દીવાન-એ-ખાસ / સામ્યવાદીઓ અને મંદિર?

article by vikram vakil

વિક્રમ વકીલ

Jan 16, 2019, 03:39 PM IST

થોડા વર્ષો પહેલાં કોઈએ કદાચ કલ્પના નહીં કરી હોય કે કહેવાતા નાસ્તિક સામ્યવાદીઓ પણ ભગવાનમાં માનતા થઈ, મંદિરમાં જવા માટે પડાપડી કરશે! છેલ્લા થોડા સમયથી કેરળના સબરીમાલા અયપ્પા મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ કરીને દાદ માગવામાં આવી હતી કે સબરીમાલા મંદિરમાં રજસ્વલા સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવતો નથી એ ભેદભાવ છે અને કોર્ટ યોગ્ય ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટે રજસ્વલા મહિલાઓને પણ સબરીમાલા મંદિરમાં દર્શનાર્થે જવાની પરવાનગી આપી.

  • શા માટે કટ્ટર ડાબેરીઓ રાતોરાત ભક્ત બની ગયા છે?

બબાલ અહીંથી શરૂ થઈ. બહુમતી હિન્દુઓની દલીલ છે કે, હિન્દુ પરંપરા પ્રમાણે જે રીતે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓ જઈ શકતી નથી એ જ રીતે દેશમાં (આસામ) કેટલાંક એવાં મંદિરો પણ છે કે જ્યાં પુરુષોને પ્રવેશનો અધિકાર નથી. કેરળમાં સામ્યવાદી સરકાર છે. કેરળની હિન્દુ મહિલાઓએ જ ભારે માત્રામાં ભેગા થઈ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. સામાન્ય રીતે કટ્ટર ડાબેરીઓ કે સામ્યવાદીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવી કોઈપણ ધર્મની ધાર્મિક પરંપરામાં નહીં માનતા હોવાનો ઢંઢેરો પીટતા રહે છે.

મજાની વાત એ છે કે આજ સામ્યવાદી સરકારે રાતના અંધારામાં પોલીસની મદદથી બે સામ્યવાદી મહિલાઓને મંદિરમાં ધકેલી જાણે વિશ્વયુદ્ધ જીતી લીધું હોય એમ વિજયોત્સવ મનાવ્યો! ગણતરીના દિવસોમાં જ સામ્યવાદીઓ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે કેરળમાં 35 લાખ મહિલાઓએ સાંકળ રચીને મંદિરના મહિલા પ્રવેશ બાબતે તરફેણમાં દેખાવ કર્યો હતો.

બુરખા પહેરેલી આ કહેવાતી ચળવળકાર મહિલાઓની તસવીરો અને વીડિયો ક્લિપિંગ્સ આખા દેશના છાપાં, ટીવી પર ચમક્યાં. હિન્દુ શ્રદ્ધાળુઓને ઠેંગો બતાવી આડકતરી રીતે કહેવામાં આવ્યું કે, લો જોઈ લો! જોક,ે એક બુદ્ધિશાળી વ્યક્તિએ ગણિત મૂકીને ગણતરી કરી કે જો 35 લાખ મહિલાઓ લાઇનસર ઊભી રહી સાંકળ બનાવે તો એ લાઇન 900 કિમી. એટલે કે કેરળથી વલસાડ જેટલી લાંબી થાય! જોકે, કુપ્રચારમાં કટ્ટર ડાબેરીઓ અને માર્ક્સવાદીઓને કોઈ નહીં પહોંચી શકે. એનો સાક્ષી ઇતિહાસ છે.


અંગ્રેજોના સમયમાં અને ત્યાર પછી પણ લખવામાં આવેલા ઇતિહાસના મોટાભાગના લેખકો સામ્યવાદી વિચારધારાવાળા હતા/છે. અત્યાર સુધી આપણે સ્કૂલ–કોલેજના ઇતિહાસમાં જે ભણ્યા એમાં મોટેભાગે હિન્દુઓને નબળા, હંમેશાં યુદ્ધ હારનારા કે કટ્ટર રૂઢિચુસ્ત તરીકે ચીતરવામાં આવ્યા છે. સામ્યવાદીઓએ જે ગપ્પાં લખ્યાં છે એ શબ્દોની જો સાંકળ બનાવવામાં આવે તો આખી પૃથ્વીની લાખ્ખો પ્રદક્ષિણા પણ ઓછી પડે!


સમગ્ર વિશ્વ અને ભારતનાં એકાદ-બે રાજ્યને બાદ કરતાં સમગ્ર વિશ્વમાંથી સામ્યવાદી શાસનનો એકડો નીકળી ગયો છે છતાં એ પ્રજાતિ સુધરવાનું નામ નથી લેતી. માર્ક્સવાદી વિચારધારા તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે, જઈ રહી છે. કેટલાક કહેવાતા બૌદ્ધિક ડાબેરીઓ એવી ડંફાસ મારતા રહે છે કે એમની કોઈ વિચારધારા નથી, પરંતુ તેઓ સત્યને પડખે છે. કદાચ એમની હાલત એઇડ્સના પેલા દર્દી જેવી છે કે, જેમના શરીરમાં એચ.આઇ.વી.ના વાઇરસ તો ઘૂસેલા છે જ, પરંતુ એની જાણ એમને નથી.

60 લાખ યહૂદીઓની હત્યા કરનાર હિટલરને તેઓ નરભક્ષી, નાઝી, ફાસિસ્ટ કહે છે, પરંતુ 2 કરોડથી વધુ નિર્દોષ નાગરિકોને ક્રૂરતાથી મારી નાખનાર સ્ટેલિન અને માઓને ક્રાંતિકારી ગણાવે છે! અલ કૈદા, આઇસીસ કે કાશ્મીરના આતંકવાદીઓ માટે એમને કૂણી લાગણી છે, પરંતુ વિશ્વના 70થી વધુ ઇસ્લામિક દેશો સામ્યવાદી–માર્ક્સવાદીઓને શા માટે ગટરના કીડા જેવા ગણે છે એનો જવાબ એમની પાસે નથી. દુનિયાની તમામ લક્ઝુરિયસ વસ્તુઓનો ઉપયોગ તેઓ કરે છે.

ફાઇવસ્ટાર હોટલમાં જ રહે છે. મોંઘામાં મોંઘી રેસ્ટોરાંમાં શ્રેષ્ઠ વાઇન પીવે છે. વિમાનમાં બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરે છે અને બચાવ કરે છે આપણા સુરક્ષાદળના કર્મચારીઓની નિર્મમ હત્યા કરનારા માઓવાદી-નકસલવાદીઓનો. આજકાલ જોકે, એમને અર્બન નકસલના નામે પણ ઓળખવામાં આવે છે. 35 વર્ષ સુધી બંગાળમાં શાસન કરીને એમણે બંગાળને કંગાળ રાજ્ય બનાવી દીધું.

મમતા બેનર્જીએ એકલે હાથે એમની પાસેથી શાસન છીનવી લઈ એટલા જોરથી લાત મારી કે હવે દાયકાઓ સુધી તેઓ બંગાળની સત્તા નજીક પણ ફરકી શકે એમ નથી. આવનારા થોડાં વર્ષોમાં એમની હાલત કેરળમાં પણ બંગાળ જેવી જ થવાની છે. અમર્ત્યસેન, નસીરુદ્દીન શાહ અને એન્મેસ્ટી ઇન્ટરનેશનલ જેવી ગેસ વગરની સોડાને સહારે એમણે ઠૂમકા મારવા પડે છે.


વિશ્વફલક પર પણ નજર કરશો તો ખબર પડશે કે આ કટ્ટર ડાબેરીઓએ જે દેશોમાં શાસન કર્યું એના બેહાલ કરી નાખ્યા છે. ઉત્તર કોરિયાથી લઈને ક્યૂબા જેવા દેશોમાં માનવઅધિકાર, ન્યાયતંત્ર, વાણીસ્વાતંત્ર્ય, લોકશાહીની હત્યાની સાથે પ્રજાને એટલી મોટી આર્થિક બેહાલીમાં ધકેલી દીધી કે આ દેશો સામ્યવાદીઓની ચુંગાલમાંથી છૂટે તો પણ એમની ગાડી પાટા પર આવતા પાંચ દાયકાથી વધુ સમય નીકળી જાય એમ છે.

લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં થોડા વર્ષોથી એક્ઝેક્ટલી સામ્યવાદીઓનું નહીં, પરંતુ એમના પિતરાઈ ભાઈ સમાજવાદીઓનું શાસન છે. એક સમયે વિશ્વના એક અતિ સમૃદ્ધ અને સુખી દેશ તરીકે વેનેઝુએલાની ગણતરી થતી હતી. થોડા દિવસો પહેલાં જ વેનેઝુએલાની આજની પરિસ્થિતિ વિશે બયાન કરતી ડોક્યુમેન્ટરી જોઈ. ત્યાંના પેટાળમાં કુદરતે તેલનો અઢળક પુરવઠો આપ્યો છે. પેટ્રોલ ત્યાં મફતના ભાવે વેચાય છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ સિવાય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ દુર્લભ છે. પેટ્રોલ પંપવાળાને થોડા પાંઉ આપો તો મફતમાં આખી ટાંકી પેટ્રોલ ભરી આપે!


બ્રેડથી માંડીને દવા સુધી તમામ વસ્તુનું રેશનિંગ છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો સહિત પ્રેગ્નન્ટ મહિલાઓએ બ્રેડનો એક ટુકડો કે થોડાં ફળ લેવા સવારે ત્રણ વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ટ્રેનની ટિકિટ માટે પણ કોથળા ભરીને પૈસા લઈ જવા પડે એટલો બધો ફુગાવો છે. સામ્યવાદીઓના પિતરાઈ ભાઈઓએ દેશને લૂંટી બરબાદ કરી નાખ્યો છે.


સબરીમાલાના અયપ્પા મંદિરની વાત પર પાછા આવીએ તો શ્રદ્ધાળુઓ માને છે કે, મંદિરમાં દર્શન પહેલાં 41 દિવસનાં કઠોર તપ-સાધના કરવાં પડે. તૃપ્તિ દેસાઈ નામની મહારાષ્ટ્રની એક મહિલા જબરદસ્તીથી મંદિરમાં પ્રવેશવા કેરળ ગઈ અને વીલે મોઢે પાછા ફરવું પડ્યું ત્યારે ડંફાસ મારતાં કહ્યું કે, હવે હું ગેરીલા યોદ્ધાની જેમ મંદિરમાં પ્રવેશ કરીશ! ઘણાને નવાઈ લાગી રહી છે કે, મંદિરની મૂર્તિ પર પેશાબ કરનારા અને મૂર્તિને ફક્ત પથ્થર સમજનારાઓ સામ્યવાદીઓ શા માટે એકાએક બદલાઈ ગયા છે?

શા માટે હવે એમને ભગવાન અયપ્પાનાંં દર્શન કર્યા વગર ચાલે એમ નથી? શા માટે કટ્ટર ડાબેરીઓ રાતોરાત ભક્ત બની ગયા?
[email protected]

X
article by vikram vakil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી