ડૂબકી / વિનાશ પછી નવી શરૂઆત

article by vinesh antani

વીનેશ અંતાણી

Feb 17, 2019, 02:31 PM IST

26 જાન્યુઆરી, 2001ના દિવસે ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ઘણાં સ્થળોની સાથે સૌથી વધારે નુકસાન કચ્છમાં થયું હતું. ત્યાર પછી લગભગ એક મહિને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા બે હજારના વર્ષના ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ અર્પણ કરવાનો સમારંભ યોજાયો તે પ્રસંગે અકાદમીના તત્કાલીન પ્રમુખ અને ઉડિયા ભાષાના મૂર્ધન્ય કવિ રમાકાન્ત રથે ગુજરાતના ધરતીકંપના સંદર્ભમાં કહ્યું હતું: ‘એ કેવળ અકસ્માત છે કે આપણે બચી ગયેલા લોકો છીએ.’ બીજે દિવસે એવોર્ડ મેળવનાર લેખકોના પ્રતિભાવની બેઠક ‘રાઇટર્સ મીટ’માં મેં કહ્યું હતું: ‘લોકો બચી તો જાય છે, પરંતુ મહાકાળના રૌદ્ર રૂપનાં પરિણામોથી તેઓ અંદરથી મરી પણ જાય છે.’

  • બચેલી વ્યક્તિ કાટમાળ બની ગયેલા જીવનની ઉપર નવેસરથી જીવવાનો પ્રયત્ન આદરે છે. ભયાનક પડકારના સમયે વ્યક્તિની ભીતર છુપાયેલું સત્ત્વ બહાર આવે છે

ક્યારેક ‘બચી જવું’ પણ મોટો પડકાર બને છે. કેટલાય અકસ્માતમાં એકાદ જણ, ક્યારેક તો કોઈ બાળક સિવાય કોઈ બચતું નથી. એ બચેલી વ્યક્તિ કાટમાળ બની ગયેલા જીવનની ઉપર નવેસરથી જીવવાનો પ્રયત્ન આદરે છે. ભયાનક પડકારના સમયે વ્યક્તિની ભીતર છુપાયેલું સત્ત્વ બહાર આવે છે. વિનાશમાંથી જ નવા સર્જનની દિશા ઊઘડે છે.
2016માં ઓક્ટોબર મહિનામાં ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પર મહાભયાનક વાવાઝોડાની સાથે પૂર આવ્યું. લાખો પરિવાર એના ભોગ બન્યા. જોનાસ નામનો ખેડૂત અને એનો પરિવાર જીવતા બચી ગયા, પરંતુ એમનું ઘર નાશ પામ્યું અને એના ખેતરમાં ઊગેલો ડાંગરનો મબલખ પાક ધોવાઈ ગયો. એ ખેતર એના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન હતું. જોનાસ ચિંતામાં માથું પકડીને બેસી રહ્યો. બાજુમાં એની પત્ની ચોધાર આંસુએ રડતી હતી. દરમિયાન જોનાસનો ત્રણ-ચાર વર્ષનો દીકરો એમના તૂટેલા ઘરના કાદવમાંથી કશુંક શોધતો હતો. અચાનક એ ખુશીથી બૂમ પાડી ઊઠ્યો. ઘરના કાદવમાંથી એને બહુ ગમતું રમકડું મળ્યું હતું. જોનાસ ઊભો થઈ ગયો. આવા વિનાશની વચ્ચે સંભળાયેલી દીકરાની પ્રસન્ન બૂમથી એના મનમાં નવું અજવાળું પ્રગટ્યું. એણે બધી હતાશા ખંખેરી નાખી અને પત્નીને કહ્યું: ‘ઊભી થા, આપણું બધું ગયું, પણ ખેતર તો નથી ગયુંને. આપણે આ ક્ષણથી જ નવી શરૂઆત કરીએ. તૂટેલા ઘરમાંથી આપણા દીકરાને એનું રમકડું મળ્યું છે તો આપણને પણ આપણું જીવન પાછું મળશે.’
જીવનમાં કટોકટીભર્યો સમય આવે જ, પરંતુ આપણે જીવનમાં આવી શકનારા પડકારભર્યા સમય માટે તૈયાર હોતા નથી. સામાન્ય રીતે લોકો ધારી લે છે કે એમની સાથે ક્યારેય ખરાબ બનશે જ નહીં. કટોકટી ગમે ત્યારે ત્રાટકી શકે. નિર્વિઘ્ને ચાલતા જીવનમાં અચાનક કોઈ માઠી ઘટના બને અને સુરક્ષિત લાગતા જીવનનો ગઢ માટીનો ઢગ બની જાય. 1999માં યુગોસ્લાવિયાના કેસોવા પ્રાંતના એક ગામડામાં એક વૃદ્ધા અને એનો પતિ વહેલી સવારે રસોડામાં ચૂલા પાસે બેસી ચા પીતાં હતાં. તે વખતે એમના જ દેશના સૈનિકો ઘરમાં ઘૂસ્યા અને વૃદ્ધને પત્નીની આંખ સામે ગોળીએ વીંધી નાખ્યો, ઘર બાળી નાખ્યું. એમનો એટલો જ વાંક હતો કે એમના દેશનો વડો એ જાતિના લોકોને ધિક્કારતો હતો.
હિટલર અને એના નાઝીઓએ યહૂદીઓના કરેલા નરસંહારમાંથી બચેલા લોકોએ જીવનને નવેસરથી બાથ ભરી ઇઝરાયેલ જેવો અડગ અને હિંમતવાન દેશ ઊભો કર્યો. નાઝીઓના જુલમમાંથી બચેલો એક યહૂદી સજ્જન જેક મેન્ડલબોમ કહે છે: ‘અમારા પર કરવામાં આવેલા જુલમો પછી પણ અમે હિટલર અને એના ક્રૂર સૈનિકોને જીતવા દીધા નથી. અમે એમનાથી વધારે સારા માનવ બનીને જીવી રહ્યા છીએ. એ સમય એમનો હતો, ભવિષ્ય અમારા હાથમાં છે.’
2004ના સુનામીમાં તમિલનાડુના દરિયાકાંઠે માછીમારનું આખું કુટુંબ તણાઈ ગયું. એક કિશોર જ બચ્યો. એ રોજ સવારે માછલી પકડવા દરિયામાં જતા પહેલાં પહેલું કામ દરિયાનાં મોજાંને લાત મારવાનું કરે છે: ‘ફટ, તેં મારો પરિવાર ઝૂંટવી લીધો.’ બીજી જ ક્ષણે એ દરિયાનું પાણી માથે ચઢાવીને કહે છે: ‘તું જ અમારો તારણહાર છે. અમને માર કે તાર – બધું તારા હાથમાં છે.’

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી