ અભ્યાસમાં બહાર આવ્યું હતું. 41 ટકા મહિલાઓએ અભ્યાસ દરમિયાન જણાવ્યું હતું કે ગયા વર્ષે આશરે એકાદ મહિનાનો ગાળો એવો હતો કે જે દરમિયાન સેક્સલાઇફમાં તેમનો રસ અત્યંત ઘટી રહ્યો હતો. જ્યારે દર 10માંથી એક મહિલાએ જણાવ્યું કે જાતીય ઉત્કંઠા મંદ થવાની સમસ્યા આશરે છ મહિનાથી પણ વધુ લાંબા સમયથી તેમને પરેશાન કરી રહી છે.
મહદંશે નાનાં બાળકો ધરાવતી મહિલાઓ લાંબા તથા ટૂંકાગાળાની જાતીય ઇચ્છાઓના અભાવથી કે તેમાં ઘટાડો થવાની સમસ્યાથી પીડાય છે. પુરુષો પણ આ સમસ્યાનો ભોગ બને છે, પરંતુ તેમનામાં આ પ્રમાણ મહિલાઓની સરખામણીએ અડધા કરતાં પણ થોડું ઓછું જોવા મળે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આ તેમની સૌથી મોટી જાતીય સમસ્યા નથી. આમ, મહિલાઓને સેક્સમાંથી સાવ રસ ઊડી જવાનો કે તેમાં ઘટાડો થવાનાં કારણો કયાં કયાં છે, આવું શા માટે થાય છે એ અંગે અહીં માહિતી અપાઇ છે.
કામેચ્છા ઘટી જવી એટલે શું?
જાતીય ઇચ્છા કે કામાવેગની સ્પષ્ટ વ્યાખ્યા આપવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે તે શારીરિક કરતાં વિશેષ માનસિક બાબત છે. કામેચ્છામાં ઘટાડો એટલે ગયા વર્ષના કેટલાક મહિનાઓ દરમિયાન સેક્સ માણવામાં રસ ઘટી જવો.
શું સેક્સમાંથી રસ ઓછો થઈ જવાની બાબત મહિલાઓમાં સામાન્ય છે?
જાતીય જીવનમાં રસ ઘટી જવાની સમસ્યા એક સામાન્ય બાબત છે. સેક્સ માણવા માટેની ઇચ્છા ઓછી હોવી એ તમારી નિયમિત જીવનશૈલી, સંબંધો કે શરીરમાં થયેલા અસંતુલનનું પરિણામ છે. ઘણી મહિલાઓ એવું અનુભવે છે કે તેઓ તેમના સાથીને પૂરતો સંતોષ નથી આપી શકતી. સેક્સમાંથી રસ ઘટી જવાને કારણે જીવનની અન્ય બાબતોમાંથી રસ ઘટતો જણાય છે. તાજેતરમાં જ સારવાર માટે આવેલા એક મહિલા દર્દીને છેલ્લાં આઠ વર્ષથી સેક્સમાં રસ ઊડી ગયો છે. તે હંમેશાં તેનાં બે બાળકો અને પતિની કાળજી રાખવાના વિચારોમાં જ ગૂંથાયેલી રહે છે. જેના પરિણામે ધીમે ધીમે તે જીવનમાંથી સેક્સ સિવાયની અન્ય બાબતોમાંથી આનંદ મેળવાનું પણ વિસરી ગઇ છે. કામેચ્છાને પુન: જાગૃત કરવી શક્ય છે. જોકે, આ માટે સૌ પ્રથમ એ બાબત જાણવી જરૂરી છે કે સેક્સમાંથી રસ ઊડવાનાં કારણો કયાં કયાં છે. આ અંગે આવતા સપ્તાહે ચર્ચા કરીશું.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી