હળવાશ / ગેસના રીમોટનો આઇડિયા

articl by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

May 29, 2019, 12:56 PM IST

‘અલા, કેમ આવું ડુચા ભર્યાં હોય એવું પોટલું લઇને આયાં? હું કહીકહીન થાકી ગઇ, કે મારા ઇસ્ત્રીવારાન આલો. તમાર વારો તો ભૈસાબ બોગ્ગસ ઇસ્ત્રી કરે છે, પણ માને એ બીજા.’ ખાંચામાં આવતાંવેંત કલાકાકીને હંસામાસીએ ઝપટમાં લીધાં. ‘એવું નહીં. એર્યોએ ઇસ્ત્રી તો હારી જ કરે છે, પણ ફેમિલી હંગાથે ફરવા ગયો છે, તે બંધ હતી દુકાન, એટલે પાછી આઇ. ધરમધક્કો પડ્યો.’ કલાકાકીએ કીધું, કે સવિતામાસીએ કહ્યું, ‘ધક્કાની તો વાત જ ના કરસો. મારે તો આજ હવ્વારથી ઘરમાં ને ઘરમાં જ એટલા બધા ધક્કા થયા છે ને, કે વાત ના પૂછો.’ પછી કન્ટિન્યુ, ‘ટીવીનું રીમોટ બગડ્યું છે. પાવર લેવા દુકાન હુધી ધક્કો ખાધો, બદલ્યાય ખરા, પણ મુઆ બટનો જ ખરાબ થઇ ગ્યા લાગે છે. હવે તો આ જ્યારે બહારગામથી આવે, ત્યાર મેળ પડે. ત્યાં હુધી ચેનલો બદલવા ઘડીએ ઘડીએ સોફાથી ટીવી હુધી ધક્કા ખાધા જ કરું છું.’ ‘તે પણ બેન, આપડે તો નસીબ કાયમનાં વાંકા જ છે! આ દાળ-સાક થયાં કે નહીં એ જોવા રહોડામાં દહ ધક્કા ખાઇએ જ છીએ ને. બે-ત્રણ દિ’ આ ધક્કાય હખે-દખે ખાઇ લેવાનાં.’ હંસાબેને પોતાની ભારેખમ શરીરની સમસ્યા વર્ણવી.‘પણ કંકુબેન, તમાર ભાણિયાની વહુ આ બાબતે નસીબદાર હોં! એને આવો પોબ્લેમ નહીં નડે.’ લીનાબેને કહ્યું એટલે કંકુમાસી સહિત બધાંને નવાઇ લાગી અને બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો.‘કેમ?’ ‘સું કેમ? તમાર ભાણિયો ઇલેક્ટિક એંજિનીયર ના થઇ ગ્યો?’ ‘તો?’ ‘અલા, સું ‘તો’ અને ‘કેમ’ ને બધી જાત-ભાતની પ્રસ્નોત્તરી ચાલુ કરી છે? ઇલેક્ટિક એંજિનીયર એટલે હારુ જ કે’વાયને! જુઓ, દાક્તરમાં યાદસક્તિ, વકીલમાં યાદસક્તિ, સી.એ.માં બી યાદસક્તિ જ જરૂરી. ત્યારે તમે જુઓ, બીજી બધી જાતનાં એંજિનીયરમાં બી પીંચોતેર ટકા યાદસક્તિ જ કામ લાગે. જ્યારે ઇલેક્ટિકમાં તો નકરું વાયરિંગ જ વાયરિંગ.’ પછી ઉદાહરણ સહિત કહે, ‘પિચ્ચરોમ નહીં બતાવતાં? બોમ્બ રીફ્યુજ કરવાનું હૌથી અઘરું. લાલ-વાદરી-પીરા વાયરોમ કેટલું કન્ફ્યુજન હોય છે? છેવટે હુ કામ લાગે છે કહો તમે? બુદ્ધિ જ ને! પિચ્ચરોવાળા બી એ જ સ્ટેટેજી પર પિચ્ચર બનાવે કે હીરો મનફેર ઓછો હારો લાગતો હોય, પણ હોય બુદ્ધિસાળી. એટલે ઇલેક્ટિક એંજિનીયર હૌથી હુશિયાર હોય એવું મારું માનવું છે.’ લીનામુખેથી એંજિનીયર મહાત્મ્ય પૂરું થયું. ‘હાચી વાત હોં, કારણ કે બીજા બધામ તો આડી-અવરી લીટીઓ જ દોરવાની, પણ આમાં તો ઇલેક્ટિકનું મિકેનિજમ કરવાનું હોય. એટલે આમાં તો યાદસક્તિ કરતા બુદ્ધિની જ જરૂર પડે.’ હંસામાસીએ સંમતિ દર્શાવી. ‘પણ એમાં એ નસીબદાર કેવી રીતે?’ મેં પૂછ્યું. એટલે મારી પાસે આવી કહે, ‘કેમ? પેલો વાયરો, ને લાંબું કારું, પાતરું ખોખું લાઇન ઘેર જ ગેસનું રીમોટ બનાઇ દેસે ને!’ પછી ચપ્ટી વગાડતાં કંકુકાકીને કહે, ‘અલા, તમાર ભાણિયાને કહીએ, કે ગેસના રીમોટ બનાવવાનો બિજનેશ ચાલુ કરે. આપ્ડે ફાયનાન્શ કરીસું. સિરિયલ ચાલુ હોય કે કપડાં સંકેલતાં હોઇએ, ત્યારે ગેસના રીમોટ હોય, તો ફેર પડે યાર. દાળ-કઢી-દૂધ ઊભરાય ત્યારે ગેસ બંધ કરવા દોડીએ, તોય થોડુંઘણું તો ઊભરાઇ જ જાય અને હા, કુકરની સીટીઓ વાગે ત્યારેય બંધ કરવા દોડવું ના પડે.’ ‘અને એ રીમોટનો ગૃહ ઉદ્યોગવાળાને ત્યાં જ સપ્લાય કરે એવું કહીસું. એટલે કો’ક દિવસ એ બગડે, તો નાસ્તા લેવા જઇએ, ત્યારે ભેગાભેગું લેતું અવાય અને બે-તૈણ એક્સ્ટ્રા લાઇ જ રાખવાના. અડધી રાતે દોડવું તો ના પડે. ‘આ લોકો’ (એટલે પતિમહાશય)નું મોઢું તો ના બોલાવવું.’ હંસામાસી શરીરને બહુ કષ્ટ આપવામાં નથી માનતાં. ‘પણ માસી, એ.સી.નું રીમોટ, ટી.વી.નું રીમોટ. એમ ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને, એનાં જ રીમોટ હોય.’ મેં કહ્યું, તો કલાકાકી કહે, ‘હવે જમાનો બદલાઇ ગયો છે બેન. તમે જોજો, એક દિવસ આ ઇલેક્ટિક ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ આવસે જ અને ગેસનાં રીમોટ બી બનસે જ.’ બીજાં બધાંને તો ઠીક, પણ હવે ઇલેક્ટ્રિક એંજિનીયરોને માથે મોટી જવાબદારી આવી ગઇ.

X
articl by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી