જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / પગની ઠેસનો ઉમંગ મંજિલની ખબર હોવી જોઈએ

article by ankittrivedi

Divyabhaskar.com

Dec 02, 2019, 11:50 AM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
નથી હોતી!

મંજિલોની ખબર નથી હોતી,
એને માટે સફર નથી હોતી!

આંખ તો હોય છે બધા પાસે,
સૌની પાસે નજર નથી હોતી!

હા, અસર વધતી-ઓછી હોવાની;
લાગણી બેઅસર નથી હોતી!

લે, તને આખેઆખું દિલ આપ્યું;
પ્રેમમાં કરકસર નથી હોતી!

એક બાજુ સદા સમર્પણ ને
બીજી બાજુ કદર નથી હોતી!

મેં જે સુખની બનાવી છે સૂચિ,
પૂરી તારા વગર નથી હોતી!

- દિવ્યા રાજેશ મોદી
જી વન સહજ છે. સહજમાં છે. એના નકશા પર લાગણી, ભાવના, પ્રેમનું ગામ-શહેર વસેલાં છે. પહોંચવું અને નીકળવું બંને આપણા હાથમાં છે. મંજિલ વગરનું જીવવું એ એક્સપાયર ડેટ પછી ઘરના ખાનામાં પડી રહેલી ‘દવા’ જેવું છે. પહોંચ્યા પછી પણ સફર ચાલુ રહે ત્યારે મંજિલનો થાક, પગની ઠેસનો ઉમંગ બની જાય છે. આપણને આપણી મંજિલની ખબર હોવી જોઈએ. જે ધ્યેય વગરનું નિરાશ થઇ ગયેલું જીવન જીવે છે એમને માટે શ્વાસો શિયાળાની ઠંડીમાં ધ્રૂજતા કૂતરા જેવા, ખૂણો પાડીને પડી રહેલા રસહીન છે. ચેતનાથી જીવવું એ આપણી ચેતના ઉપર જ આધાર રાખે છે.
જે બધું જ દેખાય છે તે આંખની ઉજાણી છે, પણ જોયેલામાં ‘નજર’ ઉમેરાય ત્યારે સાર્થક અનુભવ થાય છે. શુભ શોધવાની દૃષ્ટિ નજરનો નજરિયો છે. જોયેલામાં જીવન અનુભવવાની વાત કવયિત્રી આપણને કરે છે.
એકધારા જીવનમાં ક્યારેક ચઢાવ-ઉતાર આવે. લાગણીના દરિયામાં પણ ઓછી-વધતી અસર અનુભવાય, પરંતુ તેથી લાગણી બેઅસર બને એવું નથી બનતું! નીરસમાં જ પછીના ‘સરસ’ની સાર્થકતા છે. પીડા જોડે ક્રીડા કરીએ તો રોજનું દુઃખ એક દિવસે આનંદ બની જશે!
પ્રેમને કરકસર ક્યાં ફાવે જ છે? સોંપવું એ પ્રેમનો સ્વભાવ છે. સોંપ્યા પછી યાદ કરાવ્યા વગર પ્રેમને ચૂપચાપ ઊજવવો એ પ્રેમનો પડાવ છે. ન લખેલું ઉકલે અને લખેલું શ્વાસની સુગંધ બની જાય ત્યારે પ્રેમના બગીચામાં આપણે લટાર મારતા હોઈએ છીએ.
સમર્પણ કરીએ છીએ પછી જ કસોટી શરૂ થતી હોય છે. અહં ઓગળે પછી જ ‘સોહમ’ અનુભવાય. આપણી કદર ન થતી હોય એવું આપણને લાગે! એનાથી દુનિયાને ફેર પડવાનો જ નથી! દુનિયા આપણાથી પર છે. દુનિયા ઉદાસીનું ‘આંગણું’ પણ છે અને ઉત્સાહનું ‘ફળિયું’ પણ છે. આપણે સમર્પણ કર્યું ત્યાં સ્નેહ સગપણ કરવા આવશે જ! રાહ જોવાની તીવ્રતા આપણી ચાહમાં ઉમેરો કરે છે.
સુખની સૂચિ દરેકની પાસે હોય છે. જેનાં નામો એમાંથી બાકાત કરવાનાં હોય છે એને પણ એક વેળાએ સૂચિ બનાવતી વખતે યાદ કરવાં જ પડે છે! નીરક્ષીર વિવેકની આ ગઝલ ‘જીવનના હકારની કવિતા’ છે. પોતાના માટે જીવવા જગત પર મદાર રાખવો પડતો હોય છે. એ મદાર જ્યારે હાથમાં હોય એના કરતાં ‘હૂંફ’માં હોય ત્યારે જીવનની સાર્થકતા છે. નકશો એટલે નીતિમત્તાનો રસ્તો.
[email protected]

X
article by ankittrivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી