Back કથા સરિતા
અશોક શર્મા

અશોક શર્મા

પૌરાણિક કથા (પ્રકરણ - 27)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

રામનું જીવનગીત: મેનેજમેન્ટનું મૉડેલ!

  • પ્રકાશન તારીખ18 Jul 2019
  •  

મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા
ભારતીય દર્શનમાં અનેક ગીતા છે. મહાભારતની શ્રીમદ્ભગવદ્ગીતા, શ્રીમદ્ભાગવત મહાપુરાણની અવધૂતગીતા અને અધ્યાત્મરામાયણની રામગીતાનું મંથન કર્યું. આગામી અંકોમાં અષ્ટાવક્રગીતા અંગે વાત કરવી છે. તે પહેલાં રામના રસાયણનું આચમન કરી લઇએ તો કેવું!
રામ એક શબ્દ જ મહામંત્ર છે. તેનો વિષ્ણુ સહસ્રનામ જેટલો જ મહિમા છે. સત્ય અને ન્યાયની વાત રામના મુખે શોભે. કર્મ અને યોગની વાતો શ્રીકૃષ્ણના કંઠે ગવાય તો ગળે ઉતરે. કારણ કે તેઓ જે બોલ્યા છે, તેનું જીવનભર આચરણ કર્યું છે. તમે રામગીતાનો કોઇપણ શ્લોક લઇને તેને રામના જીવન સાથે સરખાવો. વાણી અને કર્મનો આટલો ઉંડો સંબંધ ભાગ્યે જ કોઇ ચરિત્રમાં જોવા મળશે. સ્ફટિક જેવું પારદર્શક જીવન જીવનાર રામ તેની વાત કરે, તે યોગ્ય જ છે. સ્ફટિક અને આત્માના રૂપકને સમજવા રામચરિતથી મોટું ઉદાહરણ
ક્યાં જડે?
એકવાર કોઇ યુવા શિબિરમાં વાત કરવા રજા મૂકી તો બોસે કારણ પૂછ્યું. રાષ્ટ્રીય ચારિત્ર્ય અને રામાયણ વિષયે વાત કરવા જવું છે, તેવું કહ્યું. તેમણે નિર્દોષભાવે સવાલ કર્યો, ‘તમને લાગે છે કે આજના જમાનામાં આ મૉડેલ પ્રસ્તુત છે?’
સહજ જવાબ સરી પડ્યો. ‘સવાલ તેની પ્રસ્તુતિનો નથી, આપણી હિંમત અને સજ્જતાનો છે.’ આ સવાલ કદાચ ઘણાને થાય. ‘રાવણ’ને મોજમાં જોઇને ‘રામનો રસ્તો’ છોડી દેવાની બાલિશતા ન કરાય. રાવણનો અંત યાદ રાખવો! રાવણ-કુંભકર્ણ તો રામના જમાનામાં પણ હતા.
બીજી બાજુ હનુમાન અને ભરત-લક્ષ્મણ જેવા સાથીઓ ક્યાં નહોતા? જો શુપર્ણખા અને કૈકેયી જેવી ખટપટો હતી તો સીતા-જટાયુ જેવા પ્રાત:સ્મરણીય પાત્રો પણ હતા જ. આ બધા માત્ર પાત્રો નથી. મારા-તમારા પડોશમાં રમતાં ‘રામનાં રમકડાં’ છે. કોનો સાથ લેવો અને કોને પડતાં મેલવાં એ આપણા હાથમાં છે. યાદ રહે, રામનું કામ આંગળી ચિંધવાનું છે, હાથ ઝાલીને દોરવાનું નથી!
મેનેજમેન્ટ માટે રામનું મૉડેલ કામનું ખરું? વિચારો. એક સવાલ કરું? જો આ મૉડેલ કામનું ન હોત તો તેનો આટલો પ્રચાર અને સ્વીકૃતિ હોત ખરી? ‘તેની ઉપયોગિતા ક્યાં છે?’ તેવું પૂછવાને બદલે વધુ યોગ્ય સવાલ એ છે કે ‘તેની પ્રસ્તુતિ ક્યાં નથી?’
કોઇપણ થિયરીને અમલમાં મૂકતાં પહેલાં ટેસ્ટ કરવામાં આવે છે. તેના માટે તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી અસર જોવાની રહે છે. જેમ કે કોઇપણ દવાને ઉપયોગમાં લેતાં પહેલાં તેની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. એક મહિનો વ્યવહારમાં રામરસાયણની ટ્રાયલ કરીએ. રામની જેમ સાચું બોલવાની હિંમત કેળવીએ. સાથીઓના હિતાર્થે બાંધછોડ કરવાની ઉદારતા દાખવીએ. જે કરીએ તેમાં સો ટચની ઇમાનદારી અને કર્મઠતા બતાવીએ. સંજોગોનો નિર્ભયતાથી સામનો કરીએ. સંકટોને અવસરમાં પરિવર્તિત કરીએ. એક વાતની ખાતરી રાખીએ. આ પ્રયોગમાં કશું ગુમાવવાનું નથી. માત્ર મેળવવાનું છે. રાવણના અહંકાર અને અન્યાયથી ઘાયલ થયેલા વિભીષણ રામના વફાદાર સાથી બન્યા. રાવણની હારમાં તેની મુખ્ય ભૂમિકા હતી. માતા કૈકયીના ષડ્યંત્રથી મળેલા રાજપદનો બહિષ્કાર કરી પુત્ર ભરત રામપાદુકાના પૂજારી બની રહ્યા! બંધુ લક્ષ્મણ ચૌદ વરસ સુધી વનમાં ખડે પગે સાથ આપ્યો. ભરદ્વાજ અને અગસ્ત્ય જેવા મહર્ષિઓએ દિવ્ય વિદ્યા આપી. હનુમાન જેવા સમર્પિત સાથી મળી ગયા. આ બધું રામ-રસાયણનો પ્રતાપ છે! રામની કથા ભલે જુનવાણી લાગતી હોય, રામનું મેનેજમેન્ટ મૉડેલ તો એવર-રેલેવન્ટ છે. ટેસ્ટ ઇટ અને ટેઇક ઇટ!
[email protected]

x
રદ કરો
TOP