Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 29)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

બધાય વિદેશી ઘૂસણખોરો સરખા હોય છે?

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  

ચૂંટણી અનેક મુદ્દે લડાય છે. એ વાત જુદી કે બધાં ભાષણ સાંભળી લીધાં પછી આપણે ત્યાં અડધાથી વધુ મતદારો નાતજાત અને ધર્મના આધારે વોટ આપે છે, પરંતુ જે રાજ્યોની સરહદ બીજા દેશ સાથે જોડાયેલી છે, ત્યાં દર વખતે વિદેશી ઘૂસણખોરોનો મુદ્દો ઊછળે છે. આમ તો દુનિયાના છ દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર, નેપાળ, ભૂતાનની સરહદ આપણને અડે છે. સાતમું અફઘાનિસ્તાન ગણો તો એની સરહદ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર(PoK) સાથે જોડાયેલી છે. આમાંથી આપણને સહુથી મોટો વાંધો ચીની અને બાંગ્લાદેશીઓ સામે છે. કારણ જુદાં જુદાં છે.
ભારતના નોર્થ ઈસ્ટ(ઈશાન) રાજ્યોમાં ચીની લોકોની ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. એ ચીની સરકાર ખુલ્લેઆમ એના સૈનિકો દ્વારા કરાવે છે. એટલે એના વિરોધમાં આપણે ત્યાં સહુ એકમત છે, પણ બાંગ્લાદેશીઓનો મુદ્દો આવે ત્યારે આપણે ત્યાં જુદા જુદા સૂર નીકળે છે. એક પક્ષ કહે છે કે આપણે ત્યાં વસ્તીવધારો અને બેરોજગારીની ભયાનક સમસ્યા છે. એમાં આ બાંગ્લાદેશીઓ આવીને વધારો કરે છે. એમની સંખ્યા વધે ત્યારે પ્રદેશનું સામાજિક અને રાજકીય માળખું ખરાબ રીતે બદલાય છે. આસામમાં તો લોકોએ, ખાસ કરીને યુવાનોએ આ વિષયમાં વર્ષો સુધી લડત ચલાવી અને 1985માં આ જ મુદ્દે આસામ (અહોમ) ગણ પરિષદ ચૂંટણી જીતી ગઈ અને માત્ર 32 વર્ષની ઉંમરના પ્રફુલ્લકુમાર મહંતો ચીફ મિનિસ્ટર બન્યા હતા.
બીજો પક્ષ કહે છે કે બાપડા ગરીબ પડોસીઓ માત્ર પેટ ભરવા માટે આપણે ત્યાં આવીને વસે છે તો માનવતાના ધોરણે એમને સ્વીકારવા જોઈએ. આખરે તો એમની સંસ્કૃતિ આપણા બંગાળીઓ જેવી જ છે અને જે લોકો મજૂરી કરવા માટે ઘર છોડીને ભારત આવે છે, એમની હાલત એમના પોતાના દેશમાં કેવી હશે? હવે વિદેશી ઘૂસણખોરોને તરફેણ કરનારામાં મુઠ્ઠીભર લોકો ખરેખર દયાળુ હશે, પણ બાકીના લોકો એવા છે જેમના જીવન પર આ વિદેશી ઘૂસણખોરીથી ફરક નથી પડતો. પૈસેટકે સુખી લોકોને માનવતાની વાત કરવાનું પરવડે છે, કારણ કે એમની જમીન કે ધંધા રોજગારી પર બાંગ્લાદેશીઓ તરાપ નથી મારતા. ઊલટું પારકા દેશમાં ગેરકાનૂની વસવાટ કરતાં ગરીબો ઓછા પૈસે વધુ કામ કરવા તૈયાર રહે છે અને રાજકારણીઓની વાત કરીએ તો આ એમની વોટબેન્ક પણ છે, કારણ કે હજારો બાંગ્લાદેશીઓ હવે યેનકેન પ્રકારે આધાર અને રેશનકાર્ડ બનાવીને ભારતના સત્તાવાર નાગરિક બની બેઠા છે. એમાંથી મોટાભાગના ઝૂંપડપટ્ટીઓમાં વસે છે અને એમને અહીંથી કાઢી નહીં મૂકે એવા(કે એવા લાગતા) ઉમેદવારને ચૂંટણીમાં વોટ આપે છે. અહીં કોઈને વાંધો પડે તોયે એ મુદ્દો નોંધવો જરૂરી છે કે આમાંથી મોટાભાગના મુસ્લિમ છે. હવે પ્રશ્ન એ છે કે તમારે ત્યાં કામ કરતી વ્યક્તિ ચોક્કસ તો નહીં, પણ કદાચ આવી કોઈ મૂળ બાંગ્લાદેશી મુસ્લિમ વ્યક્તિ છે, એવી શંકા પડે તો શું કરવું?
મારે ત્યાં ઘણા સમયથી રસોઈ બનાવવા આવતી કન્નડભાષી બાઈ કાયમ માટે ગામ જતી રહી, એટલે એની જગ્યાએ નવી વ્યક્તિની શોધ આદરી. એક મિત્ર એની મિત્રને ત્યાં વર્ષોથી કૂક તરીકે કામ કરતી અને સારી ઇમેજ ધરાવતી યુવાન સ્ત્રીને મારી પાસે લઈ આવી. બાજુની ચાલમાં ભાડાની રૂમમાં રહે. નામ રીના દાસ, પતિનું નામ રવિ, કોલકાતામાં એની માતા પાસે રહીને ભણતી. બે છોકરીનાં નામ પિંકી અને જાસ્મિન, એની સાથે રહેતા દીકરાનું નામ સૂરજ. મળી એ જ દિવસે કામે લાગી ગઈ અને બીજા ગુજરાતીઓના ઘરમાં પણ રસોઈ કરે એટલે સાફસુથરી અને જાતજાતની વાનગીઓ બનાવવામાં એક્સપર્ટ. અમને એકમેક સાથે ફાવી ગયું. થોડા દિવસ પછી આ નવી બાઈ વિશે સાંભળીને મારી એક બીજી મિત્રએ લગભગ ખાતરીપૂર્વક કહ્યું કે એ બાંગ્લાદેશી મુસ્લિમ હોવી જોઈએ. પહેલાં તો મારા ગળે વાત ઊતરી નહીં. અટક દાસ,પરિવારના બધા સભ્યોનાં નામ હિન્દુ અને વર્ષોથી જૂહુ સ્કીમના શ્રીમંત, ધાર્મિક અને અમુક અંશે રૂઢિચુસ્ત ગણાય એવાં ગુજરાતી ઘરોમાં કામ કરતી રીના મુસ્લિમ કઈ રીતે હોઈ શકે? એને લાવનાર મિત્રને પૂછ્યું તો એ પણ આશ્ચર્યમાં પડી ગઈ. વાતનું વતેસર ન થાય એટલે એને ચૂપ રહેવાનું કહ્યું, પણ મેં રીના પાસે એનું આધાર કાર્ડ મંગાવ્યું, જે આમ તો પહેલા જ દિવસે માંગી લેવું જોઈએ. પોલીસ આપણને આ કહીકહીને થાકી ગઈ છે, પણ આપણે ગણકારતા નથી અને પછી ક્યારેક દુઃખી થવાનો વારો આવે છે. એનીવે, રીનાએ બે દિવસ ટાળંટોળ કરી, પણ પછી મેં કડક શબ્દોમાં કહ્યું એ દિવસે સહજભાવે બોલતી હોય એમ મને જાણ કરી કે એ હિન્દુ છે, પણ મુસ્લિમ સાથે લવમેરેજ કર્યા છે. બીજે દિવસે અસલી ઓળખવાળું આધાર કાર્ડ આપતી વખતે રીનાએ ફરીફરીને કહ્યું કે એ પોતે તો જન્મે હિન્દુ જ છે અને એનો પતિ પણ બિલકુલ હિન્દુ જેવો છે, એમનાં બાળકોને હિન્દુ સંસ્કાર જ મળ્યા છે. અરે! એમને તો મુસ્લિમો ગમતા પણ નથી વગેરે વગેરે.
રીનાએ કહ્યું અને મેં સાંભળી લીધું. એક રીતે જુઓ તો કામ માંગતી વખતે એ મારી સામે ખોટું નહોતી બોલી, પણ હકીકત તો છુપાવી હતી. અટક પિયરની જણાવેલી અને પતિ, બાળકોનાં નામની વાત કરીએ તો આ વિસ્તારમાં મોટાભાગના લોકો એમને આવા હિન્દુ લાગે એવા નામથી જ ઓળખે છે, પણ સત્તાવાર નામ બીજાં છે. હા, પોતે બાંગ્લાદેશી નથીઃ એવું રીના ભારપૂર્વક કહે છે, પરંતુ મારા મનમાં શંકાનું બીજ રોપનાર અને આવા અનેક લોકોના સંપર્કમાં આવનાર મિત્રને ખાતરી છે કે આ પરિવાર બાંગ્લાદેશી છે. ગેરકાનૂની રસ્તે આધાર કાર્ડ કે બીજાં ઓળખપત્રો બનાવવાનું ક્યાં અઘરું છે? જોકે, એ મિત્રએ એવું પણ કહ્યું કે સચ્ચાઈ જાણ્યા પછીયે રીનાને કામ પરથી કાઢી મૂકવાનું ઠીક નથી. મહેનત મજૂરી કરીને એ પોતાના પરિવારનો ગુજારો કરે છે. કામકાજમાં ચોખ્ખી અને કુશળ છે તો શું કામ હિન્દુ મુસ્લિમના જમેલામાં પડવું? અને આધાર કાર્ડ મળ્યા પછી એ મૂળ ભારતીય છે કે બાંગ્લાદેશી, એ જાણવાનું લગભગ અશક્ય છે. રીનાએ ઓળખ છુપાવી એની પાછળ કદાચ એનો ભય જવાબદાર છે કે મુસ્લિમને ઘણા લોકો કામ પર રાખવાનું ટાળશે. પ્રાર્થના કરું કે આ છપાયા વંચાયા પછી ક્યાંક એની નોકરી ન જાય, પરંતુ મનમાં ક્યારેક ખટકી જાય છે કે રીના જેવી વ્યક્તિઓની સાચી ઓળખ પ્રત્યે આંખ આડા કાન કરીને હું કંઈ ખોટું તો નથી કરતી ને?
viji@msn.com

x
રદ કરો

કલમ

TOP