Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 42)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

હીરોથી જીરો : જે પોષતું તે મારતું

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  

મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપર હીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયા. આ બધામાં અન્ના હજારેનો જે રીતે રાતોરાત ઉદય થયો અને ગણતરીના સમયમાં જ લોકપ્રિયતાના શિખરેથી ગુમનામીની ખીણમાં ધકેલાઈ ગયા એ ઐતિહાસિક છે. સમાજશાસ્ત્રીઓ અને રાજકીય નિષ્ણાતો માટે સંશોધનનો વિષય છે.

  • મીડિયા જ્યારે સપોર્ટ ખેંચી લે ત્યારે ‘હીરો’ બની રહેવા માટે જનમાનસના દિલમાં સાચી ચાહના જરૂરી છે અને આ ચાહના મેળવવી દરેકના બસની વાત નથી!

જરા યાદ કરો 2011ના એ દિવસો, જ્યારે દિલ્હી પહોંચીને અન્ના હજારેએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. જનલોકપાલ બિલ માટે અને ભ્રષ્ટાચાર સામે અન્નાએ જંતરમંતરના મેદાનથી આંદોલનની શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્રના નાના ગામડેથી આવેલા અન્ના વિશે દિલ્હીના વડેરા તંત્રી સાહેબોને પણ કોઈ જાણકારી નહોતી. અન્નાની સાથે આંદોલનમાં જોડાનાર અરવિંદ કેજરીવાલથી માંડીને કુમાર વિશ્વાસ સુધીનાઓ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું હતું.

એ વખતે એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડોને કારણે દેશનો મધ્યમવર્ગ ત્રસ્ત હતો. યુવાનો હતાશ હતા. સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ધીરે ધીરે આંદોલને ગતિ પકડવા માંડી. જંતરમંતર પર યુવાનોની સંખ્યા દર કલાકે વધતી ગઈ. થોડા દિવસો પહેલાં જ રાડિયા ટેપ કાંડને કારણે કેટલાંક મોટાં મીડિયાહાઉસની ઇમેજ તળિયે પહોંચી ગઈ હતી.

મીડિયાના એક વર્ગની વિશ્વસનીયતા ઘટી રહી હતી. આવા મીડિયાએ જોયું કે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને ખૂબ ચગાવવાથી એમના પર ઉડેલા ભ્રષ્ટાચારના છાંટા કદાચ ધોવાઈ જશે. ન્યૂઝ ચેનલોએ 24 x 7 અન્નાના આંદોલનનું કવરેજ શરૂ કર્યું અને આ આંદોલનની ખબર દેશ-દુનિયામાં આગની માફક પ્રસરી ગઈ.

અન્ના હજારે રાતોરાત સેલિબ્રિટી બની ગયા. દેશભરના યુવાનો ‘મૈં હૂં અન્ના’ લખેલી ટોપી પહેરીને ફરવા માંડ્યા. ફક્ત બંગાળ અને કેરળ જ અન્ના આંદોલનની અસરથી મુક્ત રહ્યા, કારણ કે આ બંને રાજ્યોમાં સામ્યવાદીઓનું વર્ચસ્વ વધારે હતું. યુવાનોએ આવાં ઘણાં આંદોલનો જોયાં હતાં. ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના આંદોલન પછી મધ્યમવર્ગની યુવા પેઢીએ કદી આવો જુવાળ જોયો નહોતો. આમિર ખાન-અનુપમ ખેર જેવા ફિલ્મસ્ટારથી માંડીને બાબા રામદેવ જેવા યોગગુરુ પણ હજારેની ચાલુ ગાડીમાં ચઢી બેઠા. શિયાળ જેવા ખંધા અરવિંદ કેજરીવાલ બરાબર ચાલ ચાલી રહ્યા હતા. રાષ્ટ્રીય મીડિયામાં મળેલા કવરેજને લીધે એમના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી. હજારે પર એક ખાસ ટોળકીએ કબજો જમાવી દીધો હતો. મીડિયાની પ્રસિદ્ધિને કારણે સફળ થયેલા આંદોલનને અન્નાએ પોતાની સફળતા માની લીધી.

અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ખૂબ મહત્ત્વાકાંક્ષી હતા. એમની નજર સત્તાની ખુરશી પર હતી, પરંતુ જાહેરમાં હંમેશાં તેઓ દંભ કરતા રહ્યા કે, ‘હું કદી ચૂંટણી લડવાનો નથી.’ ‘સરકારી આવાસ ગાડી વાપરવાનો નથી’ વગેરે. ભોટની જેમ અન્ના આ બધી વાતો માનતા ગયા.
છેવટે જ્યારે આંદોલન સમેટાયું ત્યારે અરવિંદ કેજરીવાલે ‘આમ આદમી પાર્ટી’ની સ્થાપના સાથે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી. સત્તા લાલચુ ટોળકી, પણ અન્ના હજારેને બાય બાય કરીને કેજરીવાલ સાથે ચાલી નીકળી. ડઘાઈ ગયેલા અન્નાએ મુંબઈમાં ફરીથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. આ વખતે એમની સભામાં કાગડા ઊડતા હતા. આંદોલનમાં સો માણસો પણ જોડાયા નહીં. કેજરીવાલે કરેલા દગા પછી યુવાવર્ગને ભારે આઘાત લાગ્યો હતો અને એમને ઠગાઈ જવાની અનુભૂતિ થઈ. અન્ના હજારેએ ચૂપચાપ એમના ગામ રાલેગણ સિદ્ધિ જવા માટે ચાલતી પકડી.

હોશિયાર વ્યક્તિ હોત તો સમજી જાત કે હવે પ્રજા એમની સાથે નથી અને જનલોકપાલ જેવા સિન્થેટિક ઇશ્યૂમાં કોઈને રસ રહ્યો નથી. કેજરીવાલ આણી કંપની એમને મૂર્ખ બનાવી ગઈ છે, પરંતુ અન્ના હજારે આ વાત સમજી કે કબૂલી શક્યા નહીં. વારેતહેવારે એમણે મરી ગયેલા ઘોડાને ચાબુક મારી મારીને જીવતો કરવાની કોશિશ કરી. શેરડીના સાંઠાને પાંચ વાર કચડો તો કદાચ થોડો રસ નીકળે, પરંતુ પચાસ વખત કચડાયેલા સાંઠામાંથી એક ટીપું પણ રસ નીકળતો હશે?

રાજકારણમાં ગયા પછી અરવિંદ કેજરીવાલને શરૂઆતમાં સફળતા મળી, પરંતુ એમના તાનાશાહી સ્વભાવથી કંટાળીને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ જેવી વ્યક્તિઓ કેજરીવાલનો સાથ છોડી ગઈ. ચાવી શકાય એનાથી વધુ ખોરાક મોઢામાં ભરી દેવાથી મોટાભાગની ચૂંટણીઓમાં ‘આપ’નો ઘોર રકાસ થયો. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા એક જમાનામાં કેજરીવાલને મીડિયાનો સાથ મળતો હતો, પરંતુ હવે મીડિયાએ પણ એમને ગરમ બટાટાની જેમ પડતા મૂક્યા.

હજારે–કેજરીવાલનું હીરોમાંથી જીરો બનવાનું કારણ એ છે કે લોકો એમને ખૂબ ઝડપથી ઓળખી ગયા. યુવાનો સમજી ગયા કે આ બંને વિકાસ વિરોધી, ધનવિરોધી, ઔદ્યોગિક ક્રાંતિ વિરોધી છે. આ બંને દ્વારા શરૂઆતમાં યુવાનો એટલા માટે ઠગાયા હતા કે દેશના મોટા તંત્રી સાહેબો, ફિલ્મસ્ટારો, યોગ ગુરુઓ, વકીલો દ્વારા એમની ‘બ્રાન્ડ’ને એન્ડોર્સ કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા પછી હવે ‘લિબરલ મીડિયા’ને હજારે-કેજરીવાલ જેવાઓની જરૂર રહી નથી. હવે જ્યારે જ્યારે હજારે ઉપવાસ પર બેસે છે કે કેજરીવાલ તાયફા કરે છે ત્યારે રાષ્ટ્રીય ટેલિવિઝન મીડિયા એમને ઘાસ નાખતું નથી. ચોવીસ કલાકમાંથી પાંચ મિનિટ પણ એમના માટે ફાળવવામાં આવતી નથી.

બીજી તરફ બાબા રામદેવ હોશિયાર નીકળ્યા. હજારે–કેજરીવાલની લગોલગ જ આંદોલન શરૂ કર્યાં પછી પવન પારખીને એમણે એમનું સંપૂર્ણ ધ્યાન વિદેશી કંપનીઓની પ્રોડક્ટને ચીત કરવા પર કેન્દ્રિત કરી ‘પતંજલિ’ બ્રાન્ડને મજબૂત કરી નાખી. 2011માં જ્યારે અન્ના હજારેએ આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે કેટલાક માનતા હતા કે સોનિયા ગાંધીની ‘નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ’(એનએસી)નો હાથ આંદોલન પાછળ છે, તો કેટલાકનું કહેવું હતું કે આર.એસ.એસ.નો છૂપો ટેકો હજારેને છે. એ જે હોય તે, પરંતુ હકીકત એ છે કે અન્ના હજારે ગમે તેટલા પ્રયત્ન કરે 2011 જેવા આંદોલનને તેઓ ફરીથી સજીવન કરી શકે એમ નથી. મીડિયાની મદદથી કામચલાઉ જુવાળ ઊભો કરી શકાય, પરંતુ એ જ મીડિયા જ્યારે સપોર્ટ ખેંચી લે ત્યારે ‘હીરો’ બની રહેવા માટે જનમાનસના દિલમાં સાચી ચાહના જરૂરી છે અને આ ચાહના મેળવવી દરેકના બસની વાત નથી!
vikramvakil@rediffmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP