ચાલો સિનેમા- ભાવના સોમૈયા / મૂક ફિલ્મોના સમયને સલામી

article by bhawanasomaaya

Divyabhaskar.com

Aug 02, 2019, 06:19 PM IST

ચાલો સિનેમા- ભાવના સોમૈયા
​​​​​​​ભુવનેશ્વરમાં કલિંગા લિટરેચર ફેસ્ટિવલની થીમ હતી ‘મહાત્મા ગાંધીઝ વિઝન ઓફ સેલ્ફ એન્ડ ઇન્ડિયા.’ ગાંધીજી નરસિંહ મહેતાના પ્રશંસક હતા અને નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના ભક્ત. યોગાનુયોગ જ કહો કે મારી બુક શેલ્ફ સાફ કરતાં મને એક બુક મળી ‘સાગર મૂવિટોન અને ચીમનલાલ દેસાઇની રીલ બાય રીલ સ્ટોરી.’
આ બુક પાંચ વર્ષ પહેલાં અંગ્રેજી અને ગુજરાતીમાં રીલિઝ કરવામાં આવી હતી, જેમાં 1930માં અર્દેશિર ઇરાની દ્વારા ઇમ્પીરિયલ ફિલ્મ્સ નામની ફિલ્મ કંપનીની શરૂઆત અને તે પછી ચીમનલાલ દેસાઇએ તેને ટેક ઓવર કરી અને ડો. અંબાલાલ પટેલ જે બેંગ્લુરુમાં ડિસ્ટ્રિબ્યૂટર્સ તરીકે કામ કરતા હતા, તેમની તવારીખની નોંધ છે. આ બુકમાં ટોકિઝ અસ્તિત્વમાં આવી તે પહેલાંની મૂક ફિલ્મોની વાત છે, જેમ કે, ‘મેરી જાન’ અને ‘રોમેન્ટિક પ્રિન્સ’. ફિલ્મોના સુવર્ણકાળનું આમાં સુંદર રીતે નિરુપણ કરેલું છે કે કઇ રીતે ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને લેવામાં આવતી હતી.
સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ સાગર દ્વારા 1932માં પ્રોડ્યુસ કરવામાં આવી અને તે પછીથી કંપનીએ તામિલ, તેલુગૂ, બંગાળી અને પંજાબી સહિત અન્ય ભાષાઓમાં પણ ફિલ્મ પ્રોડ્યુસ કરી. અનેક કલાકારોએ સાગર બેનર સાથે જોડાઇને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પછી તેમણે તેમના પોતાના પ્રોડક્શન હાઉસ શરૂ કર્યાં, જેમાં મહેબૂબ ખાનનો પણ સમાવેશ થાય છે, જેમને સાગર મૂવિટોનની 1935માં આવેલી ફિલ્મ અલ હિલાના ડિરેક્ટર તરીકે સાગર મૂવિટોને પ્રથમ તક આપી હતી.
અન્ય જાણીતા કલાકારો જેમને સાગર મૂવિટોને લોંચ કર્યાં તેમાં મોતીલાલ, સુરેન્દ્ર, કુમાર, માયા બેનર્જી, બિબ્બો, સબિતા દેવી, સ્નેહપ્રભા પ્રધાન અને નૂર મોહમ્મદનો સમાવેશ થાય છે અને અન્ય ઉસ્તાદો જેવા કે પ્રાણસુખ નાયક, અનિલ બિશ્વાસ, અજિત મર્ચન્ટ, કૌશિક, ચંદ્રકાંત પંડ્યા અને સિનેમેટોગ્રાફર ફરદૂન ઇરાની જે કાયમ માટે આ બેનરમાં રહ્યા તેમનો પણ સમાવેશ થાય છે.
પહેલાં જ્યાં સુધી કોઇ સારી વાર્તા ન હોય ત્યાં સુધી કોઇ ફિલ્મ બનાવતાં નહીં. સાગર મૂવિટોને સાહિત્યમાંથી સારી વાર્તાઓ લઇ 1930માં ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું, જેમ કે કનૈયાલાલ મુન્શી અને અન્ય અનેક ફિલ્મો જેવી કે ડો. મધુરિકા, વીર કા બદલા, દો દીવાને, કુલવધૂ અને કોકિલા વગેરે.
’40માં જ્યારે કંપની જનરલ પિક્ટર્સ સાથે નેશનલ સ્ટુડિયોઝ તરીકે જોડાઇ ત્યારે પ્રોડક્શનની કામગીરી વધી ગઇ અને પરિણામે પ્રેક્ષકોની પણ અપેક્ષાઓમાં વધારો થયો. આ બેનરે 52 હિંદી ફિલ્મો બનાવી જેમાં ‘સિલ્વર કિંગ’ (1935), ‘ડેક્કન ક્વીન’ (1936), ‘જીવનલતા’ (1936), ‘ગ્રામોફોન સિંગર’ (1938), ‘પોસ્ટમેન’ (1938), ‘હમ, તુમ ઔર વો’ (1938), ‘ઉસકી તમન્ના’ (1939), ‘અલીબાબા’ (1940) અને મહેબૂબ ખાનની ‘ઔરત’ જે મૂળ સાગર મૂવિટોને પ્રોડ્યુસ કરી હતી, પણ નેશનલ સ્ટુડિયોઝ હેઠળ રીલિઝ થઇ.
ચીમનલાલ દાસ અનેક દાયકાઓ સુધી સિનેમા સાથે સંકળાયેલા રહ્યા અને તેમણે પંદર વર્ષમાં 75 ફિલ્મો પ્રોડ્યુસ કરી જેમાં 61 હિંદી, 4 ગુજરાતી ફિલ્મો, 5 તામિલ ફિલ્મો, 3 તેલુગૂ ફિલ્મો અને એક બંગાળી તથા એક પંજાબીમાં પ્રોડ્યુસ કરી હતી. ઘણા ઓછાને ખબર હશે કે દેસાઇએ કેટલીક ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું હતું. આ ફિલ્મો હતી, ‘સંસ્કાર’ (1940), ‘રાધિકા’ (1941), ‘નિર્દોષ’ (1941), ‘સવેરા’ (1942), ‘આદાબ અર્ઝ’ (1943), ‘ગુંજન’ (1948). ફિલ્મ ‘રાધિકા’માં નલિની જયવંતને ઇન્ટ્રોડ્યુસ કરનારા દેસાઇ જ હતા, જેણે પછી દેસાઇની સાથે લગ્ન કર્યાં હતાં. દેસાઇએ ત્રણ ફિલ્મો પછી નેશનલ સ્ટુડિયોઝ છોડી અને પોતાની જ કંપની અમર પિક્ચર્સ શરૂ કરી અને છ ફિલ્મો પછી એક ગુજરાતી ફિલ્મ ‘કરિયાવર’ (1948)માં બનાવ્યા પછી કંપની બંધ થઇ અને ફિલ્મ એક્ઝિબિટરમાં પરિવર્તિત કરવામાં આવી. તેમણે મુંબઇના બાંદ્રા વિસ્તારમાં અનેક દાયકાઓ સુધી નેપ્ચ્યુન થિયેટર્સ અને ન્યૂ ટોકિઝ ચલાવી.
સાગર મૂવિટોનની બુક પ્રેમની વાત છે, બે વર્ષ સુધી કરાયેલા વિસ્તૃત સંશોધનનું પરિણામ છે જે બેનરની કેટલીક અજાણી હકીકતો પર પ્રકાશ પાડે છે અને ઇન્ડિયન ટોકિઝના પહેલા દાયકાના જવલ્લે જ પ્રાપ્ત એવા ફોટોગ્રાફ્સ અને સંસ્મરણો છે અને સાગર મૂવિટોન, નેશનલ સ્ટુડિયોઝ અને અમર પિક્ચર્સના બિરેન કોઠારીએ લખેલા અને સંકલન કરેલા 79 ગીતોની સીડી પણ છે. આ બુક મૂક ફિલ્મો અને બોલતી ફિલ્મોની શરૂઆતને અર્પણ કરાયેલી શ્રદ્ધાંજલિ છે.
મેં જો કલિંગા લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી ન હોત, મહાત્મા ગાંધી અને તેમની જીવની પરના સેશનમાં હાજર ન રહી હોત, તો મને નરસિંહ મહેતા, સાગર મૂવિટોન અથવા ચીમનલાલ દેસાઇ યાદ ન આવ્યા હોત. મને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે કેમ આપણે કોઇને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઇની જન્મતિથિ કે મૃત્યુતિથિની રાહ જોઇએ છીએ! આપણી ફિલ્મોમાં અત્યારે નર્યો ઘોંઘાટ જ હોય છે, ત્યારે આ જ સાચો સમય છે આપણા મૂક સિનેમાના જમાનાને સલામ કરવાનો. તમે શું માનો છો?
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી