ઈધર-ઉધર / ચૂંટણી મારી અને સૂત્ર પણ મારું! પ્રચારમાં મોદીને કોઈ ન પહોંચે

article by vikram vakil

વિક્રમ વકીલ

Apr 01, 2019, 04:06 PM IST

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે અવ્વલ દરજ્જા અને સૌથી મોંઘી ગણાતી એજન્સીઓને કામ સોંપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એના કેમ્પેઇન મેનેજરો સાથે સંપર્કમાં રહે છે, ‘નામૂમકીન અબ મૂમકીન હૈ’ સૂત્ર સરકારી જાહેરાતોમાં ખૂબ વપરાયું અને લોકભોગ્ય પણ બન્યું. મોદીના વિરોધીઓ પણ કબૂલે છે કે, પ્રચારની સમજ બાબતે મોદીને કોઈ પહોંચી નહીં શકે. ઉપરનું સૂત્ર જાણીતું થયું હોવા છતાં મોદીએ એમાં ફેરફાર કરી ‘મોદી હૈ તો મૂમકીન હૈ’ સૂત્ર બનાવ્યું. જોકે, પ્રારંભિક સર્વે પછી એવું લાગ્યું કે મૂમકીન શબ્દ ઉર્દૂ હોવાને કારણે કેટલાક એ સમજી શકે એમ નથી. જાદુગર મોદીએ તરત જ રાહુલ ગાંધીના સૂત્ર ‘ચૌકીદાર ચોર હૈ’નો ઉપયોગ કરીને ‘મૈં ભી ચૌકીદાર હું’ સૂત્ર દેશભરમાં ગુંજતું કરી દીધું. બોડી લાઇન બોલિંગ પર છગ્ગાઓ મારવા માટે મોદી એમને એમ નથી વખણાતા!

પ્રિયંકા વિરુદ્ધ માયાવતી બેઉ બહેના બાથે વળગ્યાં
રાજકીય જગતમાં માયાવતીને છંછેડવાની હિંમત કોઈ ભાગ્યે જ કરે છે. નારાજ થયેલાં માયાવતી એટલો જલદ પ્રતિ હુમલો કરે છે કે એ સહન કરવાની તાકાત બહુ ઓછા રાજકારણીઓમાં હોય છે. જોકે, પ્રિયંકા વાડેરા ગાંધીએ માયાવતી સામે બાથ ભીડવાનું નક્કી કર્યું લાગે છે. માયાવતીએ વારંવાર કોંગ્રેસ સાથે ગઠબંધનની ખૂલીને ના પાડી એના બદલા સ્વરૂપે પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના દલિત નેતા ચંદ્રશેખર આઝાદને હોસ્પિટલમાં મળવા જઈ માયાવતીને છંછેડ્યાં. ભીમ સેનાએ તો જાહેર પણ કરી દીધું કે ચંદ્રશેખર હવે નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ઊભા રહેશે. ધૂંધવાયેલાં માયાવતીએ રાયબરેલી અને અમેઠીથી પણ ઉમેદવાર ઊભા રાખવા હતાં. જોકે. છેવટે અખિલેશ યાદવે એમને સમજાવવા પડ્યા. થોડા સમય પછી કર્ણાટકમાં કોંગ્રેસના સાથી પક્ષ જે. ડી. (એસ)ના મહામંત્રી ડેનિશ અલી બસપામાં જોડાઈ ગયા.

જાપાનની હોટલમાં ‘એક્સ્ટ્રા’ સેવા!
જાપાનની એક ચાલુ હોટેલે પોતાની દરેક રૂમમાં એક સાધન બેસાડ્યું છે. આ સાધનમાં પ્રિરેકોર્ડેડ ઘોંઘાટ છે. કોઈનો મોબાઇલ પર ફોન આવે એટલે જોઈએ તેવા ઘોંઘાટનું બટન દબાવવાનું એટલે રૂમની અંદર ભાજીપાલા ગલી જેવી અથવા ચર્ચગેટ સ્ટેશન જેવી રાડારાડ અને કિકિયારીઓ, વાહનોની ઘરેરાટીઓ શરૂ થઈ જાય. સામેવાળાને
લાગે કે બોલનાર સાચું બોલી રહ્યો છે. પછી ભલેને એ કોઈના માથાની લટોમાં હાથ ફેરવી રહ્યો હોય!

લંડનમાં સાઇકલ એમ્બ્યુલન્સ
ઇમરજન્સીમાં દર્દીને બને એટલો વહેલો હોસ્પિટલ પહોંચાડવા માગતી એમ્બ્યુલન્સોને શહેરનો ટ્રાફિક નડે છે. એને લીધે સમય પર સારવાર ન મળતાં ક્યારેક દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. હવે લંડનની એમ્બ્યુલન્સ સર્વિસે એનો ઉપાય શોધી કાઢ્યો છે. એણે બાઇસિકલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. સાઇકલસવારો હવે જીવનરક્ષક ઉપકરણો માઉન્ટન બાઇક્સ પર ગોઠવીને લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહેશે. સાઇકલ રિસ્પોન્સ યુનિટ તરીકે ઓળખાતી આ સેવા શરૂમાં લંડનના વેસ્ટ એન્ડ વિસ્તાર પૂરતી મર્યાદિત રહેશે. સફળતા મળ્યા બાદ આખા શહેરમાં સર્વિસ આપશે.

વિચિત્ર પ્રકારનો ચક્ષુહીન જ્યોતિષ રેખાઓ જુએ છે, પણ હાથની નહીં
હસ્તરેખાના નિષ્ણાતને કોઈ મહાનુભાવ જેટલું માન મળતું હોય છે, પણ જર્મનીમાં એક નિષ્ણાત એવો છે જેની પાસે મહિલાઓ તેમનાં નિતંબ ખુલ્લાં કરી દે છે. હેમ્બર્ગ શહેરની નજીકના મેલ્ડોર્ફ ગામના યુલ્ફ બક એવો દાવો કરે છે કે તે લોકોનાં નિતંબ પર હાથ ફેરવીને તેમનું ભવિષ્ય ભાખે છે. તેનું કહેવું છે કે દરેક જણને હથેળી પર હોય છે એવી જ રેખાઓ નિતંબ ઉપર પણ હોય છે અને તે એ વાંચીને વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે કહી આપે છે. લોકો તેમનાં નિતંબ એની સામે ખુલ્લાં કરે એ સાથે જ યુલ્ફ બક સમક્ષ તેના ગ્રાહકનું ભવિષ્ય ખુલ્લું થઈ જાય છે. આ જ્યોતિષી યુલ્ફ બક આંખોથી અંધ છે કદાચ એટલે જ મહિલાઓ તેની સામે નિતંબ ખુલ્લાં કરતાં અચકાતી નહીં હોય.
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી