Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

વેદના નવા જીવનનું આરંભ બિંદુ બની શકે

  • પ્રકાશન તારીખ04 Mar 2019
  •  

અમેરિકાના લેખક એરિક સેગલની 1970માં પ્રગટ થયેલી સુપ્રસિદ્ધ નવલકથા ‘લવસ્ટોરી’માં એક વાક્ય આવે છે: ‘પીડાનો સામનો કરવાની દરેક વ્યક્તિની પોતાની રીતો હોય છે.’ નિર્મલ વર્માની હિન્દી નવલકથા ‘એક ચિથડા સુખ’માં એક પાત્ર બીજાને પૂછે છે: ‘તુમને કભી દુ:ખ કો દેખા હૈ?’ દુ:ખને નરી આંખે જોવું–જોઈ શકવું એટલે હૃદયના ઊંડાણમાંથી પીડાનો અનુભવ કરવો. વાસ્તવિક જીવનમાં કેટલીક વ્યક્તિઓને જોતાંની સાથે જ એમની ભીતર ભરાયેલી વેદનાનો અણસાર આવી જાય છે. હું ચંદીગઢના આકાશવાણી કેન્દ્રમાં કામ કરતો હતો ત્યારે એક ડિવોર્સી સિનિયર એનાઉન્સર બહેનના ચહેરા પર હરઘડીએ કશાક ઊંડા દુ:ખની છાયા દેખાતી. એક તબક્કે એની ભીતર ભરેલું દુ:ખ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યું હોવું જોઈએ કે એ રાતે ઊંઘમાં જ મૃત્ય પામી. મૃત્યુ પછી પણ એના નશ્વર મોઢા પરથી ભીતર ભંડારી રાખેલું દુ:ખ ‘જોઈ’ શકાતું હતું.
જાપાનના જાણીતા લેખક હારુકી મુરાકામીની 2018માં પ્રસિદ્ધ થયેલી નવલકથા ‘કિલિન્ગ કોમેન્ડેટોર’ના સંદર્ભમાં એમને પુછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એમણે જણાવ્યું હતું: ‘લાગણીના સ્તર પર પડેલા જખમ ત્રણ પ્રકારના હોય છે: કેટલાક જખમ જલદી રુઝાઈ જાય, કેટલાકને રુઝાતા લાંબો સમય લાગે છે, જ્યારે કેટલાક જિંદગીપર્યંત રુઝાતા નથી. એ સારા કે ખરાબ – બંને પ્રકારના જખમો વ્યક્તિને એની જિંદગીનો અર્થ સ્પષ્ટ કરી આપે છે અને ઘણી વાર એના ઘડતરમાં પણ ભાગ ભજવે છે.’

  • કોઈ પણ દુ:ખભરી પરિસ્થિતિ જીવનનો અંત નથી. કદાચ એ નવા જીવન ભણી આગળ વધવાની શક્યતાનું આરંભ બિંદુ પણ હોઈ શકે

સામાન્ય રીતે લોકો એમના જીવનમાં દુ:ખદ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવું વિચારવાનું ટાળે છે. બીજા લોકોના જીવનમાં ઊભી થયેલી દુ:ખદ પરિસ્થિતિ માટે સહાનુભૂતિ કે સમસંવેદનની લાગણી અનુભવવી એક વાત છે, વ્યક્તિના પોતાના જીવનમાં પણ એવી કોઈ પરિસ્થિતિ ગમે ત્યારે ઊભી થઈ શકે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તૈયારી અલગ વાત છે. એથી જ મોટા ભાગના લોકો એમના જીવનમાં કોઈ દુ:ખદ, પીડાદાયક, ઘટના બને ત્યારે એમની પહેલી પ્રતિક્રિયા ‘આવું મારી સાથે જ કેમ બન્યું’ તે પ્રકારની હોય છે. આ સંદર્ભમાં અમેરિકન સાયકોલોજિસ્ટ સિઅન ગ્રોવર એક મહિલા અમન્ડાનું દૃષ્ટાંત આપે છે. અમન્ડાની પુત્રી નાની વયે મૃત્યુ પામી હતી. અમન્ડા એ આઘાતમાંથી ઘણાં વરસો સુધી બહાર નીકળી શકી નહોતી. એને જીવનમાંથી રસ ઊઠી ગયો હતો. એ ઓફિસમાં કે અંગત જીવનમાં ગોઠવાઈ શકતી નહોતી. એના મિત્રોએ એને ડિપ્રેશનમાંથી બહાર આવવા સાયકોલોજિસ્ટ ડો. ગ્રોવરના માનસિક સારવારના વર્કશોપમાં જોડાવા જણાવ્યું. એ અનિચ્છાએ ગઈ. ગ્રૂપ સેશનમાં પોતાના દુ:ખની વાત કરતાં એ રડી પડી અને વાત પૂરી કરી શકી નહીં. ગ્રૂપની એક મહિલાએ એને કહ્યું કે થોડા સમય પહેલાં એણે પણ પુત્રી ગુમાવી છે. ગ્રૂપના બીજા લોકોની વાતો સાંભળીને અમન્ડાને સમજાયું કે બધાના જીવનમાં એવી પરિસ્થિતિ આવી છે. થોડા સમય પછી એ અનાથ બાળકો માટે કામ કરતી સંસ્થામાં જોડાઈ. અમન્ડાએ કહ્યું: ‘હું તે બાળકોમાં મારી પુત્રીને જોઈ શકું છું. એનાથી મારી અંગત વેદના ઓછી થઈ નથી, પરંતુ હવે હું મારી વેદનાને તટસ્થ રીતે જોતાં શીખી શકી છું.’
સાયકોલોજિસ્ટ્સ દુ:ખમાંથી બહાર નીકળવાના માર્ગ સૂચવે છે. તેઓ કહે છે તેમ તમારી પીડાનું ‘સન્માન’ કરો. આ વાત પહેલી નજરે વિચિત્ર લાગે, પરંતુ વધારે ધ્યાનથી જોવાથી સમજાય છે કે દુ:ખનું સન્માન કરવું એટલે અંગત પીડાનો સ્વીકાર કરીને એની આરપાર જોવું. પૂરી સમજણ વિકસ્યા પછી એમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. દુ:ખભરી પરિસ્થિતિનો સામી છાતીએ સામનો કરવા સજ્જ થયેલી વ્યક્તિને જાણે પોતાની અંદર છુપાયેલી કોઈ અજાણી શક્તિનો સાક્ષાત્કાર થાય છે. એ એની પીડા મનમાં દાબીને અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય બને છે. એને સમજાય છે કે કોઈ પણ દુ:ખભરી પરિસ્થિતિ જીવનનો અંત નથી. કદાચ એ નવા જીવન ભણી આગળ વધવાની શક્યતાનું આરંભ બિંદુ પણ હોઈ શકે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP