તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘પણે’થી આપણે...

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાણાવાણાઓથી વણાયેલું છે જીવન અને જીવનથી વણાયેલા છે સંબંધો! પ્રામાણિક રહેવાનો રસ્તો શ્વાસથી વિશ્વાસ અને વિશ્વાસથી આત્મવિશ્વાસ સુધી લંબાયેલો હોય છે. જિંદગીના અનુભવમાંથી સ્વાનુભવે તારવેલા કેટલાક વિચારો કામ લાગે એવા છે. આ વિચારોમાં સત્યની સુગંધ અને સાતત્યનું ઋણાનુબંધ છે.
ખુલ્લેખુલ્લું જીવવાથી શરૂઆતમાં નુકસાન અને પછી સંતોષનો અનુભવ થાય છે. સંતોષમાં સફળતા ઓગળી ગયેલી હોય છે. જ્યાં મુખ્ય વાત પર આવવા માટે બીજી વાતોનો સહારો લેવો પડે એ વાતમાં મેલી મુરાદનો મુસદ્દો હોય છે. જેને જીવવું છે એ ભવિષ્યની ચિંતા નથી કરતો! જેને બીક લાગે છે એનાથી પોતાને જ પોતાની જાતે જાણી જોઈને નુકસાન થયું હોય છે. જે સતત બદલાય છે તે મોસમ જેવો હોય છે. આત્માની આબોહવામાં એનું શરીર જીવે છે. જે સતત વિકસે છે તે પોતાના જ તપને પ્રામાણિક રહેલો હોય છે. આપણે ત્યાં એના માટે અનુશાસન નામનો શબ્દ છે એટલે કે આપણું શરીર જે નછૂટકે પરાણે કરે છે. આપણા શરીર પર જે નછૂટકે પરાણે સોંપવામાં આવે છે તે અનુશાસન છે. તપશ્ચર્યા માત્ર સંતો જ કરે એવું નથી! તપશ્ચર્યા શ્વાસોએ પણ કરવાની હોય છે. અહંમાંથી હમ(આપણે)ની ગતિ વધારે અગત્યની છે. આપણો ‘ઇગો’ બધાને સાથે લઈને ચાલતો હોય તો તે પણ ઘણીવાર સમાજને મંજૂર હોય છે, પણ આપણો અહં સ્વાર્થનો સગો બની જાય છે ત્યારે સંબંધોને શંકાની સ્મેલ આવવા માંડે છે.
જ્યારે આપણે બીજા કરતાં વધારે સફળ અને સમૃદ્ધ છીએ એવું બતાવીએ છીએ ત્યારે આપણે આપણામાં કેટલા ખાલી છીએ એ દેખાઈ જતું હોય છે. કાગળ ભરચક હોય અને વાંચતા હોઈએ ત્યારે આપણો ભાવક લખાણમાં ઓતપ્રોત થઈ ગયો હોય છે. કાગળમાં ‘સ્પેસ-ખાલી’ જગ્યાની પણ એક મજા છે. અવસ્થા છે. એનાથી ભરચકપણાને અર્થ મળે છે. જીવનની નજીક જતા બે અનુભવો વધારે પ્રમાણમાં માણસોમાં જોવા મળે છે. એક એ કે મને બધી જ ખબર પડે છે અને હું કહું તેમજ થવું જોઈએ! બીજું એ કે એવા લોકોની સાચું સાંભળવાની આદત ઓછી થતી ગઈ હોય છે.
ધીરે ધીરે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખબર પડે અને તમારા અનુભવનો વ્યાપ વધે એ જુદી વાત છે અને તમે બીજા જ કાર્યક્ષેત્રમાં છો અને બીજાના કામમાં અધિકારપૂર્વક દખલ કરો છો તે નડતરરૂપ બાબત છે. દિવસની દોડધામમાં બધું જ ચાલે છે! બધું જ પરવડે છે! બધાને બધી જ ખબર પડે છે. આપણે જેટલું વધારે બોલ-બોલ કરીએ છીએ એટલા વધારે મૂરખ બનીએ છીએ. સામેવાળી વ્યક્તિને ઉતારી પાડવાની હિંમત તમને કોણે આપી? તમારા અનુભવે કે તમારા અથાગ પરિશ્રમે? એના ઉપરથી તમે કેટલા તોછડા તે નક્કી થાય છે.
દિવસ બધા માટે સરખો છે. એને વિતાવવો બધા માટે જુદો અનુભવ છે. આપણા ગજા પ્રમાણેનું આપણને મળે જ છે, પરંતુ આપણને નિંદા અને ચિંતા એ વાતની છે કે આપણે જેને ઓળખીએ છીએ એને વધારે શું કામ મળે છે? વાત વિકસવાની છે જે ઝાડના છાંયડે બીજો છોડ ઊગ્યો હોય એ જ છોડ આજે ઝાડ બની જાય ત્યારે ઊગેલાં બંને ઝાડનું નિરાળું સૌદર્ય છે. બંને ઝાડને સરખો પવન, પાણી, સૂર્યપ્રકાશ, માળી મળે જ છે. એક ઝાડે બીજા છોડને ઝાડ થવામાં મદદ કરી એનો આનંદ હોવો જોઈએ. ઝાડ ક્યારેય આવું નથી વિચારતાં. માણસમાં વરસાદ વગર નીકળેલો ‘ઉઘાડ’ આવું વિચાર્યા વગર રહી શકતો નથી.
પહેલાં ઘરની અગાશી પર એન્ટેના લટકતાં હતાં. હવે ડિશ લગાવેલી હોય છે! ટ્રેનમાંથી કે ચાલુ ગાડીએ રસ્તાની આસપાસ અગાસી પરની ડિશ જોઈને થાય છે કે કૃષ્ણની આંગળીનું સુદર્શન સ્થિર થઈને ટીવીની ‘ડિશ’ થઈ ગયું છે અને એમાંથી પકડાતું–ઝિલાતું ટીવીમાં પ્રતિબિંબાતું દૃશ્ય ‘સેલ્ફિશ’ થઈ ગયું છે. હાથમાં ‘રિમોટ’નો અને ‘મોબાઈલ’નો ટેબ્લેટ્સનો મહિમા છે. ટેરવાંઓ ખરબચડી સપાટીને લિસ્સી માનીને સેવે છે! ઓળખાયા પછી અજાણી લાગવા માંડે છે દુનિયા. વિચારો, આપણને એકલું હૃદય જ હોત તો કેટલું સારું થાત! આંસુને અરીસાના ડાઘમાંથી શોધવા ન પડત. સાંત્વના માટે શબ્દો નહીં, મૌન પણ મદદ કરીને સંતાઈ જાત. સંતાઈ જવાની રમતમાં આપણે પાવરધા છીએ. બધા એકબીજા પાછળ ને આપણે આપણી આગળ-પાછળ સંતાઈને જીવીએ છીએ. સ્થિર થઈ ગયેલું ‘સુદર્શન’ ગતિમાં ક્યારે આવશે?
ઓન ધ બીટ્સ :
‘સુખી સર્વ રીતે નથી કોઈ જગમાં,
વિચારી લે મન સિદ્ધિ જોને સકળમાં,
જે સંચિત કર્યાં છે કર્મ મનવા,
થયાં એ અનુસાર ફળ પ્રાપ્ત મનવા.’
(સ્વામી રામદાસ રચિત શ્રીમનાયે શ્લોકનો મરાઠીમાંથી ગુજરાતી સમશ્લોકી ભાવાનુવાદ. ભાવાનુવાદક : મકરંદ મુસળે) 
ghazalsamrat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો