દીવાન-એ-ખાસ / મહાગઠબંધનની અનિવાર્યતા અને કોંગ્રેસનું ‘કોલેટરલ ડેમેજ’!

article by vikram vakil

વિક્રમ વકીલ

Mar 06, 2019, 01:09 PM IST

લખાઈ રહ્યું છે ત્યારે આવી રહેલા ઓપિનિયન પોલ જોઈને લાગી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન માટે ચઢાણ સહેલું નહીં હોય. દેશવ્યાપી ચૂંટણીમાં કોઈ એક સમીકરણને આધારે પરિણામ નક્કી કરવું અઘરું છે. રાષ્ટ્રીય મુદ્દાઓ અને સ્થાનિક મુદ્દાઓની ભેળસેળ થઈ શકે છે. ભાજપ માટે પ્લસ પોઇન્ટ એ છે કે, નરેન્દ્ર મોદીનો કરિશ્મા અકબંધ લાગી રહ્યો છે. બીજી તરફ મોદી વિરોધી પક્ષો ભલે બહારથી એકજુટ લાગતા હોય, પરંતુ હકીકત જુદી છે.
મોદી વિરોધી દરેક પક્ષોનો એક જ એજન્ડા છે. કોઈપણ હિસાબે ફરીથી વડાપ્રધાન તરીકે મોદી નહીં જોઈએ અને કદાચ આ જ વાત તટસ્થ (મોદી તરફી નહીં અને વિરોધી પણ નહીં) મતદારોને મોદી તરફ વાળી શકે એવું વાતાવરણ બની રહ્યું છે.
ખરેખર જો રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ફક્ત કોંગ્રેસ જ ભાજપને ચેલેન્જ આપી શકે એવો રાષ્ટ્રીય પક્ષ છે. જે સ્થાનિક પક્ષો કોંગ્રેસ સાથે મહાગઠબંધનમાં જોડાઈ રહ્યા છે એમની કોઈ ખાસ વિચારધારા નથી. એમાંથી મોટાભાગના તકવાદી છે. એન.ડી.એ.ને હરાવવા માટે આવા સિદ્ધાંત વિહોણા રાજકીય પક્ષો સાથે જોડાણ કરવું કોંગ્રેસની મજબૂરી છે. મમતા બેનર્જીથી માંડીને ચન્દ્રાબાબુ નાયડુ જેવા નેતાઓના અપલખણનો ભોગ કોંગ્રેસ બની શકે એમ છે. કેટલીય બાબતોએ ડાબેરી પક્ષોએ લીધેલું સ્ટેન્ડ કોંગ્રેસની વિચારધારાને કે રાજકીય સ્ટ્રેટેજીને અનુરૂપ નહીં હોય તો પણ એને સ્વીકારવું પડે છે. આને અંગ્રેજીમાં ‘કોલેટરલ ડેમેજ’ (અનિવાર્ય નુકસાન) કહી શકાય.

  • જેમને પોતાના ધર્મ કે સંસ્કૃતિ પ્રત્યે માન નથી તેવાઓને બીજા ધર્મ પ્રત્યે પણ ઘૃણા જ હોય એ સ્વાભાવિક છે

કોઈપણ ચૂંટણીમાં હાર કે જીત છેવટના સમયે મતદારોના મનની ધારણા (પર્સેપ્શન) પર આધાર રાખે છે અને અહીં જ કહેવાતા સાથીદારોના ભવાડાની નકારાત્મક અસર કોંગ્રેસને થઈ શકે એમ છે.
ભાજપ (કે મોદી) વિરોધી ડાબેરીઓ કે ચુસ્ત ડાબેરી વિચારકો, પત્રકારો, કહેવાતા બૌદ્ધિકોને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ રાષ્ટ્રવાદને એક દૂષણની દૃષ્ટિથી જુએ છે. આતંકવાદથી ત્રસ્ત દેશવાસીઓ માટે ‘રાષ્ટ્રવાદ’ સૌથી સંવેદનશીલ મુદ્દો છે. કોઈ ડાબેરી, સામ્યવાદી લેખક–પત્રકાર રાષ્ટ્રવાદની ટીકા કરતો લેખ લખે અને પાકિસ્તાન તરફ કૂણું વલણ દાખવે એને તટસ્થ મતદારો સહન કરી શકતા નથી. આવો લેખક–પત્રકાર કે વિચારક જો મોદીનો ટીકાકાર હશે તો તરત જ એવી ધારણા બંધાઈ જશે કે રાષ્ટ્રવાદનો વિરોધ કરનાર કોંગ્રેસનો ટેકેદાર છે. પછી ભલે કોંગ્રેસને એની સાથે કોઈ લેવાદેવા નહીં હોય. એ જ રીતે સંકુચિત સ્વાર્થ માટે ગઠબંધનના કોઈ નેતાની જીભ લપસી જાય તો એની સીધી અસર કોંગ્રેસને ચૂંટણીમાં થાય. જોકે, આ બાબતે કોંગ્રેસની નીચલી હરોળના નેતાઓ પણ કંઈ કમ નથી. પ્રવીણ ખેરા નામના કોંગ્રેસના પ્રવક્તાએ એવું કહ્યું કે નરેન્દ્ર મોદી દરરોજ 8 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ડાયમંડ ફેસિયલ (મોઢાનું મસાજ) કરાવે છે અને દરરોજ 80,000 રૂપિયાના મશરૂમ ખાય છે. ગધેડાને તાવ આવે એવી આ વાતને મીડિયામાંથી કેટલાક ખુશ થઈને ચગાવે છે અને કોંગ્રેસના વધુ થોડા ‘તટસ્થ મત’ ઓછા થાય છે.

માયાવતીએ બનાવેલા પોતાના તેમજ પક્ષના સિમ્બોલ હાથીઓનાં પૂતળાંઓ તોડવાનો હુકમ કોર્ટે કર્યો ત્યારે કોંગ્રેસના કેટલાક શુભેચ્છકોએ એ પ્રકારની દલીલ કરી કે, તો પછી કોર્ટે સરદાર વલ્લભભાઈ પટેલના ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને પણ તોડી પાડવા હુકમ કરવો જોઈએ!
કોંગ્રેસને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે, ‘અર્બન નક્સલ’ તરીકે ઓળખાતા દેશની અંદરના જ દુશ્મનો. કવિતા કૃષ્ણન જેવા સામ્યવાદીઓથી માંડીને પ્રશાંત ભૂષણ જેવા વકીલો રામમંદિરથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મામલે જે રીતે બકાબકી કરે છે એની અવળી અસર કોંગ્રેસના ચૂંટણી પરિણામો પર થાય છે. આ ‘અર્બન નક્સલ’ નામની નવી પ્રજાતિ વિશે આ કોલમમાં થોડા મહિના પહેલાં લખાઈ ચૂકયું છે. આ અર્બન નકસલીઓના કેટલાક ખાસ એજન્ડા છે. રાષ્ટ્રવાદની મજાક ઉડાવવી. એનો સતત વિરોધ કરવો. હિન્દુ સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મની બેહુદી ટીકા કરવી. લશ્કરના જવાનોને નિરુત્સાહી કરવા. ‘અમન કી આશા’ની માળા જપતા રહેવી. બહુમતિ મધ્યમવર્ગને આવા અર્બન નકસલીઓ પ્રત્યે ભારોભાર ઘૃણા છે અને જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ એમની સાથે એક જ મંચ પર બિરાજે છે ત્યારે નુકસાન અર્બન નકસલીઓને નથી થતું, પરંતુ કોંગ્રેસને થાય છે. ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’(જેએનયુ)ના કન્હૈયાકુમાર કે ઉમર ખાલીદ જેવાઓનું કોઈ રાજકીય કે વૈચારિક વજન નથી. આવાઓ પાછા અરુંધતિ રોય જેવા રાષ્ટ્રવિરોધી સાથે એક મંચ પર આવીને એની જ ભાષા બોલે છે ત્યારે દેશનો બોલકો મધ્યમવર્ગ ડઘાઈ જાય છે. સોશિયલ મીડિયાના વધેલા વ્યાપને કારણે દરેક સમાચાર આગની જેમ પ્રસરી જાય છે.
મતદારો હવે સમજવા માંડ્યા છે કે, રાષ્ટ્રવાદનો વિરોધ કરનારાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. અસદુદ્દીન ઔવેસીને કદાચ કેટલાક રાષ્ટ્રવિરોધી ગણતા હોય તો એ ભૂલ છે. રાજકીય મજબૂરીને કારણે ઔવેસીએ કદાચ કટ્ટરવાદનું મહોરું પહેરેલું છે, પરંતુ હકીકતે રાષ્ટ્રવાદના મુદ્દે એણે કદી સમાધાન કર્યું નથી. રાષ્ટ્ર પહેલાં છે એવું એણે હંમેશાં સાબિત કર્યું છે અને એ દંભી નથી. ખરેખર તો પોતાને બિનસાંપ્રદાયિક કે લિબરલ ગણાવીને પોતાની સંસ્કૃતિ સામે જ ઝેર ઓકતા રહેનારા દંભીઓ દેશના સૌથી મોટા દુશ્મનો છે. જેમને પોતાના ધર્મ કે સંસ્કૃતિ પ્રત્યે માન નથી, તેવાઓને બીજા ધર્મ પ્રત્યે પણ ઘૃણા જ હોય એ સ્વાભાવિક છે. આવા અર્બન નકસલીઓ હવે બધી બાજુથી ઉઘાડા પડી રહ્યા છે. મહાગઠબંધનના કેટલાક પક્ષો આવા અર્બન નકસલીઓને હંમેશાં ઉત્તેજન આપતા રહે છે, જેનું પરિણામ પણ કારણ વગર કોંગ્રેસે ભોગવવું પડે છે. અજાણ્યે જ આવા અર્બન નકસલીઓ ભાજપને ફાયદો કરાવી રહ્યા છે. એક રાજકીય નિરીક્ષકે યોગ્ય જ કહ્યું હતું, ‘જે પોતાના ધર્મ, સંસ્કૃતિ, સમાજના નહીં થયા એ દેશ કે રાજકીય પક્ષના કઈ રીતે થઈ શકશે?’

[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી