Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 44)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

શા માટે સામ્યવાદી સરકારે પદ્મભૂષણ વૈજ્ઞાનિકને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો?

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  

નામ્બી નારાયણન કોણ? થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિના હસ્તે દેશનો એક સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ મેળવ્યો તે પહેલાં તો મોટાભાગનાએ આ નામ સાંભળ્યું પણ નહોતું. દેશના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનની જિંદગી બરબાદ કરી નાખી એમને ખતમ કરવા ભૂતકાળમાં કેરળની સામ્યવાદી સરકારે કેવી ગંદી રમત રમી હતી એની વાત આજે કરવી છે.
નામ્બી નારાયણન ‘ઇસરો’ (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. તેઓ ક્રાયોજેનિક્સ વિભાગના વડા હતા. આમ આદમીની ભાષામાં કહીએ તો અવકાશયાનને સ્પેશમાં મોકલવા માટે જે ખાસ પ્રકારનું એન્જિન બનાવવામાં આવે છે તેને ક્રાયોજેનિક્સ એન્જિન કહેવાય છે. આ એન્જિનની મદદથી સેટેલાઇટને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. ક્રાયોજેનિક એન્જિનની ટેક્નોલોજીમાં માહેર થયા વગર આપણે અવકાશ વિજ્ઞાનમાં સફળતા પામી શકીએ નહીં. સ્વાભાવિક છે કે વિશ્વના બીજા માહેર દેશો આ ટેક્નોલોજી આપણને આપવા તૈયાર નહીં જ થાય.

  • જેએનયુમાં પ્રજાના પૈસે જલસા કરતા ટુકડે ટુકડે ગેંગ માટે ચીસો પાડનાર બૌદ્ધિકો નારાયણનને થયેલા અન્યાય વખતે ચૂપ હતા!

તમને જાણીને નવાઈ લાગશે કે નામ્બી નારાયણનને એટલા માટે જ ખોટા કેસમાં ફસાવીને ખતમ કરી નાખવાનો પ્રયત્ન થયો, કારણ કે તેમણે ‘વિકાસ એન્જિન’ તરીકે ઓળખાતું એન્જિન બનાવ્યું હતું. 1990ના દાયકામાં ક્રાયોજેનિક એન્જિન બનાવવાની ટેક્નોલોજી પર એક માત્ર વૈજ્ઞાનિક નામ્બી નારાયણન જ કામ કરી રહ્યા હતા. અગાઉ ભારતે સ્પેસ વિજ્ઞાનની કેટલીક ટેક્નોલોજી રશિયા પાસેથી ખરીદવાની કોશિશ કરી હતી, પરંતુ અમેરિકાએ આ સોદા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છેવટે આપણી તમામ આશા નામ્બી નારાયણન પર જ હતી. એકાએક જ 1994માં નામ્બી નારાયણન સામે જાસૂસ હોવાનો અને રોકેટને લગતી સંવેદનશીલ માહિતી વિદેશી એજન્ટોને વેચતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. એમની ધરપકડ કરીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. કસ્ટડીમાં એમના પર કલ્પી ન શકાય એવો અત્યાચાર ગુજારવામાં આવ્યો. પાછળથી નારાયણનને કહ્યું હતું કે કલાકો સુધી એમને ઊભા રાખવામાં આવતા, દિવસો સુધી ઊંઘથી વંચિત રાખવામાં આવતા અને પીવા માટે પાણી પણ આપવામાં આવતું નહીં. જો તેઓ આ કાલ્પનિક ગુનાની કબૂલાત નહીં કરે તો એમના કુટુંબના અન્ય સભ્યો અને સાથીદારોને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. 50 દિવસ સુધી નામ્બી નારાયણન પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જામીન પર છૂટ્યા પછી ભાંગી પડેલા નામ્બીએ સવાલ પૂછ્યો હતો કે : ‘1994માં જે ટેક્નોલોજીનું ભારતમાં અસ્તિત્વ જ નહોતું એને હું કઈ રીતે વેચી શકવાનો હતો અને જે ટેક્નોલોજી મેં વેચી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો એ ટેક્નોલોજી તો વિશ્વ આખામાં સામાન્ય રીંગણાની જેમ બજારમાં વેચાઈ રહી છે!’ આ ઘટના પછી નામ્બી નારાયણનની કારકિર્દી ખતમ થઈ ગઈ અને એની સાથે જ ક્રાયોજેનિક એન્જિન બનાવવાનું ભારતનું સપનું દાયકાઓ પાછળ ઠેલાઈ ગયું. જોકે, છેવટે 2014ના જાન્યુઆરી મહિનામાં આપણે ક્રાયોજેનિક એન્જિન બનાવવામાં સફળ થયા.
આ આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવામાં આપણને 20 વર્ષ પાછળ રાખનાર જવાબદાર કોઈ હોય તો એ કેરળની સામ્યવાદી સરકાર હતી. સામ્યવાદીઓ કોના ઇશારે કામ કરે છે એ વિશે અહીં વધુ કહેવાની જરૂર નથી. વર્ષો સુધી નામ્બી નારાયણન પોતાને થયેલા અન્યાય માટે જવાબદાર પોલીસ અધિકારીઓને યોગ્ય સજા અપાવવા કેરળની વિવિધ સરકારો પાસે ધક્કા ખાતા રહ્યા, પરંતુ કોઈ સરકારે એમને ન્યાય આપ્યો નહીં. 1996માં તો ત્યારની કેરળ સરકારે સીબીઆઇના રિપોર્ટ સામે વાંધો લઈ ફરીથી પોલીસને જ તપાસ કરવા કહ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે સરકારની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું હતું. નામ્બી નારાયણનનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે તપાસ કરનાર એજન્સી સીબીઆઇએ કબૂલ કરવું પડ્યું કે આઇબીએ (ઇન્ટેલિજન્સ બ્યૂરો) આખેઆખો ખોટો કેસ ઊભો કર્યો હતો. 1996ની ત્રીજી જૂને ડીઆઇજી શરદકુમારે સીબીઆઇનો રિપોર્ટ ત્યારના હોમસેક્રેટરીને મોકલ્યો ત્યારે સાથેની નોટમાં લખ્યું હતું : ‘આ કેસની તપાસ દરમિયાન એવુ પ્રતિપાદિત થતું હતું કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોના કેટલાક અધિકારીઓએ ગંભીર ભૂલ કરી હતી. આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે આ સાથે વિગતો બીડવામાં આવી છે.’ આ બોગસ કેસ ઊભો કરીને તપાસને આડે માર્ગે લઈ જવા માટે જે આઇબી અધિકારીઓનાં નામો આપવામાં આવ્યાં એમાં ડેપ્યૂટી ડાયરેક્ટર આર.બી. શ્રીકુમાર, જોઇન્ટ ડાયરેક્ટર મેથ્યુ જોન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સી.આર. નાયર વગેરે હતા. નામ્બી નારાયણન સિવાય બીજા પાંચ વૈજ્ઞાનિકોની પણ ધરપકડ કરીને એમને અપાર શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ માટે આર.બી. શ્રીકુમારને જવાબદાર ગણવામાં આવ્યા હતા.
આ આર.બી. શ્રીકુમાર કોણ છે એ જાણો છો? આજથી લગભગ 15 વર્ષ પહેલાં ગુજરાત વિરુદ્ધ ઝેર ઓકનારા તિસ્તા સેતલવાડના ખાસ સાથીદાર તરીકે આર.બી. શ્રીકુમારે ગુજરાત પોલીસમાં રહીને કામ કર્યું હતું. નામ્બી નારાયણન અને એમના સાથીદારોને એટલી હદે શારીરિક અને માનસિક યાતના આપવામાં આવી હતી કે તેઓ લગભગ અર્ધપાગલ બની ગયા હતા. આ શ્રીકુમારે ગુજરાતના આતંકવાદીઓ વિરુદ્ધ કરાયેલા એન્કાઉન્ટર બાબતે જોરશોરમાં નાટકીય વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે નામ્બી નારાયણનના માનવ અધિકારની વાત આવી ત્યારે એક કાવતરાના ભાગ હેઠળ સામ્યવાદી સરકારના એજન્ટ તરીકે કામ કર્યું.
નવાઈની વાત એ છે કે આટલા મોટા આતંરરાષ્ટ્રીય કાવતરાનો ઘટસ્ફોટ થયો હોવા છતાં એ સમયે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંપૂર્ણપણે ચૂપ રહ્યું હતું. ટીવીના કોઈ સ્ક્રીન કાળા કરવામાં આવ્યા નહોતા, કેરળની સરકારને કોઈએ ફાસિસ્ટ કહી ન હતી. ઊલટાનું વૈજ્ઞાનિકોને ફસાવનાર પોલીસ અધિકારી સિવાય મેથ્યુસને કેરળના મુખ્ય માહિતી અધિકારી બનાવવામાં આવ્યા હતા!
કોર્ટના હુકમ પછી લડાઈ ચાલુ રહી લાંબી. લડાઈના અંતે 2018ના સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે નામ્બી નારાયણનને 50 લાખ રુપિયાનું વળતર આપવા માટે હુકમ કર્યો હતો. કોર્ટે ન્યાયાધીશ બી. કે. જૈનના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી બનાવીને કેરળ પોલીસે ભજવેલા ભાગની તપાસ કરવા હુકમ કર્યો હતો.
જેએનયુ(જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં પ્રજાના પૈસે જલસા કરનારા કનૈયાકુમાર અને ઉમર ખાલિદ જેવાઓની ટુકડે ટુકડે ગેંગને લવિંગ કેરી લાકડીએ અડવામાં પણ આવે તો અન્યાય અન્યાયની ચીસો પાડનાર બૌદ્ધિકો અને મીડિયાના મોઢે પણ નારાયણન સામે થયેલા અન્યાય વખેત તાળાં લાગી ગયાં હતાં. બીજી તરફ દેશ માટે આટલું મોટું યોગદાન આપનાર નામ્બી નારાયણનને જો પદ્મભૂષણ એવોર્ડ મળ્યો ન હોત તો કદાચ હજી પણ ‘નામ્બી નારાયણ’ કોણ? એમ પૂછવામાં આવતું હોત કે નહીં?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP