કાંસકાનો વળગાડ અને હંસની કથા

article by vinesh antani

વીનેશ અંતાણી

Sep 16, 2018, 12:05 AM IST

મૂળ ચીનની, પણ અમેરિકામાં જન્મેલી, ઍમી ટેન સફળ લેખિકા છે. ચીનના સિવિલ વોરના સમયે એનાં માતાપિતા અમેરિકા ભાગી આવ્યાં હતાં. ઍમી ટેનને નાનપણથી જ કલ્પનાની દુનિયામાં વિહરવાનું ગમતું હતું અને ચિત્રકામ–સંગીત જેવી કળામાં રુચિ હતી. પરંતુ નિયતિ એને સાહિત્યસર્જન તરફ લઈ ગઈ. એ લેખનમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે કે એને સાહિત્યસર્જનમાંથી મળતા અનુભવો વાસ્તવિક જીવનના અનુભવોથી વધારે મહત્ત્વના લાગે છે.
ઍમીના માતા સાથેના સંબંધો સંકુલ હતા. આ સંબંધની છાયા એનાં લખાણોમાં જોવા મળે છે. ઍમીએ એની સ્મૃતિકથા ‘વ્હેર ધ પાસ્ટ બિગિન્સ’ અને નવલકથા ‘ધ જોય ઓફ લક ક્લબ’ના આરંભમાં મૂકેલી બે લઘુ કથામાંથી મા અને દીકરી વચ્ચેના સંબંધની ઝાંખી થાય છે. ‘વ્હેર ધ પાસ્ટ બિગિન્સ’માં મૂકેલી કથા જોઈએ.

મૂઢ બની ગયેલી દીકરી મોકળા મને રડવા લાગી. વૃદ્ધાએ સફેદ કપડા પર કાંસકો મૂકી હથોડાથી એના અસંખ્ય ટુકડા કરી નાખ્યા. તે સાથે જ દીકરી શાંત થઈ ગઈ

એક ચીની વૃદ્ધ મહિલાને કોઈના પરિવારમાં વળગાડ જેવી ઘટના બને ત્યારે એના નિવારણ માટે બોલાવવામાં આવતી. એક પરિવારની સ્ત્રીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો. એની યુવાન દીકરીએ માના લટકતા શરીરને નીચે ઉતાર્યું. મા અને દીકરી વચ્ચે ગાઢ સંબંધ હતો. માતાના અપમૃત્યુથી આઘાત પામેલી દીકરી મૂઢ બની ગઈ, એની જીભ બહાર આવી ગઈ અને વાચા હણાઈ ગઈ. ઘરના લોકોએ માન્યું કે માતા ભૂત બનીને દીકરીને વળગી છે. વળગાડ દૂર કરવા પેલી વૃદ્ધાને બોલાવી.


વૃદ્ધાએ મૃત મહિલાના પતિને પત્નીનો કાંસકો આપવા જણાવ્યું. દીકરી રોજ રાતે એ કાંસકાથી માતાના વાળ ઓળતી. વૃદ્ધાએ કાંસકાનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું, પછી બોલી: ‘કોઈ દીકરી એની માતાના વાળ ઓળે છે ત્યારે વાળના મૂળમાંથી એ માતાની બધી ભૂલો અને દુ:ખોને પોતાની અંદર સમાવી લે છે.’ વૃદ્ધાએ મૂઢ બનેલી યુવતીના માથા પરથી ત્રણ વાર કાંસકો ફેરવ્યો, પછી લાંબા સફેદ કાપડથી કાંસકો લૂછી નાખ્યો. એ કાપડમાં ત્રણ ગાંઠ મારી. ત્યાર બાદ યુવતીને એક પછી એક ત્રણેય ગાંઠ છોડવા જણાવ્યું.


પહેલી ગાંઠ છૂટી ત્યારે વૃદ્ધા બોલી: ‘દીકરી માતાના ભૂતકાળમાંથી મુક્ત થઈ છે.’ બીજી ગાંઠ છોડી ત્યારે વૃદ્ધાએ કહ્યું: ‘આપણે દીકરીના વર્તમાન પરથી માતાનો ઓછાયો દૂર કર્યો છે.’ ત્રીજી ગાંઠ છૂટતાંની સાથે જ વૃદ્ધાએ જણાવ્યું: ‘હવે મૃત સ્ત્રીનું એની દીકરીના આ ભવના કે આવતા ભવના જીવન સાથે કોઈ પણ પ્રકારનું બંધન રહ્યું નથી.’ મૂઢ બની ગયેલી દીકરી મોકળા મને રડવા લાગી. વૃદ્ધાએ સફેદ કપડા પર કાંસકો મૂકી હથોડાથી એના અસંખ્ય ટુકડા કરી નાખ્યા. તે સાથે જ દીકરી શાંત થઈ ગઈ. ઍમી ટેન કહે છે કે સ્વસ્થ થયેલી દીકરીએ કાંસકાના બધા ટુકડા ભેગા કરીને સંતાડી દીધા અને પોતાના લાંબા વાળ કાપી છોકરા જેવડા ટૂંકા કરી નાખ્યા. પછી એ ઘર છોડીને નાસી ગઈ અને જિંદગીમાં ક્યારેય પોતાના વાળ ઓળ્યા નહીં.
ઍમી ટેને ‘ધ જોય લક ક્લબ’ નવલકથાના આરંભમાં મૂકેલી કથા. એક મહિલા ચીનથી સ્થળાંતર કરીને અમેરિકા આવતી હતી. એ એના વતનમાંથી પોતાની સાથે એક હંસ લાવતી હતી. એ હંસ મૂળ બતક હતો, પરંતુ બગલો બનવા માટે ડોક લંબાવતો ગયો. આમ તે હંસ બન્યો હતો. મહિલાએ વિચાર્યું, હું અમેરિકામાં મારા જેવી જ દીકરીને જન્મ આપીશ. ત્યાં મારી દીકરીની લાયકાત એના પતિ પર આધાર નહીં રાખે, એ પોતાની લાયકાત પર ઊભી રહેશે.

નવા દેશમાં મારી દીકરીએ પોતાનાં દુ:ખ ગળીને પેટ ભરવું પડશે નહીં. હું હંસ એને આપીશ એટલે એ મારા આ પક્ષીની જેમ અપેક્ષાથી વધારે વિકાસ કરી શકશે.’


પરંતુ અમેરિકામાં ઇમિગ્રેશનવાળાએ હંસ છીનવી લીધો. હંસનું એક પીછું જ મહિલા પાસે રહ્યું. એ વૃદ્ધ થઈ, ત્યાં સુધી દીકરીને પીછું આપી શકી નહીં. અમેરિકાની સંસ્કૃતિમાં ઊછરેલી દીકરીને માની ભાષા આવડી નહીં, માતાને અંગ્રેજી આવડ્યું નહીં. માતા દીકરીને કહેવા માગતી હતી કે આ પીછું આપણા દૂર રહી ગયેલા વતનની પરંપરામાંથી આવ્યું છે અને મેં તારા માટે વિચારેલી બધી અપેક્ષાને વ્યક્ત કરે છે.’
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી