ડૂબકી / સેટિંગ્સનો રંગ હજી ઊપટ્યો નથી

article by vinesh antani

વીનેશ અંતાણી

Apr 14, 2019, 03:58 PM IST

અત્યારે આપણો દેશ બે પ્રકારની ઉત્તેજનામાં ગરકાવ છે. લોકસભાની ચૂંટણી અને આઇપીએલની ટૂર્નામેન્ટ. લોકોમાં ચૂંટણી અને આઇપીએલ વિશે ચર્ચા ચાલ્યા કરે છે. બંનેમાં જૂનાં મૂલ્યોનો હ્રાસ થયેલો અનુભવાય છે. ચૂંટણીમાં બેફામ વાણીવિલાસ ચાલે છે અને ક્રિકેટની મેચમાં રમતની ભાવનાની વિરુદ્ધ બની રહ્યું છે. જૂની પેઢીના નાયકોને બેન્ચ પર બેસાડી દેવામાં આવ્યા છે. સિલેક્શનના મુદ્દે પ્રશ્નો ઊઠે છે. ફાઇનલી કોણ વિજેતા થશે તેનાં અનુમાન ચાલતાં રહે છે. સટ્ટો ખેલનારાઓને મજા પડી ગઈ છે. ચૂંટણી કમિશનની નિષ્પક્ષતા સામે પ્રશ્નો કરવામાં આવે છે તો ક્રિકેટના એમ્પાયર ટીકાના દાયરામાં આવી ગયા છે. દરેક નવો શોટ ચિયરગર્લ્સની ઉત્તેજના વધારે છે અને ચૂંટણીપ્રચારમાં ખેલાતો દરેક દાવ પક્ષકારોમાં ઉત્તેજના જગાવે છે.

  • આઇપીએલની સ્પર્ધા પૂરી થઈ જશે પછી આપણા જીવન પર એની અસર રહેશે નહીં, જ્યારે ચૂંટણીનાં પરિણામો પછી દેશનું ભાવિ પાંચ વર્ષ માટે નવી સરકારના હાથમાં રહેશે

આઇપીએલની સ્પર્ધા પૂરી થઈ જશે પછી આપણા જીવન પર એની અસર રહેશે નહીં, જ્યારે ચૂંટણીનાં પરિણામો પછી દેશનું ભાવિ પાંચ વર્ષ માટે નવી સરકારના હાથમાં રહેશે. ચૂંટણીનાં બધાં પરિણામ આવી જાય નહીં ત્યાં સુધી દરેક રાજકીય પક્ષ જીતનો દાવો ચાલુ રાખશે, પછી પરાજિત થયેલા લોકો બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જશે, નવાં સમીકરણો યોજાશે અને જીવન ફરી રાબેતા મુજબનું થઈ જશે.
કોલોમ્બિયાના વતની મહાન સાહિત્યસર્જક ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝની એક વાર્તા છે: ‘ડેથ કોન્સ્ટન્ટ બિયોન્ડ લવ’. એ વાર્તાના આરંભમાં એક દૃશ્ય આવે છે. સેનેટર ઓનેસિમો સાન્ચેસ દરિયાકિનારના સૂકા અને ઉજ્જડ ગામમાં ચૂંટણીપ્રચાર માટે આવે છે. સેનેટરને સાંભળવા જનમેદની એકઠી થઈ છે. સેનેટર ભાષણ શરૂ કરે છે. એમની સાથે આવેલા કાર્યકર્તાઓ લોકોની પાછળ આવેલા ઉજ્જડ મેદાનમાં નાટકની પ્રોપર્ટીની જેમ પૂઠાં અને કાર્ડબોર્ડથી બનાવેલું સેટિંગ્સ ગોઠવવાનું કામ કરે છે. સેનેટર કહે છે: ‘અમે અહીં કુદરતનો મિજાજ બદલવા આવ્યા છીએ. હવે અહીં કોઈ તરસ્યું રહેશે નહીં, હવામાન વિષમ રહેશે નહીં, આપણે આપણા જ દેશમાં દેશનિકાલ થયેલા લોકોની જેમ રહીશું નહીં.’
સેનેટર સુખી ભવિષ્યની કામના ઉત્તેજિત કરે તેવાં વચનોનો ધોધ વહાવી રહ્યા હતા. એમણે કહ્યું કે જો એ ચૂંટણીમાં જીતશે તો વરસાદ વરસાવી શકે તેવાં મશીન બનાવશે, પાલતુ અને દૂઝણાં પ્રાણીઓનું પ્રજનન વધારવા માટે ‘પોર્ટેબલ બ્રિડર’ ગામેગામ ફરતા રહેશે, શાકભાજીનું ઉત્પાદન વધારવા માટે ચમત્કારિક તેલની શોધ કરવામાં આવશે. સેનેટરે જોયું કે શ્રોતાઓની પાછળ ઊભા કરવામાં આવી રહેલા ‘ફિક્શનલ વર્ડ’નું સેટિંગ ગોઠવવાનું કામ પૂરું થયું છે ત્યારે એ અવાજ ઊંચો કરીને બોલ્યા: ‘પાછળ જુઓ, આપણું ભાવિ જીવન આવું સુંદર હશે.’ લોકોએ પાછળ વળીને જોયું. ઉજ્જડ ગામમાં લીલોતરી છવાઈ ગઈ હતી, ભવ્ય આવાસો દેખાતા હતા. આખા સેટિંગ પાછળ બનાવટી વહાણ પસાર થઈ રહ્યું હતું, જે સેટિંગના ઊંચામાં ઊંચા મકાનથી ઊંચું હતું. સેનેટર અને એના કાર્યકર્તાઓએ મતદારોના મનમાં સુખી ભવિષ્યની કલ્પના ઉત્તેજિત કરે તેવું કાલ્પનિક વિશ્વ ઊભું કરી દીધું હતું. જોકે, બીજા લોકોને નરી આંખે દેખાય નહીં તેવું સેનેટર જોઈ શક્યા કે ચૂંટણીપ્રચાર માટે ગામેગામ લગાવેલાં એ સેટિંગનો રંગ થોડો ઝાંખો પડ્યો હતો અને ક્યાંક ક્યાંક કાર્ડબોર્ડ તૂટ્યાં હતાં. એ બધું તો રિપેર કરાવી લેવાશે, અત્યારે વચનો અને બનાવટી સેટિંગથી લોકોનાં મનમાં ભ્રામક ચિત્ર ઊભું કરવામાં સફળતા મળી હતી.
ચૂંટણીપ્રચારની મજા જ એ છે. ભૂતકાળની નિષ્ફળતા ઢાંકવા માટે કયા મુદ્દા કામ લાગશે તેના પર ભાર મૂકવાની સ્ટ્રેટેજી ઘડી શકાય તો આવતાં પાંચ વર્ષ સુધી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2019માં વિજય માટે એમને ચિંતા નથી, 2024 વખતે જોયું જશે. એ વાક્યમાં વધારે પડતો આત્મવિશ્વાસ નથી, એમને ખાતરી છે કે દેશની સુરક્ષાનો મુદ્દો પ્રચારના કેન્દ્રમાં લાવીને ચૂંટણી જીતી લીધી છે. દેશભક્તિરૂપી સર્જિકલ સ્ટ્રાઇકથી વિરોધ પક્ષ વેરણછેરણ થઈ ગયો છે. સેટિંગ્સનો રંગ હજી ઊપટ્યો નથી.

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી