એન્કાઉન્ટર- અશોક દવે / જો જગતમાં ઘડિયાળ ન બની હોત તો શું થાત?

article by ashok dave

Divyabhaskar.com

Dec 09, 2019, 02:53 PM IST
એન્કાઉન્ટર- અશોક દવે
⬛ ઇંઢોણી વગર માથે બેડું રાખે, એને ‘ગાંડી માથે બેડું’ કહેવાય કે નહીં?
- રવીન્દ્ર કૌશિકરાય હાથી, રાજકોટ
- એ ભલે ને ‘આરઓ પ્લાન્ટ’નું ડબલું માથે મૂકીને ફરે... આપણે શું?
⬛ RAW એટલે રોમિયો, અકબર અને વોલ્ટર, તો આ WAR એટલે શું વળી?
- વિપુલ આર. ચૌધરી, પાલનપુર
- ઓહ... તમે તો ધંધે વળગી ગયા...!
⬛ ઓવૈસી, આઝમ ખાન, મેહબૂબા કે ફારૂક અબ્દુલ્લા આપણા દેશમાં જેવું ભસે છે, એવું ચીનમાં જઇને ભસી શકે?
- મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ
- ત્યાં ખસીકરણ અમલમાં છે.
⬛ પાણી ભરવા જતાં કેળનો કાંટો જ કેમ વાગ્યો?
- ધ્રુવિન જોશી, વિસનગર અને પરબત વાઘેલા, ગાંધીનગર
- ટ્રકોનું વજન કરવા માટે વપરાતો કાંટો બેનની સાઇઝ પ્રમાણે નાનો પડે!
⬛ અમારી સોસાયટીના ગરબા પછી રાષ્ટ્રગીત ગવાયું. લોકોમાં જોશ બુલંદ હતો.
- મનોજ પંચાલ, મુંબઇ
- મારા તરફથી જમીન પર લાંબા થઇને આખી સોસાયટીને વંદન.
⬛ ‘બહોત ગઇ... થોડી રહી.’ હવે તો કઠે છે... તમને?- સુરેશ શેઠ, અમદાવાદ
- ‘બહોત રહી... થોડી જ ગઇ!’
⬛ શું તમને ક્યારેય ગુસ્સો આવે છે?
- જસવંતભાઇ પટેલ, કમાણા-વિસનગર
- બહુ આવે છે... પણ કોઇ સામે ય જોતું નથી!
⬛ હવે રાહુલ ગાંધી મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં જશે?
- અનિલ વણપરિયા, છોટાઉદેપુર
- એ ચારે ય વચ્ચે ફર્ક શું છે, એની ખબર પડી જશે, પછી નહીં જાય!
⬛ ‘હાઉડી મોદી’ની અપાર સફળતા પછી ‘હાઉડી દવે’ ક્યારે?- વૃષાંક શાહ, અમદાવાદ
- મહેમાનો ન હોય ત્યારે ઘરમાં અમે લોકો ‘હાઉડી-હાઉડી’ રમીએ છીએ.
⬛ આપના લેખો છાનામાના પાકિસ્તાની અખબારોમાં છપાય છે, તો ત્યાંના બીજા લેખકો એવાં અખબારો કેમ છોડતા નથી?
- રિપલકુમાર પરીખ, અમદાવાદ
- એક લેખકથી તો એ લોકો છાપું કેવી રીતે ચલાવે?
⬛ ફાયદાકારક શું? ધંધો કે નોકરી?
- સુજલ રાવલ, ખેરવા-મહેસાણા
- ખેરવામાં ધંધો ને મહેસાણામાં નોકરી.
⬛ સુખ અને દુ:ખ વચ્ચે શું સમાનતા છે?
- મગનભાઇ ભીખાભાઇ સોલંકી, વલસાડ
- તમે મને બે-ચાર કરોડ આપો ને હું પાછા ન આપું, એમાં મને સુખ ને તમને દુ:ખ (ન થાય તો બંને સમાન થઇ જઇએ.)
⬛ ખોટું ન લગાડશો, પણ હવે ડિમ્પલ ઘરડી નથી લાગતી?- સંજય જે. રાવલ, મોરબી
- ચૂપ બે સાલે!
⬛ સહિયારો નિર્ણય લેવામાં પાવરધો પુરુષ વ્યક્તિગત નિર્ણય લેવામાં કેમ અટવાઇ જાય છે?- જીતેન્દ્રકુમાર એમ. ટાંક, માલગઢ-ડિસા
- કબ્બડીમાં આવું થાય.
⬛ દિવાળી અને હોળીમાં શું તફાવત?
- મહાસુખ દરજી, અમદાવાદ
- ‘મહાસુખ’ અને ‘મહાદુ:ખ’ જેટલો.
⬛ હવે તો શરદપૂનમના અજવાળે સોયમાં દોરો પરોવી શકે, એવી આંખો ય ક્યાં થાય છે?
- જીતેન્દ્ર કેલા, મોરબી
- કોઇ કપડાં સીવતી સ્ત્રી ગમી ગઇ છે?
⬛ મને સફળતા મળે એ માટે શું કરવું જોઇએ?
- સુજલ પટેલ, ગારિયાધાર
- ટીવી-ન્યૂઝ જોવાના બંધ કરો.
⬛ લાઇફ-પાર્ટનર કેવી પસંદ કરાય?
- રોહિત જગાણી, બગસરા
- તમારા પપ્પાએ પસંદ કરી હતી, એવી વિશ્વમાં કોઇએ નહોતી કરી. ત્યારે એમને ‘રોહિત’ જેવો સ્માર્ટ અને સુંદર પુત્ર મળ્યો.
⬛ મારા સવાલનો જવાબ આપશો, પ્લીઝ?
- મંથન પંચાલ
- તમે તો ક્યાં રહો છો, એની ખબર નથી. કેવી ગરીબી હશે કે, મોબાઇલ-ફોન ખરીદવાના ય પૈસા નથી. ખાસ તો... તમારે સવાલ કયો પૂછવાનો છે, એની ય ખબર નથી. શું જવાબ આપું?
⬛ ભજન અને કીર્તનમાં શું ફેર?
- સમર્થ સોજિત્રા, કર્ણાવતી
- ‘કીર્તન’ને ઊલટાવવાથી ફાયદો થાય!
⬛ તમે આમ ઉઘાડેછોગ ‘એન્કાઉન્ટર’ કરતા ફરો છો, તો તમને કઇ કલમ લાગુ પડે?
- રાજન પટેલ, દાવડ-ઇડર
- આજ સુધી વાચકોને ‘એન્કાઉન્ટર’ના સવાલો જ ગમતા હતા, હવે જવાબો ય ગમવા માંડ્યા છે. ‘મૈં બેકસૂર હૂં, મી લોર્ડ...’
⬛ આવતા જન્મમાં આપણને લતા-રફીનાં ગીતો સાંભળવા મળશે?
- કનુ જોશી, વડોદરા
- મને તો કેવળ ગયો જન્મ જ યાદ છે. એ વખતે ય હું એમનાં ગીતો સાંભળતો’તો ખરો!
⬛ માન, મર્યાદા અને મોભો એટલે શું?
- આહિર પ્રકાશ ભોળા, કંટાળા-કોડિનાર
- મને એના અર્થોની ખબર નથી. એટલે આપણે બંનેને એની ચિંતા કરવા જેવી નથી.
⬛ કલમ 370 અને 35-એથી મહેબૂબા મુફ્તીને શું તકલીફ છે?
- હર્ષ મકવાણા, બારેજા-અમદાવાદ
- આવી દેશદ્રોહી વ્યક્તિઓ વિશે સવાલો પૂછીને એમને પ્રસિદ્ધિ ન આપો. એમને એ જ જોઇતું હોય છે.
⬛ મારી પત્ની છેલ્લા બે રવિવારોથી મને માળીએ ચઢાવે છે. શું કરવું?
- પ્રેમજી જી. ભરવાડ, બારોલ-મુંદ્રા-કચ્છ
- ત્યાંથી ઊતરો છો, તો પ્રોબ્લેમ થાય છે ને? ત્યાં જ નિવાસસ્થાન બનાવી લો.
⬛ રાજકારણમાં ઝડપથી પૈસાવાળા કેમ બની જવાય છે?- ભરત જાની, ભાવનગર
- કોઇ ધંધો એવો જોયો, જેમાં પૈસાવાળા ન બનાય? રાજકારણમાં શોર્ટકટ્સ વધારે મળે.
⬛ વાવાઝોડાનાં નવાં-નવાં નામો સાંભળવા મળે છે. તમે કયું નામ આપશો?
- કુલદીપ ચૌધરી, રમોસ-ધનસુર, અરવલ્લી
- એ નજીક નથી હોતી, ત્યારે હું એને ‘વાવાઝોડા’ના નામે જ બોલાવું છું.
⬛ મારી યાદશક્તિ સુધારવા કોઇકે મને રાત્રે બદામ પલાળીને સૂવાનું કહ્યું છે, પણ પલાળવાનું હું ભૂલી જઉં છું. શું કરું?
- અશ્વિન મોરે, વડોદરા
- દર મહિને મને એક કિલો બદામ મોકલાવતા રહો. બધું યાદ રહી જશે!
X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી