ડૂબકી / ડિજિટલ ગેમ્સનું વ્યસન ભરડો લઈ રહ્યું છે

Addictive game of digital games is taking place

મોબાઈલ ફોન બળપૂર્વક ખેંચી લેવા પડે ત્યારે બાળકોને લાગે છે, જાણે એમની ચામડી ઉતરડાઈ રહી છે. એમનો વિરોધ માનમર્યાદા ચૂકી જાય છે

વીનેશ અંતાણી

May 20, 2019, 04:59 PM IST

થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો. એમાં એક વરરાજા એનાં લગ્નની વિધિ દરમિયાન મોબાઈલ પર ઓનલાઈન રમત રમવામાં મશગૂલ હતો. એને પોતાના જીવનના ખૂબ મહત્ત્વના પ્રસંગમાં રસ નહોતો. નવદંપતીને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવેલા સ્વજનો તરફ ધ્યાન આપ્યા વિના એ મોબાઈલ પર એને પ્રિય રમત રમતો રહ્યો હતો. બિચારી વધૂ લાચાર નજરે એને જોતી રહી હતી. વધૂને લગ્નમંડપમાં જ એના ભવિષ્યની એંધાણી મળી ગઈ હશે.
ડિજિટલ-ઓનલાઈન ગેમ્સનું વ્યસન દુનિયાને ભરડામાં લઈ રહ્યું છે. મોટી ઉંમરના લોકોથી માંડી નાનાં બાળકો એના શિકાર થઈ રહ્યાં છે. એક સમયે શેરી અને મેદાનમાં રમવા ગયેલાં બાળકોને અંધારું થયા પછી પણ ઘેર પાછાં બોલાવતાં મા-બાપને તકલીફ પડતી. એવી જ તકલીફ હવે ઘરના ખૂણામાં ભરાઈને મોબાઈલ-કમ્પ્યૂટર ગેમ્સ રમતાં બાળકોને પાછાં વાળવામાં પડી રહી છે. એક સમયે બાળકો કુદરતી વાતાવરણમાં વિવિધ રમતો રમતાં. આખી સાંજ શેરીમાં ઊછળતાં, રમતાં, ઝઘડીને ફરી એક થઈ જતાં. વેકેશનમાં તળાવમાં ધુબાકા મારતાં, ઝાડ પર ચડતાં, અલગ અલગ તહેવારોનો આનંદ માણતાં બાળકોનાં દૃશ્ય અલભ્ય થઈ ગયાં છે. સામૂહિક રમતોમાં ઓતપ્રોત રહેતાં બાળકો એકલવાયાં થઈ
ગયાં છે.
હવે ઘરેઘરમાં જોવા મળે છે કલાકો સુધી નીચી મૂંડીએ સ્માર્ટ ફોનમાં ગરકાવ બાળકો. એમની આજુબાજુ શું બની રહ્યું છે એ તરફ એમનું ધ્યાન રહેતું નથી, વાંચન અને શાળાના અભ્યાસમાં રસ રહ્યો નથી. સવારે ઊઠતાંની સાથે એમના હાથમાં ફોન આવી જાય છે, ખાવાપીવા ટાણે પણ એમાં જ રોકાયેલાં રહે છે. પ્રવાસમાં ગયાં હોય ત્યારે બહારની દુનિયામાં ધ્યાન જતું નથી. રાતે સૂવા જતાં સુધી બાળકો આ એક જ પ્રવૃત્તિમાં ગરકાવ થયેલાં દેખાય છે. મોબાઈલ ફોન બળપૂર્વક ખેંચી લેવા પડે ત્યારે બાળકોને લાગે છે, જાણે એમની ચામડી ઉતરડાઈ રહી છે. એમનો વિરોધ માનમર્યાદા ચૂકી જાય છે. માતા-પિતા ચિંતિત છે, શિક્ષકો ફરિયાદ કરે છે, મનોવૈજ્ઞાનિકો બાળમાનસ પર પડી રહેલી વિકૃત અસરો તરફ ધ્યાન દોરી રહ્યા છે. ઘણાં સર્વેક્ષણ થાય છે – છતાં પરિસ્થિતિ વકરતી રહે છે.
કોઈ પણ નવી ટેક્નોલોજી શોધાય છે ત્યારે એનો મૂળભૂત આશય લોકોને લાભ આપવાનો હોય છે. ત્યાર પછી એના અતિરેકભર્યા અને અવિચારી ઉપયોગથી એમાં દૂષણ પ્રવેશે છે. ડિજિટલ અને ઓનલાઈન ગેમ્સના વ્યસનના કિસ્સા જાણ્યા પછી એના અતિરેકથી જીવનમાં થતા નુકસાનનો ખ્યાલ આવે.
કેમેરોન શેરનોબીફ નામની છોકરી લખે છે: ‘બે હજાર દસના વર્ષમાં સ્કૂલની ફાઇનલ એક્ઝામનું પરિણામ આવ્યું પછી મારા બધા જ મિત્રોને સારી સારી કૉલેજમાં એડમિશન મળી ગયું. મેં પરીક્ષામાં સારો દેખાવ કર્યો ન હોવાથી મારું ભવિષ્ય અંધકારમય બની ગયું. મારી નિષ્ફળતાનું એકમાત્ર કારણ હતું – ઓનલાઈન ગેમ્સ માટે મારું વ્યસન. પરીક્ષાની તૈયારી કરવાના સમયે પણ હું રોજ કલાકો સુધી આ રમતો રમ્યા વિના રહી શકતી નહોતી.’
આ પરિસ્થિતિ માટે માત્ર બાળકો જ જવાબદાર છે? સિમેન્ટ-કોંક્રીટના જંગલ બની ગયેલાં શહેરોમાં આપણે બાળકોને ખુલ્લામાં રમવા માટે જગ્યા રાખી નથી. એમને ઘરમાં ભરાઈ રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં એમની પાસે કૃત્રિમ ગેમ્સ રમવા સિવાય બીજો ચારો ક્યાં છે એવો સવાલ ઊઠે તો આપણી પાસે એનો જવાબ નથી. માતા-પિતા પાસે એમનાં સંતાનો માટે સમય નથી. વિભક્ત કુટુંબનાં માતા-પિતાએ સંતાનોને વ્યસ્ત રાખવા માટે જાતે જ આવી ગેમ્સ તરફ વાળ્યાં છે. બહુ નાની વયે એમના હાથમાં સ્માર્ટ ફોન આપવાની ઉદારતાની જવાબદારી મોટેરાંઓએ સ્વીકારવી પડે. ઘરમાં સાહિત્ય, સંગીત, કળાનું કે ઉત્પાદક પ્રવૃત્તિનું વાતાવરણ જ ન હોય ત્યાં બધો દોષ સંતાનો માથે નાખી દેવાનું વલણ પુનર્વિચાર અને પરિવારનું પુનર્ગઠન માગે છે. ⬛
[email protected]

X
Addictive game of digital games is taking place

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી