ડૂબકી / જૂઠ અને અર્ધસત્ય વચ્ચે ભીંસાતું સત્ય

article by vinesh antani

વીનેશ અંતાણી

Feb 10, 2019, 11:18 AM IST

ગાંધીજીએ એમની આત્મકથામાં કહ્યું છે: ‘મારા જેવા અનેકોનો ક્ષય થાવ, પણ સત્યનો જય થાવ.’ હવે સમય બદલાયો છે. લોકો માનવા લાગ્યા છે – બીજા બધાનો ભલે ક્ષય થાવ, મારા અસત્યનો જય થાવ. લોકોની સામે હંમેશ માટે છુપાઈ રહેવાનું છે તે સત્ય હવે અખબારની ભાષામાં ‘કહેવાતું સત્ય’ બની ગયું છે. પ્રજાજીવનના બહોળા સમૂહને દેશના નાગરિક તરીકે જાણવાનો હક્ક હોય તેવાં ઘણાં સત્ય ભાગ્યે જ બહાર આવે છે. આ વાત જાહેરજીવનને સ્પર્શતી ઘટનાઓને વધારે લાગુ પડે છે. ઘસાઈને બુઠ્ઠાં થઈ ગયેલાં અને કલુષિત બનેલાં મૂલ્યોના વાતાવરણમાં આપણી સામે બહાર આવેલું સત્ય વાસ્તવમાં સત્ય છે કે કેમ તેની શંકા રહે છે.

  • ઓબ્જેક્ટિવ સત્યનું મહત્ત્વ ભૂંસાઈ ગયું છે અને લોકોના દૃષ્ટિકોણ પર કુઠારાઘાત થાય તેવાં અસત્યોની ભરમાર વધી છે

કોઈ ઘટના બને છે ત્યારે મીડિયામાં એની ગરમાગરમ ચર્ચા ચાલે છે. મીડિયા પોતાની રીતે કેસ ચલાવે છે અને એનો ચુકાદો પણ આપી દે છે. ટીવીની ન્યૂઝ ચેનલો પર ઘોંઘાટ સિવાય બીજું કશું સંભળાતું નથી. શબ્દ સંભળાતા જ ન હોય ત્યાં એની ભીતર ક્યાંક છુપાયેલું સત્ય – જો હોય તો – ક્યાંથી સંભળાવાનું છે? ખળભળાવી નાખે તેવી કોઈ ઘટના બને પછી મીડિયામાં થોડો સમય એની ચર્ચા ચાલે છે, પછી એ ઘટનાનું મહત્ત્વ ઘટી જવાથી ભૂલી જવામાં આવે છે.
આ સમય સત્યનો નથી, અર્ધસત્ય અને જુઠાણાનો છે. જેની પાસે કમ્પ્યૂટર છે અને ઇન્ટરનેટની સવલત છે તે લોકો સોશિયલ મીડિયાના જાતજાતનાં પ્લેટફોર્મ પર માહિતી અને અભિપ્રાયો મૂક્યા કરે છે. એ માહિતી અને અભિપ્રાયનાં સત્ય તપાસવાની દરકાર કોઈ કરતું નથી. પછી બીજા લોકો એ બધું જ પોતાની પોસ્ટમાં મૂકે છે અને આમ એના પડઘા ચારે બાજુ વિસ્તરતા રહે છે. એ કારણે જ એ આખી પ્રક્રિયાને કોઈએ ‘ઇકો ચેમ્બર’ કહી છે. સત્ય અને ઉપજાવી કાઢેલાં સત્ય વચ્ચે ભેદ રહ્યો નથી. ઓબ્જેક્ટિવ સત્યનું મહત્ત્વ ભૂંસાઈ ગયું છે અને લોકોના દૃષ્ટિકોણ પર કુઠારાઘાત થાય તેવાં અસત્યોની ભરમાર વધી છે. ચૂંટણીના વાતાવરણમાં સત્યનો સૌથી વધારે રકાસ થાય છે. દાવા અને પ્રતિદાવા, પોતાનું સત્ય છુપાવવા માટે રાજકીય નેતાઓ ભળતી માહિતી આપે છે, વાસ્તવિકતાનું ગળું ઘોંટે છે અને આક્ષેપબાજીમાં રચ્યાપચ્યા રહે છે. ભારતના રાજકીય પક્ષોની વિચારધારામાં દેખીતી રીતે ઝાઝો તફાવત નથી. એમનું એકમાત્ર ધ્યેય યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવાનું છે. તેઓ લોકોને વ્યક્તિ તરીકે જોવાનું કે મૂલવવાનું ભૂલી ગયા છે. ભારતનો નાગરિક આજે માત્ર ‘મતદાર’ બની ગયો છે. મતદારોનો મત પોતાની તરફેણમાં મેળવવા રાજકીય પક્ષો ગમે તેવા પેંતરા રચે છે અને અર્ધસત્ય અને જૂઠનો મારો ચલાવે છે. મીડિયા અને સોશિયલ મીડિયા એના ઇકો ચેમ્બર બને છે.
સત્ય બહાર લાવવાની જવાબદારી ધરાવતી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી માહિતી પર પણ કોઈને ભરોસો બેસતો નથી. બધું જ જાણે સરકારની દોરવણી હેઠળ બનતું હોય એવી છાપ પડવા લાગી છે. બોફોર્સનું સત્ય શું છે, રાફેલના કરાર પાછળ કયું સત્ય રહેલું છે તે આપણે ક્યારેય જાણી શકવાના છીએ? આજે એક પક્ષની સરકારના નિયંત્રણ હેઠળ લાગતી સી.બી.આઇ. જેવી સ્વાયત્ત સંસ્થા ગઈ કાલે આજના વિરોધ પક્ષની સરકારના નિયંત્રણ હેઠળ જ કામ કરતી હતી. એ પાછળનાં સત્યો ક્યારેય સામાન્ય પ્રજાને સમજાશે ખરાં? મી-ટુની ચળવળે જોર પકડ્યું પછી એના દાયરામાં આવેલી વ્યક્તિઓ વચ્ચે વાસ્તવમાં શું બન્યું હશે એની ધારણા જ બાંધવાની રહે. બધા જ પ્રકારના આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની વચ્ચે ભીંસાતું સત્ય ધૂંધળું બની જાય છે અને પાછળ રહે છે માત્ર શંકા, પૂર્વગ્રહો, તરફદારી અને વ્યક્તિગત માન્યતાઓ. પુરાવા અને તાર્કિક નિષ્કર્ષ આજના સમયમાં અસંગત બની ગયા છે. કોના પર વિશ્વાસ મૂકવો એ પ્રશ્ન સામાન્ય પ્રજાજન પર તોળાયેલો રહે છે.

કાયદાના અને પોલિટિકલ સાયન્સના વિદ્વાન ઑસ્ટિન સરાત કહે છે તેમ શબ્દો એના અર્થ ખોઈ દે ત્યારે લોકશાહી કે કાયદાનું શાસન પણ આપણને ઉગારી શકતા નથી. આ વાત સત્યને પણ લાગુ પાડી શકાય.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી