Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

ઠરેલું તાપણું રજાઈમાં પેટાવવાની ઋતુ

  • પ્રકાશન તારીખ03 Feb 2019
  •  

શિયાળો વિદાય લે, ન લે, તે પહેલાં ગરમીનો અહેસાસ થવા લાગે છે. ગુજરાતને શિયાળો ઉછીનો જ મળે છે. જમ્મુ-કશ્મીરમાં બરફ પડે તો આપણે ત્યાં ઠંડીના ચમકારાનો અનુભવ થાય. તે સિવાયના શિયાળામાં તડકો થોડો મંદ પડે અને પડછાયા લાંબા થાય એટલું જ બને.


આ વખતના કામચલાઉ શિયાળામાં થોડા દિવસ રજાઈ ઓઢવા મળી એમાં તો દૂર ચાલ્યા ગયેલા કેટલાય શિયાળા નજીક આવી ગયા. અગાઉના સમયમાં શિયાળાની સાચી મજા રાતે કરેલા તાપણામાં. ઘરના બધા સભ્યો તાપણાની આજુબાજુ ગોઠવાઈ જતા. નકરી નિકટતાનો એ અનુભવ હવે ભાગ્યે જ મળે છે.

  • બદલાયેલા સમયમાં ક્યારેક તાપણાની આજુબાજુ બેસવા મળે તો અચાનક એવું લાગે કે ઠંડુંગાર બનવા લાગેલું જીવન તાપણામાં ફરી હૂંફાળું બનવા લાગ્યું છે

તાપણાનું થરકતું અજવાળું, બાળકોની છોડિયાં સાથે રમત, આગ મંદ પડે ત્યારે જોરજોરથી ફૂંક મારી ફરી પ્રજ્વલિત કરવાનો સૂચિતાર્થ ન સમજીએ તો પણ એની મજા જુદી જ. બદલાયેલા સમયમાં ક્યારેક તાપણાની આજુબાજુ બેસવા મળે તો અચાનક એવું લાગે કે ઠંડુંગાર બનવા લાગેલું જીવન અનાયાસ હાથ આવી ગયેલા તાપણામાં ફરી હૂંફાળું બનવા લાગ્યું છે. બધા ઊઠી જાય પછી પણ મંદ-મંદ આંચમાં ગરમાવો આપતું રહે એ સાચું તાપણું.


ઠંડીથી બચવા બારીબારણાં બંધ કરી દેવાં પડતાં, એથી તાપણાના ધુમાડાની ગંધ આખો શિયાળો ઘરમાં ભરાઈ રહેતી. એ ગંધ શિયાળાની સાચી ઓળખ હતી. એક સમય હતો, એક ઉંમર હતી, જ્યારે શેરડીના બટકિયાનો રસ ગળામાં ઊતરતો અને અંદરનું બધું ગળચટું થઈ ઊઠતું. ચડ્ડીના ગજવામાં ઠાંસીઠાંસીને ચણીબોર ભર્યાં હોય. બોરના ઠળિયા ગમે ત્યાં ફેંકો, કોઈ પૂછનાર ન હોય. કોણ પૂછે, જ્યાં બધાએ ઠળિયા થૂંકવાની મજા માણી હોય. શિયાળાનાં જાતજાતનાં વસાણાંનો સ્વાદ પણ જુદો. સીમમાં ઊગેલી બોરડીની કાંટાળી ડાળીમાં હાથ નાખીને તોડેલાં બોરથી પડેલા ઉઝરડાની નાનપણની સ્મૃતિ હવે ખટક જન્માવે છે. તે સમયે એ ઉઝરડા પણ ખટમીઠા લાગતા. અત્યારના ઉઝરડા જુદા, જલદી રુઝાય નહીં તેવા.


મને અંગત રીતે શિયાળો ચોમાસા જેટલો જ પ્રિય. વતન કચ્છનો શિયાળો એટલો બધો ઉધારિયો નહીં. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને આગવો મિજાજ. જીવનનાં પાંત્રીસ-છત્રીસ વર્ષ સુધી કચ્છનો શિયાળો મનભરીને માણ્યો. ચોસલાં જેવો ઠાર પડતો. ઘરની ભીંતો ઠંડી થઈ જતી. રાતે તો ગમતું જ, દિવસે પણ ધડકી (ગોદડું) ઓઢીને પડ્યા રહેવું ગમતું. રાતે બહુ વહેલો સોપો પડી જતો. શેરીઓ અને રસ્તા ખાલીખમ. મધરાત પછી તો એવું લાગે કે નિર્જન રસ્તા પર પડતી ઘરની બારી પાસે શિયાળો પોતે ધાબળો ઓઢીને ઊભો છે.


સોડવણને અમે કચ્છમાં સોડણ કહીએ. ગાદલાં પર ચાદર નાખી, એની ઉપર બબ્બે ગોદડાં પાથરવાનાં. એનો માથા પાસેનો છેડો હળવેથી ત્રિકોણાકારે કળાત્મક રીતે વાળી દેવાનો. મારી બાનાં દાદીને અમે બાબા કહેતાં. વૃદ્ધ થયેલાં બાબા એમના પૌત્રોમાંથી કોઈએ કરી આપેલા સોડણમાં પગ લાંબા કરીને બેસી રહેતાં. કહેતાં, ‘પથારી તપાવું છું.’ બોખું મોઢું અકારણ કશુંક ચગળ્યા કરતું. હવે એમની વયની નજીક પહોંચવાનો સમય આવ્યો છે ત્યારે સમજાય છે કે એ ચગળવું શું હતું.


સોડણમાં ઘૂસી જવાનું સુખ જુદું. જિંદગીનાં બધાં જ સુખો ઉંમર પ્રમાણે સોડણમાં સમેટાઈ આવતાં. મારી ‘જીવણલાલ કથામાળા’ નવલકથાનો નાયક જીવણલાલ શિયાળાની એક ઠંડી રાતે એની પત્ની નિર્મળાને ફિલસૂફની અદામાં કહે છે, ‘રજાઈ બહારની ઠંડી તો માત્ર મનનો ભ્રમ છે. તારી રજાઈમાં ઊભરાય છે એ હૂંફ જ સત્ય છે.’ નિર્મળા પણ પતિ જીવણલાલને આમંત્રણ આપે છે, ‘આવ, આ રજાઈનગરીની હૂંફમાં.’


રજાઈ નીચે આપણે એકલા જ હોઈએ, છતાં અનેક પાત્રો એમનાં સાચકલાં ચહેરામહોરાં, એમની સુગંધ અને એમના સ્પર્શની કલ્પનામાંથી અનુભવાતી તલ્લીનતાની સાથે આપણી રજાઈનગરીમાં હરફર કરવા લાગે. રજાઈ નીચે પડેલો જણ પોતે એકલો જ બધું બંધ આંખે માણ્યા કરે. એ માણવું સાચી અને કાલ્પનિક ઘટનાઓની સાથે ઊંઘમાં પણ ભીતર ચાલે, પછી તો વહેલી પડજો સવાર.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP