ડૂબકી / વંધ્ય સ્ત્રીની પીડાનું નાટક ‘યેરમા’

article by vinesh antani

વીનેશ અંતાણી

Mar 24, 2019, 01:55 PM IST

સત્તાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ. તે યાદ આવતાં મેં થોડાં વર્ષ પહેલાં ચંદીગઢમાં જોયેલું ‘યેરમા’ નાટક સ્મૃતિમાં તરી આવ્યું. મારા ચંદીગઢ નિવાસ દરમિયાન લખેલા નિબંધોના સંકલન ‘ધુમાડાની જેમ’માં એ નાટક વિશે લખ્યું છે. પંજાબ આતંકવાદના લોહિયાળ દાયકામાંથી બેઠું થઈ રહ્યું હતું. મને જાણવા મળ્યું હતું કે અશાંત પરિસ્થિતિમાં પણ પંજાબમાં થિયેટર જીવતું રહ્યું હતું. મારા મિત્ર અને પંજાબી કવિ સિદ્ધુ દમદમીએ કહ્યું હતું તેમ આવા નાટ્યપ્રયોગોએ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની કરોડરજ્જુ સીધી રાખવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
‘યેરમા’ સ્પેનિશ નાટ્યકાર લોરકાનું. પંજાબના લોકપ્રિય અને ઊંચા ગજાના કવિ સુરજિત પાતરે એનું પંજાબીમાં રૂપાંતર કર્યું હતું. આ નાટક ચંદીગઢના થિયેટર ગ્રૂપ ‘કંપની’ દ્વારા પ્રસ્તુત થયું હતું. દિગ્દર્શન નીલમ માનસિંહ ચૌધરીનું અને સંગીત બી.બી. કારંતનું. ચંદીગઢના રોક ગાર્ડનમાં એના નિર્માતા નેકચંદે ઓપન એર થિયેટર બનાવ્યું છે. યેરમા ત્યાં ભજવાયું હતું.

  • ‘યેરમા’ની વ્યથા નાટકનું કેન્દ્રબિંદુ છે. યેરમા વિદ્રોહ કરે છે. એ પતિનું બિનજરૂરી નિયંત્રણ સ્વીકારતી નથી

‘યેરમા’ની નાયિકા સંતાનવિહોણી છે. એની આ વ્યથા નાટકનું કેન્દ્રબિંદુ છે. એનો ખેડૂત પતિ ફળદ્રુપ ધરતીમાં બીજ વાવીને પાક લણી શકે છે, પરંતુ પત્ની યેરમાને ફળવતી બનાવી શકતો નથી. યેરમા સંતાનપ્રાપ્તિ માટે દોરાધાગા, મંત્રજાપ બધું જ કરે છે. પતિ યેરમાના મનમાં સળગતી આગને સમજી શકતો નથી. એ એને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ ફરમાવે છે. આજુબાજુનો સમાજ પણ યેરમાની સંતાનપ્રાપ્તિની ઝંખનાને સમજી શકતો નથી. યેરમા વિદ્રોહ કરે છે. એ પતિનું બિનજરૂરી નિયંત્રણ સ્વીકારતી નથી. યેરમાનો માનસિક સંઘર્ષ વંધ્યત્વ અને ફળદ્રુપતા, જીવનના ઉલ્લાસ અને ખાલીપણું, અસ્તિત્વની સાર્થકતા અને નિરર્થકતાના ખ્યાલો વચ્ચેનો અને તે રીતે જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ છે. એ સ્ત્રી છે અને તે અર્થમાં ધરતી છે. એ વંધ્ય રહીને રહેવા માગતી નથી. એના ઉદરમાં જ્યાં સુધી બીજનું ગર્ભાધાન થાય નહીં ત્યાં સુધી એ પોતાને પૂર્ણ સ્ત્રીરૂપે સ્વીકારી શકતી નથી.
‘યેરમા’ નાટકમાં હાસ્ય અને આંસુઓનું સંમિશ્રણ છે. વાસ્તવિકતા અને ફેન્ટસી વચ્ચેનો નિરંતર સંઘર્ષ આ નાટકનું જોરદાર જમા પાસું છે. પતંગિયાં, પાણીદાર ઘોડા, મૃત બાળકો જેવાં પ્રતીક યેરમાની ઝંખના અને વેદનાને વાચા આપે છે. ધરતી સાથે જોડાયેલા સંવેદનશીલ કવિ સુરજિત પાતર મૂળ સ્પેનિશ નાટક ‘યેરમા’ને પંજાબની તળભૂમિની સાથે જોડવામાં સફળ રહ્યા છે. પંજાબી લોકગીતો દ્વારા ‘યેરમા’નું રૂપાંતર પૂર્ણપણે પંજાબી વાતાવરણમાં ઢાળી શકાયું. બી.બી. કારંતનું સંગીત પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

યેરમાનાં માનસિક સંચલનોને સ્ટેજ પર પ્રત્યક્ષ કરવાનું કામ અઘરું હતું. તે માટે દિગ્દર્શકે અદ્્ભુત દૃશ્યયોજના કરી. બે થાંભલા વચ્ચે બાંધેલા સળગતા દોરડાની પાછળ ઊભેલી યેરમાની પીડા અને વલોપાત શબ્દો અને અભિનય દ્વારા જ નહીં, આગનાં દૃશ્યાત્મક પ્રતીક દ્વારા પણ વ્યક્ત થયાં. નાટકના છેલ્લા દૃશ્યમાં લોકોની મોજમસ્તી, ઉછાંછળાપણાં અને ક્રૂર રમૂજોનાં દૃશ્યોની વચ્ચે યેરમાના માનસિક પરિતાપ અને પીડાની ચરમસીમાનું દૃશ્ય ઊભરે છે. વધતી ગતિમાં આલેખાયેલા ટોળાના હિંસક આનંદની સાથે યેરમાની પીડા પણ એક રીતે હિંસક બને છે. પતિ-પત્ની વચ્ચેનો વિસંવાદ ઉગ્રતાની ચરમસીમાએ પહોંચે છે. યેરમા પતિને મારી નાખે છે. કરુણતા એ છે કે યેરમા એની સંતાનપ્રાપ્તિની ઝંખનાનું પોતાના હાથે જ ગળું ઘોંટી નાખે છે. પતિની હત્યાનું દૃશ્યઆયોજન વિશિષ્ટ હતું. યેરમા માટલું ઉપાડીને પતિ તરફ આગળ વધે છે. એની આંખો ફાટી ગઈ છે, વાળ ખુલ્લા છે, ચહેરો તરડાઈ ગયો છે. એણે માટલામાંથી પતિ ઉપર ફેંકેલું લાલ પ્રવાહી સફેદ પરદા પર છંટાય છે. પતિ પરદા પાછળ અદૃશ્ય થઈ જાય છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત ગાયકવૃંદ હમિંગ કરતું રહે છે, આછી આછી ડાક વાગે છે, થાળી પર એક એક ડંકો વાગતો રહે છે. વંધ્ય યેરમાની પીડા સાથે એકાકાર પ્રેક્ષકો નિ:સ્તબ્ધ છે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી