દીવાન-એ-ખાસ / અશરફ મારવાન : ઇઝરાયલનો સુપર જાસૂસ કે ઇજિપ્તનો ડબલ એજન્ટ?

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 24, 2019, 05:37 PM IST

2007ની 27મી જૂને લંડનના એક વૈભવી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી એક વ્યક્તિ જમીન પર પટકાય છે અને થોડી સેકન્ડોમાં જ એનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામનાર 63 વર્ષની ઉંમરના અશરફ મારવાન હતા. દુનિયાની દૃષ્ટિએ તેઓ બિઝનેસમેન હતા. અશરફના મૃત્યુનું કારણ અકસ્માત, હત્યા કે આત્મહત્યા હતું, એ આજ સુધી જાણી શકાયું નથી. હકીકત એ છે કે અશરફ મારવાને આપેલી એક માહિતીને કારણે ઇઝરાયલ સંપૂર્ણ વિનાશમાંથી ઊગરી ગયું હતું. એક તરફ એવી થિયરી છે કે મૂળ ઇજિપ્તના રહીશ અશરફ મારવાન ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ વતી જાસૂસીનું કામ કરતા હતા. તો બીજી તરફ કેટલાક નિષ્ણાતો ખાતરીપૂર્વક માને છે કે અશરફ ગદ્દાર નહીં, પરંતુ ઇજિપ્તના એક શ્રેષ્ઠ ડબલ એજન્ટ હતા. મતલબ કે મોસાદને તેઓ મૂર્ખ બનાવતા હતા કે ઇજિપ્તની સંવેદનશીલ માહિતી ઇઝરાયલને આપી રહ્યા છે, જ્યારે ખરેખર તો તેઓ ઇજિપ્તના ટોચના વડાઓ માટે કામ કરતા હતા.
અશરફ મારવાનની જિંદગીની કથા કોઈ ફિલ્મની વાર્તાથી ઊતરતી નથી. (અશરફની જિંદગી પરથી ‘ધ એન્જલ’ નામની ફિલ્મ પણ બની ચૂકી છે. જોકે, એમ કહેવાય છે કે આ ફિલ્મમાં ઇઝરાયલ અને મોસાદની બેવકૂફીને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે). તેમના મૃત્યુનાં 12 વર્ષ પછી પણ જાસૂસી વિશ્વમાં એ કોયડો ઉકેલાયો નથી કે અશરફ મારવાન ઇઝરાયલના સુપર સ્પાય હતા કે ઇજિપ્તના ડબલ એજન્ટ? એમની હત્યા થઈ હોય તો હત્યા મોસાદે કરાવી હતી કે ઇજિપ્તે?

  • અશરફ મારવાનની જિંદગીની કથા કોઈ ફિલ્મની વાર્તાથી ઊતરતી નથી. એમની જિંદગી પરથી ‘એન્જલ’ નામની ફિલ્મ પણ બની છે

અશરફ ઇજિપ્તમાં જન્મ્યા હતા. અશરફના દાદા ઇજિપ્તની શરિયા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને એમના પિતા પણ લશ્કરમાં હતા. કેઇરો યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી અશરફ લશ્કરમાં જોડાયા હતા. એ વખતે જ ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ નાસીરની પુત્રી મોનાના પ્રેમમાં પડીને એમણે મોના સાથે લગ્ન કર્યાં હતાં. એમ કહેવાય છે કે પ્રમુખ નાસીરને અશરફ માટે ખાસ માન હતું નહીં. નાસીરની હયાતી દરમિયાન એમણે સરકારમાં નાના હોદ્દાઓ ઉપર જ કામ કર્યું હતું. 1970માં નાસીરના મૃત્યુ પછી પ્રમુખ બનેલા સદાતે અશરફને પોતાના ખાસ સલાહકાર બનાવ્યા હતા. પ્રમુખ સદાત કોઈપણ અગત્યની મિટિંગમાં જાય ત્યારે અશરફ મારવાનને સાથે રાખતા હતા. ઇજિપ્તના રાજકારણ અને લશ્કરની તમામ હકીકતોથી અશરફ માહિતગાર રહેતા. સાઉદી અરેબિયા અને લિબિયા સાથે સંવાદ કરવાની જવાબદારી અશરફને સોંપવામાં આવી હતી. આ બંને દેશના ટોચના સત્તાધીશો સાથે અશરફે અંગત સંબંધ કેળવ્યા હતા. લિબિયાના મુઅમ્મર ગદ્દાફી સાથે પણ અશરફને દોસ્તી હતી.
1967માં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે છ દિવસનું ખૂંખાર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ઇઝરાયલે ઇજિપ્તનો ઘણો પ્રદેશ જીતી લીધો હતો. ઇજિપ્ત આ હારને ભૂલી શક્યું નહોતું અને હારેલા વિસ્તાર સિનાઈ પેનીનસ્યૂલા પર ફરીથી કબજો જમાવવા માંગતું હતું. સાઉદી અરેબિયા અને લિબિયાની મદદ વડે ઇજિપ્તે ઇઝરાયલ પર આક્રમણ કરવાનું આયોજન કર્યું. આ આખું આયોજન ખૂબ ખાનગી હતું અને એ વિશે ટોચની પાંચ કે છ વ્યક્તિઓને જ જાણકારી હતી. અશરફ મારવાનને જ્યારે ઇજિપ્તના આયોજનની ખબર પડી ત્યારે તેઓ લંડન હતા. લંડનમાં એમણે ઇઝરાયલની એમ્બેસી દ્વારા મોસાદનો સંપર્ક કર્યો અને ઇજિપ્તે કરેલા યુદ્ધના આયોજન વિશેની માહિતી મોસાદના જાસૂસને પહોંચાડી. એ માહિતીના બદલામાં અશરફને કરોડો પાઉન્ડ મળ્યા હોવાનું કહેવાય છે. અશરફે આ માહિતીને સાચી પુરવાર કરતા કેટલાક દસ્તાવેજો પણ મોસાદના જાસૂસને આપ્યા હતા. ઇજિપ્તના આયોજનની માહિતી ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન ગોલ્ડામેરના ટેબલ પર પહોંચી. તે વખતે ઇઝરાયલના સંરક્ષણપ્રધાન મોશે હયાત હતા. 1973ના ઓક્ટોબર મહિનામાં ઇજિપ્તે ઇઝરાયલ પર હુમલો કરવાનું આયોજન કર્યું હતું. એપ્રિલ મહિનામાં આક્રમણની સંભાવના વિશે પણ અશરફે મોસાદને જણાવ્યું હતું, પરંતુ એ વખતે ઇજિપ્તે આક્રમણ કર્યું નહોતું. ઇઝરાયલ હુમલા માટે પૂરું તૈયાર હતું, પરંતુ હુમલો નહી થતાં ઇઝરાયલે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર પછી જ્યારે પણ અશરફે ઇજિપ્તની તૈયારી વિશેની માહિતી મોસાદને આપી ત્યારે ઇઝરાયલ લશ્કરના ઇન્ટેલિજન્સ ઇન કમાન્ડ એની ઝીયરાએ અશરફની માહિતીને ગંભીરતાથી લીધી નહોતી. યુદ્ધ શરૂ થવાના 44 કલાક પહેલાં 4થી ઓક્ટોબરે અશરફ મારવાને લંડન ખાતેના મોસાદના જાસૂસને ફોન કરીને કોડ લેંગ્વેજમાં વાત કરીને તાત્કાલિક મળવા કહ્યું હતું. અશરફ મારવાને મોડી રાત્રે મોસાદના જાસૂસને રૂબરૂ મળીને કહ્યું હતું કે ઇજિપ્ત બીજા દિવસે સૂર્યાસ્તના સમયે પહેલો હુમલો કરશે. આ માહિતી મળતાં જ ઇઝરાયલે લશ્કરને એલર્ટ કરી તૈયાર રહેવા કહ્યું. જોકે, મોડી સાંજને બદલે ચાર કલાક પહેલાં બપોરે 2 વાગ્યે ઇજિપ્તે ઇઝરાયલ પર હુમલો કર્યો. આ હુમલો એટલો ભયાનક હતો કે ઇઝરાયલ હલબલી ગયું. યુદ્ધના કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અશરફની માહિતી ભલે સમય બાબતે ખોટી પડી, પરંતુ જો આટલી માહિતી પણ ઇઝરાયલને ન મળી હોત તો ઇઝરાયલ ખૂબ જ ખરાબ રીતે યુદ્ધ હારી ગયું હોત. યુદ્ધ દરમિયાન પણ અશરફ મારવાન મોસાદના જાસૂસને લંડનમાં મળતા રહ્યા હતા.
યુદ્ધ પૂરું થયા પછી પણ ઇજિપ્ત – ઇઝરાયલ વચ્ચેની વાટાઘાટો બાબતે સદાતનો અભિપ્રાય જાણવા માટે મોસાદ અશરફના સંપર્કમાં હતું. યુદ્ધ પૂરું થયા પછી અશરફ મારવાનનું ધંધાકીય સામ્રાજ્ય વિસ્તરતું જ ગયું. 1974માં તેમને વિદેશ બાબતના મંત્રી બનાવવામાં આવ્યા. તે વખતે એમ મનાતું હતું કે કદાચ અશરફને ઇજિપ્તના વિદેશપ્રધાન પણ બનાવાય. જોકે, પ્રગતિની સાથે એમના દુશ્મનો પણ વધતા ગયા અને એમણે બનાવેલા અઢળક પૈસાને લઈને તેઓ વિવાદમાં આવ્યા. છેવટે 1976માં સદાતે એમને પ્રમુખની ઓફિસમાંથી દૂર કરવા પડ્યા.
અશરફ મારવાન પછીથી લંડન સેટેલ થઈ ગયા. તેઓ ભાગ્ય જ કોઈ જાહેર સ્થળે દેખાતા હતા. ઇઝરાયલના એક પત્રકારે લખેલા પુસ્તકમાં એવી નાનકડી વાતનો ઉલ્લેખ થયો જેને કારણે દટાઈ ગયેલાં મડદાં ફરીથી બહાર આવ્યાં. શરૂઆતમાં તો ફક્ત ઇજિપ્તના એક જાસૂસનો ઉલ્લેખ થયો. ત્યાર પછી ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખના જમાઈ જ મોસાદ વતી જાસૂસી કરતા હતા, એ વાત બહાર આવી. ઇઝરાયલ તેમજ આરબ જગતમાં હોહા થઈ ગઈ. ઇજિપ્તે એવું સ્ટેન્ડ લીધું કે અશરફ મારવાન ખરેખર ડબલ એજન્ટ હતા અને મોસાદને ખોટી માહિતી લીક કરવા માટે ઇજિપ્તના સત્તાધીશોએ જ એમને કહ્યું હતું. બીજી તરફ ઇઝરાયલે પણ પોતાની આબરૂ બચાવવા મીડિયામાં એવા રિપોર્ટ લીક કરાવ્યા કે અશરફ મારવાન ઇઝરાયલના એક ‘મહાન’ જાસૂસ હતા. અશરફ મારવાનના રહસ્યમય મૃત્યુ પછી પણ ઇજિપ્તે એમને રાષ્ટ્રીય સન્માન આપ્યું હતું અને ઇજિપ્ત હજી પણ કહે છે કે અશરફ મારવાન ઇઝરાયલના જાસૂસ નહીં, પરંતુ ડબલ એજન્ટ જ હતા. જે સમયે અશરફ એપાર્ટમેન્ટમાંથી નીચે ફંગોળાયા એ વખતે એમની બાલ્કનીમાં સૂટ પહેરેલી બે આરબ જેવી દેખાતી વ્યક્તિઓ જોવામાં આવી હોવાનો દાવો એક સાક્ષીએ કર્યો હતો. એમ મનાય છે કે અશરફ મારવાન કોઈક એવી માહિતી પ્રગટ કરવાના હતા કે જેને કારણે એમનું મોં બંધ કરવું જરૂરી હતું. આજે પણ જોકે, ઇઝરાયલ અને ઇજિપ્ત બંને એક વાતને વળગી રહ્યા છે કે અશરફ મારવાન ‘અમારા’ જ હતા. ⬛[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી