વીનેશ અંતાણી / લાકડાના પુલ પરથી પસાર થતી જિંદગી

article by vinesh antani

ડૂબકી

Apr 07, 2019, 03:26 PM IST

અમેરિકન લેખિકા મેડિલિન લેન્ગલ કહે છે: ‘હું ઘણી વાર મારી વીતેલી ઉંમરના વિવિધ તબક્કામાં મને મૂકીને જોવાનો પ્રયત્ન કરું છું. મારા મનમાં જે સ્મૃતિ જાગે તેને હું ભૂતકાળમાં વિચારતી નથી, પરંતુ એ બધું જ જાણે તે જ વખતે મારી સાથે બની રહ્યું હોય એમ વર્તમાનકાળમાં અનુભવવાનો પ્રયત્ન કરું છું. હું મોટી થઈ તે બધાં જ ઘર, શેરીઓ અને ગામમાં મને જોઉં છું. જેમની વચ્ચે રહીને ઊછરી તે મારાં મા-બાપ, ભાંડરુઓ, મિત્રો, શિક્ષકો, સહપાઠીઓ, પડોશીઓ, દુકાનદારોને સ્મૃતિમાંથી બહાર કાઢી એમની સાથે જીવવા લાગું છું. વયના જુદા જુદા તબક્કામાં ઊભી થયેલી પરિસ્થિતિઓ, તે સમયના કડવા-મીઠા બનાવો, સ્વીકાર અને અવહેલનાના પ્રસંગોની સાથે પ્રેમ, નફરત, વિરોધ, ગુસ્સો, રમૂજ – બધું જ જાણે તાદૃશ થઈ ઊઠે છે. શક્ય છે કે આવી રમત રમીને હું વ્યક્તિ તરીકેના મારા વિકાસનો ગ્રાફ સમજવાની કોશિશ કરતી હોઉં.’

  • ઉંમરના એક તબક્કા અને બીજા તબક્કા વચ્ચે લાકડાનો પુલ આવેલો હોય છે. એ પુલના પાછળના છેડે વીતેલી ઉંમર હોય છે

રમત તરીકે એ કલ્પના રોમાંચક લાગે છે, પરંતુ વાસ્તવમાં આપણે વીતેલા સમયમાં સદેહે પાછાં જઈ શકતાં નથી. કિશોરો માટેના સાહિત્યની લેખિકા ગેઇલ કાર્સન લેપિન કહે છે તેમ ઉંમરના એક તબક્કા અને બીજા તબક્કા વચ્ચે લાકડાનો પુલ આવેલો હોય છે. એ પુલના પાછળના છેડે વીતેલી ઉંમર હોય છે અને સામેના છેડે વણઉકેલાયેલા કોયડા જેવું ભવિષ્ય હોય છે. આપણે તે પુલ પર ચાલતા આગળ વધીએ છીએ તેમ તેમ પાછળનો છેડો તૂટતો જાય છે. એના પર થઈને પાછા વળવાની શક્યતા રહેતી નથી.’
ઉંમરના દરેક તબક્કાની અલગ અલગ મજા છે અને અલગ અલગ પ્રશ્નો છે. બાળકો ભાગ્યે જ ભવિષ્યનો વિચાર કરે છે. એ કારણે તેઓ નિર્દોષ અને ચિંતારહિત નિજાનંદમાં મસ્ત રહી શકે છે. વિચારકો કહે છે કે આપણે જે સમયે ભવિષ્યનો વિચાર કરવાનું શરૂ કરીએ છીએ ત્યારથી આપણું બાળપણ અદૃશ્ય થઈ જાય છે. બાળપણ જ એકમાત્ર એવો તબક્કો છે, જેમાં બાળકને બધા પર અને બધી બાબતો પર આંધળો ભરોસો હોય છે. એ માતા-પિતાની આંગળી પકડે ત્યારે એને ખબર હોય છે કે એ સુરક્ષિત છે. બાળપણનો ઉંબર ઓળંગીને બહારની દુનિયામાં પગ મૂકતાંની સાથે જ નિર્દોષ આનંદ અને ભરોસો ખતરામાં પડે છે, આશંકા, ધિક્કારવૃત્તિ અને અસુરક્ષાનો ભાવ ઘેરી વળે છે. મોટા થતા રહીએ તેમ તેમ આ વાસ્તવિકતા સાથે મેળ પાડવામાં મુશ્કેલી વધતી જાય છે.
તરુણાવસ્થાના તો અનેક પ્રશ્નો હોય છે. શારીરિક ફેરફારોની સાથે વિચારો અને ચિત્તતંત્રમાં જાતજાતની ઊથલપાથલ મચે છે. આ ઉંમરમાં વ્યક્તિ પ્રેમ, આકાંક્ષા અને સ્વતંત્રતાના ખ્યાલોને અલગ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. બંધનોમાંથી મુક્ત થવાના પ્રયત્નોમાં જ એ નવાં બંધનોથી ઘેરાયેલા યુવાની અને પ્રૌઢાવસ્થાના તબક્કામાં પહોંચી જાય છે. પ્રૌઢાવસ્થાનું જંગલ પસાર કરતાં કરતાં વ્યક્તિ જવાબદારીઓનું વજન ઉપાડીને થાકી જાય છે. સાચી રીતે સમજી શકાય તો વૃદ્ધાવસ્થા જિંદગીના બધા જ પ્રકારના થાક ઉતારવાનો તબક્કો બની શકે. આ ઉંમરે આપણે નવા પ્રકારના બાળપણનો આનંદ પણ માણી શકીએ.
ઘણાની ઉંમર હયાતીનાં વર્ષોની ગણતરી મુજબ મોટી હોય, પરંતુ તેઓ માનસિક રીતે નાના જ રહે છે. આ માટે અભ્યાસીઓ ‘સબ્જેક્ટિવ એજ’ શબ્દપ્રયોગ કરે છે. ‘સબ્જેક્ટિવ એજ’ એટલે વ્યક્તિલક્ષી વય. કોઈ વ્યક્તિ વિચારો, વાણી, વર્તન, સમજદારી, સંવેદનશીલતા, દૃષ્ટિકોણ વગેરેમાં પુખ્ત બની છે કે કેમ, તે પણ જોવું પડે. ઘણા યુવાનો માનસિક રીતે વૃદ્ધ હોય છે, જ્યારે કેટલાક વૃદ્ધો જીવન પ્રત્યેના અભિગમને લીધે માનસિક રીતે યુવાન રહે છે.
લૂઇસા મે ઓલકાટની 1868માં પ્રકાશિત નવલકથા ‘લિટલ વિમેન’માં એક સંવાદ આવે છે: ‘મારો સમય પાકે નહીં ત્યાં સુધી મને વયમાં મોટી કરવાનો પ્રયત્ન છોડી દો.’ અહીં આવશ્યક માનસિક વિકાસ થાય પછી જ ઉંમરના નવા તબક્કામાં પ્રવેશવા માટે લાકડાના પુલ પર પગ મૂકવાની ચેતવણીનો સૂર સંભળાય છે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી