મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા / અષ્ટાવક્ર ગીતા: જ્ઞાનવિશ્વનો અનુપમ ઉપહાર

article by ashok sharma

Divyabhaskar.com

Jul 25, 2019, 04:07 PM IST

મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા
મહારાજા
જનકને રાજર્ષિ કહે છે. જ્ઞાન અને કર્મનો સંગમ એટલે જનકવિદેહી. જેણે જીવતા જ મોક્ષ મેળવ્યો છે, એ વિદેહી! સંસ્કૃતમાં જનક એટલે પિતા. સીતાજીના પિતાનું નામ જનક હતું. પુરાણોમાં અનેક સ્થળે જુદા જુદા કાળખંડમાં જનકરાજાનો ઉલ્લેખ આવે છે. એટલે એ બધા એક જ વ્યક્તિ હશે તેવું માનવાને બદલે મિથિલામાં રાજાને જનક કહેવાની પરંપરા હશે, તેમ સમજવું વધુ યોગ્ય છે. મહાનંદા, ગંડકી અને ગંગામૈયાના પાવન કિનારે હિમાલયની તળેટીમાં ફેલાયેલા વિદેહ (આજના બિહાર અને નેપાળનો અમુક ભાગ) રાજ્યની પાટનગરી મિથિલા હતી. મિથિલાની સંસ્કારભૂમિમાં જ્ઞાન-વિજ્ઞાનને પ્રોત્સાહન અપાતું હતું. એ અર્થમાં જનક શબ્દ ઘણો અર્થપૂર્ણ છે.
એકવાર મહર્ષિ અષ્ટાવક્ર જનક રાજાની સભામાં જઇ પહોંચ્યા. તેમનો શારીરિક દેખાવ (વિકલાંગતા) જોઇને સભાસદો હસી પડ્યા. અષ્ટાવક્ર જનકને કહે છે, ‘હે રાજન! હું તો તમારાં વખાણ સાંભળીને વિદ્વત્ચર્ચા માટે આવ્યો હતો. જોકે, તમારા માણસોને મારા જ્ઞાનને બદલે મારા વાંકાચંૂંકાં અંગોમાં રસ પડ્યો, એ જોઇને મને લાગે છે કે મેં અહીં આવવામાં ભૂલ કરી છે. આ જોઇને પેલા દરબારીઓ ભોંઠા પડ્યા. મહારાજા જનકે ક્ષમાયાચના કરી અને ઋષિનો ઉચિત સત્કાર કર્યો. જનક અને અષ્ટાવક્ર વચ્ચે સુંદર સંવાદ થાય છે. કલ્પના કરો કે એક વયોવૃદ્ધ મહારાજા એક નાનકડા બ્રહ્મબાળ પાસે જ્ઞાનની દીક્ષા માંગી રહ્યા છે. રાજા પૂછે છે, ‘હે પ્રભો! જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિનો મર્મ મને સમજાવો!’ અષ્ટાવક્ર એક જ વાક્યમાં સમજણનો અખૂટ ભંડાર ખોલી આપે છે. ‘હે રાજન! જો તું મુક્તિ ઇચ્છે, તો બે કામ કર. એક તો તારા મનમાંથી વિષયલાલસા રૂપી ઝેરનો ત્યાગ કર અને ક્ષમા, ઋજુતા(સરળતા), દયા, સંતોષ અને સત્ય નામના અમૃતનું પાન કર.’
માણસના મનને બીમાર કરતા બે રોગ છે; લોભ અને મોહ. ‘આ મારું, આ તારું!’ કે પછી ‘મેં આટલું મેળવ્યું, હવે બીજું આટલું અંકે કરું!’ આ માયાજાળમાં મનખો ગોટે ચઢે અને ઘણીવાર ઊંધે કાંધ પટકાય પણ ખરો. વળી, એ કેવું વિચિત્ર કે ઝેરના આ ડોઝ જાતે જ લઇએ. વળી, આ ડોઝનું વ્યસન પણ જબરું! એકવાર વળગણ થયું કે ખેલ પૂરો. જો ભાગ્યમાં હોય અને અષ્ટાવક્ર જેવા ગુરુ મળી જાય તો ઝેરને બદલે અમરતના આસ્વાદની લગની લાગે. ક્ષમા એટલે માફી આપવી. મોટાભાગના કૌટુંબિક કે વ્યાવસાયિક તણાવ વેર વાળવાની વૃત્તિનું પરિણામ હોય છે. એક કોશિશ કરવા જેવી છે. કોઇ દિલ દૂભવે તો બિનશરતી માફી આપી જુઓ. તેના હૃદયમાં પસ્તાવાનું અમીઝરણું ફૂટી નીકળશે. તેના કાંઠે સંબંધોનાં મધુર ઉપવનો ખીલી ઊઠશે! સરળતા માટે કેટકેટલું કહી શકાય! મહાનતા અને સરળતા લગભગ પર્યાયવાચી છે. સરળ સ્વભાવનો માણસ રચનાત્મક હોય. એ નવું નવું શીખે અને સતત આગળ વધે. દયા તો બધા સદ્ગુણોના મોસાળનું સરનામું છે! ‘શિવજ્ઞાનથી જીવસેવા’ જેવા મહામંત્રનું ઉદ્્ગમસ્થાન એટલે કરુણા. સંતોષ મહાન ગુણ છે. એ પ્રગતિનો અંત નથી, પણ વધુ ઊંચે અને આગળ વધવા માટેનું ભાથું છે. બધા સદ્ગુણો જેના વગર સાવ નકામા, એ ગુણનાયકનું નામ સત્ય! જે સત્યની એરણે ચકાસાઇને સાચું ઠરે એ જ કરવા જેવું!
એક જ શ્લોકમાં મહર્ષિએ કેટલું બધું કહી દીધું! એકને વિષ કહ્યું અને બીજાને અમૃત. વિષ શરીરને હાનિ પહોંચાડે અને અમૃત ફાયદો કરે, ખરું ને? અહીંયાં શરીરની વાત નથી. મનની વાત છે. મનને જે માંદું કરે એ ઝેર અને સાજું કરે એ અમૃત. ઋષિએ તો ઝેર અને અમૃતની પરખ કરી આપી. શું પીવું-શું ન પીવું એ આપણા હાથમાં છે! રખે
કોઇ આને ધર્મ-ઉપદેશ સમજે, આ તો
કર્મોપદેશ છે! Á
[email protected]

X
article by ashok sharma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી