ડૂબકી / આત્મખોજના અજવાળામાં નવી દિશા

article by vinesh antani

વીનેશ અંતાણી

Dec 23, 2018, 12:05 AM IST

સેલ્ફ હેલ્પ પુસ્તકોના અમેરિકન લેખક હગ પ્રથરનું 1970માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ પર્સનાલિટી ડેવલોપમેન્ટ માટે જાણીતું પુસ્તક છે. એમણે જીવનમાં ઊભા થતા વૈચારિક કે ભાવનાત્મક પ્રશ્નોમાંથી માર્ગ શોધવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ જાતની તપાસ કરવી જોઈએ એ મુદ્દા પર ભાર મૂક્યો છે. આ પદ્ધતિ એમણે એમના જીવનમાં અપનાવી હતી. એમણે મનમાં ઊઠતા સવાલના જવાબ નાની નાની નોંધ કે ટાંચણરૂપે નોંધવાની આદત પાડી હતી.

એ નોંધો એમણે ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ પુસ્તકમાં મૂકી છે. એમણે આ પુસ્તકને ‘યોગ્ય વ્યક્તિ બનવા માટેના મારા સંઘર્ષ’ તરીકે ઓળખાવ્યું છે.

આપણે આપણા વ્યક્તિત્વને, આંતરિક ઘડતરને, વાણીવર્તનને યોગ્ય રીતે સમજી શકીએ તો આપણી આસપાસની દુનિયાને સાચા અર્થમાં સમજી શકીએ

આપણે આપણા વ્યક્તિત્વને, આપણા આંતરિક ઘડતરને, આપણાં વાણીવર્તનને યોગ્ય રીતે સમજી શકીએ તો આપણી આસપાસની દુનિયાને સાચા અર્થમાં સમજી શકીએ. આ પ્રક્રિયા ક્યારેય, વયના કોઈ પણ તબક્કામાં, બંધ કરવી જોઈએ નહીં.


હગ પ્રથરે આ પુસ્તક લખ્યું ત્યારે એમણે તે વિશે કેટલાક નિકટના મિત્રોને વાત કરી. મિત્રોના પ્રતિભાવ ઠંડા હતા. પછી એ પુસ્તક પબ્લિશ થવાનું નક્કી થયું ત્યારે એ જ મિત્રોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો. આ પરથી હગ પ્રથર મહત્ત્વના તારણ પર આવે છે કે અન્ય વ્યક્તિઓને આપણે કરી રહ્યા હોઈએ તે કામ – આપણાં એક્શનમાં રસ હોતો નથી, પરંતુ એનાં પરિણામમાં વધારે રસ હોય છે.

પ્રથરને સમજાય છે કે લોકોનાં આવાં વલણથી વ્યક્તિએ નાસીપાસ થયા વિના પોતે કરવા ધારેલાં કામ નિષ્ઠાપૂર્વક કરવાનું ચાલુ રાખવું જોઈએ, એનાં પરિણામ બાય પ્રોડક્ટ હોય છે. લખે છે કે સફળતાની ચાવી આપણે ક્યાં સુધી પહોંચ્યાં તેના વિશે સભાન રહેવામાં છે, હજી કેટલું દૂર જવાનું બાકી છે તેનો વિચાર કરવાથી બિનજરૂરી થાક લાગે છે. પોતાની અંગત જિંદગીના સંદર્ભમાં તેઓ સુવિચાર જેવું એક વાક્ય આપે છે:

‘મારી મુશ્કેલી એ છે કે હું દરરોજ મારી જિંદગીનું સતત પૃથક્કરણ જ કર્યા કરું છું, જીવન જીવતો નથી.’ જાતને ઓળખવાની પ્રક્રિયામાંથી એમને બીજી એક વાત પણ સમજાય છે: ‘વાસ્તવમાં આપણને અંધકારથી ડર લાગતો નથી, આપણે અજવાળું હોય તેવાં સ્થળમાં જવાના પ્રયત્ન કરવા માટે તૈયાર હોતા નથી.’


હગ પ્રથર સંબંધોમાં સમાનતાની ભૂમિકાનો મહિમા કરે છે. એમનો તર્ક છે કે યા તો આપણે સામેની વ્યક્તિને આપણાથી ઊતરતી માનીએ છે યા તો ચડિયાતી માનીએ છીએ. આ પ્રકારની સરખામણી યોગ્ય નથી. આપણે અન્ય વ્યક્તિ વિશે બાંધેલાં જજમેન્ટમાં આપણી મર્યાદા, આપણા પૂર્વગ્રહ, આપણી ધારણા પ્રવેશે છે. એ કારણે અભિગમમાં તટસ્થતા રહેતી નથી અને સંબંધમાં જોખમ ઊભું થાય છે.

‘અલગ અલગ પર્સનિલિટી ધરાવતી વ્યક્તિઓથી ભરેલા સમાજમાં કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું હોઈ શકે નહીં, માત્ર ‘એ’ જે હોય છે તે હોય છે અને આપણે જે છીએ તે હોઈએ છીએ.’ સમાનતાની ભૂમિકાએ અરસપરસના સ્વીકાર પર સંબંધની ઇમારત મજબૂત ઊભી રહી શકે છે. પ્રથર કહે છે, ‘વ્યક્તિ પાસે એક જ ચોઇસ છે – યા તો એ માત્ર પોતાની જાતને જ સાચી માને અથવા એ ‘માનવ’ બને.’


હગ પ્રથરે ‘નોટ્સ ટુ માયસેલ્ફ’ પુસ્તકની નોંધોમાં ‘જાતને તપાસવા’ની વાત પર વારંવાર ભાર મૂક્યો છે કારણ કે એમની વિચારણાના પાયામાં જ જાતને ઓળખવાની અંગત સભાનતા છે. એમની આ નોંધો એમના જીવનમાં ઊભા થયેલા સંજોગોમાં જાતને સમજવા માટે લખાઈ છે. શક્ય છે કે એમનાં તારણ અન્ય વ્યક્તિઓ માટે સાચાં ન હોય. તેમ છતાં એમાંથી આત્મખોજના અજવાળામાં નવી દિશા પ્રાપ્ત થવાની સંભાવના છે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી