જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / ખુશ રહેવા અને રાખવાની એપ્લિકેશન

article by ankit trivedi

Divyabhaskar.com

Dec 09, 2019, 12:38 PM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
ખુશી રાખો
તમારાં દુઃખ મને આપો, તમે મારી ખુશી રાખો,
તમારો મિત્ર છું, વાત એટલી પણ શું નહીં રાખો!

કહો છો કે, સહનશક્તિ તમારી કેળવી રાખો,
હવે હું દુઃખની લિજ્જત માણું એવો પણ નહીં રાખો?

તમારી હસતી-વસતી જિંદગી તમને મુબારક હો,
ફક્ત, એ જિંદગીનો મારા માટે એક દી’ રાખો.

એ ફુરસદની પળો વિતાવવા કામ આવશે તમને,
અમારી યાદ દિલના એક ખૂણે સંઘરી રાખો.

વચનના ભંગનો આરોપ ન આવે તમારા પર,
પ્રથમ, ના આવવાનું કોઈ કારણ તો ઘડી રાખો.

સમર્પણભાવ લઈને હું તમારી પાસે આવ્યો છું,
તમારાથી કશું માગું નહીં એ ખાતરી રાખો.

કદી મતલબ પડે તો ‘અશ્ક’ પાસે ચાલ્યા જાજો,
તમારી ડાયરીમાં એનું ઠેકાણું લખી રાખો.
- અશ્ક માણાવદરી
ખુ શી વહેંચવાનો આનંદ જ અદકેરો છે. ખુશી વહેંચવા બેંકબેલેન્સ, મિલકતો કે વસ્તુઓની જરૂર નથી પડતી. દુઃખી માણસ જો ધારે તો બીજાની આગળ હળવો થઇ શકે છે. ખુશ રાખવા માટે આપણી અંદરનો માણસ સજાગ રહેવો જોઈએ. મિત્ર આ વાતને વધારે સમજે છે. સંબંધોનાં બે ફેફસાં છે. એક ફેફસામાં મિત્રતા છે, જ્યારે બીજા ફેફસામાં દીકરીની પવિત્રતા છે. બીજાના દુઃખમાં ભાગીદાર બનીએ છીએ એ ક્ષણથી જ આપણી ખુશીમાં વધારો થવા માંડે છે. આપતા આવડે એના હાથનો પનો ઈશ્વરને માપતા આવડે! માત્ર લીધા કરવામાં ક્યારેક ખાલી થઇ જવાનો અજંપો સતાવે છે.
સહનશક્તિ આપણા સ્વભાવનો દારોમદાર છે. જેટલી સહન કરવાની વૃત્તિ વધારે એટલું દુઃખ ઓછું. દુઃખની લિજ્જત માણતા આવડે ત્યારે જીવનને ઉંમરના સાચા પડાવની ખબર પડે છે. દુઃખની લિજ્જત માણતા આવડી જાય પછી સુખ પોતે જ આપણી ઈજ્જત સાચવવા આપણો ‘સારથિ’ બની જાય.
બીજાના સુખે સુખી થતા આવડવું જોઈએ. આપણા સુખે પણ બીજા સુખી થવા જોઈએ, શરત બસ એટલી હોવી જોઈએ કે એમાં બીજાઓનો પણ સમાવેશ થવો જોઈએ. પહેલાં આપણો સમય ન હતો અને હવે આપણી પાસે સમય નથી. એવું સાંભળીયે છીએ ત્યારે પોતે જ પોતાના માટે થોડીક ફુરસદ રાખવી જોઈએ. ફુરસદના દિવસો સામેથી આવે તો વધાવી લેવા. દુનિયા આપણને ક્યારે નવરાં કરી નાખે એની નવાઈ નથી. ત્યારે ગમતી યાદનો ગુલદસ્તો હૃદયના કૂંડામાં લીલોછમ ઊગેલો મળી આવશે.
આવવાનું વચન તો આપ્યું હોય અને મનમાં નથી જવાનું એ નક્કી પણ હોય ત્યારે સામેવાળાને ન આવવાનું બહાનું સાચું લાગે એવું રાખવું જોઈએ. આપણે હોઠ ઉપર મધ લગાવીએ છીએ, પણ જીભ ઉપર મધમાખીનો ડંખ રાખીએ છીએ. સમર્પણભાવ એટલે એવી અવસ્થા જ્યાં કશી અપેક્ષા જ ન રહે. આપણે સમર્પિત થઈએ છીએ ત્યારે અપેક્ષા પણ રાખીએ છીએ. એને કારણે જ જેને સમર્પિત થયા એ વ્યક્તિ આશંકા સાથે જીવે છે. જ્યાં માત્ર સમર્પણ છે ત્યાં કશું બીજું છે જ નહીં એની ખાતરી થશે ત્યારે અસ્તિત્વના અંશની જગ્યાએ તમે અસ્તિત્વનું ‘અંગ’ બની જશો.
આ ગઝલમાં બીજાને ખુશ કરવાની સાત શેરની પારાયણ છે. કવિતા અને કવિનું સરનામું આપણામાં જીવંતતાનો ઉમેરો કરે. આપણી અંદર ઊગેલા ભરોસાના છોડને માળીની જેમ લાકડી અને દોરીથી બાંધીને ટટ્ટાર કરે છે. જેથી આકાશ સાથે આંખો મિલાવતી વખતે ગોગલ્સ પહેરવાં ન પડે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી