Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

સપનાના અને વાસ્તવિકતાના રંગ અલગ છે છેવટે કોઈ રંગ બાકી રહેતો નથી

  • પ્રકાશન તારીખ22 Mar 2019
  •  

વયના પાછલા તબક્કામાં પહોંચીને બાળપણમાં જોયેલા રંગોને યાદ કરું તો શું દેખાય છે? સૌથી પહેલાં યાદ આવે છે કે ધુળેટીના દિવસે બપોર સુધીમાં ગામ આખાનાં છોરાંઓને રંગી નાખ્યા પછી કૂતરાં અને રખડતાં ગધેડાંને પણ રંગી નાખતા હતા. આ તો હોળીના ઉત્સવ સાથે જોડાયેલા વિનોદની વાત થઈ.
ગંભીરતાપૂર્વક નજર માંડું તો ફાગણમાં લચેલા કેસૂડા, ખેતરોની કાંટાળી વાડ પર લચેલાં હથેળી જેવડાં ફૂલોનો સુગંધી સફેદ રંગ, ગામની આજુબાજુના ડુંગરાના મર્દાની રંગ, બજારમાં શાક વેચવા બેઠેલી કાછિયણોની ઓઢણીના વિવિધ રંગ, કાપડિયાની દુકાનમાં કાપડના તાકાના અનેક રંગ, મંદિરનાં પગથિયાં ચડતી વિધવાઓના પગમાં અટવાટા સાડલાના રંગ, પહેલા વરસાદમાં ગામની બહાર વોકળામાં વહી નીકળતા પાણીનો મટમેલો રંગ દેખાય છે.
એ બધા બાળપણના રંગોની ઉપર તગતગે છે એક એવો રંગ, જેને કોઈ નામ આપી શકાય તેમ નથી. એ હતો માની આંખમાં છલકાતા વાત્સલ્યનો રંગ.
માતાના વાત્સલ્યના રંગના દાયરામાંથી બહારની દુનિયામાં પગ મૂકતાંની સાથે દેખાવા લાગતા રંગોના અર્થ બદલાઈ જાય છે.

  • તરુણાવસ્થાના રંગો મેઘધનુષી હોય છે. પાણીનું એક ટીપું હોય અને સૂરજનું એક કિરણ, દુનિયા આખીના રંગો જાણે એમાં સમાઈ ગયેલા લાગે. એ રંગો આપણા ચિત્તને રંગબેરંગી બનાવી દે છે. આપણો વર્તમાન રંગમેળવણીની ભુલભુલામણીમાં અટવાઈ જાય છે

તરુણાવસ્થાના રંગો મેઘધનુષી હોય છે. પાણીનું એક ટીપું હોય અને સૂરજનું એક કિરણ, દુનિયા આખીના રંગો જાણે એમાં સમાઈ ગયેલા લાગે. એ રંગો આપણા ચિત્તને રંગબેરંગી બનાવી દે છે. તરુણાવસ્થા અને યુવાનીના રંગ પહેલી વાર જોયેલા કલર ટીવી જેવા હોય છે. એની મસ્તીમાં થોડાં વર્ષ માટે બ્લેક એન્ડ વ્હાઇટની વાસ્તવિકતા ભુલાઈ જાય છે. આપણો વર્તમાન રંગમેળવણીની ભુલભુલામણીમાં અટવાઈ જાય છે. પ્રેમના નશાની ગુલાબી ધજા ફરક્યા કરે છે.
જીવનમાં ભૂખરા રંગો પણ હોય છે તે વાત ધીરેધીરે સ્પષ્ટ થવા લાગે છે. બેકારી અને હડિયાપટીના દિવસોમાં સમજાય છે કે જીવનમાં ભૂખરા અને કરકરા રંગો પણ હોય છે.
સપનાના રંગો અને વાસ્તવિકતાના રંગ અલગ છે. ભીની રેતીનો રંગ એક હોય છે, સૂકી રેતીનો રંગ બીજો હોય છે. લીલાં પાંદડાંથી મુગ્ધ થયેલી નજર સૂકાં પાંદડાં પર પડે ત્યારે રંગોની ક્ષણભંગુરતાનો પરિચય થાય છે.
બાળપણમાં જોયેલા શેરીના રંગ ઉંમરની સાથે ઉનાળામાં ધગધગતા ડામરના રંગમાં ફેરવાઈ જાય છે. આખો દિવસ મજૂરી કરીને ઘેર આવેલા જણને ઘરની વ્યક્તિઓની ચામડીનો રંગ બદલાયેલો લાગે છે. પ્રિયજનની આંખોમાં દેખાયેલો કવિતાનો રંગ ઝાંખો થવા લાગે છે. કવિતાના કોમળ રંગો ગદ્યના બરછટ રંગોમાં ફેરવાઈ જાય છે. શ્વાસોના રંગ હાંફવા લાગે ત્યારે યુવાનીના ગુલાબી રંગ પર ઘૂંટણના સટાકાના રંગ ફરી વળે છે.

પહેલો સફેદ વાળ દેખાય તે સાથે જ અરીસામાં ઝાંખપ ઊતરી આવે છે. ભીતરના રંગ અને બહારની દુનિયાના રંગોની વચ્ચે બેતાલાં ચશ્માંનું પડળ આવી જાય છે. આપણું મેઘધનુષ સપાટ થઈ જાય છે. એના રંગો પગ તળે કચડાય છે. બહુ સંભાળીને ડગ ભરવાં પડે, કારણ કે આંખોમાં વૃદ્ધાવસ્થાનો રંગ ઊતરવા લાગ્યો હોય છે.
સૂર્યોદય વખતે આકાશમાં દેખાયેલી રંગછટાઓ પર સૂર્યાસ્ત પછીના અંધકારના બરડ રંગના લપેડા ફરી વળે છે. આપણે ભૂલી જઈએ છીએ કે મૂળ રંગ કયા છે અને કયા રંગો મેળવણીથી બન્યા છે. પીંછીના વાળ ઘસાઈ ગયા છે. કેન્વાસમાં કોઈ જગ્યા ખાલી બચી છે કે કેમ, તે પણ બરાબર દેખાતું નથી. ચિત્ર દેખાય છે, પરંતુ એક સમયે એમાં પૂરેલા રંગો કયા હતા તે યાદ આવતું નથી. આપણે પીંછી પકડીને બારી બહાર જોતા ઊભા રહીએ છીએ. અચાનક બહાર કોઈ ખૂણામાં ઊભેલા અજાણ્યા આકાર પર નજર પડે છે અને આપણે ચોંકી ઊઠીએ છીએ. કાળા પાડા પર બેઠેલા આકારની લાંબી લાલ જીભના લબકારા દેખાતાંની સાથે જ પીંછી આપણા હાથમાંથી સરી પડે છે. આખા કેનવાસ પર કાળો રંગ ઢોળાઈ જાય છે.

છેલ્લા શ્વાસોની તૂટતી રફ્તારના રંગ પકડવા મથીએ છીએ, પણ હાથ ધ્રૂજે છે અને નજર સ્થિર રહી શકતી નથી. બધું અલપઝલપના રંગમાં રહસ્યમય બની જાય છે. આપણે ચીસ પાડવા માગીએ છીએ, કશાકનો આધાર શોધવા મથીએ છીએ, પણ આપણી ઉપર દરિયાના અગાધ પાણીનો રંગ ફરી વળ્યો હોય છે. કાંઠાની શક્યતા શેવાળના રંગમાં ખોવાઈ જાય છે.
હવે અંત સિવાય કશું જ પ્રસન્નકારી નથી. સમાધાન કરી લઈએ છીએ અને આંખો હંમેશને માટે બંધ થયા પછી ઊઘડનારી નવી દુનિયાના રંગોની કલ્પનામાં ડૂબી જઈએ છીએ. એ પણ ભૂલી જઈએ છીએ કે આંખ બંધ થયા પછી કોઈ રંગ બાકી રહેતો નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP