દીવાન-એ-ખાસ / સ્ટ્રીટ ફાઇટર? હા... હા... હા...

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 28, 2019, 05:01 PM IST

લગભગ સવા વર્ષ પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે સમગ્ર રાષ્ટ્રનું મીડિયા ગુજરાતમાં ઊતરી આવ્યું હતું. ભાજપ વિરોધીઓનું તમામ ફોકસ ત્રણ કહેવાતા ‘ક્રાંતિકારી’ યુવાનો પર હતું. કોંગ્રેસ નહીં, પરંતુ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરના દિલમાં ‘સળગતી આગ’ ભાજપને ભસ્મિભૂત કરી નાખશે એવી આગાહીઓ દર કલાકે થતી હતી. કેટલાય ભાજપ વિરોધીઓને રાહુલ ગાંધી નહીં, પરંતુ ઉપરના ત્રણ ‘નરબંકાઓ’માં ‘સ્ટ્રીટ ફાઇટર’નાં દર્શન થતાં હતાં. આ ત્રણેનું એ રીતે પ્રોજેક્શન થતું હતું જાણે સુભાષચંદ્ર બોઝ પછી દેશમાં પહેલી વખત ક્રાંતિવીર પાક્યા હોય!
ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો એ વાત તો ગૌણ છે, પરંતુ સમય જતાં આ કહેવાતા ત્રણે યુવા નેતાઓના પગ ધારવા કરતાં વહેલા જમીન પર આવી ગયા.
આમાંના એક નમૂનાએ 2019ના માર્ચ મહિનામાં ભારતબંધનું એલાન આપ્યું ત્યારે દેશભરમાં પાનનો એક ગલ્લો પણ બંધ રહ્યો નહીં. બીજાએ જૂનું આંદોલન ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘટતા સાથીદારોની સંખ્યા જોઈ વિધિગત રીતે રાજકારણમાં જોડાઈ ગયો. ત્રીજાએ પક્ષપલટો કરી સત્તા મેળવવાનાં ફાંફાં માર્યાં, પરંતુ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું!
આમ થવાનું કારણ શું?

  • આપણને ખબર નથી કે કહેવાતા આ બધા ‘શેરીના યોદ્ધાઓ’ પાસે કોઈ ઇતિહાસનું જ્ઞાન કે વાંચન છે કે નહીં

એક તરફ આપણે ત્યાં યુવાનોની વસ્તી કદાચ વિશ્વના બીજા કોઈપણ દેશ કરતાં વધારે છે, આમ છતાં વીસ કે ત્રીસ વર્ષની ઉંમર આસપાસનાં યુવાન-યુવતીઓ રાજકીય કે સામાજિક ક્ષેત્રે સર્વમાન્ય નેતાગીરી શા માટે સ્થાપિત કરી શકતા નથી? જે જમાનામાં ફક્ત ગણ્યાંગાંઠ્યાં વર્તમાનપત્રો સિવાય અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો કોઈ રસ્તો નહોતો, હેરફેર માટેનાં સાધનો મર્યાદિત હતાં ત્યારે પણ આપણા દેશે એવી યુવા નેતાગીરી આપી છે જેનો ઉલ્લેખ ઇતિહાસમાં કરવો જ પડે. આઝાદી પછી ઘણા પ્રકારનાં આંદોલનો થયાં. નકસલવાદી મૂવમેન્ટ, જયપ્રકાશ નારાયણનું આંદોલન, ગુજરાતમાં નવનિર્માણ આંદોલન. આ બધાં આંદોલનો યુવાનો વગર નહીં થયાં હોય, છતાં હિંસક કે અહિંસક આંદોલનોએ સમાજને એક પણ એવો યુવા નેતા આપ્યો નહીં કે જે ખરેખર દેશ-સમાજનું હિત કરી શકે. જેને બહુમતી વર્ગે પોંખ્યો હોય.

સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજે હમણાં સરસ વાત કહી. આમ તો આ ન્યાયાધીશ ભારે વિવાદાસ્પદ નિવેદનો કરવામાં એક્કાે છે. દેશના લિબરલો શા માટે નિષ્ફળ જઈ રહ્યા છે એનું એક ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે અરુંધતિ રોય જેવા જ્યારે કાશ્મીરને આઝાદી આપી દેવાની વાત કરે છે ત્યારે એ વિચારતા નથી કે છેવટનું પરિણામ શું આવશે. માની લઈએ કે કાશ્મીરને આઝાદી આપી દેવામાં આવે, પણ પછી ત્યાં શરિયતનો કાયદો કે કટ્ટર ઇસ્લામિક શાસન આવે તો એમાં કાશ્મીરનું ભલું થશે કે નુકસાન?

કાશ્મીરની જ વાત નીકળી છે તો આપણે આતંકવાદી બુરહાન વાનીનો જ દાખલો જોઈએ. ભારતીય સુરક્ષા દળોના હાથે ઠાર થતા પહેલાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આ કમાન્ડર કાશ્મીરના ભાન ભૂલેલા યુવાનોમાં ખૂબ લોકપ્રિય હતો. સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગને કારણે તેને ભારે પ્રસિદ્ધિ પણ મળી હતી. હાથમાં ઓટોમેટિક રાઇફલ સાથેના ફોટા પડાવી એ પોતાને મહાન યોદ્ધો માનવા માંડ્યો હતો. હાથમાં બંદૂક પકડવાથી જ સારા યોદ્ધા થઈ જવાતું નથી એનું ભાન એને મરતા પહેલાં થયું. આપણા સુરક્ષા દળોએ જ્યારે એને ઘેરીને કૂતરાની જેમ મારી નાખ્યો ત્યારે એ વળતો પહાર પણ કરી શક્યો નહોતો. એ જ રીતે 90ના દાયકામાં ‘મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ’નો આતંકવાદી નેતા અશફાક મઝીદવાની પણ બુરહાન વાનીની જેમ કાશ્મીરમાં હીરો ગણાતો હતો. એનો નારો હતો કે ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’. આ ભાઈને જ્યારે ભારતના લશ્કરે ઘેરી લીધો ત્યારે આપણા જવાનો પર હુમલો કરવા માટે એણે હેન્ડગ્રેનેડ કાઢ્યો, પરંતુ અણઆવડતને કારણે એના હાથમાં જ આ ગ્રેનેડ ફૂટી ગયો અને એના ફૂરચા ઊડી ગયા હતા. અશફાકના જનાજામાં પણ લાખો કાશ્મીરીઓ ભેગા થયા હતા, પરંતુ અશફાકથી માંડીને બુરહાન વાની સુધીનાઓ ખૂબ ખરાબ રીતે નિષ્ફળ જતા રહ્યા છે.

થોડા વર્ષો પહેલાં કાશ્મીરના આતંકવાદીઓના ટેકેદાર ગણાતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)ના કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ, શહેલા રશીદ જેવા અર્બન નકસલોએ કાશ્મીરની આઝાદી માગીને દેશના ટુકડા કરવાની ચીસો પાડી હતી. આ પછી કેટલાક અતિ ઘેલા એન્કરોએ આવા શેરીના ટપોરી જેવાઓને સ્ટ્રીટ ફાઇટર તરીકે ગણાવ્યા હતા. સમય જતા હવે આ બધા ખરેખર તો ‘ટ્વીટ ફાઇટર’ બનીને જ રહી ગયા છે. આવાઓના રવાડે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ચઢ્યા હતા. આજની પરિસ્થિતિ જોતાં લાગે છે કે એક ચક્ષુહીન બીજા ચક્ષુહીનને રસ્તો બતાવે એવી એમની હાલત છે. હવે કાશ્મીરથી એક નવા નોંધાયેલા રાજકીય પક્ષમાં શહેલા રસીદે પણ ઝંપલાવ્યું છે. કાશ્મીરમાં થોડા સમય પહેલાં એક બાળા પર બળાત્કાર થયો હતો ત્યારે એની મદદના બહાને ફંડફાળો ઉઘરાવીને ગપચાવી જવાનો આરોપ પણ શહેલા પર લાગ્યો હતો.

હાર્દિક પટેલથી માંડીને ઉમર ખાલીદ જેવાઓને ખબર નથી કે તેઓ શેના માટે લડી રહ્યા છે. ફક્ત આંધાધૂંધી ફેલાવીને કામચલાઉ મીડિયામાં છવાઈ જઈ પોતાનો સ્વાર્થ સાધવાને જ તેઓ નેતાગીરી માને છે. દેશની બહુમતિ પ્રજા કાળક્રમે આવાઓને બરાબર ઓળખી જાય છે એટલે એક દુકાન બંધ થતાં તરત જ તેઓ બીજી દુકાન ખોલવા દોડે છે. જે રીતે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉપયોગ કરીને અન્ના હજારેના ખભા પર બંદૂક ફોડી, મુખ્યમંત્રીની ખુરશી પર ચઢી બેઠા એ જોઈને હાર્દિકથી માંડીને કનૈયાકુમાર જેવાના મોઢામાંથી લાળ ટપકે છે!

આપણને ખબર નથી કે કહેવાતા આ બધા ‘શેરીના યોદ્ધાઓ’ પાસે કોઈ ઇતિહાસનું જ્ઞાન કે વાંચન છે કે નહીં. એક જમાનામાં દુનિયાના કેટલાક ભાગોમાં અને આપણે ત્યાં પણ માર્ક્સવાદી આંદોલનકારી ચે ગુવારાને હીરો ગણવામાં આવતો હતો. હકીકતે તો ચે ગુવારાએ દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોમાં સરકાર સામે લોકોને ઉશ્કેરી ખૂનામરકી કરી હતી. છેવટે કોન્ગો જેવા દેશમાં છ મહિના સુધી ખૂનામરકી કરવાના પ્રયત્ન પછી પણ એને સફળતા નહીં મળી ત્યારે ભાગવું પડ્યું અને છેવટે બોલિવિયા ખાતેથી એ પકડાયો અને એને ઠાર મારવામાં આવ્યો. દક્ષિણ અમેરિકાના મોટા ભાગના લોકોની આંખ ઊઘડી ત્યારે ખબર પડી કે ગુવારાની માર્ક્સવાદી વિચારધારાને કારણે એમના દેશોને કેટલું નુકસાન થયું છે. લાગે છે કે ચે ગુવારાએ પણ કોઈ અંતિમ ધ્યેય નક્કી કર્યા વગર જ કહેવાતી ક્રાંતિના નામે યુવાનોને ઉશ્કેર્યા, માર્યા અને છેવટે નિષ્ફળ ગયો.
ગુજરાતમાં પટેલ અનામત આંદોલન વખતે પણ હાર્દિક પટેલ જેવાઓએ ગરીબ યુવાનોને ઉશ્કેરી પોલીસોને મારવા ભડકાવ્યા અને ગુજરાત આખું સળગાવ્યું. એમાં કેટલાય ગરીબ યુવાનોનાં મૃત્યુ થયાં અને એક પોલીસ કર્મચારી પણ માર્યો ગયો. આ જ હાર્દિક પટેલ હવે મૃત્યુ પામેલા યુવાનોની ચિતાની રાખ પર સત્તાનાં સમણાં જોઈ રહ્યો છે. જો ખરેખર સમાજ, દેશ માટે ક્રાંતિકારી કામ કરવું હોય તો ચે ગુવારા બનવાની જરૂર છે ખરી?

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી