ઈધર-ઉધર / શીલા દીક્ષિતનો ઘા અને અરવિંદ કેજરીવાલની ચીસ

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 17, 2019, 06:12 PM IST

એમ લાગે છે કે દિલ્હી કોંગ્રેસનાં સર્વેસર્વા શીલા દીક્ષિતની યાદશક્તિ હાથી જેવી છે. કઈ રીતે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર બાબતે એમને હેરાન કર્યાં હતાં એ શીલા દીક્ષિત ભૂલ્યાં નથી. કેજરીવાલને એમનું સ્થાન બતાવી દેવા માટે શીલા દીક્ષિત તડપાપડ હતાં. લોકસભાની ચૂંટણીમાં સંકટ ભાળી ગયેલા કેજરીવાલે કોંગ્રેસ સાથે જોડાણ કરવા લગભગ નાક રગદોળ્યું, પરંતુ શીલા દીક્ષિતે એમને ભાવ આપ્યો નહીં. કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી પણ શીલા દીક્ષિતની સલાહ માનીને ‘આમ આદમી પાર્ટી’ સાથે જોડાણ નહીં કરવા સંમત થયા ત્યારે કેજરીવાલને એટલો મોટો આઘાત લાગ્યો કે, તરત જ ટિ્વટ કરીને કોંગ્રેસને ભાજપની બી ટીમ જાહેર કરી દીધી! કોંગ્રેસે કરેલી અવગણના તેઓ પચાવી શક્યા નહીં. એમ મનાય છે કે હવે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય મેળવવા ફાંફાં મારી રહ્યા છે. જોકે, આ લખાય છે ત્યારે તો એમ લાગે છે કે, રાહુલ ગાંધી પણ કેજરીવાલને એમનું સ્થાન બતાવવા આતુર છે!

અંબાણીનાં લગ્નમાં રાજકારણીઓ શા માટે દૂર રહ્યા?
મુકેશ અંબાણીના કુટુંબમાં થોડા દિવસોના અંતરે જ બે લગ્નપ્રસંગ યોજાઈ ગયા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને વિશ્વની ઘણી નામાંકિત હસ્તીઓ લગ્નમાં હાજર રહી હતી, પરંતુ સત્તા પક્ષ તેમજ વિરોધ પક્ષના ગણ્યાગાંઠ્યા રાજકારણીઓ જ લગ્નપ્રસંગે હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી ચાલાક બિઝનેસમેન છે, એટલે દરેક પક્ષના સત્તાધીશો સાથે સંબંધ રાખવાનું પસંદ કરે છે અને દરેક પક્ષના સત્તાધીશોને પણ અંબાણી વગર ચાલી શકે એમ નથી, પરંતુ ચૂંટણી માથે હોવાથી કદાચ કેટલાક રાજકારણીઓ દ્વિધામાં હશે કે, મુકેશ અંબાણી સાથે નજીક હોવાની ઇમેજ ક્યાંક નુકસાન તો નહીં પહોંચાડે ને? બીજું કારણ એ પણ હોઈ શકે કે પુલવામાના હુમલા પછી રાજનેતાઓ લગ્નમાં મહાલી રહ્યા છે, એવા આક્ષેપથી બચવા માગતા હોય.

પાક.ની બળાત્કાર-પીડિતાઓની વેદના
પાકિસ્તાનમાં મહિલાઓ પર બળાત્કાર થાય છે ત્યાર પછી તેમણે જે લાચારી વેઠવી પડે છે તે ખરેખર હૃદયદ્રાવક છે. પોતાના પર બળાત્કાર થયો છે તેવું પુરવાર કરવા માટે એ સ્ત્રીએ બળાત્કારને પોતાની સગી આંખે જોનારા ચાર પુરુષ સાક્ષીઓ કોર્ટમાં રજૂ કરવા પડે છે, જે લગભગ ક્યારેય શક્ય નથી બનતું. સ્ત્રી જો સાક્ષીઓ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તે પોતે ગુનેગાર ઠરે છે, કારણ કે પોતાના પર બળાત્કાર થયો છે એવું કહેનારી સ્ત્રી આપમેળે એક વાત કબૂલે છે કે તેના પતિ સિવાયના કોઈ પુરુષ સાથે તેને શરીરસંબંધ બંધાયો હતો. એ કબૂલાતના આધારે તેને જેલમાં પૂરી દેવામાં આવે છે.

કર્ણશંખમાં મુકાતા ઉપકરણની કામગીરી
સાંભળવામાં મદદરૂપ બનતાં મોટા ભાગનાં યંત્રો ધ્વનિતરંગોનું સંવર્ધન કરવાનું (અવાજને મોટો કરવાનું) કામ કરતાં હોય છે, પરંતુ કર્ણશંખમાં મુકાતું ઉપકરણ (કોક્લિયર ઇમ્પ્લાન્ટ) જુદી જ રીતે કામ કરે છે. આ સાધન કાનના પાછળના ભાગની ચામડી ચીરીને અંદર મેસ્ટોઇડ તરીકે ઓળખાતા હાડકાંમાં મૂકી દેવાય છે. તેમાંનું એક નાનું સ્પીચ પ્રોસેસર બાહ્ય માઇકમાં ઝિલાયેલા ધ્વનિના તરંગોને વીજતંરગોમાં રૂપાંતરિત કરીને એ તરંગો ટ્રાન્સમીટર કોઇલ દ્વારા કાનમાંના એવા ભાગમાં મોકલે છે જે ભાગ કાર્યરત છે (બગડેલો નથી). ત્યાં વીજતરંગોને ઓળખીને જ્ઞાનતંતુઓ મગજને સંદેશો મોકલે છે.

ડ્રગ્સસેવનના ગુનેગારની ફરિયાદ જ્યુરીમાં ‘જાડી વ્યક્તિ’ કેમ ન રાખી?
અમેરિકામાં ડ્રગ્ઝનું સેવન કરનાર એક માણસને નીચલી કોર્ટે સજા ફરમાવી. તેણે છેક સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની માગણી કરી. સર્વોચ્ચ અદાલતને તેણે જણાવ્યું, ‘મને નથી લાગતું કે મારા પર ચાલેલો મુકદમો ન્યાયી હતો, કારણ કે જ્યુરીમાં એક પણ વ્યક્તિ જાડી નહોતી.’ એ બંધાણીનું દૃઢપણે માનવું હતું કે જ્યુરીમાં એકાદ જાડી વ્યક્તિ તો હોવી જ જોઈએ. તો જ સાચો ન્યાય થઈ શકે. જાડી વ્યક્તિની ઉપસ્થિતિને કારણે ન્યાયપ્રક્રિયામાં કેટલો ફરક પડત, એ બાબતે તાર્કિક રીતે કશું કહી શકાય નહીં, છતાં આ વ્યક્તિએ આવી રજૂઆત કરીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. અમેરિકામાં ઓબેસિટીવાળા લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે આ મુદ્દો આગળ જતાં કેવું સ્વરૂપ લે તે કહી શકાય નહીં!

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી