Back કથા સરિતા
અશોક શર્મા

અશોક શર્મા

પૌરાણિક કથા (પ્રકરણ - 27)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

ગીતાવલોણે મનોમંથન!

  • પ્રકાશન તારીખ17 Oct 2019
  •  
મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા
પ્રાચીનયુગમાં ગીતાની તોલે આવે તેવા સંવાદોના અભ્યાસ પછી આપણા યુગના બે લોકપ્રિય ગીતાભાષ્યો ટિળકગીતા અને ગાંધીગીતાની વાત કરી. શ્રી કિશોરલાલ મશરુવાળાના મધુર ગીતાધ્વનિનું રસપાન ગતાંકમાં કર્યું. મશરુવાળાએ સ્વતંત્રતાની લડાઇ વેળા જેલવાસ ભોગવ્યો છે. જેલમાં બેઠા તેમણે ‘ગીતામંથન’ નામની ગુજરાતી ટીકા પણ લખી છે. નવજીવન પ્રકાશિત (1933) આ ગ્રંથ પણ ગુજરાતીમાં ગીતા ભણવા માટે ઉપયોગી છે. અહીં લેખકે ગીતાના સિદ્ધાંતોને વ્યવહારુ જીવનમાં ઉતારવા સરળ દાખલા-દલીલો આપ્યાં છે. પુસ્તક લખાયાને લગભગ નવ દાયકા થવા છતાં કેટલીક વાતો આજે પણ પ્રસ્તુત છે. તે લેખકની વ્યવહારુ છતાં દીર્ઘદૃષ્ટિની કમાલ જ કહેવી પડે!
પુસ્તકના ઉપસંહારમાં લેખક ધાર્મિક ગ્રંથો રચનારા અને વાંચનારા માણસોના બે ભાગ કરે છે. એક એવો જ્ઞાનીઓનો વર્ગ છે, જે જીવનમાં ઊંચાં મૂલ્યોને અનુસરી ઈશ્વરને પ્રાપ્ત થવાનો અભિગમ રાખે છે. નિયમાનુસાર તપ, વ્રત, ઉપવાસ, પશ્ચાતાપ વગેરે કરીને આત્મશુદ્ધિનો પ્રયાસ કરનાર આ વર્ગ છે. બીજો વર્ગ એ છે કે જે પૂરેપૂરો સંસારમાં ઓળઘોળ છે. આમ છતાં તે ધર્મથી સાવ વિમુખ નથી. તેમને તત્ત્વજ્ઞાનના ભારેખમ વિચારો સાથે બહુ લેવાદેવા નથી. પોતાના દૈનિક કામકાજમાં સફળતા લાવે તેવા આદર્શોને જીવનમાં ઉતારવા આ લોકો તત્પર રહે છે. તેને આપણી સમજ ખાતર કર્મમાર્ગી કહીએ. આમ આવા બે વર્ગને સરખો સંતોષ મળે તેવું ધર્મદર્શન એટલે ગીતા! ગીતાનો અનાસક્તિયોગ જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ જ્યાં આવી મળે તે દ્વિભેટો છે. અહીંથી કર્મયોગ નામનો સહિયારો પથ શરૂ થાય છે.
શ્રી મશરુવાળા કહે છે કે સત્ય અને ધર્મ અત્યંત વ્યાપક અને અર્થ ધરાવતા શબ્દો છે. સમબુદ્ધિ ધર્મનો આત્મા છે. અમુક પુસ્તક કે સલાહ ધર્મયુક્ત છે કે કેમ તેમ તે જાણવા એટલું જાણવું પૂરતું છે કે તેનાથી સમદૃષ્ટિ વધે છે કે વિષમદૃષ્ટિ. ‘ભેદ કરે તે અસત્ય અથવા અધર્મ અને અભેદ કરે તે સત્ય અને તે જ ધર્મ!’ જૂના જમાનામાં જે કાયદાઓ લખાયા તેમાં ‘હાથને બદલે હાથ અને આંખને બદલે આંખ’ તેવા ઉલ્લેખો હોવા છતાં આધુનિક યુગમાં વિશ્વ સ્તરે સર્વસ્વીકૃત બનેલી દંડનીતિમાં તેને સ્થાન નથી, ખરું ને? વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને લીધે માણસ પોતાના વિશ્વને ઘણું નજીકથી જોઇ-જાણી શક્યો છે. માનવસમાજ અને પર્યાવરણ વિષે સંવેદના ધરાવતો થયો છે. એ દૃષ્ટિએ કર્તવ્યધર્મની વ્યાખ્યા સતત ઉપર ઊઠતી રહેવી જોઇએ.
ડૉ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન આઇડિયાઝ એન્ડ ઓપિનિયન્સમાં ‘ધર્મ અને વિજ્ઞાન’ (આ કટારલેખકનો અનુવાદ ‘જ્યોતિર્ગમય’, પ્ર.‘વિચાર વલોણું’) નામના નિબંધમાં લખે છે, ‘માણસને સ્વાર્થ, અણઘડ ઇચ્છાઓ અને ભયના પાશથી મુક્ત કરે તે ધર્મ. જરા કલ્પના કરો કે આવા અદકા વ્યક્તિત્વમાં વૈજ્ઞાનિક ચેતનાનો અંશ ભળે તો? જાણે સોનામાં સુગંધ! જેણે વિજ્ઞાનની મહત્તા જાણી છે, તેના માટે સમગ્ર બ્રહ્માંડ એક તાંતણે ગૂંથાયેલું પરમ સત્ય બની જશે. બસ, મારી દૃષ્ટિએ ધાર્મિકતાનું ઉચ્ચતમ શિખર એટલે આવા નિજાનંદની અનુભૂતિ.’
આમ તો મનને વલોવવા ઘણાં વલોણાં ફર્યે રાખે છે. ટીવી, નેટ, વોટ્સએપ, ઓફિસમાં દોસ્તોની ગપસપ કે ચાની લારી પરના ગામગપાટા! આ બધાં વલોણાં સપાટી પર શું લાવે છે? સ્વાર્થ, માંદલી હરીફાઇ, સંઘર્ષ અને વેરઝેર કે બીજું કાંઇ? જે સપાટી પર આવે તે વર્તણૂક અથવા કર્મ. એક પ્રયોગ કરવા જેવો છે. એકાદ મહિનો ગીતાના વલોણે મનને મથીએ. તેની અસરો ડાયરીમાં નોંધી રાખીએ. આપણા પર્યાવરણમાં ઉપસતી હકારાત્મક છબીઓને મનના આયને ઝીલીએ. નિરખવા જેવું લાગે તેને પ્રેમથી નીરખીએ. સુગંધિત અને સ્વાદિષ્ટ મન-નવનીતને સાથીઓમાં વહેંચીએ. વહેંચ્યે વધે તે જ ખરું સુખ!
[email protected]
x
રદ કરો

કલમ

TOP