ડૂબકી / કોઈ સપનું અવાસ્તવિક હોતું નથી

article by vinesh antani

વીનેશ અંતાણી

Apr 01, 2019, 03:04 PM IST

એક વિદેશી મહિલા પંચાવન વર્ષની થઈ ત્યાં સુધી એણે નાનપણમાં સેવેલી નાનકડી ઇચ્છા પાર પાડી શકી નહોતી. એ આઠેક વર્ષની હતી ત્યારે એના પિતા મૃત્યુ પામ્યા. પરિવારજનોને આશ્વાસન આપવા આવેલા લોકો અનેક પ્રકારનાં ફૂલો અને બુકે લાવ્યા હતા. છોકરી પિતાના અણધાર્યા અવસાનના શોકમાં ડૂબેલી હતી, છતાં એનું ધ્યાન એ ફૂલો પર ગયું હતું. એને સમજાયું હતું કે ફૂલો દ્વારા લોકો ઝાઝું બોલ્યા વિના એમનો સદ્્ભાવ વ્યક્ત કરી શકતા હતા. એ તો મૃત્યુનો પ્રસંગ હતો, પરંતુ લોકો જન્મદિવસ, લગ્ન, પરીક્ષા કે પરદેશગમન જેવા કેટલાય પ્રસંગે ફૂલો દ્વારા શુભ લાગણી વ્યક્ત કરે છે. આઠ વર્ષની છોકરીને એ વાત બહુ મહત્ત્વની લાગી હતી. એના મનમાં ફૂલોની દુકાન શરૂ કરવાનો વિચાર જાગ્યો હતો, જેથી અલગ અલગ પ્રસંગે ફૂલો દ્વારા પોતાના મનોભાવ વ્યક્ત કરવા માગતા લોકોને એ ઉપયોગી બની શકે, પરંતુ એનું જીવન જુદા માર્ગે ફંટાઈ ગયું હતું. એણે અભ્યાસ અને કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી, ઇન્ટરનેશનલ કંપનીમાં ઉચ્ચ જગ્યાએ પહોંચી, સારો પૈસો ભેગો કર્યો. આ બધાં વર્ષોમાં નાનપણમાં જાગેલી નાનકડી ઇચ્છા ક્યાંય ધરબાઈ ગઈ હતી, જે છેક પંચાવનમા વર્ષે ફરી જાગી ઊઠી.

  • આપણી તૈયારી હોય તો કોઈ ઇચ્છા નાની હોતી નથી, કોઈ સપનું અઆસ્તવિક હોતું નથી, કોઈ મહત્ત્વાકાંક્ષા પહોંચની બહાર હોતી નથી

એ દૂરના ગામડામાં રહેતી એની વયોવૃદ્ધ કાકીને વર્ષો પછી મળવા ગઈ. કાકી પ્રત્યે સન્માન વ્યક્ત કરવા એ બુકે લઈ જવા માગતી હતી, પરંતુ તે ગામડામાં ક્યાંય ફૂલોની દુકાન નહોતી. એ જાણે ભોંઠી પડી ગઈ. એ કાકીને મળીને પોતાના શહેરમાં પાછી આવી ત્યારે સૌથી પહેલું કામ એની કંપનીની જવાબદારીઓમાંથી મુક્ત થવાનું કર્યું. ત્યાર પછી કેટલાંક નાનાં સ્થળોમાં એણે ફૂલોની દુકાનોની ચેઇન શરૂ કરી. કહે છે: ‘હું નાનપણમાં સેવેલી મારી નાની ઇચ્છા પાર પાડી શકી એ મારા જીવનની સૌથી અસામાન્ય સફળતા છે.’
આપણે જે કંઈ કરવા માગતા હોઈએ, જે સપનાં સેવ્યાં હોય તે સાકાર કરી જ શકીએ છીએ, સિવાય કે આ ‘સિવાય કે’ માટે ઘણાં પરિબળ કામ કરે છે અને તે આપણાં સપનાં કે મહત્ત્વાકાંક્ષા કે નાની-નાની ઇચ્છાઓને સાકારવા દેતાં નથી. એ માટે બાહ્ય પરિબળો તો કામ કરે જ છે, આપણી નિષ્ફળતા માટે પોતે પણ જવાબદાર હોઈએ છીએ. આપણી તૈયારી હોય તો કોઈ ઇચ્છા નાની હોતી નથી, કોઈ સપનું અવાસ્તવિક હોતું નથી, કોઈ મહત્ત્વાકાંક્ષા પહોંચની બહાર હોતી નથી.

સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચેલો અમલદાર ભણતો હતો ત્યારથી પોતાના વતનગામમાં શાંત અને સેવાભાવી જીવન ગાળવાનું વિચાર્યું હતું. એ વિશે એણે પત્નીને પણ વારંવાર વાત કરી હતી. પત્ની એની સાથે સંમત હતી. સરકારી નોકરીમાં બઢતીની સાથે એની જુદાં જુદાં શહેરોમાં બદલી થતી રહી. પોતાના રાજ્યમાંથી પણ એને બહાર જવું પડ્યું. એ ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો. વારંવાર બદલી થવાથી એનું પારિવારિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સંતાનોને ભણવા માટે હોસ્ટેલમાં મૂકવાં પડ્યાં હતાં. પત્ની એને ગમતું કામ કરી શકતી નહોતી. એ પચાસ વર્ષનો થયો ત્યારે પત્નીએ પૂછ્યું કે હવે એ શું કરવા માગે છે. એણે જવાબ આપ્યો: ‘કરવાનું શું હોય? રિટાયર થાઉં ત્યાં સુધી’ નારાજ પત્નીએ પૂછ્યું: ‘હું જાણવા માગું છું કે તમે આપણું સપનું સાકાર કરવા માટે, આત્મસંતોષ માટે, શું કરવા માગો છો?’ સફળ અમલદારના મનમાં વતનગામમાં રહીને શાંત અને સેવાભાવી જીવન જીવવાની વર્ષોથી દાબી રાખેલી ઇચ્છા ફરી જાગી ઊઠી. એણે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને વતનમાં પાછો ફર્યો. વારસામાં મળેલા બાપદાદાના ખેતરમાં માણસો રોકી કામ શરૂ કર્યું. ખેતરમાં જ ઘર બાંધ્યું. ગામનાં છોકરાંઓ માટે શાળા શરૂ કરી, ફંડ એકઠું કરી નાનકડું દવાખાનું શરૂ કર્યું. એ બધાં જ કાર્યોમાં એની પત્ની સાથ આપી શકતી હતી. પતિના સાઠમા જન્મદિવસે પત્નીએ કહ્યું, ‘હવે આપણું લગ્નજીવન સાચા અર્થમાં સહજીવન બન્યું છે.’
જિંદગીમાં સમય સમયે પરિવર્તન લાવવાની તૈયારી રાખવી પડે. તો જ જીવનયાત્રા અર્થસભર બને.

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી