તડ ને ફડ / વ્યક્તિગત નબળાઈ હોદ્દાનું અપમાન ગણાય?

An insult to personal weakness?

વ્યક્તિગત નબળાઈના કારણે હોદ્દાનું અપમાન થતું નથી. વ્યક્તિ પોતાને હોદ્દા સાથે જોડે તે તેના પોતાના અહંકારનું દર્શન કરાવે છે. હોદ્દાની રૂએ કરેલા કામ અને વ્યક્તિગત વર્તાવ વચ્ચેનો ભેદ લોકશાહી વ્યવસ્થાની
નિશાની છે

નગીનદાસ સંઘવી

May 16, 2019, 05:14 PM IST

ન્યાય તોળવાનું અને ગુનેગારને સજા કરવાનું ધર્મકાર્ય કરવાની જવાબદારી અને સત્તા ધરાવતા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો પર પોતાના વરિષ્ઠ સાથીને બચાવવા માટે અન્યાય અને અધર્મનો આશરો લેવાનો આરોપ મુકાય ત્યારે લોકોએ કોની પાસે ફરિયાદ કરવા જાય? સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગોઈ પર જાતીય સતામણીનો આરોપ મુકાયો ત્યાર પછી શ્રી ગોગોઈ તથા અન્ય ન્યાયાધીશોએ ભરેલું દરેક પગલું વિવાદાસ્પદ છે. અગ્રગણ્ય વકીલો અને વકીલમંડળો, પ્રતિષ્ઠિત અખબારો અને ખ્યાતનામ નાગરિકોએ દરેક વખતે વાંધા-વિરોધ ઉઠાવ્યા છે. અદાલતો કે ન્યાયાધીશોનું અપમાન થાય અથવા તેમની પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવું બોલનાર-લખનારને મનફાવે તેટલી સજા કરવાની સત્તા તેમને આપવામાં આવી છે અને આવી અવમાનના (Contempt) કરવા માટે કોઈ તૈયાર થતું નથી, પણ આ કિસ્સામાં આ મર્યાદા પણ તૂટી છે.
શ્રી ગોગોઈના કાર્યાલયમાં કામ કરતી મહિલા કર્મચારીએ મૂકેલા આક્ષેપથી ઉકળી ઊઠેલા વડા ન્યાયાધીશે પોતાની સામે મુકાયેલા આરોપને અદાલતની હીણપત કરવા માટેનું અને દેશના ન્યાયતંત્રને તોડી પાડવાનું કાવતરું ગણાવ્યું અને તેની તપાસ માટે નિમાયેલી ખંડપીઠના પોતે જ અધ્યક્ષ આરોપી પોતાની સામેની ફરિયાદની તપાસ કરે તેની સામે દેશના વકીલમંડળોએ કરેલા ઊહાપોહ પછી તેમણે આંતરિક ચકાસણી માટે ન્યાયાધીશ શ્રી બોબડે અને બે ન્યાયાધીશોની સમિતિ નીમી (જેમાં એક મહિલા છે), ફરિયાદીએ આ સમિતિ પાસે ત્રણ દિવસ હાજરી પુરાવી, પણ પોતાને વકીલ સહાય આપવાનો ઇન્કાર થયો છે અને તપાસસમિતિનું વાતાવરણ ડરામણું છે તેવું કારણ આપીને ફરિયાદીએ હાજરી આપવાનું માંડી વાળ્યું. એકતરફી તપાસ ચાલી, શ્રી રંજન ગોગોઈએ તપાસસમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરી અને તપાસસમિતિએ તેમને આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હોવાનો હેવાલ આપ્યો.
આવું કાવતરું થયું છે અને તે માટે પત્રકાર પરિષદ ભરવા માટે પોતાને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે તેવી હરિયાણાના વકીલે કરેલી જાહેરાતની પણ અદાલતે નોંધ લીધી નથી અને લાંચ આપનારનાં નામઠામ જાણવાની કશી કોશીશ કરવામાં આવી નથી. ફરિયાદી મહિલાએ પોતે આવા કોઈ કાવતરામાં ભાગીદાર હોવાનું નકાર્યું છે અને ઊલટું તપાસસમિતિનો હેવાલ પણ પોતાને અપાયો નથી તેવી સ્પષ્ટતા કરી.
જાતીય સતામણી અંગેનો કાયદો સ્પષ્ટ છે. આવી ફરિયાદ થાય ત્યારે જે કારવાઈ થવી જોઈએ તે અગાઉના અનેક કિસ્સાઓમાં કરવામાં આવી છે, કારણ કે જાતીય સતામણીની ફરિયાદોનો કોઈ પાર નથી.
આવી ફરિયાદ થાય અને ફરિયાદમાં વજૂદ માલૂમ પડે તો આરોપીને તેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે કે જેથી તે આંતરિક તપાસ કરનાર પર પોતાની વગ વાપરી શકે નહીં. બોબડે સમિતિએ તપાસ શરૂ કરતા અગાઉ વડા ન્યાયાધીશ સસ્પેન્ડ થવા જોઈએ અને તેમની નિર્દોષતા સિદ્ધ થાય તો તેમને સન્માનપૂર્વક પોતાના સ્થાને બેસાડી શકાય છે. એકતરફી તપાસ સામે અને તેના હેવાલ સામે વિરોધ ઉઠાવનાર સત્તર મહિલા કર્મશીલો સામે કારવાઈ શરૂ કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતનાં બે પીઢ વકીલો ઇન્દિરા જયસિંહ અને આનંદ ગ્રોવરને વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કરવા અંગે અદાલતી નોટિસ આપવામાં અાવી છે અને પોતે ફરિયાદીનો પક્ષ લીધો હોવાથી પોતાની આ કનડગત કરવામાં આવે છે તેવો આરોપ તેમણે મૂક્યો છે.
પોતાના પર મુકાયેલો આરોપ તે સમગ્ર અદાલતી તંત્રને ડામાડોળ કરવાનું અને અદાલતની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવાનું કાવતરું છે તેવો વડા ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈનો પ્રતિભાવ સમજી શકાય તેમ નથી, તેમના પર મુકાયેલો આક્ષેપ ન્યાયાધીશ તરીકેના નહીં, પણ પુરુષ તરીકેના તેમના વર્તાવ માટે મુકાયો છે. શ્રી રંજન ગોગોઈ પુરુષોની સહજ નબળાઈથી પર નથી. ભલભલા ઋષિમુનિઓ પર આવા આક્ષેપો મુકાયા છે અને પુરવાર થયા છે. તેનાથી ધર્મ કે નીતિશાસ્ત્રનું ધોવાણ થયું નથી.
અમેરિકાના પ્રમુખ ક્લિન્ટન પર આવો આક્ષેપ મુકાયો હતો અને તેમણે આ બાબતની આંશિક કબૂલાત પણ કરી હતી. તેના કારણે અમેરિકાના પ્રમુખપદની પ્રતિષ્ઠામાં કશો ઘટાડો થયો નથી. શ્રી રંજન ગોગોઈ ન્યાયના કામમાં બેદરકારી કે નબળાઈ સેવે છે તેવો આક્ષેપ મુકાય તો પણ તેનાથી અદાલતી તંત્રને કશી જફા પહોંચવાની નથી.
એમ. જે. અકબર પર આવો આક્ષેપ થયો અને તેમણે રાજીનામું આપીને ખસી જવું પડ્યું તેના કારણે ભારત સરકાર કે કારોબારી તંત્ર નબળા પડ્યા નથી. ‘તહેલકા’ના તંત્રી પર થયેલી જાતીય સતામણીના આરોપની અદાલતી કારવાઈ ચાલી રહી છે. તેના કારણે પત્રકાર જગતના પ્રભાવમાં કશી ઊણપ કે ઉમેરો થયા નથી.
વ્યક્તિ અને હોદ્દો અલગ છે અને વ્યક્તિગત નબળાઈના કારણે હોદ્દાનું કશું અપમાન થતું નથી. શ્રી રંજન ગોગોઈ પરનો આક્ષેપ વડા ન્યાયાધીશના હોદ્દા પરનો આક્ષેપ નથી. કોઈ વ્યક્તિ પોતાની જાતને હોદ્દા સાથે જોડે તે તેના પોતાના અહંકારનું દર્શન કરાવે છે. હોદ્દાની રૂએ કરેલાં કામ અને વ્યક્તિગત વર્તાવ વચ્ચેનો ભેદ લોકશાહી વ્યવસ્થાની નિશાની છે. રાજાશાહીમાં રાજાના અંગત વર્તાવ અને રાજકાર્ય વચ્ચે કશું અંતર રહી શકે નહીં. ફ્રાન્સના રાજવી ચૌદમા લુઈ પાસે કોઈએ ‘ફ્રાન્સ’ની પરિસ્થિતિ વિશે રજૂઆત કરી ત્યારે લૂઈએ ‘ફ્રાન્સ? હું પોતે જ ફ્રાન્સ છું.’ એકવીસમી સદીના ભારતીય ગણતંત્રમાં કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ હોદ્દેદાર આવો દાવો કરી શકે નહીં.
ઇન્દિરા ગાંધીના જમાનામાં કોંગ્રેસ પક્ષ ખુશામતખોરોનો પક્ષ બની ગયો અને કોંગ્રેસ મહાસમિતિના એક અધિવેશનમાં તે વખતના કોંગ્રેસ પ્રમુખ બરૂઆએ કહેલું કે, ‘ઇન્દિરા ઇન્ડિયા છે અને ઇન્ડિયા ઇન્દિરા છે.’ ખુશામત તો બધાને ગમે છે, પણ ઇન્દિરાજીને ન્યાય આપવા ખાતર નોંધવું જોઈએ કે તેમણે પોતે આવું કશું કદી કહ્યું નથી.
વ્યક્તિ ક્ષણભંગુર છે. શ્રી રંજન ગોગોઈ આજે વડા ન્યાયાધીશ છે, આવતી કાલે નિવૃત્ત થશે ત્યારે બીજંુ કોઈ આ હોદ્દા પર આરૂઢ થશે. તંત્ર, હોદ્દાઓ અને દેશ કે રાજ્ય ચિરંજીવી છે.
પણ આ વાત પણ પૂરેપૂરી સાચી નથી. દેશનો વિકાસ અથવા વિનાશ થાય છે. હોદ્દાઓ પણ બદલાય છે અને નાબૂદ પણ થાય છે. દેશનાં બંધારણો પણ પલટાય છે. બંધારણો સામાન્ય રીતે લાંબું જીવતા નથી. છેલ્લાં બસો વર્ષમાં ફ્રાન્સનું બંધારણ પાંચ વખત બદલાયું. બસો બત્રીસ વર્ષનું અમેરિકન બંધારણ દુનિયાનું જૂનામાં જૂનું બંધારણ છે. સર્વોચ્ચ અદાલતના વિદ્વાન ન્યાયાધીશો આવી ક્ષણભંગુરતાને ભૂલી જાય તે નવાઈની વાત છે.{ [email protected]

X
An insult to personal weakness?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી