Back કથા સરિતા
વિક્રમ વકીલ

વિક્રમ વકીલ

(પ્રકરણ - 42)
લેખક વરિષ્ઠ પત્રકાર છે.

ઓલ પાવરફુલ અજિત દોવાલ કોણ છે?

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

ભાગ્યે જ કોઈની સલાહ કાને ધરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જેની દરેક સલાહને ગંભીરતાથી લે છે અને ફોલો કરે છે એવી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? અમિત શાહ? અરુણ જેટલી? મોહન ભાગવત? જી ના. એ વ્યક્તિનું નામ છે, દેશના ‘રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર’ (નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર) અજિત દોવાલ.

કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયાની પોલિસી હોય, ઉરી હુમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇકનું કો-ઓર્ડિનેટ કરવાનું હોય કે મ્યાનમારની સરહદ ક્રોસ કરી નોર્થ-ઈસ્ટના ઉગ્રવાદીઓને ખતમ કરવાની સ્ટ્રેટેજી હોય, અજિત દોવાલની બાજ નજર બહાર કંઈ થતું નથી. ડિફેન્સ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર પણ જેમને અત્યંત માનની દૃષ્ટિએ જુએ છે, સેનાની ત્રણે પાંખના વડા ઉપરાંત રો, સી.બી.આઇ., આઇ.બી., જેવી સુરક્ષા એજન્સીના વડાઓ પણ જેમના સતત સંપર્કમાં રહે છે, એ અજિત દોવાલ કોણ છે?

ભારત સહિતના દેશોમાં ‘નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર’નું મહત્ત્વ શા માટે વધી રહ્યું છે?

ઉત્તરાખંડના નાનકડા ગામ ધીરી બનેલસ્યુનમાં જન્મેલા દોવાલના પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. રાજસ્થાનના અજમેરની લશ્કરી શાળામાં અભ્યાસ કર્યા પછી આગ્રા યુનિવર્સિટીમાંથી અજિત દોવાલે અર્થશાસ્ત્રના વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1968માં દોવાલ ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ’માં જોડાયા હતા. મિઝોરમ અને પંજાબમાં આતંકવાદ વિરોધી ઓપરેશનની સ્ટ્રેટેજી બનાવવામાં દોવાલ નિષ્ણાત ગણાતા હતા. કંદહાર વિમાન અપહરણ વખતે આતંકવાદીઓ સાથે ચર્ચા કરીને બંધકોને છોડાવવાની જવાબદારી દોવાલને સોંપવામાં આવી હતી.


વિવિધ સુરક્ષા એજન્સીઓ વતી સોંપવામાં આવેલી ખૂબ જ જોખમી અને અઘરી કામગીરી કરતી વખતે દોવાલ, વારંવાર મોતના મુખમાં જઈને પાછા આવ્યા હોવાથી એમના કેટલાક સાથીઓ એમને ‘કાઇટ વિથ નાઇન લાઇફ’ પણ કહેતા હતા. અજિત દોવાલ ઢીલીપોચી પોલિસીમાં માનતા નથી. આતંકવાદીઓ અને દેશવિરોધી સાથે લટૂડાંપટૂડાં નહીં જ થઈ શકે, એમને ઠોકવાના જ હોય.

ઓછાબોલા અજિત દોવાલ દંભી અને બેવડા ધોરણવાળા કહેવાતા માનવ અધિકારવાળાઓને ઘાસ નાખતા નથી, એટલે કેટલાક કહેવાતા લિબરલો અને સેક્યુલરિયાઓને આંખમાં કણાની માફક ખૂંચે છે. કાશ્મીરમાં સુરક્ષાદળો પર પથ્થરમારો કરીને આતંકવાદીઓને ભગાડી જનાર ગદ્દારો સામે પેલેટ ગનથી માંડીને બધા જ પ્રકારનાં બળનો ઉપયોગ કરવાની છૂટ એમણે સુરક્ષા દળોને આપી છે. છેલ્લા વર્ષ દરમિયાન કાશ્મીરમાં 350થી વધુ આતંકવાદીઓને હુર પાસે મોકલવામાં એમની પોલિસીનો ખાસ્સો ફાળો રહ્યો છે.

દોવાલ એનસીએ બન્યા પછી મુંબઈ, દિલ્હી, વારાણસી, અમદાવાદ જેવાં શહેરોમાં થતા બોમ્બધડાકા સદંતર બંધ થઈ ગયા છે. બાગમાં ફરવા આવતા હોય એ રીતે આતંકવાદીઓ જે રીતે મુંબઈ જેવા શહેરમાં ઘૂસીને હાહાકાર સર્જતા હતા એમને મનમાં દોવાલનો ડર ઘૂસી ગયો છે. કેટલાક સાંપ્રદાયિક એક્ટરો અને લેખકોને એકાએક ડર લાગતો હોવાનું આડકતરું કારણ પણ કદાચ અજિત દોવાલ જ હોઈ શકે.


અજિત દોવાલ કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર કામ કરી રહ્યા છે. કાશ્મીરના અલગતાવાદી હુરિયત નેતાઓને ત્યાં ‘નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી’ (એનઆઇએ)એ પાડેલા દરોડા પછી આ ગદ્દાર નેતાઓ દરમાં ઘૂસી ગયા છે. ભારતીય લશ્કરને ખુલ્લેઆમ ચેલેન્જ કરીને ફેસબુક પર સેલ્ફી મૂકનાર 11 જેટલા ‘હિજબુલ મુજાહિદ્દીન’ના આતંકવાદીઓ કબરભેગા થઈ ગયા છે. ‘લશ્કર-એ-તૈૈયબા’ના આતંકવાદીઓ પણ એક પછી એક ઠાર થઈ રહ્યા છે. આતંકવાદીઓને દોવાલ એક જ સંદેશો આપી રહ્યા છે : ખબરદાર જો કાશ્મીર કે ભારત સામે આંખ ઊંચી કરીને જોયું છે તો. આંખના ડોળા ખેંચી લઈશ!


દોવાલે એમના એક જૂના સાથીને કહ્યું હતું કે, ‘જો પાકિસ્તાન ફરીથી મુંબઈ જેવો હુમલો કરશે તો પાકિસ્તાને બલુચિસ્તાન ગુમાવવું પડશે.’


અજિત દોવાલ જ્યારે યુવાન હતા ત્યારે પાકિસ્તાનમાં 7 વર્ષ સુધી જાસૂસ તરીકે કામ કર્યું હતું. તેઓ નિયમિત રીતે મસ્જિદમાં નમાજ પઢવા જતા અને માહિતી મેળવતા રહેતા. એક વખત એક વૃદ્ધ મુસ્લિમ સ્કોલર એમની પાસે આવ્યા અને સીધું પૂછયું કે, શું તેઓ (દોવાલ) હિન્દુ છે? દોવાલે એમને જવાબ આપ્યો કે હિન્દુ કે હિન્દુસ્તાન સાથે એમને કોઈ લેવાદેવા નથી, ત્યારે પેલા વડીલ એમને થોડે દૂર લઈ ગયા અને ધીરેથી કહ્યું કે, પોતે પણ હિન્દુ છે અને દોવાલના વીંધાયેલા કાનને કારણે એમને ખબર પડી ગઈ કે દોવાલ હિન્દુ છે! ત્યાર પછી દોવાલે ઓપરેશન કરાવીને વીંધાવેલા કાન ઠીક કર્યા અને જાસૂસ તરીકે જોખમ ઉઠાવીને કામ કર્યાં.


પંજાબમાં જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે 1988માં (ઓપરેશન બ્લેક થન્ડર પહેલાં) રિક્ષા ખેચનારાના વેશમાં તેઓ ગોલ્ડન ટેમ્પલમાં પહોંચી ગયા હતા. ટેમ્પલમાં અડ્ડો જમાવીને બેઠેલા આતંકવાદીઓને એમણે એવું ઠસાવી દીધું કે પોતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના એજન્ટ છે અને આતંકવાદીઓને મદદ કરવા માટે આવ્યા છે. થોડા સમયમાં એમણે એવો દાવ ખેલ્યો કે ભિંદરાણવાલેના સાથીદારો જ અંદર અંદર લડવા માંડ્યા અને દોવાલ ગોલ્ડન ટેમ્પલની અંદરની તમામ માહિતી આઇ.બી.ને મોકલતા રહ્યા.


ચીન સરહદે ડોકલામ સમસ્યાના ઉકેલનો ઘણોખરો જશ પણ અજિત દોવાલને જાય છે. આતંકવાદને નાથવાની અજિત દોવાલની પોલિસી, ‘દોવાલ ડોક્ટરાઇન’ તરીકે ઓળખાય છે. દોવાલના નજીકના સાથીદારો માને છે કે દોવાલની બીજી ઘણી આવડતો ઉપરાંત તેઓ નખશિખ રાષ્ટ્રવાદી છે એ એમનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. 2014માં ઇરાક ખાતે ભારતની 46 જેટલી નર્સ વોરઝોનમાં ફસાઈ ગઈ હતી ત્યારે ઇરાક ખાતેના મજબૂત સંપર્કોને કારણે અજિત દોવાલની મહેનતથી જ તમામ નર્સ સહીસલામત ભારત પરત ફરી શકી હતી. પોતાના જાસૂસીકાળ દરમિયાન દોવાલે ઉર્દૂ અને અરેબિક ભાષા ઉપરાંત ઇસ્લામનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કોઈપણ ઓપરેશનની યોજના બનાવતા પહેલાં વિરોધીઓની અથથી ઇતિ સુધી માહિતી મેળવ્યા પછી જ દોવાલ એક્શન પ્લાનને મંજૂરી આપે છે.


કમનસીબે આપણા દેશમાં 1998 પહેલાં ‘નેશનલ સિક્યુરિટી એડવાઇઝર’ જેવી કોઈ પોસ્ટ હતી જ નહીં. વાજપેયીએ વડાપ્રધાન બન્યા પછી બ્રજેશ મિશ્રાને પહેલી વખત એનસીએ બનાવ્યા ત્યાર પછી યુપીએ શાસનમાં જે. એન. દીક્ષિત, એમ.કે. નારાયણન, શિવશંકર મેનન. એનસીએ બન્યા. મોદી વડાપ્રધાન બન્યા પછી 2014થી અજિત દોવાલ એનસીએ છે. અમેરિકા અને ઇઝરાયેલ જેવા આતંકવાદથી ત્રસ્ત દેશોમાં એનસીએનું મહત્ત્વ કેબિનેટ મંત્રી કરતાં પણ વધુ મહત્ત્વનું રહ્યું છે. ઇઝરાયેલમાં ‘નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ના વડા તરીકે મિરબેન-સલાટ છે, જેઓ દોવાલની જેમ જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુના ખૂબ જ વિશ્વાસુ ગણાય છે. અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્ટના ખાસ જ્હોન બોલ્ટન એનએસએ તરીકે છે.


ભારત હોય કે અમેરિકા-ઇઝરાયેલ જેવા દેશ, દરેક દેશના સર્વોચ્ચ નેતા, દેશની સુરક્ષા ઉપરાંત કેટલીક વખત વિદેશ નીતિ બાબતે પણ ‘નેશનલ સિક્યુરિટી એડવાઇઝર’નાં સલાહ-સૂચનો મેળવતા રહેતા હોય છે. એ રીતે જોતાં ભારતમાં નરેન્દ્ર મોદી પછી કદાચ અજિત દોવાલને સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણવામાં આવતું હોય તો એમાં કંઈ અતિશયોક્તિ ખરી?
vikramvakil@rediffmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP