ઈધર-ઉધર / હાઇકમાન્ડ માટે માથાનો દુખાવો કોંગ્રેસ – આપનું જોડાણ

article by vikram vakil

વિક્રમ વકીલ

Feb 10, 2019, 06:08 PM IST

કોંગ્રેસ હાઇકમાન્ડની ઇચ્છા છે કે લોકસભાની ચૂંટણી વખતે હરિયાણા, દિલ્હી અને પંજાબ જેવાં રાજ્યોમાં ‘આમ આદમી પાર્ટી’ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન રચાય. તકલીફ એ છે કે ઉપરનાં ત્રણે રાજ્યોના કોંગ્રેસી નેતાઓના મનમાં આ બાબતે કચવાટ છે. જો આ જોડાણ નહીં થાય તો ફાયદો સીધો ભાજપને થઈ શકે એમ છે. હરિયાણાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાની હાર થઈ એ માટે ‘આપ’ સાથે ગઠબંધન ન થઈ શક્યું એને જવાબદાર ગણવામાં આવે છે. જો દિલ્હીની બેઠકો માટે લોકસભાની ચૂંટણી દરમિયાન ગઠબંધન નહીં થાય તો ભાજપ કદાચ સાતે સાત બેઠકો જીતી જાય એમ છે. જોકે, કોંગ્રેસની રાજકીય પરિસ્થિતિ છેલ્લી લોકસભાની ચૂંટણી કરતાં ઘણી બહેતર થઈ હોવાથી બેઠક વહેંચણી બાબતે ‘આપ’ની તમામ માગણી સાથે હાઇકમાન્ડ સંમત થાય એમ લાગતું નથી.

  • દિલ્હીમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ગઠબંધન નહીં થાય તો ભાજપ કદાચ સાતેય બેઠકો જીતી જાય એમ છે

કુલદીપ નાયર, મનમોહનસિંહ અને પદ્મભૂષણ એવોર્ડ
મ નમોહનસિંહ જ્યારે સરકારના આર્થિક સલાહકાર હતા ત્યારે પત્રકાર સ્વ. કુલદીપ નાયર પહેલી વખત એમને મળ્યા હતા. એ વખતે મનમોહનસિંહે નાયરને કોણી પર ગોળ લગાડતાં કહ્યું હતું કે, ‘તમે તો ભારતરત્નના હકદાર છો’ પરંતુ એવોર્ડની વાત તો બાજુ પર, સિંહ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 10 વર્ષ સુધી એમણે કદી નાયરને ચા પીવા માટે પણ બોલાવ્યા નહોતા! છેવટે એનડીએ સરકારે કુલદીપ નાયરના મૃત્યુ પછી એમને પદ્મભૂષણ એવોર્ડથી નવાજ્યા. નાયરના હવે પછી પ્રકાશિત થનારા પુસ્તકમાં આવી બધી ઘણી મજેદાર વાતો છે. કટોકટી પછી સંજય ગાંધી જ્યારે નાયરને મળેલા ત્યારે કહેલું કે : ‘મને એમ કે મારી માતા 30-40 વર્ષ સુધી ચૂંટણી નહીં યોજે!’

અવકાશમાં વિહરતા ભંગારનું જોખમ
અવકાશમાં ભંગારરૂપે 6,700 જેટલી ચીજો વિચરે છે. અવકાશયાનોને આ કચરાનો ખાસ ભય છે. સૌથી મોટો ભય નાની-નાની 35 લાખ જેટલી કરચોનો છે. આ બધી સોય જેવડી કરચો કલાકના 17,000 માઇલની ઝડપે અવકાશમાં ફરે છે. જો અવકાશયાત્રીને વાગે તો રામ રમી જાય. એક કાંકરી જેવી કરચની અસર ચાર મોટા હાથ બોમ્બ જેવી હોય છે. ત્રીજો ભય, અવકાશયાત્રી અવકાશમાં પેશાબ કરે છે, તે ટીપાં થીજી જઈને કલાકના 30,000 માઇલની ઝડપે વિહરે છે. અને અવકાશ-યાત્રીને 110 માઇલની ઝડપે અથડાય શકે.

યહૂદીઓએ આપી હજારો મહાન પ્રતિભા
ઇઝરાયેલ કરતાં ઇઝરાયેલની બહાર લાખો યહૂદીઓ વસે છે. એકલા ન્યૂયોર્કમાં જ ઇઝરાયેલ કરતાંય વધુ યહૂદીઓ છે. બહાર વસતા યહૂદીઓ પોતાના દેશ અને બાંધવોને મદદ કરવા સતત તત્પર હોય છે. યહૂદીઓ વિશ્વની સૌથી બુદ્ધિશાળી જાતિમાંની એક ગણાય છે અને શ્રીમંત પણ. વિશ્વમાં એમની કુલ વસ્તી પૂરી બે કરોડ નથી અને તોય વિશ્વસંસ્કૃતિની પ્રગતિમાં આ પ્રજાએ હજારોે મેધાવી પ્રતિભા આપી છે. જિસસ ક્રાઇસ્ટ યહૂદી હતા, આઇનસ્ટાઇન, ન્યૂટન, માર્ક્સ, ફ્રોઇડ, કાફકા... પશ્ચિમી વિશ્વના હજારો યહૂદી બુદ્ધિજીવીઓ, કલાકારો, લેખકોની લાંબી યાદીમાં અમીરોનો પણ સમાવેશ થાય. વિશ્વને બીજી મહાન ભેટ પણ આ પ્રજાએ આપી બાઇબલની.

ફિશટેન્કમાં રાખવામાં આવતી માછલીઓને કેવો ખોરાક આપવો?
ઘરની ફિશટેન્કમાં રાખવામાં આવતી રૂપાળી માછલીઓનું આયુષ્ય 2થી 3 વર્ષ હોય છે, તો કોઈ કોઈ માછલીઓનું આયુષ્ય 8થી 10 વર્ષ. ગોલ્ડફિશ 30થી 40 વર્ષ જીવે છે. તેને કુદરતી ખોરાક આપવામાં આવે છે. માછલીને વ્યવસ્થિત રીતે ખોરાક ન આપીએ તોપણ તે બીમાર પડે છે. તેથી માછલીઓને 30થી 40 ટકા પ્રોટીનયુક્ત આહાર આપવો જરૂરી છે. માછલીઓના ખોરાક બે પ્રકારના હોય છે, સજીવ અને સજીવ વસ્તુઓ ભેળવીને તૈયાર કરેલો ખોરાક. ટ્યુબિફેક્સ કીડા, ડેફનિયા અને ડાસ વગેરે માછલીઓનો મુખ્ય ખોરાક છે. માછલીઓનો અન્ય ખોરાક છે ઘઉંનો લોટ, બારીક સૂકી માછલી, કોથમીર, ઈંડાં વગેરે મિક્સ કરી એમાં પાણી કે દૂધ ભેળવી તેને ભઠ્ઠીમાં સૂકવવામાં આવે છે અને સુકવણીને પીસીને તે પાઉડર માછલીને ખાવા આપવામાં આવે છે.
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી