દીવાન-એ-ખાસ / લાલભાઈઓ અને લિબરલોના ‘ત્રાસવાદ’ પર સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે?

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 13, 2019, 01:24 PM IST

લાલભાઈઓ, કહેવાતા લિબરલો, લ્યુટિયન્સ મીડિયા કે અર્બન નકસલ, નામ જુદાં જુદાં છે, પરંતુ લખ્ખણ એક જ છે. રાષ્ટ્રવાદી સિદ્ધાંતો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સુરક્ષાદળોનો સતત વિરોધ કરી ઝેર ઓકતા રહેવું. એક વિદ્વાન લેખકે કહેલું: ‘મને કેમ કાયમથી એમ જ લાગે છે કે, સામ્યવાદી, લેનિનવાદી, માઓવાદી વિચારધારા એ સ્વમૈથુનનો જ એક વરવો પ્રકાર છે? કરનારને-માણનારને ખબર જ છે કે આવા પ્રકારના મૈથુનથી કોઈ ‘નક્કર’ પરિણામ નથી મળવાનું કે નથી અન્યને એનો લાભ-મોજ મળી શકવાના. આમ છતાં આવા લોકો રાત-દિવસ 24 કલાક એમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એક પણ એવો પ્રદેશ બતાવો જેને લાલભાઈઓથી જરા જેટલો પણ લાભ થયો હોય, જનજીવનમાં થોડી સુખાકારી વધી હોય કે એમના લીધે કોઈ બીજા સમાજને પણ લાભ મળ્યો હોય. સામ્યવાદી આતંકવાદ એ ઇસ્લામિક આતંકવાદથી પણ પહેલાંનો અને એનાથી પણ વધારે વ્યાપક પ્રમાણમાં પ્રસરેલો આતંકવાદ છે. સૌથી નાપાક વાત એ છે કે એ 100 ટકા સ્ટેટ સ્પોન્સર્ડ છે.’

  • હિટલરના લશ્કરને અટકાવવા આપણા જવાનોને મોકલવા માટે ગાંધીજીની જ સંમતિ હતી. ગાંધીજીના નામે ચરવાનું બંધ કરો

જંગલમાં આપણા સુરક્ષાદળો કે દેશ સામે જંગે ચઢેલા નકસલીઓ કે માઓવાદીઓ તો ફક્ત હાથા છે. એમના અસલી આકાઓ તો શહેરોમાં બેસી ફાઇવસ્ટાર કમ્ફર્ટમાં રહી, નિર્દોષોનાં લોહી વહાવવાનું આયોજન કરતા હોય છે. પાકિસ્તાન તો ખુલ્લું દુશ્મન છે, પરંતુ દેશની અંદર બેઠેલા આવા છૂપા દુશ્મનો સામે લડવું વધુ કપરું છે. અરુંધતી રોયથી માંડીને કવિતા કૃષ્ણન જેવાઓ જાણે છે કે કઈ રીતે મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, બ્યુરોક્રસી પર કબજો કરી એમની રાષ્ટ્રવિરોધી વિચારધારાનું ઝેર ફેલાવી શકાય છે અને વક્રતા તો એ છે કે એમનાં નામ હિન્દુ દેવી-દેવતાઓ (રામ, ક્રિષ્ણા...) પરથી એમના વડીલોએ રાખ્યાં હોય છે!

દેશની બહુમતી સામે લઘુમતીને ઉશ્કેરવાનું કામ પણ આ બધા જ કરે છે. હું હંમેશાં કહું છું કે અસદુદ્દીન ઓવૈસી સો ટકા રાષ્ટ્રવાદી છે ત્યારે ઘણાને આંચકો લાગે છે, પરંતુ ઓવૈસીએ ક્યારેય દેશવિરોધી સ્ટેન્ડ લીધું નથી. પોતાની મતબેન્કને સાચવવા એ કેટલીક વાતો કરે છે, પરંતુ ભારતની સંસ્કૃતિ, સુરક્ષાદળ કે સાર્વભૌમત્વ બાબતે એણે કદી અર્બન નકસલો જેવો બકવાસ કર્યો નથી.

દેશના સારા નસીબે, સોશિયલ મીડિયાના વધેલા વ્યાપ પછી હવે ઉપર કહી એ પ્રજાતિ એક્સપોઝ થઈ રહી છે. ‘લ્યુટિયન્સ મીડિયા’ તરીકે બદનામ થઈ ચૂકેલા દિલ્હી મીડિયાના કેટલાક અંશ સામે હવે સોશિયલ મીડિયામાં (યોગ્ય રીતે જ) તોપમારો ચાલુ થઈ ગયો છે. ‘ફ્રીડમ ઓફ એક્સપ્રેશન’(વિચારો વ્યક્ત કરવાનો અધિકાર)ના નામે વારંવાર હોબાળો કરીને કન્હૈયાકુમાર જેવાનું ઉપરાણું લઈ સરઘસ કાઢનારાઓના વિકૃત વિચારો સાથે જ્યારે દેશનો કોઈ નાગરિક સંમત નહીં થાય અને વિરોધ નોંધાવે ત્યારે આવાઓ: ‘મારી નાંખ્યા રે’ની ચીસો પાડી, પોલીસ ફરિયાદ કરવા દોડી જાય છે. દરેક બાબતે એમના બેવડા નહીં, પણ ત્રેવડાં ધોરણો હવે ઉઘાડાં પડી રહ્યાં છે. ઉંદર જેવું મોઢું કરીને દરેક રાત્રે ટીવી. કેમેરા સામે ગોઠવાઈને બધાને જ્ઞાતિ પૂછતો એક એન્કર પોતે ન્યૂઝ ચેનલમાં કામ કરે છે અને ગામને એવી સલાહ આપે છે કે, ‘ટીવી. પરની ન્યૂઝ ચેનલો જોવી બંધ કરી દો!’ અરે ભઈલા પહેલાં તું ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું બંધ કર પછી બીજાને આવી સલાહ આપ!

સામ્યવાદીઓએ લખેલો વિકૃત ઇતિહાસ વર્ષો સુધી કોન્વેન્ટ સ્કૂલમાં ભણવાને કારણે જેમનાં મગજ ઓક્સિજન વગરનાં થઈ ગયાં છે એમને પાકિસ્તાનની દરેક બાબત પ્યારી લાગે એ સ્વાભાવિક છે. જ્યારે આપણા એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને, આતંકવાદી છાવણી પર હુમલો કર્યો ત્યારે આવાઓનાં દિલ પર કારમો આઘાત લાગ્યો અને એમણે તરત જ ઇમરાન ખાનને શાંતિદૂત બનાવી આપણા એરફોર્સને જૂઠું સાબિત કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા. આ એ જ ટોળકી હતી જેણે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીને માંચડે ચઢતો અટકાવવા મધરાત્રે કોર્ટ ખોલાવી હતી! પુલવામામાં 44 જેટલા જવાનો શહીદ થયા એનું એમને દુઃખ નથી, પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદીઓ માર્યા જાય છે ત્યારે તેઓ રઘવાયા થઈ જાય છે.

આજકાલ આ લોકો રાષ્ટ્રવાદીઓ અને ભારતીય આર્મીનો જુસ્સો તોડવા માટે એવી દલીલ કરે છે કે, યુદ્ધની વાત કરનારાઓમાંથી કેટલા સરહદે લડવા જશે? આ ડફોળોને કોણ સમજાવે કે, આપણા 10 લાખથી વધુ જવાનો દુશ્મનો સામે લડવા માટે પૂરા સજ્જ છે. દેશને એમના પર ભરોસો છે. આપણું કામ એમની તમામ જરૂરિયાત પૂરું કરવાનું છે. આતંકવાદમાં માર્યા ગયેલા હજારો લોકોના કુટુંબીઓ પણ ઇચ્છી રહ્યા છે કે બદલો લેવામાં આવે. દેશના કરોડો લોકોએ કંઈ હાથમાં હથિયાર ઉઠાવીને સરહદે લડવા જવાની જરૂર નથી. એ કામ નિષ્ણાતોને કરવા દો. દેશને વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વેપારીઓ, બેન્કરો બધાની જરૂર છે. રાષ્ટ્રહિતની વાત કરનારા દરેકને સરહદે જઈ બંદૂક પકડવાની સલાહ આપનારાઓએ થોડો ઇતિહાસ પણ વાંચવો જોઈએ. ગાંધીજીની અહિંસાનો દાખલો આપનારાઓએ એ પણ જાણવું જોઈએ કે, ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે, કાયરતા અને હિંસાની પસંદગી કરવાની હોય તો હિંસા પસંદ કરવી અને બાય ધ વે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના લશ્કરને અટકાવવા માટે બ્રિટનના લશ્કરની મદદે આપણું સૈન્ય મોકલવા માટે ગાંધીજીની જ સંમતિ હતી!

બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે હિટલર સમગ્ર વિશ્વ પર વિજયપતાકા લહેરાવી રહ્યો હતો ત્યારે જો બીજા દેશોની એલાઇડ ફોર્સે ‘શાંતિ શાંતિ...’ની માળા જપી હોત તો આજે અડધા વિશ્વ પર નાઝીઓનું સામ્રાજ્ય હોત!
અગાઉ કહ્યું એમ બહારના દુશ્મનો કરતાં આપણને વધુ ખતરો આવા લિબરલો, લાલભાઈઓ, સ્યૂડો સેક્યુલરો અને અર્બન નકસલથી છે. આવનાર દિવસોમાં આ અંદરના ‘ત્રાસવાદ’ સામે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર ઊભી થવાની છે.

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી