ડૂબકી / સપનાં સાકાર કરવાની સજ્જતા

article by vinesh antani

વીનેશ અંતાણી

Mar 10, 2019, 12:05 AM IST

વિદેશની એક યુનિવર્સિટીના ત્રીસ વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષની ફાઇનલ એક્ઝામ આપવાના હતા. વિભાગના ડીન એમને મળવા વર્ગમાં આવ્યા. એમણે કહ્યું: ‘હું જાણું છું કે તમે પરીક્ષામાં ઊંચો ગ્રેડ મેળવવા માટે ખૂબ પ્રેશરમાં છો. તમારી સફળતા વિશે મને કોઈ શંકા નથી. મને પરીક્ષા દ્વારા તમારા પુસ્તકિયા જ્ઞાનની કસોટી કરવાની ખાસ જરૂર લાગતી નથી. તેથી હું તમને એક ઓફર આપું છું – તમારામાંથી કોઈ ફાઇનલ એક્ઝામ આપવા માગતું ન હોય તો હું એને સીધેસીધો ‘બી’ ગ્રેડ આપવા તૈયાર છું. એક વાત ધ્યાનમાં રાખજો કે આ પરીક્ષાથી પણ વધારે મહત્ત્વની કસોટી જીવનમાં થવાની છે.’

  • ધ્યેય નક્કી કરતા પહેલાં પોતાની શક્તિનું માપ પણ કાઢવું પડે. આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે ‘ફોકસ’ રહેવું જરૂરી છે

મોટા ભાગના વિદ્યાર્થીઓએ ડીનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને ખુશ થતા વર્ગમાંથી બહાર ગયા. છ વિદ્યાર્થીઓ બાકી રહ્યા. ડીને એમને કહ્યું: ‘વિચારી જુઓ, મારો પ્રસ્તાવ સ્વીકારવાની તમને છેલ્લી તક આપું છું.’ થોડી અવઢવ પછી બીજા ત્રણ જણ ‘બી’ ગ્રેડ સ્વીકારી બહાર ગયા. પછી ડીને બારણું બંધ કરાવ્યું. બાકી બચેલા વિદ્યાર્થીઓને ટાઇપ કરેલો કાગળ આપ્યો. એમાં લખ્યું હતું: ‘અભિનંદન, તમને ‘એ પ્લસ’ ગ્રેડ મળે છે. તમે વધારે ઊચું ધ્યેય રાખ્યું અને વિના પ્રયત્ને તમારું ધ્યેય સિદ્ધ કરવાની લાલચ રાખી નહીં. જીવનમાં સફળ થવા માટે તમારી જાતમાં શ્રદ્ધા રાખવાનું ચાલુ રાખજો.’
પ્રશ્ન આગળ વધવા માટે કોઈ ધ્યેય રાખવાનું જ નથી, ઊંચું ધ્યેય પાર પાડવા પરિશ્રમ કરવાની તૈયારીનો પણ છે. ઘણા લોકો કોઈ પણ ધ્યેય વિના માત્ર જીવ્યે જાય છે. એમને ચીલાચાલુ જીવન જીવી જવામાં જ રસ હોય છે. શક્ય છે કે એમણે કોઈ તબક્કે મહત્ત્વાકાંક્ષા રાખી હોય, પરંતુ નિષ્ફળતા મળવાથી કે નિષ્ફળતાના ભયથી જાગેલી હતાશાએ એમણે ધ્યેયહીન સ્થિતિ સ્વીકારી લીધી હોય. ધ્યેય રાખવું જ નહીં કે નીચું નિશાન રાખવાની માનસિકતા નકારાત્મક વલણ કહેવાય.
ધ્યેય નક્કી કરતા પહેલાં પોતાની શક્તિનો માપ પણ કાઢવો પડે. સપનાં ઘડવાં અલગ વાત છે, સપનાં સાકાર કરવાની તૈયારી અને સજ્જતા જુદી બાબત છે. પછેડી પ્રમાણે સોડ તાણવાની વાત અહીં પણ લાગુ પાડી શકાય. આપણે આંબી જ શકવાના ન હોઈએ એવી ઊંચાઈના ધ્યેયનું પરિણામ પછડાટ જ હોય. અવાસ્તવિક ધ્યેય રાખવું એક અર્થમાં ધ્યેયહીન હોવા જેવી સ્થિતિ છે.
એનો અર્થ એવો નથી કે ઊંચું ધ્યેય રાખવું જ નહીં. એક–એક પગથિયું ચઢતાં ચઢતાં જ ગમે તેવી ઊંચાઈએ પહોંચી શકાય છે. આપણે આપણા ધ્યેયને નાના-નાના અંશોમાં વિભાજિત કરી શકીએ. આ પ્રક્રિયા માટે આરંભમાં કેટલું સિદ્ધ કરવા માગીએ છીએ અને તે માટે કેટલો સમય લાગી શકે તેનો અંદાજ પહેલેથી બાંધી લેવો જોઈએ. એક પડાવ પર પહોંચ્યા પછી, થોડો થાક ખાઈ આાગળનાં પગલાં ભરીએ. આ રીતે બહુ મોટા ધ્યેયને પાર કરવાની પદ્ધતિનો અર્થ એ છે કે બહુ મોટા ધ્યેયથી દબાઈ જવાની શક્યતા ઘટે છે અને દરેક ડગલે આત્મવિશ્વાસમાં વધારો થતો રહે છે. તે માટે સજ્જતા અને સફળતાનો ગ્રાફ ઊંચો વધતો રહે છે.
કોઈ પણ સફળતાનો ચોક્કસ માપદંડ હોઈ શકે નહીં. સફળતાનું પરિણામ પણ અગાઉથી નક્કી કરી શકાય નહીં. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવતા દરેક અવરોધ ખસેડ્યા પછી જ આગળની દિશા ઊઘડે છે. આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે ‘ફોકસ’ રહેવું જરૂરી છે. હંગેરીના લશ્કરનો એક સાર્જન્ટ કરોલી ટેક્સ પચીસ મીટરના અંતરની રેપિડ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ઘણાં પારિતોષિક મેળવી ચૂક્યો હતો. ત્યાર પછી એ 1940માં યોજાનારી ઓલમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરતો હતો. તે દરમિયાન લશ્કરી તાલીમ ચાલતી હતી ત્યારે કમનસીબે એક હેન્ડ ગ્રેનેડ ફાટવાથી કરોલીના જમણા હાથમાં ખૂબ ગંભીર ઈજા થઈ. એ જમણા હાથથી શૂટિંગ કરતો હતો. એ હાથ જ નકામો થઈ જવાથી ઓલમ્પિકમાં ભાગ લેવાની એની મહત્ત્વાકાંક્ષા પર મરણતોલ ઘા પડ્યો. એને ઘણા સમય સુધી હોસ્પિટલાં રહેવું પડ્યું. તેમ છતાં એણે એના ધ્યેયને તિલાંજલિ આપી નહોતી. સાજા થયા પછી એણે કોઈને પણ જણાવ્યા વિના, એકલવ્યની એકાગ્રતાપૂર્વક ડાબા હાથે શૂટિંગ કરવાની પ્રેક્ટિસ શરૂ કરી.
બે વર્ષ આ રીતે તૈયારી કર્યા પછી એ નેશનલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગયો. એને ત્યાં આવેલો જોઈને બીજા શૂટર્સે સહાનુભૂતિપૂર્વક કહ્યું કે એ સ્પર્ધા જોવા માટે આવ્યો એ સારું કર્યું. કરોલીનો જવાબ હતો: ‘હું પ્રેક્ષક તરીકે નથી આવ્યો, સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છું.’ કોઈ એની વાત માનવા તૈયાર નહોતા. કરોલીએ એમાં ભાગ લીધો અને ચેમ્પિયન થયો. વર્ષ 1940 અને 1944ની બે ઓલમ્પિક બીજા વિશ્વયુદ્ધને કારણે કેન્સલ થઈ. 1948ની ઓલિમ્પિકમાં એણે ગોલ્ડ મેડલ મેળવ્યો. એટલું જ નહીં, 1952માં પણ એણે ગોલ્ડ મેડલ મેળવ્યો. જમણો હાથ ગયો તો હતાશ થયા વિના ડાબા હાથે એનું ધ્યેય બે વાર પાર પાડ્યું.

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી