ઈધર-ઉધર / અમિત શાહે પત્રકારોની ઊંઘ બગાડી!

article by vikram vakil

વિક્રમ વકીલ

Feb 17, 2019, 03:28 PM IST

ભાજપ પ્રમુખ અમિત શાહ અને દિલ્હીના પત્રકારો વચ્ચે આમ તો લવ-હેટના સંબંધ છે, પરંતુ થોડા દિવસ પહેલાં એમ લાગ્યું કે અમિતભાઈએ પત્રકારોનો રવિવાર બગાડ્યો! પક્ષના ચૂંટણી ઢંઢેરા માટે પ્રજામત જાણવા ભાજપના કાર્યકરો દેશભરમાં 7000 બોક્સ લઈને ફરશે અને પ્રજાને પોતાની ઇચ્છા જણાવવા માટે બોક્સમાં મેસેજ નાખવાનું કહેવાશે.

  • દિલ્હીની કડકડતી ઠંડીમાં રવિવારે સવારે પ્રેસવાર્તા યોજવામાં આવી એને લીધે પત્રકારોને અણગમો થયો

આ બાબતે અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ યોજે તેમાં કંઈ અજુગતું નથી, પરંતુ દિલ્હીની કડકડતી ઠંડીમાં રવિવારે સવારે 10:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી એને લીધે ભાજપ કવર કરતા પત્રકારોને થોડો અણગમો થયો. સામાન્ય રીતે પત્રકારો માટે રવિવારનો દિવસ રિલેક્સ થવાનો હોય છે અને મોટાભાગના પત્રકારો બપોર પછી જ ઘરની બહાર નીકળે છે. એક તો દિલ્હીની કાતિલ ઠંડી અને સવાર સવારનો વહેલો સમય, એટલે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા પત્રકારોની આંખમાં ઊંઘ ડોકાયા કરતી હતી. ઘા પર મીઠું છાંટતા હોય એમ અમિતભાઈએ એમની હંમેશની સ્ટાઇલમાં પત્રકારોને એમના પર હાવી થવા દીધા નહીં અને ઢંઢેરાના વડા રાજનાથસિંહ માટે તો ફક્ત સભામાં અભિવૃત્તિ કરવાનું કામ જ રહ્યું! હાય રે! અમિતભાઈ, પત્રકારોની ઊંઘ બગાડવાનું ‘પાપ’ શીદને કરો છો?

અખિલેશ યાદવને ખરેખર અમરસિંહની યાદ સતાવે છે?
એક વખત અખિલેશ યાદવે અર્ધમજાકમાં કહેલું કે, અમરસિંહ માટે એમના પક્ષમાં સ્થાન છે, પરંતુ ‘અન્કલ’ શું નરેન્દ્ર મોદી પ્રત્યેનો લગાવ દિલમાંથી કાઢી શકશે? ફંડ ઉઘરાવવા માટે તેમજ સંગઠનની આવડતને કારણે અમરસિંહ, નરેશ અગ્રવાલ અને શિવપાલ જેવા નેતાઓ કદાચ અખિલેશ યાદવને યાદ આવતા હોય તો નવાઈ નહીં! લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણી ભંડોળ માટે તેમની ખોટ પડવી સહજ છે. જોકે, આજકાલ અમરસિંહ એવા તારતમ્ય પર પહોંચ્યા છે કે ‘ન સમાજવાદી ન કોંગ્રેસી, ભરોસાપાત્ર છે માત્ર ભાજપી. ‘જોઈએ હવે અમરસિંહને ‘મોદીભક્તિ’ ફળે છે કે નહીં!

વેશ્યાગમનથી પુરુષનું ભાગ્ય ખૂલે?
વિયેતનામના હેનોઈ શહેરના લોકોમાં વેશ્યાગમન વધ્યું છે. એ માટે તેઓની પાસે મજબૂત કારણ છે. તેઓ કહે છે કે વેશ્યાગમન કરવાથી પુરુષનું ભાગ્ય ખૂલી જાય છે. ચંદ્ર રાશિ આધારિત વરસ પૂરું થવાનું હોય ત્યારે ગણિકા પાસે જવાનું શુકનવંતુ માનવામાં આવે છે. પૈસા ચૂકવીને સેક્સ માણવાથી નવા વરસમાં સમૃદ્ધિ આવે છે એવી માન્યતા લોકોમાં વહેતી થઈ છે, એવું ‘વિયેતનામ ન્યૂઝ’ નામનું અખબાર જણાવે છે.

ઇન્ડોનેશિયા: સૌથી મોટો દ્વીપસમૂહ
ઇન્ડોનેશિયા 17,508 ટાપુઓ અને દ્વીપો ધરાવતો વિશ્વનો સૌથી મોટો દ્વીપસમૂહ છે. આ ટાપુઓ એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડ તથા પ્રશાંત અને હિંદ મહાસાગર વચ્ચે ફેલાયેલા છે. ઇન્ડોનેશિયાના હજારો ટાપુઓ પર જુદી જુદી જાતિ અને સંસ્કૃતિ તથા ભાષાના લોકો વસે છે. આખા દેશની
રાષ્ટ્રીય ભાષા એક જ બહાશા (ભાષા) ઇન્ડોનેશિયા છે, જેમાં રોમન લિપિ વપરાય છે. મુખ્ય શહેરો અને પર્યટન સ્થળોમાં અંગ્રેજી બોલાય છે.

ફિટ આવવાનું સાચું કારણ શું છે?
એપિલેપ્સિ, જેને આપણે વાઇનું દરદ કે ફિટ આવી એમ કહીએ છીએ, તે મગજનો વ્યાધિ છે. ‘એપિલેપ્સિ’ મૂળ ગ્રીક શબ્દ છે. એના દર્દીને ગમે ત્યારે ઓચિંતી અમુક મિનિટ સુધી મૂર્છા (અંગ્રેજીમાં એને સીઝર કહે છે) આવી જાય છે. માનવીનું મગજ વિદ્યુત-રાસાયણિક ઊર્જાનો ઉપયોગ કરે છે અને તેની અંદરની વિદ્યુત પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય તો તેને કારણે મગજના જ્ઞાનતંતુ એવા ઓચિંતી રીતે જકડાઈ જાય છે કે વ્યક્તિને મૂર્છા આવી જાય છે. આવી મૂર્છા અવારનવાર આવે તો એને ફિટ કહે છે. હજી થોડા જ દાયકા પહેલાં તબીબી વિજ્ઞાને શોધી કાઢ્યું હતું કે મગજના વિદ્યુત-રાસાયણિક તરંગોમાં અસંતુલન થવાથી ફિટ આવે છે અને એ જ તેનું સાચું કારણ છે. ⬛
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી