Back કથા સરિતા
ભદ્રાયુ વછરાજાની

ભદ્રાયુ વછરાજાની

સમાજ (પ્રકરણ - 33)
લેખક ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજના મર્મજ્ઞ છે.

પ્રાણીઓનાં સમાધિ મંદિરો?

  • પ્રકાશન તારીખ22 Jul 2019
  •  

પ્રશ્ન વિશેષ - ભદ્રાયુ વછરાજાની
આજે પણ સમાચાર વાંચીએ છીએ કે: અમરનાથનું શિવલિંગ બને કે તરત એક કબૂતર યુગલ અચૂક આવી જાય છે! મંદિરમાં આરતી થાય તો એક ગાય ત્યાં આવીને બસી જાય છે! આ બધું કપોળકલ્પિત છે તેમ માનવું એટલું યોગ્ય નથી, કારણ કે થિરુઅન્નામલ્લાઇના શ્રી રમણ મહર્ષિ આશ્રમમાં આજે પણ જાઓ તો ગાય, કૂતરા, બિલાડી, વાંદરાનાં સમાધિ મંદિરો છે! પ્રાણીઓનાં સમાધિ મંદિરો? વિચિત્ર લાગે છે ને? પણ શ્રી રમણ મહર્ષિ અરુણાચલમ પર્વતની ગુફાઓમાં જ જીવ્યા અને આ બધાં પ્રાણીઓની સાથે એક જીવ થઇને સિદ્ધ થયા! શ્રી રમણ કહેતા: ‘આપણને ખ્યાલ નથી કે કયા આત્માએ પ્રાણીનું શરીર પસંદ કર્યું છે અને તેઓ ગાય-કૂતરા-વાંદરાના સ્વરૂપે તેનાં અધૂરાં કર્મો પૂર્ણ કરવા આપણી સંગાથે થયાં છે.’
શ્રી મહર્ષિના જીવનનું અભિન્ન અંગ તે લક્ષ્મી નામની ગાય. લક્ષ્મીની માતા આશ્રમને ભેટમાં મળેલ અને તે ભેટમાં મળેલી ગાયે સતત ચાર વર્ષ સુધી બરાબર મહર્ષિના જન્મદિને જ એક-એક વાછરડીને આશ્રમમાં જન્મ આપ્યો! એક જ તારીખે સતત ચાર વર્ષ સુધી! 1900ની સાલમાં શ્રી રમણને લીલોતરી ખવરાવનાર વૃદ્ધ સ્ત્રીનો પૂર્વજન્મ તે આ લક્ષ્મી ગાય છે, એવું શ્રી રમણ કહેતા. તે વૃદ્ધ સ્ત્રી આસપાસનાં જંગલોમાંથી લીલોતરી એકત્ર કરી ખડક પરની પોતાની ગુફામાં તેને રાંધી સ્વામી રમણ પાસે આવી વિનંતી કરતી: ‘આપના માટે થોડો ખોરાક લાવી છું, આપ આરોગો.’ ક્યારેક શ્રી રમણ પણ એની કુટિયામાં જઇ શાક સમારતા અને તેને રાંધવામાં મદદ કરતા. આ વૃદ્ધ સ્ત્રીનું જ્યારે દેહાવસાન થયું ત્યારે આશ્રમમાં જ આખરી વિસામો અપાયો. લક્ષ્મી આ વૃદ્ધ સ્ત્રીનો અવતાર છે અને તેથી તેનું સ્થાન આશ્રમની ગૌશાળામાં મોખરે રહેતું. ગૌશાળાનાં ભવનના ઉદ્્ઘાટન અવસર પહેલાં થોડા કલાકો લક્ષ્મીએ પોતાને બંધનમુક્ત કરવા ઉધામા આદર્યા. લક્ષ્મીને બહાર રહેવું ન હતું. લક્ષ્મી હોલમાં જવા લાગી! શ્રી રમણે આ જોયું એટલે બોલ્યા: ‘રહેવા દો લક્ષ્મીને ત્યાં મને તેના મહેલામાં આવવાનું આમંત્રણ આપવા આવી છે.’ અને સૌના આશ્ચર્ય વચ્ચે નક્કી કરેલા સમયે શ્રી રમણને લક્ષ્મી ગૌશાળાના દરવાજા સુધી દોરી લાવી! આ લક્ષ્મી ગાય હરરોજ શ્રી મહર્ષિને મળવાની તક શોધી લેતી અને તેને જે કંઇ કહેવામાં આવે તે શાંતિથી સાંભળતી અને સમજતી. શ્રી મહર્ષિના પડખામાં જ લક્ષ્મીએ અંતિમ શ્વાસ લીધા અને શ્રી મહર્ષિના ધ્યાનખંડની સામે જ લક્ષ્મી ગાયને આખરી વિસામો અપાયો. શ્રી રમણ મહર્ષિએ જ તેનો સમાધિલેખ લખી પૂરા કદની લક્ષ્મીની પ્રતિમા સાથે સમાધિમંદિરમાં પ્રસ્થાપિત કરેલ.
ચિન્ના કુરુપ્પન એ મહર્ષિનો પ્રિય કૂતરો. મહર્ષિ કહેતા: ‘તે ઊંચા આદર્શવાળી વ્યક્તિ છે. જ્યારે હું વિરુપક્ષ ગુફામાં રહેતો હતો ત્યારે કશુંક કાળું રોજ છુપાઈને ત્યાંથી પસાર થાય, પણ દૂરથી. તેનું માથું દેખાય, પણ અંતર જાળવે. એનો વૈરાગ્ય જબરો. કોઇ સાથે દોસ્તી નહીં. મેં તેના વૈરાગ્ય અને અનાસક્તિનો આદર જાળવ્યો. તેના માટે ખાવાનું મૂકીને હું ચાલી નીકળું. એક દિવસ અમે જતા હતા ત્યાં કરુપ્પન અચાનક વચ્ચે કૂદ્યો અને મારી પાસે આવી મારી સાથે પોતાનું શરીર ઘસી પૂંછડી પટપટાવવા લાગ્યો. ઘણા બધાના જૂથમાંથી તેણે મને જ શોધી કાઢ્યો તેનું મને સાનંદાશ્ચર્ય હતું. બસ, પછીથી તેની એકલતા જતી રહી. વૈશ્વિક ભાતૃભાવ તેનો આદર્શ બની ગયો. એક સંતની અદાથી તે શિસ્તના આશ્રમ નિયમોનું પાલન કરતો હતો. એકવાર મંત્રપાઠ કરી રહેલા જડ બ્રાહ્મણ પાસે તે જઇ ચડ્યો અને પેલા બ્રાહ્મણે તેને લાકડી ફટકારી અને કરુપ્પન આશ્રમ છોડી ગયો તો પછી ક્યારેય પાછો જ ન ફર્યો! પોતાને જ્યાં એક વખત ખરાબ અનુભવ થયો ત્યાં ફરી ક્યારેય ન જવાની ઉમદા સમજ એમણે જાણે કેળવી લીધી હતી.’
કામલ પણ શ્રી મહર્ષિનો ભોમિયો હતો. કામલ એવો કૂતરો હતો કે જેને શ્રી રમણ મહર્ષિ કહેતા કે જા, આ મુલાકાતીને આશ્રમ બતાવી આવ એટલે આશ્રમ ભ્રમણની જવાબદારી કામલની! ભગવાનને ધરાવેલો પ્રસાદ જ તે આરોગતો!
આપણે તો વારે તહેવારે ગૌદાન કે જીવદયા માટે થોડીક ચલણી નોટો ધરીને પહોંચો ફડાવી રાજી થનારા જીવ છીએ, આપણને વેદ અને વેદના, સંવાદ અને સંવેદના, સહાનુભૂતિ ને સમાનુભૂતિ જેવા શબ્દો ક્યાંથી અનુભવાય? આ શબ્દો નથી, શાસ્ત્રો છે, એટલું સમજાય તો કરુણા પ્રગટે અને કરુણા પ્રગટે તો માણસમાંથી મહર્ષિ નિર્માણનો માર્ગ ગળે ઊતરે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP